આજે 31 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરા: ડેસરના ડેસર પોલીસ મથક હદ વિસ્તાર માં આવેલા ગુતરડી ગામના ખેતરમાં ગાંજાના છોડ SOG ની ટીમે ઝડપી પાડ્યા છે. ખેતરમાંથી 23 ગાંજાના છોડ મળ્યા છે. પોલીસે બાતમીના આધારે ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. FSL ની ટીમ તપાસ માટે સ્થળ ઉપર આવી અને ગાંજાના છોડ કબજે કર્યા હતા.
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના કાયાકલ્પ માટે સરકારે મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યાં છેલ્લા એક વર્ષથી શાસ્ત્ર, આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
આગામી દિવસોમાં બહુચરાજી ધામ બિલકુલ નવા સ્વરૂપે જોવા મળશે. મંદિરના વહીવટદાર આશિષ મિયાત્રાના જણાવ્યા મુજબ, બીજા અને ત્રીજા ફેઝ અંતર્ગત મંદિર નજીક આવેલા બે ઐતિહાસિક તળાવોનું બ્યુટિફિકેશન અને વૉકિંગ એરિયા વિકસાવવા માટે આર્કિટેક્ટ દ્વારા સર્વે શરૂ કરી દેવાયો છે. માત્ર મંદિર જ નહીં, પરંતુ સમગ્ર પંથકના વિકાસ માટે સરકારે ‘બેચરાજી-મોઢેરા ડેવલપમેન્ટ ઓથોરિટી’ની રચના કરી છે.
વડોદરામાં પોલીસ જવાને અપશબ્દો કહ્યા હોવાના આરોપ સાથે અનુસુચિત સમાજે વિરોધ પ્રદર્શન કર્યુ. સમાજના લોકો પોલીસ ભવન પહોંચ્યા અને બાપોદ પોલીસ જવાન વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવા માગ કરી છે. પ્રદર્શનકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ. પ્રદર્શનકર્તાઓની અટકાયતથી મામલો વધુ ઉગ્ર બન્યો. 5 થી વધુ PI, 2 DCP, 2 ACP છતાં મામલો થાળે પાડવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી. વિરોધ પ્રદર્શનના કારણ પાછળ નજર કરીએ તો 15 મેના રોજ બાપોદ પોલીસ મથકમાં FIR કરવા જતાં પોલીસ કર્મચારી દ્વારા ધક્કામુક્કી કરાઈ હોવાનો આરોપ છે.
બનાસકાંઠાઃ ડીસા તાલુકાના જેરડા ગામે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. જેરડાના કેદારનગરમાં પીવાલાયક પાણી ન મળતા ગામલોકોની સ્થિતિ ભારે કફોડી બની ગઈ છે. ગંદુ પાણી આવતુ હોવાથી લોકો મિનરલ વોટર લેવા મજબૂર બન્યા છે. ગામ લોકો પીવાના પાણી માટે ટેન્કરના સહારે છે. ઉનાળામાં બે કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે. ગ્રામપંચાયતને રજૂઆત બાદ પણ પરિણામ ન આવ્યાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે ત્યારે હવે ગ્રામજનોએ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
એક તરફ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે દેશમાં ઉર્જા સંકટ છે. તો બીજી તરફ કેટલાક લોકો આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને રાંધણ ગેસની કાળાબાજારી કરી રહ્યા છે. ભરૂચમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ. GEB રોડ પર રહેણાક મકાનમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દરોડા પાડીને ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો. મકાનમાંથી મોટા પ્રમાણમાં વિવિધ કંપનીના ગેસ સિલિન્ડર મળી આવ્યા. સંગ્રહખોરી અને કાળા બજારી સામે લાલ આંખ કરતા પોલીસે 3 અલગ-અલગ ગુનાઓ નોંધી 2 મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી. ઝડપાયેલા ત્રણેય આરોપીની ઉંમર 65 વર્ષથી વધુ છે..ગેરકાયદે ધંધાને ઢાંકવા અને પોલીસની કડક કાર્યવાહીથી બચવા માટે વૃદ્ધોને આગળ રાખવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. સામાન્ય રીતે વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિનો અભિગમ અપનાવવામાં આવતો હોવાથી તેમની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવાનો પ્રયાસ થયો હોય તેવી શક્યતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.કાળાબજારીના નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
