
ગુજરાતમાં લાંબા સમયની રાહ જોયા બાદ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન થયું. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9,292 બેઠકો માટે આજે ભાવિ નક્કી કરવા 4 કરોડથી વધુ મતદારો મેદાને ઉતર્યા હતા. આ ચૂંટણીના પરિણામો આગામી 28 એપ્રિલ, મંગળવારના રોજ જાહેર થશે.
રાજ્યમાં પડી રહેલા આકરા તાપની અસર મતદાન પર જોવા મળી હતી. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ 4 વાગ્યા પછી ફરી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ભારે મતદાન અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કુલ સરેરાશ મતદાન: 40% (અત્યાર સુધી)
જિલ્લા અને તાલુકા પંચાયત: 52% (સૌથી વધુ)
નગરપાલિકા: 49%
મહાનગરપાલિકા: 41%
અમદાવાદ મનપા: 38.76% (ગોમતીપુરમાં સૌથી વધુ 48.76% અને સરદારનગરમાં સૌથી ઓછું 31.04% મતદાન)
આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
ભાજપ: તમામ 9,292 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા.
કોંગ્રેસ: 8,443 ઉમેદવારો મેદાનમાં.
AAP: 5,261 ઉમેદવારો સાથે મજબૂત પડકાર.
બિનહરીફ: મતદાન પહેલા જ 730 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે.
રાજ્યમાં અગાઉ 8 મહાનગરપાલિકાઓ હતી, જેમાં 9 નવી મનપાઓનો ઉમેરો થતા હવે કુલ 17 મનપા થઈ છે. જોકે, જૂનાગઢ અને ગાંધીનગરમાં અત્યારે ચૂંટણી નથી, તેથી કુલ 15 મહાનગરપાલિકાઓ માં આજે મતદાન યોજાયું હતું. 9 નવી મનપાના મતદારોએ પ્રથમવાર મહાનગરપાલિકાના પ્રતિનિધિ ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે તમામ 6 મનપા અને મોટાભાગની પંચાયતો કબજે કરી હતી. જોકે, ગત વખતે સુરતમાં AAPએ 27 બેઠકો જીતીને અને અમદાવાદમાં AIMIMએ 7 બેઠકો જીતીને સૌને ચોંકાવ્યા હતા. આ વખતે ભાજપે આ પડકારને તોડવા પૂરી તાકાત લગાવી છે, જ્યારે વિપક્ષો પણ પોતાનો ગઢ મજબૂત કરવા મથી રહ્યા છે.
હવે સૌની નજર 28 એપ્રિલ પર છે, જ્યારે ગુજરાતની જનતાનો આખરી ફેંસલો ઈવીએમ મશીનમાંથી બહાર આવશે.
Published On - 5:52 pm, Sun, 26 April 26