આજે 31 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પંચમહાલ ડેરી દ્વારા વર્ષ 2025ની અંતિમ સંધ્યાએ પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે કરાઈ મોટી જાહેરાત. પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને અપાઈ નવા વર્ષની ભેટ. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અઢી લાખ કરતાં વધુ દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવતાં ખરીદ ભાવમાં આવતી કાલથી પ્રતિ કિલો ફેટ 25 રૂપિયા વધારો ચૂકવવા કરાઈ જાહેરાત. ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા પશુપાલકોના આર્થિક વિકાસના હિતમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. હાલ પંચમહાલ ડેરીના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દૂધની ખરીદીના 840 રૂપિયા ચુકવવામાં આવે છે. આવતી કાલે 1 જાન્યુઆરીથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 865 રૂપિયા ચુકવવામાં આવશે. પંચમહાલ ડેરીના દૂધ ઉત્પાદકોમાં કેલેન્ડર વર્ષની અંતિમ સંધ્યાએ ચેરમેન દ્વારા લેવાયેલા નિર્ણયને લઈ વ્યાપી ખુશી.
વાવ થરાદના થરાદ અને ભાભર શહેરમાં કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ આવ્યો વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યા બાદ, કમોસમી વરસાદ વરસ્યો હતો. વધુ પડતો વરસાદ પડશે તો થશે ખેતી પાકોને નુકસાન. જીરું રાયડુ એરંડા સહિતના પાકોને માવઠાના કારણે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ભાભર અને થરાદ તાલુકાના ખેડૂતો માટે 2025નું વર્ષ કઠણાઈ ભર્યું રહ્યું છે. આફત પર આફત આવી છે. 2025ના અંતિમ દિવસે પણ માવઠું પડતા 2025નું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક વર્ષ રહ્યું છે.
જૂનાગઢના ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે રાહત સહાય મેળવવાનું કૌભાંડ અંગે VCE સામે ગુનો નોધાયો છે. ભેસાણના ખજૂરી હડમતીયા ગામની ઘટના બની છે. DDO એ તપાસના આદેશ આપતા 30 ખેડૂતોના ફોર્મમાં વિસંગતતા જોવા મળી હતી. છ ખેડૂતો હયાત નથી મરણ પામેલ છે, છતા તેમના નામની પણ સહાય મેળવવાની અરજી થઈ છે તેવું પણ બહાર આવ્યું છે. ખજૂરી હડમતીયાના VCE એ રૂ.9.49 લાખની છેતરપીંડી કરવાની કોશિષ કરી હોવાનો ગુનો ભેસાણ પોલીસે દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વર્તમાન DGP વિકાસ સહાય આજે વયનિવૃત થતા, ડોકટર કે. લક્ષ્મી નારાયણ રાવને બીજો આદેશ ના થાય ત્યા સુધી ગુજરાત રાજ્યના DGPની ફરજો સોંપવામાં આવી છે. આ આદેશમાં ડોકટર કે એલ નારાયણ રાવને ઈન્ચાર્જ DGP બનાવવામાં આવ્યા છે.
વડોદરાનુ મકરપુરામાં પોલીસ સ્ટેશન ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંજય ડાહ્યાભાઈ પરમાર નામના ઈસમે ફિનાઇલ પીધુ હતું, પોલીસે ફરિયાદ ના નોંધતા હોવાનો આક્ષેપ કરીને ફિનાઈલ પી લીધું.