નવસારી શહેરમાં રખડતા પશુઓ લોકો માટે સતત જોખમ બની રહ્યા છે. અકસ્માતો અને હુમલાની ઘટનાઓ વચ્ચે મહાનગરપાલિકાએ એક વર્ષ પહેલા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી અને 250થી વધુ પશુઓને પકડ્યા હતા. હાલમાં 200થી વધુ ગાયોને દુધિયા તળાવ વિસ્તારમાં રાખવામાં આવી છે, પરંતુ અપૂરતી સુવિધાઓના કારણે પશુઓના મોત થઈ રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.જિલ્લા કલેક્ટર દ્વારા પશુઓના સંચાલન માટે બે વીઘા જમીન ફાળવવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકા ત્યાં જરૂરી વ્યવસ્થા ઉભી કરી શકી નથી. પરિણામે શહેરના બાગમાં જ પશુઓને રાખવાની ફરજ પડી રહી છે. રખડતા પશુઓની સમસ્યાને લઈને સરકારે વારંવાર ગાઈડલાઈનનું બહાર પાડી છે અને સ્થાનિક તંત્રને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે આદેશો પણ આપ્યા છે પરંતુ નવસારી જિલ્લામાં એક વર્ષ જેટલો સમયગાળો વીતી જવા છતાં ઢોરવાડાની વ્યવસ્થા ન થતા સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે
ખેડૂતોને ઘણીવાર સમયસર ખાતર ન મળવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે થોડા દિવસો પહેલા જ નવસારીના વાંસદા તાલુકામાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. ખેડૂતોની આ જ હાલાકી અને ખાતરની અછતને કાયમી ધોરણે દૂર કરવા માટે હવે સરકારે એક ડિજિટલ ઉકેલ શોધી કાઢ્યો છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં રાજ્યનો અને દેશનો સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરાયો છે. જેને લઈને ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે. કારણ કે ખેડૂતો માટે તૈયાર કરાયેલી ‘FSAS’ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા જ સહકારી મંડળીઓ અને ખાતરની જથ્થા અંગે જાણી શકશે. ખેડૂતો આ એપ્લિકેશનના માધ્યમથી ખાતરનું એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે.
કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પાણીની જરૂરિયાતમાં વધારો થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જેમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. જેના લીધે કુંભારવાડા, ખેડૂતવાસ, આનંદનગર, વડવા તેમજ છેવાડાના વિસ્તારોમાં નિયમિત રીતે પાણીના ટેન્કર મોકલવામાં આવે છે. જો કે બીજી તરફ આ વર્ષે ભાવગનરમાં વીજકાપ હોય ત્યારે પાણી કાપ પણ લાગુ કરવામાં આવે છે. મહત્વનું છે કે ઉનાળામાં પાણીની જરૂરિયાત 200 MLD કરતા પણ વધી થાય છે. ત્યારે મહીપરીએજમાંથી 70થી વધુ MLD, શેત્રુંજીમાંથી 80, બોરતળાવમાંથી 50 અને ખોડીયારમાંથી 3 MLD પાણી લેવામાં આવી રહ્યું છે. પરંતું સ્થાનિકોનું કહેવું છે કે પાણી ગંદું અને દુર્ગંધવાળું આવી રહ્યું હોવાના લીધે તેનો ઉપયોગ થઈ શકતો નથી.
