
ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાવા જઇ રહી છે. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે.
ભાજપના પાટીદાર નેતા ગોરધન ઝડફિયાએ મહેસાણામાં યોજાયેલા સમૂહ લગ્નના કાર્યક્રમમાં પાટીદાર સમાજને સલાહ-સૂચન આપ્યા. જાહેર મંચ પરથી ઝડફિયાએ સમાજમાં રહેલી બદીઓને દૂર કરવા હાકલ કરી છે.દારૂની બદી પર ઝડફિયાએ કહ્યું કે “સુધારાને નામે ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરજો”
પાટીદાર સમાજને સંપત્તિની સાથે સંસ્કાર જાળવી રાખવાની ટકોર કરતા ઝડફિયાએ કહ્યું કે સંસ્કાર વિનાની સંપતિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. રાવણ જોડે સોનાની લંકા હતી પણ તે સુખી ન તો. ખેતીએ પાટીદાર સમાજની ઓળખ રહી છે. ત્યારે ઝડફિયાએ પાટીદારોને જમીન સાચવી રાખવાની સલાહ આપતા કહ્યું કે આપણા બાપ-દાદાએ દાગીના ગીરવે મુકીને જમીન બચાવી છે..જમીન વેચવાનું પાપ નથી કર્યું.
પંચમહાલના હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં EVM ખોટકાયા હતા. બે બુથમાં બેલેટ યુનિટમાં ખામી સર્જાતા તેને બદલવામાં આવ્યા અને અંદાજે 20 મિનિટના સમય બાદ પુનઃ મતદાન શરૂ કરાયું. બીજી તરફ દાહોદની ઝાલોદ પાલિકામાં પણ EVM ખોટકાતા, 1 કલાક સુધી મતદાનની પ્રક્રિયા વિલંબમાં પડી. ખેડામાં પણ EVMને લઈને સમસ્યા સર્જાઈ. EVMમાં એક બટન દબાવવામાં મુશ્કેલી આવતી હોવાની ફરિયાદ બાદ, EVM બદલવું પડ્યું. જો કે, મતદારોની રજૂઆત ન સાંભળ્યાનો પણ આરોપ લાગ્યો હતો. વલસાડના ધરમપુરમાં પણ બે EVMમાં ખામી સર્જાઈ હતી. ટેકનિલક ખામીનું નિકારણ લાવ્યા બાદ, ફરી મતદાન શરૂ કરાયું. મતદાનની શરૂઆતમાં તાપીના સોનગઢમાં મોકપોલ દરમિયાન જ બે મશીન ખોટકાતા તેને બદલવાની ફરજ પડી.
સુરેન્દ્રનગરઃ થાનમાં મતદારોએ મતદાન અટકાવ્યું. મતદાન મશીનો સુધી મોબાઈલ પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. વોર્ડ નંબર 3ના બુથોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે મોબાઈલ હોવાનો દાવો છે.
મતદાન સમયે મોબાઈલનો ઉપયોગ કરાતા હોબાળો થયો. સ્થાનિક મતદારોએ હોબાળો મચાવી મતદાન અટકાવ્યું.
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સચિવાલય બ્લોક નંબર 9 ખાતે સમગ્ર ચૂંટણીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. મતદાનમાં ફરિયાદોનાં તાત્કાલિક ઉકેલ માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી નજર રાખવામાં આવશે.
ભાવનગરઃ તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો થયો. વોર્ડ નંબર 4માં મતદાન મથક પર હંગામો થયો. કર્મચારીઓ ભાજપ તરફ મતદાન કરાવતા હોવાનો આક્ષેપ થયો. પ્રિસાઈડિંગ ઓફિસર પર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આક્ષેપ થયો છે.
સુરતઃ કુંભારિયા વિસ્તારમાં સુડા આવાસમાં હોબાળો કર્યો. ભાજપના કાર્યકરો ખેસ પહેરી જોવા મળતા હોબાળો થયો. AAP, કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ. ભાજપના કાર્યકરોએ દાદાગીરી કરી હોવાનો આક્ષેપ છે. આચારસંહિતાનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. મતદાન મથક નજીક આવેલ બુથ પર હોબાળો કર્યો.
વલસાડ: ધરમપુર નગરપાલિકામાં વોર્ડ નં-1 અને વોર્ડ નં-7માં EVM ખોટકાતા મતદાનમાં વિલંબ થઇ રહ્યો છે. EVMમાં ટેક્નિકલ ખામી સર્જાતા મતદાન અટકી પડ્યું. મામલતદાર અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા છે. ટેક્નિકલ ખામીનું નિરાકરણ લાવતા મતદારોને રાહત આવ્યુ છે.
સુરેન્દ્રનગરઃ થાન નગરપાલિકાની ચૂંટણી વોર્ડ-1 ના 2 નંબરના બૂથમાં મતદાન બંધ કરાવાયું. રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું. ચૂંટણી અધિકારી અને DYSP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પ્રિસાઈડિંગ અધિકારીને ફરજ પરથી ઉઠાવી દેવામાં આવ્યા.
રાજકોટ: ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મતદાન કર્યુ છે.101 વર્ષના માતાને સાથે લઈ મતદાન મથકે વસોયા પહોંચ્યા હતા.લલિત વસોયાએ માતા, પુત્રવધુ સાથે મતદાન કર્યું. લોકોને મતદાન કરી ફરજ અદા કરવા અપીલ કરી. ધોરાજીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
નવસારી: બિલિમોરા પાલિકાના વોર્ડ-2નું EVM ખોટકાયું છે. EVM ખોટકાતા કોંગ્રેસના ઉમેદવારે હોબાળો મચાવ્યો. છેલ્લા એક કલાકથી મતદાન મથક બંધ છે. મતદાન મથકનું નામ લાલચંદ મોતીચંદ કુમારશાળા છે.
અમરેલી: ધારાસભ્ય હીરા સોલંકીએ મતદાન કર્યું. જાફરાબાદમાં વોર્ડ નં-6માં આવેલ તાલુકા શાળામાં પહોંચી મતદાન કર્યું. હીરા સોલંકી અને તેમના પત્ની સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા હીરા સોલંકીએ અપીલ કરી.
દેવભૂમિદ્વારકા: સલાયામાં EVM ખોટવાતા હાલાકી થઇ રહી છે. જિન વિસ્તારમાં આવેલા 2 નંબરના બુથમાં EVM ખોટવાયું છે. 1 કલાક સુધી EVM બંધ રહેલા મતદારો અટવાયા. જિન વિસ્તારમાં આવેલી આંગણવાડી સ્કૂલમાં EVM ખોટવાયું હતુ. અધિકારીઓની મથામણ વચ્ચે મતદારોની કતાર લાગી.
પંચમહાલ: કાલોલ નગપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે લગ્ન પહેલાં વરરાજા મતદાનની ફરજ બજાવવા પહોંચ્યા હતા. જાન વડોદરા માટે નીકળે તે પહેલાં મતદાન કર્યું.
યુવાનોને મતદાનની ફરજ નિભાવવા કરી અપીલ
પોરબંદર: કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ મતદાન કર્યું. મતદાન કરી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. લોકશાહીના પર્વમાં લોકોને ઉત્સાહથી મતદાન કરવા અપીલ કરી.
ખેડાઃ મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિવાદ થયો છે. મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં છે. વોર્ડ નંબર 5ના મતદાન મથક 3માં આ ઘટના બની છે. વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં જોવા મળ્યો, પીધેલો પ્રિસાઈડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. મામલો TV9ના ધ્યાને આવતા કલેક્ટરને જાણ કરવામાં આવી. કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઈડિંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા
Presiding Officer caught in drunk condition at polling booth, #Kheda#GujaratLocalBodyElections2025 #LocalBodyElections #Elections2025 #GujaratElections2025 #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/yIJnchMPr6
— Tv9 Gujarati (@tv9gujarati) February 16, 2025
વંથલી નગરપાલિકામાં પ્રથમ બે કલાકમાં નવ વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન નોંધાયુ છે. જુનાગઢ.. મહાનગરપાલિકામાં પ્રથમ બે કલાક નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન થયુ છે. વિસાવદર નગરપાલિકા 5.40 ટકા મતદાન થયુ છે.
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. ભાવનગરની તળાજા, સિહોર અને ગારીયાધાર નગરપાલિકાની 92 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. 3 તાલુકા પંચાયતની 5 બેઠક પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક પર પણ ચૂંટણી છે. કુલ 1,118 કરતા વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે. સવારથી તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યુ છે.
રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું છે. વોર્ડ નંબર 8 માં મતદાન મથક 5માં evm ખોટવાયું છે. 1 કલાક થયા EVM મશીન થતા મતદારો અટવાયા છે. દેસાઈ વાડીના ચભાડીયા સ્કૂલમાં EVM ખોટવાયું. EVM મશીન ખોટવાતા મતદારોની લાઇન લાગી છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યુ છે. તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને છે. કુલ 224 મથકો પૈકી 96 મથકો સંવેદનશીલ છે. ગાંધીનગર તાલુકા પંચાયત સાથે માણસા નગરપાલિકામાં પણ મતદાન ચાલી રહ્યુ છે. માણસા નગરપાલિકાની 28 બેઠકો માટે પણ ખરાખરીનો જંગ ખેલાઇ રહ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. જૂનાગઢ મનપાની 60 પૈકી 52 બેઠકો માટે મતદાન થઇ રહ્યુ છે. વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઇ છે. 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, 2.29 લાખ મતદારો 157 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
#Junagadh Mahanagarpalika Elections: Voting begins at 251 polling booths #GujaratLocalBodyElections2025 #LocalBodyElections #Elections2025 #GujaratElections2025 #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/1YVCdX2dbY
— Tv9 Gujarati (@tv9gujarati) February 16, 2025
મહીસાગરઃ ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. 77,077 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાનપુરની કનોડ તાલુકા પંચાયત બેઠક માટે પણ મતદાન છે. 3586 મતદારો કનોડ બેઠક માટે મતદાન કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ : ચોરવાડ નગર પાલિકાની ચૂંટણીમાં MLA વિમલ ચુડાસમાએ મતદાન કર્યું. ધારાસભ્યએ પત્નિ જલ્પાબેન જોડે મતદાન કર્યું.
છોટાઉદેપુર નગર પાલિકાના મતદાનની શરૂઆત થઇ છે. નગર પાલિકાના 7 બુથના 28 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. પારડી, વલસાડ, અને ધરમપુરમાં ધીમીગતિએ મતદાન ચાલી રહ્યુ છે. વલસાડ નગરપાલિકામાં 37 બેઠક માટે 105 ઉમેદવાર મેદાને છે. 98 હજાર મતદારો 100 મતદાન મથક પર મતદાન કરી રહ્યા છે. પારડી નગરપાલિકામાં 27 બેઠક પર મતદાન છે. 58 ઉમેદવાર છે મેદાન, 24 હજાર મતદારો મતદાન કરશે. ધરમપુર પાલિકામાં 24 બેઠક પર માટે મતદાન છે. 49 ઉમેદવારો મેદાન, 20 હજાર મતદારો મતદાન કરશે.
તાપીના સોનગઢ નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. મોકપોલ દરમિયાન 2 ઈવીએમ મશીન ખોટખાયા છે. સોનગઢ નગર પાલિકાના વોર્ડ નંબર સાતમાં બે મશીન ખોટકાતા બદલવામાં આવ્યા છે.
અમદાવાદઃ રેસ્ટોરન્ટના ભોજનમાં વંદો નીકળ્યો છે. પરિમલ ગાર્ડન નજીકના સ્પાઇસ ઝોન રેસ્ટોરન્ટમાં આ બનાવ બન્યો છે. બિરયાનીમાંથી વંદો નીકળતા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો. ગ્રાહકે મનપાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે.
છોટાઉદેપુરમાં એક જ પરિવારના ચાર સભ્યો નગરપાલિકાની ચૂંટણીમાં અલગ-અલગ પક્ષમાંથી એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. જેમાં સૌથી નવાઈની વાત એ છે કે..પતિ અને પત્ની અને ભાઈ-ભાઈ જ એકબીજા સામે ચૂંટણી મેદાને પડ્યા છે. ફારુક ફોદા જે ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડે છે ત્યારે તેમના પત્ની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જ્યારે તેમનો એક પુત્ર આરીફ ફોદા ભાજપમાંથી વોર્ડ નબર ત્રણમાંથી લડી રહ્યો છે જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસેમાંથી ચૂંટણી લડી રહ્યો છે. વોર્ડ નંબર 6માં ચૂંટણી લડતા ફારૂક ભાઈ ફોદાનું કહેવું છે કે, અમે બંને પતિ પત્નીએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા. જોકે ફોર્મ પરત ખેંચવાનું રહી ગયું હતું. હવે બને લડી રહ્યા છીએ.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.
Voting begins for 66 Nagar Palikas, 3 Taluka Panchayat including other local bodies in #Gujarat #GujaratLocalBodyElections2025 #LocalBodyElections #Elections2025 #GujaratElections2025 #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/v5zyveUktg
— Tv9 Gujarati (@tv9gujarati) February 16, 2025
Published On - 7:17 am, Sun, 16 February 25