આજે 27 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજકોટમાં ભાજપની પદયાત્રાના વિરોધમાં કોંગ્રેસનું હલ્લાબોલ. રેસકોર્ષ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. કાર્યકર્તાઓએ પોલીસે લગાવેલા બેરિકેટ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. કેટલાક કાર્યકર્તાઓ પોલીસની બસ પર ચડીને કર્યો વિરોધ. કોંગ્રેસના ઉગ્ર વિરોધને જોતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની કરી અટકાયત.
નવી મોડસ ઓપરેન્ડી સાથે સોનાની તસ્કરી પકડી પડાઈ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 72.28 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું. કસ્ટમ વિભાગના AIU યુનિટની મોટી કાર્યવાહી. એક્સ રે સ્ક્રીનિંગમાં શંકાસ્પદ બેગ ચેક કરતા મળી આવ્યું સોનું. ટ્રોલી બેગના અંદરના પાઉચમાં પ્લાટિક લેયરમાં સંતાડ્યું હતું સોનું. સોનાની પેસ્ટ જેનું વજન આશરે 495.04 gram હોવાનું સામે આવ્યું. શારજાહથી આવેલા પેસેન્જર સામે કસ્ટમ્સ એક્ટ મુજબ ધરપકડ કરી લેવાઈ. આણંદનાં મોઇન વ્હોરાની કસ્ટમ વિભાગ દ્વારા કરાઇ ધરપકડ. પહેલીવાર કેરિયર તરીકે સોનાની દાણચોરીમાં પકડાયો મોઇન. મોઇનનાં બનેવી મોહસીને તમામ વ્યવસ્થા કરી આપી હોવાનો ખુલાસો.
રાજકોટમાં ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં યોજાયેલ લોકશાહી બચાવો અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરાયું હતું. તરુણ ચુગે રાજકોટ ખાતે ઉપસ્થિત ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું કે, રાહુલ ગાંધીએ ઝંડા અને એજન્ડા બંન્ને મુસ્લિમ લીગને ગીરવે મુકી આવ્યા છે. કેરલની ચૂંટણી માટે આ ઝંડા ગીરવે મૂક્યા છે.
ભાજપ દ્વારા આજે અમદાવાદમાં લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો અભિયાન પદયાત્રા યોજાઈ હતી. નવા વાડજ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી આવીને સીધા જોડાયા હતા. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું. હર્ષ સંધવીએ એવું કહ્યું કે, ભારત માતા કી જયના નારા કોંગ્રેસની કચેરીએ સંભળાતા હશે. ચૂંટણી SIR કે EVM થી નહી જીતી શકાય, લોકો વચ્ચે જઈને મહેનત કરવી પડશે ત્યારે ચૂંટણી જીતાશે.
અમરેલીમાં ઇરિગેશન કચેરીનો જુનિયર ક્લાર્ક અને પટ્ટાવાળો 51,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ખાનગી કંપનીના બાકી બિલ અને મટીરિયલ્સ ટેસ્ટિંગના નાણાં મંજૂર કરવાના બદલામાં માંગી હતી લાંચ. જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટે માંગી હતી રૂ. 51000 ની લાંચ. કરાર આધારિત પટ્ટાવાળા જયદીપ હરીયાણીએ સ્વીકારી રકમ. અમરેલી બહુમાળી ભવન સ્થિત ઇરિગેશન કચેરીના ત્રીજા માળે એસીબી PI ડી.બી.ડાભી અને ટીમે સફળ ટ્રેપ કરી બંને આરોપીઓને દબોચ્યા.
AMC દાણાપીઠ ઓફિસને બોમ્બથી ઊડાવવાની ધમકી મળી છે. ઇ-મેઇલ મળ્યા બાદ બિલ્ડીંગ ખાલી કરાવવામાં દોઢ કલાકનો સમય લાગ્યો !! 18000 કરોડનાં બજેટવાળી AMC પાસે કોઇ વ્યવસ્થા નહિં !! બોમ્બ સ્ક્વોડ પણ કલાકો બાદ AMC દાણાપીઠની બિલ્ડીંગ. અગાઉ પણ આ પ્રકારે બોમ્બની ધમકી AMC ને મળી ચુકી છે. તંત્ર કેમ આટલી ઘટનાઓ પછી પણ કોઇ સિસ્ટમ ઊભી કરી શકી નથી.
રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ સરકારે ખેડૂતો સાથે ક્રૂર મજાક કરી છે. સરકારે એક હેક્ટર દીઠ 8500 રૂપિયાની સહાય ખેડૂતોની મજાક સ્વરૂપ છે. 2019 મા ખેડૂતોની પાક વીમા યોજના બંધ કરી. કેન્દ્ર સરકાર દ્વારા હેકટર કપાસનું ધિરાણ 1.5000 નકકી કર્યું છે મગફળીનું 1.37000 નક્કી કર્યું છે. સરકાર સ્વીકારે છે ચાર જિલ્લા મા સંપૂર્ણ પણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે 8500 ની સહાયની જગ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા ધિરાણ આપવામા આવે છે તે સંપૂર્ણ માફ કરવું જોઈએ.
ગાંધીનગર ગિયોડની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી. પ્લાસ્ટિક બળવાને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા. ફાયરને કોલ મળતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ. ગાંધીનગરમાં વધતી આગની ઘટના ચિંતાનો વિષય બની.
ભરૂચના જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે તાળવના પાણીનો વિવાદ વકર્યો છે.એક બાજુ ગામમાં વરસાદ ઓછો થતાં ખેડૂતો પાક બચાવવા વલખા મારી રહ્યા છે. પાણીના અભાવે કપાસનો પાક ઉભો બળી જવાની અને 4 મહિનાની મહેનત પાણીમાં જવાની ધરતીપુત્રોને ભીતિ છે.ત્યારે ખેતી બચાવવા માટે ખેડૂતોએ ગામના તળાવમાંથી પાણીનો ઉપયોગ કર્યો.જો કે તળાવનું પાણી અચાનક ખાલી જતા અનેક માછલીઓના મોત થયા છે.જેને પગલે ખેડૂતો અને પંચાયતના સભ્યો આમને સામને આવી ગયા છે..
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગરમાં રહેતા 25 વર્ષીય મોહનસિંહ ચૌહાણની લાશ બે દિવસ બાદ રાયપુરા પાસેની નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કેનાલમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. આ મામલે મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે સોફિયાન અને અનિશ નામના બે યુવકો મોહનસિંહને ઘરેથી બોલાવીને લઈ ગયા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલાં મોહનસિંહને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. યુવકને કેનાલમાં ધક્કો મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અને ન્યાય અપાવવાની પોલીસ સમક્ષ માગ કરી છે. જોકે, યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફૂડ સેફ્ટીનો મુદ્દો ઉઠતાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે શહેરની હોટલો અને ખાદ્ય પદાર્થોના એકમો સામે કડક પગલાં લેવાની રજૂઆત કરી હતી. તેમણે મહારાષ્ટ્રની જેમ સુરતમાં પણ નિયમોનો ભંગ કરતી હોટલો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્પોરેટરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ભેળસેળ કરનારા એકમો સામે માત્ર દંડની કાર્યવાહી થતી હોવાથી આવા તત્વો બેફામ બન્યા હોવાનો દાવો છે. તેમણે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમોને સીલ કરવા અને જરૂર પડે તો તેમનાં લાઇસન્સ રદ કરવા સુધીનાં પગલાં લેવાની માગ કરી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે અસરકારક કાર્યવાહી થાય અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે માટે તંત્ર વધુ કડક બને તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાને ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવાએ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોતાના બીમાર ભાઈને મળવા માટે જામીનની માગણી કરી હતી. આ અગાઉ હાઈકોર્ટે તેમને સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના સમયગાળા માટે જામીન મંજૂર કર્યા હતા. જોકે, હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી આ રાહતથી સંતોષ ન થતાં ચૈતર વસાવા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર રાહત આપતાં ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણયથી ચૈતર વસાવા પોતાના બીમાર ભાઈને મળવા માટે સુરત સિવિલ હોસ્પિટલ જઈ શકશે. સુપ્રીમ કોર્ટના આદેશની અન્ય શરતો અને જામીનના અમલ અંગેની વિગતો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટમાં નૂડલ્સ ખાવાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે યોગી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ભારતી ફૂડ કંપની સામે કાર્યવાહી કરીને 800 કિલો અખાદ્ય કાચા નૂડલ્સ મટીરિયલનો નાશ કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે કંપનીમાં કોઈપણ પ્રકારના લેબલ વગર નૂડલ્સનો જથ્થો તૈયાર કરવામાં આવતો હતો. તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ કંપનીમાં પહોંચી ત્યારે નૂડલ્સ ખુલ્લામાં સૂકવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં સૂકવેલા નૂડલ્સનો જથ્થો પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને 800 કિલો અખાદ્ય કાચા નૂડલ્સ મટીરિયલનો નાશ કર્યો હતો. આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણમાં નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર સામે આવ્યું છે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થો બનાવતી કંપનીઓમાં તપાસ હાથ ધરી ગુણવત્તા અને સ્વચ્છતા અંગેના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
પાટણ જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદે વેચાણ અને ઉત્પાદન સામે પોલીસે સતત બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખી છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસે મેગા ડ્રાઇવ હાથ ધરીને વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ આ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી બાદ આજે બીજા દિવસે પણ પોલીસની ટીમો ગેરકાયદે દારૂના અડ્ડાઓને નિશાન બનાવી રહી છે. સતત ચાલી રહેલી દરોડાની કામગીરીને પગલે દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.
વડોદરા નજીક ઉમેટા બ્રિજ પરથી યુવક અને યુવતીએ મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નદીમાં ડૂબી જવાથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા બંનેના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવક અને યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બંનેની ઓળખ તેમજ આપઘાત પાછળનાં સંભવિત કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરના કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક ઢોર સામે આવી જતાં સિલિન્ડર ભરેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન ટ્રકની પાછળ આવી રહેલી અન્ય બે કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતની ગંભીરતા એ હતી કે એક કાર ડિવાઇડર કૂદીને સામેની બાજુના રોડ પર પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાને પગલે ફરી એકવાર રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા અને વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગો અને બ્રિજ પર રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી.
સુરતના પૂણા પાટિયા રોડ પર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. રોડ પર ટ્રાફિકની વચ્ચે જ બંને જૂથના લોકો સામસામે આવી જતાં ભારે બબાલ સર્જાઈ હતી. જાહેર રસ્તા પર કેટલાક શખ્સો એકબીજા સાથે મારામારી કરતા નજરે પડ્યા હતા. ઘટનાને કારણે રસ્તા પર વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વ્યસ્ત માર્ગ પર થયેલી આ બબાલને પગલે લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. જોકે, બંને જૂથ વચ્ચે મારામારી કયા કારણોસર થઈ અને ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. સમગ્ર મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
અમદાવાદના સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી ત્રણ સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યા ઈમેઈલ મળતાં તંત્ર દોડતું થયું છે. વિદ્યાભારતી, સીએન વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા બાદ સ્કૂલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે સ્કૂલોની ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી અને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. વાલીઓને જાણ કરીને બાળકોને ઘરે લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા. ધમકીની જાણ થતાં સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્કૂલની ઇમારતો અને પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ધમકીભર્યા ઈમેઈલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે નહીં તે અંગેની સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે. ઘટના બાદ સ્કૂલ સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે. શહેરના મહિલા કોલેજ ચોક પાસે કોસ્મો કોમ્પ્લેક્સમાં આવેલા ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ત્રણ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી. સમગ્ર મામલે સ્પાના સંચાલક ગણેશ મીનાની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ગ્રાહકો પાસેથી સ્પામાં પ્રવેશ માટે રૂ. 1,000 વસૂલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે દેહવ્યાપાર માટે ગ્રાહકો પાસેથી રૂ. 