ભરૂચ: શુકલતીર્થ રોડ પર ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકો બસ સાથે અથડાયા. બસ ચાલકે અચાનક ટર્ન લેતા બાઈક સાથે થયો અકસ્માત. બાઈક સવાર 2 યુવાનોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
ખેડા જિલ્લાના તીર્થસ્થાન ડાકોરમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.અધિક જેઠ પૂનમ નિમિત્તે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તોની હકડેઠઠ ભીડ જોવા મળી. વહેલી સવારથી ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોએ લાઇન લગાવી હતી અને ઉનાળાની આકરી ગરમીમાં પણ ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા. માન્યતા છે કે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની પૂનમે ડાકોરજીના દર્શન કરવા અને પૂજા-અર્ચના કરવાથી પુણ્ય મળે છે. પૂનમના પવિત્ર દિવસે ભગવાન રણછોડરાયજીને ખાસ કિંમતી વસ્ત્રો, મુગટ અને ઝવેરાતનો શૃંગાર કરવામાં આવ્યો. હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
સામાન્ય રીતે વિવિધ શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા ટાઉનહોલની વ્યવસ્થા કરાતી હોય છે. કે જેથી શહેરીજનોને એક જ સ્થળે ઓછા ભાડામાં જાહેર કાર્યક્રમ માટે વ્યવસ્થા મળી શકે. નવસારીમાં ટાઉનહોલ નિર્માણ માટે ત્રણ વર્ષ પહેલાં સરકારે જ્યારે 55 કરોડનું બજેટ ફાળવ્યું. ત્યારે શહેરીજનોને પણ કંઈક આવી જ આશા જાગી હતી. પરંતુ, તે ઠગારી નિવડી છે. ટાઉનહોલ તો બનીને તૈયાર છે. પરંતુ, તેનું ભાડું એટલું ઊંચું છે કે સામાન્ય લોકોને પોસાય તેમ જ નથી.
900 બેઠકના ટાઉનહોલનું એક દિવસનું ભાડું 75 હજાર રૂપિયા પ્લસ GST છે. મીટીંગમાં સાત લોકો બેસી શકે તેવા હોલનું અડધા દિવસનું ભાડું 25 હજાર રૂપિયા એટલે કે એક દિવસનું 50 હજાર તેમજ GSTના અલગ ભરવા પડે છે. તો બેન્કવેટ હોલનું એક દિવસનું ભાડું 40 હજાર રૂપિયા પ્લસ GST છે. સ્થિતિ એ છે કે ટાઉનહોલ બન્યો ત્યારથી એકલ-દોકલ સરકારી કાર્યક્રમ સિવાય અન્ય કોઈ થયા જ નથી.
મોરબી: માળિયા મિયાણામાં તસ્કરે મંદિરને નિશાન બનાવ્યું છે. નાના દહિસરા ગામે ધોળા દિવસે મંદિરમાં ચોરીને અંજામ આપ્યો. મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી કરી. 400 ગ્રામ વજનના છત્તરની ચોરી કરીને શખ્સ ફરાર થયો. પોલીસે CCTVના આધારે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ખંભાળિયા શહેરમાં રખડતા પશુના કારણે વધુ એક અકસ્માત સર્જાયો. PGVCL કચેરી સામે ખાતર ભરેલી રિક્ષા સામે અચાનક પશુ આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુુુુુુુમાવ્યો અને અકસ્માત સર્જાયો. જો કે ચાલકની સમયસૂચકતા અને સાવચેતીના કારણે પશુનો જીવ બચી ગયો. અકસ્માતમાં રિક્ષાને નુકસાન પહોંચ્યું, સાથે રોડ પરની લોખંડની જાળીવાળા ડિવાઈડરને પણ નુકસાન થયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, રિક્ષા ચાલક પણ સલામત છે. શહેરમાં વધતા રખડતા પશુઓના ત્રાસ સામે પાલિકા તંત્રની કામગીરી અંગે ફરી પ્રશ્નો ઉઠ્યા છે.
પંચમહાલ: ST બસની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યુ છે. ગોધરા-અમદાવાદ હાઈવેના ટુવા ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો. દાહોદથી મોરબી જઈ રહેલી બેફામ ST બસે ટક્કર મારી. વિજોરા ગામનો યુવક સગાના મરણપ્રસંગની વિધિ પતાવી ઘરે જઈ રહ્યો હતો, તે સમયે બસની ટક્કરથી 30 વર્ષીય આશાસ્પદ યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યુ. બાઈક પર સવાર અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પરિવારજનોમાં હાલ શોકનો માહોલ છે અને ન્યાયની માગ ઉઠી છે.
