શિક્ષણના ધામમાં ગંદકીનું સામ્રાજ્ય, પીવા માટે ચોખ્ખા પાણીનો અભાવ, ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video

ગુજરાતમાં મોડલ સ્કૂલના દાવા વચ્ચે ભાવનગરની મનપા સંચાલિત શાળાઓની દુર્દશા સામે આવી છે જ્યાં શિક્ષણના ધામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને વિદ્યાર્થીઓને પીવા માટે ચોખ્ખુ પાણી પણ મળતુ નથી.

| Edited By: | Updated on: Mar 13, 2026 | 5:02 PM

ભાવનગરમાં કુંભારવાડામાં આવેલી મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની દુર્દશા સામે આવી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વધુ મોડલ સ્કૂલ બનાવવાના દાવા કરાય છે પરંતુ મનપા સંચાલિત સ્કૂલોમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. શાળાની દિવાલો પર સ્વચ્છતાના સૂત્રો તો લખી દેવાય છે પરંતુ શાળાની સફાઈ સાથે તેને સ્નાન સૂતકનો પણ સંબંધ હોય તેવુ જણાઈ રહ્યુ છે. શાળાના ટોયલેટ બાથરૂમની જાણે કયારેય સફાઈ જ ન થતી હોય તેમ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

બીજી તરફ ભાવનગરની સરકારી શાળાઓમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છે. ત્યાં સુધી કે પીવા માટેના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા નથી. વોટર કૂલર પણ ધૂળ ખાતી હાલતમાં શોભાના ગાંઠિયા બન્યા છે. આરઓ પ્લાન્ટ નામ માત્રનો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓના આરોગ્યની કોઈને કંઈ પડી જ નથી, પ્રાથમિક કહી શકાય તેવી સુવિધાઓ પણ શાળા વિદ્યાર્થીઓને આપી શક્તી નથી.

ભાવનગર શિક્ષણ સમિતિ હસ્તકની કુલ 69 શાળાઓમાં અંદાજે 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. TV9 ની ટીમે વિવિધ શાળાઓની મુલાકાત લેતા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. કુંભારવાડા સરકારી શાળા સંકુલમાં અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળ્યું. ટોયલેટ-બાથરૂમની સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકો તેનો ઉપયોગ પણ કરી શકતા નથી. ઇન્દિરા નગર પ્રાથમિક શાળામાં પણ ગંદકી જામી છે. કેટલીક જગ્યાએ પાણીના નળ પાસે વીજવાયર પણ જોખમી રીતે લટકતા જોવા મળ્યા. બીજી તરફ વિદ્યાર્થિનીઓ માટેના ટોઈલેટના દરવાજા પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. શાળાઓની આવી સ્થિતિ જોઈને વિપક્ષે પણ મનપા સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યા

આ અંગે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને પૂછતા તેમણે દાવો કર્યો કે જ્યાં શાળાઓમાં ગંદકી કે અવ્યવસ્થા હશે તે શાળાના જવાબદાર શિક્ષકોને નોટિસ આપવામાં આવશે અને તાત્કાલિક ધોરણે શાળાની સફાઈ કરાશે. ત્યારે એક સવાલ ચોક્કસથી થાય કે TV9ના કેમેરામાં શાળાની દુર્દશાના દૃશ્યો બતાવ્યા પછી જ તંત્ર જાગશે? રોજેરોજ શાળાની સફાઈ થાય અને વિદ્યાર્થીઓને પીવા માટે ચોખ્ખુ પાણી મળે રહે તે જોવાની જવાબદારી કોની? હવે જોવુ રહ્યુ કે વિદ્યાર્થીઓને શાળાની ગંદકીમાંથી મુક્તિ ક્યારે મળે છે

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

આ પાકિસ્તાની ક્રિકેટરને ટીમ ઈન્ડિયાની થઈ રહી છે ઈર્ષા, T20 વર્લ્ડ કપ માટે કરી આ ભવિષ્યવાણી

Published On - 6:45 pm, Fri, 20 February 26

Follow Us