ગુજરાતના ખેડૂતો પર યુદ્ધની માઠી અસરો દેખાવાનું શરૂ, ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા તૂટ્યા ભાવ

ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની અસરો હવે ગુજરાતના ખેડૂતો પર પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાથી મોટા પાયે બટાટાની ખાડી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હાલની તણાવપૂર્ણ સ્થિતિને કારણે આ નિકાસ અટકી ગઈ છે, જેના કારણે બટાટાના ભાવ સાવ તળિયે ગયા છે અને ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો.

| Edited By: | Updated on: Mar 10, 2026 | 4:48 PM

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે બનાસકાંઠાના ખેડૂતો પર પણ જોવા મળી રહી છે. બનાસકાંઠાથી મોટા પ્રમાણમાં બટાટાની ખાડી દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલ યુદ્ધના માહોલ વચ્ચે આ નિકાસ અટકી ગઈ છે. જેના કારણે બટાટાના ભાવમાં કટાકો બોલ્યો છે. હાલ સ્થિતિ એવી સર્જાઈ છે કે ખેડૂતોને બટાટાની પડતર કિંમત પણ નથી મળી રહી. ભાવ તળિયે જતા ખેડૂતોને 1 મણ બટાટાના માત્ર 100 રૂપિયા મળી રહ્યા છે જે ગત વર્ષની સરખામણી અડધા પણ નથી. ગત વર્ષે ખેડૂતોને આ જ બટાટાના એક મણના 300 રૂપિયા મળતા હતા. પૂરતા ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધી છે.

બનાસકાંઠા જિલ્લો બટાટાનું હબ ગણાય છે. આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણણાં બટાટાનું ઉત્પાદન પણ કર્યુ છે. ત્યારે તેમને આશા હતી કે ઉત્પાદન સારુ થવાથી નિકાસ પણ સારી રહેશે અને પરંતુ યુદ્ધની સ્થિતિએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. નિકાસ અટકી જવાથી ખેડૂતોને મોટી નુકસાની સહન કરવી પડી રહી છે. હાલ નિકાસ અટકી જતા સ્થાનિક બજારમાં બટાટાની આવક વધી ગઈ છે અને માગ ઓછી હોવાથી ભાવ તૂટી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને મજૂરી અને ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી. પરસેવો પાડીને ઉગાડેલા બટાટાને સાવ પાણીના ભાવે વેચવાનો વારો આવતા ખેડૂતોની ચિંતા વધી છે.

આ પરિસ્થિતિ માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નથી. કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ કરનારા વેપારીઓની ચિંતા પણ વધી છે. વેપારીઓએ મોટા પ્રમાણમાં ખરીદી કરી સંગ્રહ કર્યો છે પરંતુ બજારમાં ભાવ ઘટતા તેમને પણ નુકસાન થવાની ભીતિ છે.
વેપારીઓનું કહેવું છે કે જો યુદ્ધ લાંબું ચાલશે અને નિકાસ શરૂ નહીં થાય તો વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવું પડશે.

ખેડૂતો અને વેપારીઓ બંનેની નજર હવે એક જ બાબત પર છે ખાડી દેશોમાંની પરિસ્થિતિ ક્યારે સામાન્ય બને અને બટાટાની નિકાસ ફરી શરૂ થાય. કારણ કે નિકાસ શરૂ થશે તો જ બજારમાં માંગ વધશે અને બટાટાના ભાવ સુધરવાની આશા જીવંત રહેશે. ત્યાં સુધી બનાસકાંઠાના ખેડૂતો અને વેપારીઓ માટે આ સંકટ ઘેરુ બન્યુ છે.

Input Credit- Atul Trivedi- Banas kantha

દુનિયાભરમાં વિશ્વકપમાં ભારતની જીતની ચર્ચા પરંતુ વિધાનસભામાં હજુ પણ ટિકિટ ન મળ્યાની ચર્ચા

Published On - 3:03 pm, Tue, 10 March 26

Follow Us