કાંકણપુર પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લામાં ગત રાત્રિએ ફૂંકાયેલા ભારે પવનથી પરિવારનો માળો વિખાયો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં ભારે પવન ફૂંકાતા મકાન ધરાશાયી થયું. રાત્રે બે વાગ્યાની આસપાસ તેજ પવન ફૂંક્યો. જેના કારણે પતરાના છાપરાવાળુ મકાન દિવાલો સાથે કડકભૂસ થઈને તૂટી પડ્યું. આ દુર્ઘટના વખતે મનકાનમાં પરિવારના બે સભ્ય સૂઈ રહ્યા હતા. મકાનના કાટમાળમાં દબાઈ જવાથી 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું જ્યારે અન્ય એક વડીલને ગંભીર ઈજા પહોંચી. આફત બનીને ત્રાટકેલા પવનથી પરિવારે પોતાની વ્હાલી દીકરી ગુમાવી. માસૂમ બાળકીના મોતથી સમગ્ર ગામમાં ગમગીની છવાઇ.
ગુજરાત રાજ્યમાં જુદી જુદી 3 સીસ્ટમ એક્ટિવ થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાંજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગઈકાલે મધ્યરાત્રીના વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન, ટ્રફને કારણે વરસાદ રહેશે. 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અરવલ્લી, મહિંસાગર, દાહોદમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા, તાપી, ડાંગ સહીત વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર 40 ડીગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં સાંજે વરસાદ પડી શકે છે. અરવલ્લી મહીસાગરમાં કરા સાથે વરસાદની આગાહી
અભિષેક બેનર્જી પર થયેલા હુમલા બાદ, બંગાળમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો થયો છે. હુગલીમાં તેમના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. વિરોધીઓએ તેમની સામે કાળા ઝંડા ફરકાવ્યા હતા. વધુમાં, તેમના વિરુદ્ધ “ચોર! ચોર!”ના નારા લગાવવામાં આવ્યા હતા. કલ્યાણ બેનર્જી મેમોરેન્ડમ સબમિટ કરવા પહોંચ્યા હતા તે સમયે તેમના પર હુમલો કરીને ઈજા પહોચાડવામાં આવી છે.
જેતપુર શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં શ્વાનનો આતંક. વૃદ્ધ સહિત અનેક લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા. શ્વાન કરડતાં 8 જેટલા ઇજાગ્રસ્તએ સારવાર લીધી. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ તાત્કાલિક હડકાયા શ્વાનને પકડવાની માંગ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂનના રોજ સુરતની મુલાકાતે આવશે. શુક્રવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાત અને સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અત્યાર સુધીના નિર્ધારિત અને સંભવિત કાર્યક્રમ જેમાં ફેરફારની સંભાવનાઓ રહેલી છે. વડાપ્રધાન સૌપ્રથમ દમણ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમ પૂર્ણ કરશે. દમણ ખાતે નિર્માણ પામેલા નવા એરપોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ સીધા સુરત આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના હોવાથી તેમની એક ભવ્ય જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સંભવિત. આ સભા માટે વહીવટી તંત્ર દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મોટા મેદાનોની ચકાસણી કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે તંત્ર દ્વારા વેસુ, વરાછા અને લિંબાયત જેવા હકડેઠઠ વસ્તી ધરાવતા વિસ્તારોમાં 3થી 4 સંભવિત જગ્યાઓ શોર્ટલિસ્ટ કરાઈ હતી. તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની સામે આવેલા વિશાળ ખુલ્લા મેદાન પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જર્મન ડોમ બનાવવાની પ્રાથમિક તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવેલી આગાહી અને અસહ્ય ગરમીના માહોલને જોતા છેલ્લી ઘડીએ આ નિર્ણય બદલવો પડ્યો છે. શહેરના વચ્ચે આવેલ ઇન્દોર સ્ટેડિયમ ખાતે સભા કરવામાં આવશે.
