
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, રાજ્યનો ગ્રીન વિસ્તાર વધારવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યની 185 જેટલી નદીના કાંઠા વિસ્તારમાં વૃક્ષા રોપણ કરવાનું સરકારે નક્કી કર્યું છે. નદી કાઠે વૃક્ષનું વાવેતર કરવાથી, રાજ્યના ગ્રીન કવરમાં વધારો થશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લેવાયેલા મહત્વના નિર્ણયની જાણકારી આપતા ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાતની કુલ ૧૮૫ નદીના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે. ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તારમાં વધારો થવાની સાથે સાથે વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે, સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનના પ્રમાણમાં પણ વધારો થશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે તેમ.
રાજ્યમાં ગ્રીન કવર વધારવા રાજ્યની તમામ 185 નદીના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જે અંતર્ગત વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે. જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. અન્ય કોઇ હેતુ માટે આવી જમીનનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે,આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનો ઉપર કોઇ પણ રીતે વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી. આવી સવાલવાળી જમીન ગ્રીન કવર-વૃક્ષ ઉછેરનો વિકાસ કરવા પુરતી જ જમીનના વપરાશની પરવાનગી આપવામાં આવે છે. આવી જમીનનું રક્ષણ, જાળવણી તથા સંરક્ષણ કરવાની જવાબદારી પણ વન અને પર્યાવરણ વિભાગને અથવા તો તેના હસ્તકની કચેરીઓની રહેશે.
નદી કાઠે વૃક્ષનું વાવેતર કરવા હેઠળની જમીન પર જો કોઈ દબાણ હોય તો તે દુર કરવા અંગેની કાર્યવાહી પણ વન અને પર્યાવરણ વિભાગ કે તેના તાબા હેઠળની કચેરી દ્વારા કરવાની રહેશે. નદીકાઠા વિસ્તાર કે જ્યાં વૃક્ષારોપણ કરવાનું હોય તે હેઠળની જમીનમાંથી ઈલેકટ્રીક લાઇન કે અન્ય પાઇપલાઇન પસાર થતી હોય તો જમીનની સ્થળ સ્થિતિ અનુસાર અન્ય કોઈ સંસ્થા-કચેરીનો અભિપ્રાય મેળવવો યોગ્ય જણાય તો સંબંધિત કચેરીનો અભિપ્રાય મેળવવાનો રહેશે તેમ, પણ અર્જૂન મોઢવાડિયાએ ઉમેર્યું હતું.
સંરક્ષિત વિસ્તારોમાં વન્યપ્રાણી વિભાગો દ્વારા અને વન વિસ્તારોમાં આવતી તમામ નદીઓના, રિવર ફોરેસ્ટ લેન્ડસ્કેપ મેનેજમેન્ટ ( Riverine Forest Landscape Management) અંગેની કામગીરી ક્ષેત્રીય વન વિભાગો દ્વારા કરવાની રહેશે. આ સંરક્ષિત વિસ્તારો અને વન વિસ્તારો બહાર આવેલી તમામ નદીઓના રિવર ફોરેસ્ટ લેન્ડસ્કેપ મેનેજમેન્ટ અંગેની કામગીરી સામાજિક વનીકરણ વિભાગો દ્વારા નક્કી કરેલ શરતોને આધિન અને જે તે જિલ્લા કલેક્ટરની કચેરી મારફતે જગ્યાની પસંદગી કરી તેઓના હસ્તક મેળવી આગળની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી ગયા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ !