આજે 26 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જામનગરમાં ઉંડ નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું. ખનન અને વહન કરતા એક હિટાચી, એક લોડર અને એક ડમ્પર મશીન જપ્ત કરાયાં. આશરે રૂ. 60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ખનીજ વિભાગે જપ્ત કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ.
અમદાવાદ ગૌમાંસ સંબધિત કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો. વર્ષ 2020ના ગૌમાંસ કેસમાં આરોપી કયુમ કુરેશીને 8 વર્ષની કેદની સજા. ઇસનપુરના 65 કિલો ગૌમાંસ કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો. આરોપી કયુમ કુરેશીને દોષિત ઠેરવી જેલ હવાલે મોકલાયો. ઇસનપુર પોલીસે 5 મે 2020ના રોજ કરી હતી કાર્યવાહી. ફૈઝલ પાર્ક વિસ્તારમાંથી 65 કિલો ગૌમાંસ જપ્ત થયું હતું. કોર્ટે સહઆરોપી આશીફ શેખને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો.
તમિલનાડુના પૂર્વ મંત્રી અને ડીએમકે (DMK) નેતા અનબિલ મહેશ પોય્યામોઝીની 100 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે ખાનગી શાળાઓને સરકારી મંજૂરી અપાવવાના બદલામાં નાણાં વસૂલવામાં આવ્યા હતા. આ કેસમાં લગભગ 177 ખાનગી શાળાઓ તપાસ હેઠળ છે. પૂર્વ મંત્રીએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં, કોર્ટે 4 આરોપીઓને 28 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
વડોદરામાં 28મીએ ભાજપની પદયાત્રા યોજાશે. નવલખી મેદાનથી થશે પ્રારંભ જેમા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાશે. ભાજપના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન. કોંગ્રેસ દ્વારા કથિત ભ્રામક પ્રચાર સામે લોકશાહી અને બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ મજબૂત કરવાનો ભાજપનો હેતુ. 28 ઓક્ટોબરે બપોરે 3:30 વાગ્યે નવલખી મેદાનથી પદયાત્રાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાંસદો, ધારાસભ્યો, મેયર અને ભાજપના આગેવાનો જોડાશે. નવલખી મેદાનથી કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના, ટાવર ચાર રસ્તા અને કોઠી ચાર રસ્તા થઈ પદયાત્રા ફરી નવલખી મેદાન પહોંચશે.
વડોદરાના મકરપુરામાં ડોર ટુ ડોર કચરાના ટેમ્પોની અડફેટે યુવકનું મોત થયું છે. જશોદા કોલોનીમાં મકાન બહાર બેઠેલા 28 વર્ષીય અનિલ ઠાકોરને ટેમ્પોએ અડફેટે લીધા. ગંભીર હાલતમાં યુવકને સયાજી હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો. ટેમ્પો ચાલક નશામાં હોવાનો આક્ષેપ, ટેમ્પોમાંથી દેશી દારૂની કોથળીઓ અને બોટલો મળી આવ્યાનો દાવો. મકરપુરા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ
બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં સમાવેશ ન કરતા ખેડૂતોમાં નારાજગી. જિલ્લામાં વરસાદની અછતને પગલે ભૂગર્ભ જળનું નીચું ગયું. શિયાળુ અને ઉનાળુ વાવેતર કરવું કેવી રીતે તેને લઇ ખેડૂતો ચિંતામાં. દાંતીવાડા ડેમમાં માત્ર 23% પાણી તો સીપુ ડેમ 3 ટકા પાણી. ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, દાંતા,પાલનપુર વડગામ સહિતના પંથકોના ખેડૂતોના જીવ બંધાયા પડીકે. સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ. પશુપાલનનો વ્યવસાયને પણ જળ સંકટ મોટી અસર થઈ.
ગુજરાત પોલીસનું વધુ એક આરોપી પર ‘ઓપરેશન લંગડા’ અજમાવ્યું છે. ડ્રગ્સ કેસના આરોપીએ ભાગવા જતાં ક્રાઈમબ્રાંચે કર્યુ ફાયરિંગ. રૂ.25 કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી કફીલ પર કર્યુ ફાયરિંગ. આરોપી કફીલ અહેમદે ભાગવાનો પ્રયાસ કરતાં એક રાઉન્ડ ફાયરિંગ. આરોપીને નિયમિત હોસ્પિટલ ચેકઅપ માટે લઈ જવાઈ રહ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ નજીક આરોપીએ કર્યો હતો ભાગવાનો પ્રયાસ. આ દરમિયાન ક્રાઈમબ્રાંચ સાથે થયેલી ઝપાઝપીમાં કર્યો હતો ગોળીબાર. આરોપી કફીલના પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો.
અમદાવાદના સોલા AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં 2 શ્રમિક ખાબક્યા છે. અન્ય શ્રમિકોએ ખાબકેલા શ્રમિકને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ડ્રેનેજમાં ફસાયેલા શ્રમિકોનુ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી છે.
રાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર ફેલાયો છે. આસામથી એકતાનગર આવેલા BSFના 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવનો અહેવાલ છે. 40 જવાનોની ટુકડીમાં 21 જવાનોને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે. એક પછી એક જવાનોને તાવ આવતાં કરાઈ તપાસ. ડેન્ગ્યુના કેસ સામે આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. ડેન્ગ્યુ પોઝિટિવ જવાનોને એકતાનગર ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયા છે. 31 ઓક્ટોબરની રાષ્ટ્રીય એકતા પરેડમાં જવાનો ભાગ લઈ શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા.
અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષક સસ્પેન્ડ કરી દેવાયા છે. તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી શાળાએ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો. શાળાએ પ્રાથમિક તપાસ રિપોર્ટ શિક્ષણ અધિકારીને સોંપ્યો. હવે શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરી રિપોર્ટ DEOને સોંપશે. ધોરણ 9ના વિદ્યાર્થીને વર્ગખંડમાં 6 લાફા મારવાની ઘટના બની હતી. માર મારનાર શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે.
ગુજરાત સરકારે દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લા માટે પ્રતિ હેક્ટર 8500 રુપિયા ચૂકવશે. બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 6 મહિના સુધીને ધ્યાનમાં લઇને આ સહાય ચુકવવામાં આવશે. અસરગ્રસ્ત પાકો માટે સહાય કરવામાં આવશે.
ગુજરાત સરકારે રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાઓનો દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદની અછતને કારણે ખેતી અને પાણીની ઉપલબ્ધતા અંગે ઊભી થયેલી મુશ્કેલીઓ વચ્ચે સરકારના આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે આ જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ખેડૂતો અને લોકોને કઈ રાહત મળે છે તેના પર સૌની નજર રહેશે.
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી 50 કાચબાના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. માણાવદરમાં એન.જી. મીલની સામેથી મૃત કાચબા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગે તપાસ શરૂ કરી છે. મૃત કાચબાઓનું અમરાપુર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાચબાઓનાં મોતનું સાચું કારણ સામે આવશે. બીજી તરફ, આટલી મોટી સંખ્યામાં કાચબાના મૃતદેહ કોણ અને કયા કારણોસર ત્યાં મૂકી ગયું તે દિશામાં પણ વન વિભાગે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલાં ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરી છે. વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી મીઠાઈ અને ફરસાણ બનાવતા મેન્યુફેક્ચરિંગ એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જાણીતી કંપનીઓના એકમોમાં પણ તપાસ કરીને ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તહેવારના સમયમાં મીઠાઈ અને ફરસાણની માગ વધતી હોવાથી ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે વિભાગ સતર્ક બન્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં મનપાની કચરાની ગાડીમાં જોખમી રીતે મુસાફરી કરવામાં આવી રહી હોવાનો વીડિયો વાયરલ થતાં સવાલો ઊભા થયા છે. આ વીડિયો ભાવનગર રોડ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ટ્રાફિક નિયમોની અવગણના કરીને કચરાના વાહનમાં જોખમી રીતે મુસાફરી થતી જોવા મળતા મનપા અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની વિવાદિત ટિપ્પણી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. પટનામાં એક કાર્યક્રમ દરમિયાન ખડગેએ PM મોદીના પિતા અંગે વાંધાજનક નિવેદન આપ્યું હોવાના અહેવાલો બાદ ભાજપે કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપે આ મુદ્દે દેશભરમાં કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાનું એલાન આપ્યું છે. બિહારની રાજધાની પટનામાં ભાજપ દ્વારા વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી છે. બીજી તરફ, ખડગેની ટિપ્પણીના મુદ્દે તેમની વિરુદ્ધ પટનાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રાજકીય વિવાદ વધુ વકર્યો છે.
વડોદરાના ગોકુળનગર વિસ્તારમાં રહેતી કાજલબેન માળીએ વહેલી સવારે અંગત કારણોસર એસિડ પી લેતાં તેમનું મોત થયું છે. એસિડ પીધા બાદ તેમની તબિયત લથડતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, યોગ્ય સારવાર મળે તે પહેલાં જ તેમણે દમ તોડ્યો હતો. બનાવની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની SSG હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. કાજલબેને કયા કારણોસર એસિડ પીધું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં દિવાળી પહેલાં લોકોને બિસ્માર રસ્તાઓમાંથી રાહત મળે તે માટે સરકારે રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાનો આદેશ આપ્યો છે. રસ્તા પરના ખાડા 48 કલાકમાં પૂરી દેવા અને નબળી કામગીરી કરનારી એજન્સીઓને દંડ ફટકારવાની સૂચના આપવામાં આવી છે. રસ્તાનું સમારકામ કર્યા બાદ 72 કલાકમાં એજન્સીઓએ કામગીરીના ફોટા અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત, રસ્તાનાં કામમાં કોઈ ઢીલાશ ન રહે તે માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને સ્થળ પર જઈને તપાસ કરવા આદેશ અપાયો છે. રસ્તા બનાવ્યા બાદ મેનહોલ અને ડ્રેનેજ લાઇનનાં લેવલ પણ તાત્કાલિક યોગ્ય કરવાનાં રહેશે. વારંવાર ખાડા પડતા રસ્તાઓને RCC રોડમાં ફેરવવા સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ, બ્રિજમાં તિરાડ જોવા મળે તો તાત્કાલિક પગલાં લેવા અને નાના પેચવર્કની કામગીરી 30 દિવસમાં પૂર્ણ કરવા નિર્દેશ અપાયો છે. સરકારના આ આદેશથી દિવાળી પહેલાં શહેરના રસ્તાઓની સ્થિતિ સુધરશે અને વાહનચાલકોને રાહત મળશે તેવી આશા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં જળસંકટની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે નર્મદાનું પાણી આપવા લીલી ઝંડી આપી છે. આજે પાણી આપવા અંગેનું સમયપત્રક જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં જાન્યુઆરી સુધી ચાલી શકે એટલો પાણીનો જથ્થો આપવામાં આવશે, જ્યારે જુલાઈ સુધી પાણી પૂરું પાડવાની પણ સરકારે ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં સૌની યોજના મારફતે આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવશે. રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોમાં જળસંગ્રહનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટ્યું છે. હાલ આજી-1 ડેમમાં 28 ટકા, ન્યારી-1 ડેમમાં 27 ટકા અને ભાદર-1 ડેમમાં માત્ર 17.91 ટકા જળજથ્થો ઉપલબ્ધ છે. આજી અને ન્યારી ડેમમાં રાજકોટ શહેરને માત્ર 15 દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું હોવાથી નર્મદાના નીર મળવાથી શહેરની પાણીની સમસ્યામાં રાહત મળવાની આશા છે.
રાજકોટમાં વીજ સંકટ વચ્ચે ઉદ્યોગો માટે બુધવારે વીજકાપના નિર્ણયને લઈને રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા વીજકાપનો નિર્ણય મુલતવી રાખવાની માગ કરવામાં આવી છે. તહેવારોના સમયે જ વીજકાપ લાગુ કરવામાં આવે તો ઉદ્યોગોમાં ઉત્પાદન ઠપ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ચેમ્બરનું કહેવું છે કે વીજકાપના કારણે ઔદ્યોગિક એકમોની કામગીરી અને ઉત્પાદન પર અસર પડી શકે છે, તેથી ઉદ્યોગોના હિતમાં નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે.
ગાંધીનગરના દશેલા ગામના હિરેન નામના યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત થયું છે. 18 ઑક્ટોબરે હિરેન સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં. ઘટનાને એક અઠવાડિયું વીતી જવા છતાં હજી સુધી યુવકનો મૃતદેહ વતન પરત આવ્યો નથી. કેનેડાની સરકાર દ્વારા પોલીસ તપાસ ચાલુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, પુત્રના મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારની ચિંતા વધી છે. પરિવારે ભારત સરકારને આ મામલે હસ્તક્ષેપ કરી ન્યાય અપાવવા અને હિરેનનો મૃતદેહ વહેલી તકે વતન લાવવામાં મદદ કરવા અપીલ કરી છે.
વડોદરાના રણોલી ગામમાં કેમિકલની દુર્ગંધથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સત્યનારાયણ સોસાયટીના રહીશોના આક્ષેપ મુજબ, સોસાયટીની આસપાસ કેમિકલ ભરેલી ગાડીઓ ખાલી કરવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ પડી રહી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. દુર્ગંધને કારણે સોસાયટીમાં બીમારીઓ વધવાની પણ રહીશોને ભીતિ સતાવી રહી છે. સ્થાનિકોએ આ સમસ્યાના કાયમી ઉકેલની માગ કરી છે.
ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. રાજ્યના 11 જિલ્લા હિમવર્ષાથી પ્રભાવિત થયા છે. કેદારનાથમાં તાપમાન ગગડીને માઈનસ 8 ડિગ્રી નોંધાયું છે. કડકડતી ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ જામી ગઈ છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષા અને નીચા તાપમાનને પગલે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ચોમાસું પૂરું થતાં જ શહેરમાં હવાની ગુણવત્તા બગડવા લાગી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 187 પર પહોંચતાં નાગરિકોમાં ચિંતા વધી છે. શહેરના હેબતપુર, ખોડિયાર, સોલા અને વસંતનગર સહિતના અનેક વિસ્તારોમાં AQI 200ને પાર થયો છે. જ્યારે રાયખડ અને સેટેલાઈટ વિસ્તારમાં હવાની ગુણવત્તા ચિંતાજનક બની છે. પ્રદૂષિત હવાને કારણે અસ્થમાના દર્દીઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધોને પણ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવા અને પ્રદૂષિત હવાના સંપર્કથી બચવા સૂચના આપવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી તેજ બની છે. અહેવાલો અનુસાર, છેલ્લા 18 મહિનામાં 9.8 લાખથી વધુ ઇમિગ્રન્ટ્સને અમેરિકાની બહાર મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા બે વર્ષથી અમેરિકામાં રહેતા લોકોનો પણ સમાવેશ થયો છે. દાવા અનુસાર, દેશમાંથી હકાલપટ્ટી કરાયેલા 71 ટકા લોકોનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો. આ ઉપરાંત, આશરે 1.7 લાખ લોકોએ સ્વૈચ્છિક રીતે અમેરિકા છોડવાનો નિર્ણય લીધો હતો. ટ્રમ્પ સરકારની આ નીતિને કારણે અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સમાં ચિંતા વધી છે.
ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સંગઠનને લગતી વિવિધ બેઠકોમાં હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ સાંજે સવા પાંચ વાગ્યે કમલમ્ ખાતે યુવા મોરચાની ટીમ અને સેવાયાત્રીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકોમાં સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
યુરોપના ફ્રાંસ, ઇટલી અને સ્પેન સહિત પાંચ દેશોમાં મોંઘવારીના વિરોધમાં શરૂ થયેલું આંદોલન હિંસક બન્યું છે. સરકાર સામે વિરોધ નોંધાવવા આશરે 8 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શન દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. સ્થિતિને કાબૂમાં લેવા સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. કાયદો હાથમાં લેનારા 2 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે. 26 ઑક્ટોબર સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. 28 ઑક્ટોબરની સવારે આંધ્રપ્રદેશમાં બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે છે. પવનની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી છે.
Published On - 7:46 am, Mon, 26 October 26