ગુજરાત(Gujarat) ના મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)એ સુઆયોજિત નગર આયોજનની દિશામાં આગળ વધતા વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમને( TP Scheme) મંજુરી આપી છે. જેમાં ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ગુડા) ની ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. 26 (વાસણા-હડમતિયા-ઉવારસદ-વાવોલ) ની આશરે ૧૦૦ હેક્ટર્સ વિસ્તારની ટી.પી.ને મંજુરી આપી છે.
આ ટી.પી. થવાથી વિકાસની વ્યાપક તકો વધશે કારણકે ગાંધીનગર શહેરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તાઓ સુચવવામાં આવ્યા છે.
ગુડાની આ ટી.પી.થી જાહેર સુવિધા માટે આશરે ૩૨,૧૮૭ ચો.મી. જમીન, બાગ બગીચા અને ખુલ્લી જગ્યા માટે ૩૪,૭૩૮ ચો.મી. તથા સ્કુલ માટે ૧૨૯૬૫ ચો.મી. જમીન ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૧૨,૭૪૬ ચો.મી. જમીન પ્રાપ્ત થશે.
આ ઉપરાંત આંતરમાળખાકીય સ્વલતોને પહોંચી વળવા માટે વેચાણના હેતુ માટે પણ આશરે ૮૧,૧૨૧ ચો.મી. જેટલા પ્લોટો સંપ્રાપ્ત થશે. આમ ગુડા દ્વારા મંજુરી અર્થે થયેલ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 25 ને અગાઉ મંજુરી બાદ હવે આ ટી.પી.સ્કીમ નં. ૨૬ ને ખુબ જ ટુંકા સમયમાં સરકારની મંજુરી મળી ગઇ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ આ ઉપરાંત રાજકોટ શહેરની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા) ને પણ મંજુરી આપી છે. સપ્ટેમ્બર-૨૦૧૮ માં જ મંજુર કરાયેલ આશરે ૩૬૭.૦૦ હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની પ્રારંભિક યોજનાને પણ તેમણે મંજુરી આપતા રાજકોટમાં નવા રેસકોર્સ વિસ્તાર તરીકે પ્રસિધ્ધ સ્માર્ટ સીટીની આ સ્કીમમાં વિકાસની વિપુલ તકો ઉભી થયેલ છે.
કેન્દ્ર સરકારશ્રી દ્વારા પણ સ્માર્ટ સીટીની આ ટી.પી. ના વિકાસ અર્થે ઘણી મોટી ગ્રાંટની ફાળવણી કરવામાં આવતી હોવાથી આ ટી.પી.સ્કીમ એક અતુલ્ય નજરાણું બની રહેશે.
સ્માર્ટ સીટીની સદર સ્કીમમાં ઘણાં પહોળા રસ્તાઓનું આયોજન કરાયેલ છે. જેમાં ૨૪.૦૦ મીટર, ૩૬.૦૦ મીટર, ૪૫.૦૦ મીટરથી ૬૦.૦૦ મીટર સુધીનું રસ્તાકીય માળખુ સુચિત છે. વધુમાં આ ટી.પી.માં સામાજિક માળખાગત સુવિધાઓ માટે આશરે ૪,૦૮,૫૫૧ ચો.મી. પ્લોટ, સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાક માટે ૧,૨૬,૫૬૫ ચો.મી. ના પ્લોટ તથા ખુલ્લી જગ્યા, બગીચા માટેના આશરે ૧,૭૬,૨૨૧ ચો.મી. ના પ્લોટ તથા વેચાણના હેતુ માટે ૧,૩૯,૬૦૪ ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંને ટી.પી.સ્કીમને ત્વરિત મંજુરી આપતા ગાંધીનગર અને રાજકોટ શહેર માટે વિકાસની વધુ તકો ખુલશે.
આ પણ વાંચો : BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો : RAJKOT : જસદણમાં વ્યાજખોરોના ત્રાંસથી આધેડે કર્યો આપધાત, વિરપુર પોલીસે નોંધી ફરિયાદ