ગાઝિયાબાદ પોલીસે હાઇ-પ્રોફાઇલ સૂર્યા ચૌહાણ હત્યા કેસના મુખ્ય આરોપી અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. 17 વર્ષના સૂર્યા પ્રતાપ ચૌહાણને ચાકુ મારીને હત્યા કરનાર અસદ માટે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આણંદના અડાસ ખાતે ગઈકાલે થયેલ રેલવે બ્રિજ દુર્ઘટના મામલો વડોદરા DRM રાજુ ભડકે એક્શનમાં આવ્યા છે. મારા નિરીક્ષણ મુજબ બ્રિજનો ભાગ પડવો જોઇતો નહોતો તેમ વડોદરાના ડીઆરએમ એ જણાવ્યું હતું. અંદાજે 50 કરોડની કિંમતે બનાવાઇ રહ્યો છે બ્રિજ . ટેક્નીકલ કમિટી, ચીફ ઇન્જીનીયર, ડેપ્યુટી ઇન્જીનીયર સહિતની ટીમ કરશે તપાસ. રેલવે મંત્રાલયે મામલાને ગંભીરતાથી લીધો છે, બનાવ અંગે તપાસ કરાશે . કેવી રીતે બન્યુ અને કોણ જવાબદાર છે ત્યારે દોષિત સામે કાર્યવાહી. અન્ય કેટલાંય સ્થળોએ પણ બ્રિજની કામગિરી યથાવત ત્યારે ત્યાં પણ ચકાસણી કરાશે. અડાસ પાસે રેલવે બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટના અંગે વડોદરા ડિવિઝનના DRM રાજુ ભડકેનું સત્તાવાર નિવેદન. દુર્ઘટનાની ગંભીરતાને જોતા DRM સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. બ્રિજની કામગીરીમાં ‘શું કરવું જોઈતું હતું અને વાસ્તવમાં શું થયું?’ તે તમામ પાસાઓની કરાશે તટસ્થ તપાસ. ઘટના પાછળના કારણો અને ટેકનિકલ બાબતોની સંપૂર્ણ ચકાસણી કરીને ટૂંક સમયમાં જ રેલવે મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવશે.
સુરેન્દ્રનગરના થાનગઢ રૂપાવટી રોડ પર એક યુવક પર કરાયું ત્રણ રાઉન્ડ ફાયરિંગ. બાઇક પર જતા યુવક ઉપર અજાણ્ય શખ્સે પાછળથી કર્યુ ફાયરિંગ. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. રૂપાવટી ગામનો યુવક દુધ ભરી બાઇક પર પસાર થતો હતો ત્યારે પાછળથી કોઇ અજાણ્યા આરોપીઓ એ ફાયરિંગ કરતા યુવક ઇજાગ્રસ્ત થયો છે.
વડોદરા ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ રીઢા આરોપી શુભમ ઉર્ફે લક્કીને ઝડપી પાડ્યો. આરોપી એમડી ડ્રગ્સનું વેચાણ કરતો અને નાણાં પોતાની ગર્લફ્રેન્ડના બેંક ખાતામાં મંગાવતો હતો.
ધરપકડથી બચવા આરોપીએ મોબાઈલ વાપરવાનું બંધ કર્યું હતું અને વારંવાર રહેઠાણ બદલતો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ ધાડ, આર્મ્સ એક્ટ, મારામારી અને તડીપાર ભંગ જેવા. અનેક ગંભીર ગુનાઓ સુરતના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપીને ઝડપી વડોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથધરી છે.
