
ગુજરાતમાં 16 જુનના રોજ ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ચુકી છે.ચોમાસાની એન્ટ્રી સાથે જ મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધડબળાટી બોલાવવાનું શરુ કરી દીધુ છે. બોટાદ જિલ્લાના ગઢડામાં તો જાણે આભ તૂટી પડ્યુ છે. ગઢડામાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ચુક્યુ છે.
બોટાદ જિલ્લાના ગઢડા વિસ્તારમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત પડતા વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામોનો અન્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક પરિવહન અને રોજિંદી જિંદગી પર ગંભીર અસર થઈ રહી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ પછી સ્થિતિ ઘણી બધી વણસી ગઈ છે. ગઢડાના ઈશ્વરીયા ગામને અન્ય વિસ્તારો સાથે જોડતો મુખ્ય કોઝવે તૂટી જતાં ગામનો સંપર્ક તૂટી ગયો છે. ઈશ્વરીયા ગામથી લાખણકા જવાનું એકમાત્ર માર્ગ બની રહેલ કોઝવે તૂટી જતાં સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ ગયા છે. ગઢડા શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ પડતાં પાણી ભરાવાની સ્થિતિ અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
બોટાદના સાગાવદર ગામે ગઈકાલે રાત્રે આશરે સાત લોકો સવાર હતા તેવી એક કાર તણાઈ ગઈ હતી. લાઠીદડ ગામમાં આવેલા જમાઈને ત્યાં જૂનાગઢથી સાસરિયા પક્ષના મહેમાનો આવેલા હતા. મળતી પ્રાથમિક માહિતી મુજબ, સગાવદર ગામે માતાજીના દર્શન માટે તમામ લોકો એકસાથે ગયેલા હતા. દર્શન કર્યા પછી પરત ફરતી વેળાએ નદીના વહેણમાં કાર ફસાઈ જતાં કાર તણાઈ ગઈ હતી.
મુસાફરો સહિત કાર તણાઈ ગયાની માહિતી મળતા જ બોટાદની ફાયર રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર રેસ્ક્યૂની ટીમ અને ગ્રામજનો દ્વારા આખી રાત શોધખોળ કરવામાં આવી. કાર તણાઈ જતી વખતે બે મુસાફરો પોતે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હોવાનું જાણવા મળે છે.
હાલમાં કાર લાઠીદડ અને કારીયાણી ગામ વચ્ચે મળી આવી છે, પરંતુ કારમાં મુસાફરો નહોતાં. કાર મળવા છતાં મુસાફરો હજુ લાપતા છે. હાલ મામલતદાર સહિત અન્ય સ્થાનિક અધિકારીઓ તણાઈ ગયેલા મુસાફરોની શોધખોળમાં લાગી ગયા છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:41 am, Tue, 17 June 25