2,500 લેવામાં આવતા હોવાની વિગતો પણ સામે આવી છે. સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી મોટી સંખ્યામાં મૃત કાચબા મળી આવવાની ઘટનાએ ચકચાર મચાવી છે. માણાવદરમાંથી કુલ 51 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા. તમામ કાચબાનાં અમરાપુર એનિમલ સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કાચબાઓના પેટમાંથી ઝેરી કેમિકલ અને ઘઉંના દાણા મળી આવ્યા છે. ઘઉંના દાણામાં ઝેરી દવા ભેળવવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઝેરી દવાને કારણે જ કાચબાનાં મોત થયાં હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. બીજી તરફ, કાચબાઓને તસ્કરીના હેતુથી એકઠા કરવામાં આવ્યા હોવાની આશંકા પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ તમામ બાબતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાચબા મળી આવ્યા હતા તે સ્થળની આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે, જેથી કાચબાનાં મોત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય અને આ ઘટનામાં કોઈની સંડોવણી હોય તો તેની વિગતો બહાર લાવી શકાય.
આસામના ગુવાહાટીમાં આવેલી એક હોટલમાં અંધાધૂંધ ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી બિલાસ ઈન હોટલમાં બનેલી આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, હોટલ લીઝ પર લેનાર શખ્સે જ ફાયરિંગ કરીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હોટલના માલિક સાથે ચાલી રહેલા વિવાદને પગલે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે આરોપી ઘનકાંત ગોગોઈની ધરપકડ કરી છે. સાથે જ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી લાયસન્સવાળી પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. આ હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દાહોદમાં ગોધરા રોડ પર આવેલા સાંસીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. નજીવી માથાકૂટ બાદ મામલો ઉગ્ર બનતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ધીંગાણું સર્જાયું હતું. આ મારામારીમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, આ મામલે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
વડોદરામાં તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે લેવામાં આવેલા નમૂનાઓમાંથી 19 નમૂના નાપાસ થયા છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરીક્ષણમાં તે સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. જેમાં અનાયા નેચરલ ઓઇલ અને તાજ ડેરીના ઘીના નમૂનાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રી રામ દુગ્ધાલય અને અખર ડેરી ફાર્મના ઘીના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ખાદ્ય પદાર્થોના નમૂનાઓ નાપાસ થતાં મનપાના આરોગ્ય વિભાગે સંબંધિત મામલે કાર્યવાહી શરૂ કરી છે. તહેવારો દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, દશેરાના તહેવાર નિમિત્તે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનાં પરિણામો હજુ આવવાનાં બાકી છે. આ પરિણામો આવ્યા બાદ વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.
અમરેલીના રાજુલામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષાને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજુલા પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ ફૂડ સેફ્ટી, તોલમાપ વિભાગ અને મામલતદાર સહિતના અધિકારીઓની સંયુક્ત ટીમોએ શહેરની 15થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટમાં વપરાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને નિયમોના પાલન અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક હોટલોમાંથી પનીર સહિતની ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીએ રાજુલાના તમામ ફૂડ ધંધાર્થીઓને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપી છે. તંત્રની આ કાર્યવાહીથી શહેરના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અર્નબ’ વધુ શક્તિશાળી બનતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝોડું બુધવારે સવારે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. હાલ વાવાઝોડું 23 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત દેશનાં નવ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, સંભવિત નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પણ સક્રિય બની છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા, રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
Published On - 7:43 am, Tue, 27 October 26