‘ગુજરાત ભાડા વિધેયક’ વિવાદ: અમદાવાદની કોર્ટમાં વકીલોનો હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત

ગુજરાત ભાડા વિધેયકને લઈને અમદાવાદની કોર્ટોમાં વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. વકીલોએ 10 ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન કોર્ટની કાર્યવાહી પર પણ અસર જોવા મળી અને બપોરે પક્ષકારોને કોર્ટમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યા.

ગુજરાત ભાડા વિધેયક વિવાદ: અમદાવાદની કોર્ટમાં વકીલોનો હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત
Image Credit source: AI Generated
| Edited By: | Updated on: Oct 07, 2026 | 7:40 PM

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ અને તેના કાયદાકીય પડકારોના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં આક્રમક રોષ જોવા મળી રહ્યો છે. સરકારે આ વિધેયક પરત ખેંચવાની જાહેરાત કરતાં ગઇકાલે 06 ઑક્ટોબરને ‘બાર કાઉન્સિલ ઓફ ગુજરાત’ દ્વારા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો.

વકીલોની બેઠકમાં વિવાદ સર્જાયો

આ નિર્ણય બાદ આજે અમદાવાદ સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ સ્મોલ કોઝ કોર્ટ ખાતે વકીલોની બેઠકમાં ભારે વિવાદ સર્જાયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત કરવાનો નિર્ણય વકીલોએ એકમતે લીધો હતો અને 10મી સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય વકીલોએ કર્યો. ધ્યાન દોરવા જેવું એ છે કે, બપોરે પક્ષકારોને કોર્ટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી વકીલોની બેઠકમાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે, સરકારે વકીલોની માંગ સ્વીકારી લીધી છે. એવામાં ત્યાંના હાજર વકીલોએ ઊગ્ર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, “સરકારે જો આ અંગે લેખિતમાં કંઇ આપ્યું હોય તો જાણ કરો અથવા મીટિંગની મિનિટ્સ દર્શાવો.”

આ ઉગ્ર રજૂઆતો વચ્ચે બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોક્સી ઉશ્કેરાઇ ગયા હતા અને માઇક પડાવી લઇને “અમે હડતાળ પરત ખેંચીએ છીએ” તેમ કહી માઇક તોડીને બેઠક છોડી બહાર નીકળી ગયા હતા. પ્રમુખના આ વર્તનથી વકીલો વધુ ઉશ્કેરાયા હતા અને તેમને હોદ્દા પરથી બરખાસ્ત કરી હડતાળ ચાલુ રાખવા માટે બૂમાબૂમ કરી હતી.

મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા

બપોરે 3:30 વાગ્યે મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા હતા અને યોગ્ય ઝુંબેશ ચલાવીને એડવોકેટ આઇ.ડી.પઠાણ, વિનોદ દીક્ષિત અને કલ્પેશ પટેલને સેશન્સ કોર્ટ બારના કાર્યકારી પ્રમુખ જાહેર કર્યા હતા. આવી જ રીતે, સ્મોલ કોઝ કોર્ટ એસોસિએશનના પ્રમુખ જે.બી.પ્રજાપતિને પણ બરખાસ્ત કરી સી.એમ. વિરમગામીને કાર્યકારી પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

આ નિર્ણય બાદ વકીલોએ વિવિધ કોર્ટોમાં પહોંચી પક્ષકારો અને વકીલોને બહાર કાઢી કામકાજ અટકાવ્યું હતું. સેશન્સ કોર્ટના વકીલોએ આગામી 10મી તારીખ સુધી હડતાળ જારી રાખવાનું એલાન કર્યું છે અને ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

ગાંધીનગરમાં ભાજપ ઘેરાયું ! “1 લાખ નોકરીઓ અને મફત મુસાફરીના વચનો ક્યાં ગયા?” કોંગ્રેસે BJP ની દુખતી નસ દબાવી – જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.