
ભારતીય હવામાન વિભાગે, વરસાદ પડવાની આગાહી કરતા જણાવ્યું છે કે, દેશના ઘણા ભાગોમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય છે. સમગ્ર દેશમાં આગામી એક સપ્તાહ સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 થી 7 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને, પૂર્વ અને મધ્ય ભારતમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 7 જુલાઈ દરમિયાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ જેવા કેટલાક રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ વરસાદ પડશે.
આગામી 6 દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, ગુજરાત પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ વાવાઝોડા અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
2 જુલાઈના રોજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં, 2 થી 5 જુલાઈના રોજ તેલંગાણામાં, 2 થી 7 જુલાઈ દરમિયાન કેરળમાં, 2 થી 7 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અને 3 થી 7 જુલાઈ દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.