રાજકોટના જસદણના નવાગામની યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી. ખેડાના કઠલાલ ગામના પંકજ ડાભી સાથે સોશિયલ મીડિયો મારફતે મિત્રતા થઇ હતી. 7 મહિના સુધી વાતચીત બાદ મનમેળ ન થતા યુવતીએ સંપર્ક તોડી બ્લોક કર્યો. યુવતીએ વાતચીત બંધ કરતા પંકજ ડાભીએ બે અલગ Instagram ID બનાવી યુવતીના ફોટા સાથે અભદ્ર પોસ્ટ અને સ્ટોરી મૂકી બદનામ કરવાનું શરૂ કર્યું. વિવિધ મોબાઇલ નંબર પરથી ફોન કરી યુવતીને ધમકીઓ આપી જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરતો હતો. સંબંધ ન રાખે તો સતત હેરાન-પરેશાન અને બદનામ કરવાની ધમકી આપતો હતો. યુવતીએ પંકજ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસે છત્રાલ GIDC માં ગોડાઉન ભાડે રાખી છુપાવેલા દારૂ ના જથ્થાને ઝડપી લીધો. છત્રાલમાં આવેલ એરાઈશ એસ્ટેટ ફેઝ 4 ના પ્લોટ નંબર C 51 માં રેડ કરતા અંદાજે 2640 બોટલો, મોબાઇલ અને કાર સહિત કુલ 11.59 લાખ નો મુદામાલ ઝડપી લીધો. પોલીસે આ રેડ દરમિયાન મુદ્દામાલ સાથે રાજસ્થાન ના એક શખ્સ ને પણ આબાદ ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કલોલમાં એક બાજુ પોલીસની કાર્યવાહી છતાંય બીજી બાજૂ બૂટલેગરો યેન કેન રીતે અંગ્રેજી દારૂના વેપલા કરી રહ્યા છે.
અમદાવાદમાં હેલ્થ વિભાગનો સપાટો. 27 વેપારી એનાલોગ પનીર વેચતા ઝડપાયા. સાત પાણીપુરીના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત કલરનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું. પાણીપુરીના 86 નમૂનામાંથી સાત નમૂના કેમિકલ યુક્ત પ્રતિબંધિત ફૂડ કલર મળી આવ્યો. મે મહિનામાં 1464 એકમોની તપાસ કરી 10.51 લાખનો દંડ વસુલાયો. કુલ 28 એકમોના નમુના અપ્રમાણિત આવ્યા. 21 નમુના સબ સ્ટાન્ડર્ડ અને સાત નમૂના સંપૂર્ણપણે અનશેફ જાહેર કરાયા.
પાણીપુરીનું પાણી, રગડો, હળદર, કેરીનો રસ, આઈસ્ક્રીમ, બટર, પનીર, માવો, મિલ્ક શેક અને ચીઝ સહિતના સેમ્પલો લેવાયા હતા.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં, એક કાર 500 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ઘટનામાં વાહનમાં મુસાફરી કરી રહેલા આઠ લોકોના મોત થયા છે.
નવસારી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટાબાદ વરસાદ પડ્યો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા. અચાનક બદલાયેલા વાતાવરણથી વરસાદ અને ઠંડક પ્રસરી. ઉકળાટ અને ગરમીથી વરસાદના કારણે આંશિક રાહત.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ વરસ્યો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદ. દિવસભર ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ વરસતા રાહત.
સાબરકાંઠા જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ
વડાલી 22 મીમી.
ખેડબ્રહ્મા 18 મીમી.
વિજયનગર 14 મીમી.
ઇડર 10 મિમી.
હિંમતનગર 09 મીમી.
અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ અને માલપુર વિસ્તારમાં પણ મધ્યરાત્રીએ વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ દરમિયાન વીજળી ગૂલ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન વચ્ચે દાહોદ, ઝાલોદ ફતેપુરા સહિતના પંથકમાં વરસાદ ખબાક્યો હતો. વરસાદને પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. વરસાદ શરૂ થતાં જ દાહોદ શહેરના અનેક વિસ્તારોની લાઈટો બંધ થતાં લોકો પરેશાન થયા હતા.
વડોદરા શહેરમાં રાત્રે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાયો. વાતાવરણમાં બદલાવથી ગરમીનો મિજાજ થયો ઠંડો. વરસાદી માહોલથી લોકોને ગરમીમાંથી મળી રાહત.
મહીસાગર જિલ્લામાં મધરાત્રે વરસ્યો સાર્વત્રિક કમોસમી વરસાદ. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર, વીરપુર,કડાણા, ગોધર, કોઠંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતાની સાથે જ લાઈટો થઈ ડૂલ. પ્રથમ વરસાદે જ mgvcl ની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલવા પામી છે.
Published On - 7:20 am, Sun, 31 May 26