પોલીસે સ્ટેશનમાં ફરિયાદીને ડરાવી ધમકાવીને ફિનાઇલ પીવા ઉશ્કેર્યાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. એસએસજી હોસ્પિટલમાં પણ સારવાર દરમિયાન પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદીએ એસએસજી હોસ્પિટલના સીસીટીવી ચેક કરવા પણ માંગ કરી છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં રોંગ-સાઈડમાં કાર ચલાવવાની બાબત હિંસક અથડામણમાં ફેરવાઈ હતી. ઉત્રાણ વિસ્તારની ગોવિંદ પાર્ક સોસાયટી નજીક રોંગ સાઈડ કાર ચલાવવા બાબતે ટોકતા ત્રણ મિત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. કારચાલકે, તેના ભાઈ સાથે મળી હાથના કડાથી માથું ફોડ્યુંને પછી ચપ્પુ ફેરવતા ત્રણેયની ગંભીર ઇજા પહોચી હતી. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંને સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. બંને ભાઈ કરણભાઈ મીઠારામ સપકાળે અને શીવા મીઠારામ સપકાળેની ધરપકડ કરી પોલીસે પાઠ ભણાવ્યો હતો. જે જગ્યા પર રોફ જમાવ્યો હતો ત્યાં લઈ જઈને કાયદાનો પાઠ ભણાવ્યો.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે, ગુજરાત સરકાર ખેડૂતોના હિતની વાત કરે તેમને જેલમાં પુરવાનું ષડયંત્ર રચી રહી છે. AAP નેતા હરેશ સાવલિયા વિરુદ્ધ ખોટો કેસ કરવામાં આવ્યો છે. જેલમાં હરેશ સાવલિઆ વિરુદ્ધ ષડયંત્ર કરીને અન્ય કેદીઓ પાસે માર મરાવ્યો છે વધુ એક FIR કરવામાં આવી છે. ગુજરાતમાં અનેક અધિકારીઓ ટોમી બનીને હર્ષ સંઘવીનું કામ કરે છે. અગાઉ પ્રવીણ રામ અને રાજુ કરપડાં પર કેસ કરવામાં આવ્યો હતો. ચારે તરફ ગુંડા રાજ છે, ગુંડાઓને પકડતા નથી પરંતુ ખેડૂતનો અવાજ ઉઠાવનાર સામે કાર્યવાહી થાય છે. આજે મને અને પ્રવીણ રામના પરિવારને જેલમાં મળવા દેવામાં આવ્યા નથી.
પંચમહાલના ગોધરા શહેરમાં રખડતા શ્વાને કહેર વર્તાવ્યો છે. સોસાયટી આંગણે રમતા 12 વર્ષના બાળક પર રખડુ શ્વાને હુમલો કર્યો હતો. ગોધરાની દર્શન ટ્રેનામેન્ટ પંચવટી સોસાયટી વિસ્તારમાં આ બનાવ બન્યો છે. માસૂમ બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. બાળકને ગોધરા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપયા બાદ વધુ સારવાર માટે વડોદરા SSG ખાતે ખસેડવામાં આવ્યો છે. રખડતાં શ્વાન હુમલાને લઇ સોસાયટી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીને અનુરૂપ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સવારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ, બપોર બાદ રાજકોટસ જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં શિયાળામાં વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ચેલા-ચાંગા તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા.
રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. જીરું ઘઉ સહિતના શિયાળુ પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતી છે.
કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના ભીરંડીયારા પાસે પણ ભારે કમોસમી વરસાદ નોંધાયો છે. ભુજ ખાવડા નેશનલ હાઇવે પર પાણી વહી નીકળ્યા હતા. કમોસમી વરસાદના પગલે વાહન વ્યવહાર પર અસર પડી હતી. ભરશિયાળે કમોસમી વરસાદમાં લોકો પલળતા ભારે હાલાકી સર્જાઈ હતી. બે દિવસ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી લઇ માંદગી વધારો થવાની શક્યતા છે.
દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદને પગલે યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ બાદ વરસ્યો વરસાદ. ઝરમર ઝરમર કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. ઓખા, બેટ દ્વારકામાં પણ વાદળો છવાયા હતા. કમોસમી વરસાદની શક્યતાઓ છે. દ્વારકામાં કમોસમી વરસાદ વરસતા શ્રદ્ધાળુઓ પણ હેરાન પરેશાન થયા છે.
નવા વર્ષને આવકારવા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 17 જાહેર આયોજન કરવામાં આવ્યા છે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અલગ અલગ થીમ પર ક્લબ-પાર્ટી પ્લોટમાં આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદની જાણીતી કર્ણાવતી અને રાજપથ કલબમાં કોઈ જાહેર આયોજનો કરવામાં આવ્યા નથી. ખાણીપીણી અને મ્યુઝિક ડાન્સ સાથેના આયોજનો કરાયા છે. નશીલા દ્રવ્યોનું સેવન કરી લોકો ના પહોંચે એ માટે ક્લબોમાં બ્રીથ એનેલાઇઝરથી તપાસ કરાશે. અમદાવાદના સિંધુભવન અને સીજી રોડ વાહન ચાલકો માટે બંધ રહેશે.
અમદાવાદના વસ્ત્રાલમાં RAF કેમ્પ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એકનુ મોત થયું છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 44 વર્ષીય વ્યક્તિનું થયું મોત. શ્રવણકુમાર જગન્નાથ ચૌધરી નામના પુરુષનું મોત થયું છે. અજાણ્યા વાહન ચાલક હિટ એન્ડ રન કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. ટ્રાફિક I ડિવિઝન પોલીસે, અકસ્માતથી મોત નોંધીને તપાસ શરૂ કરી છે.
નવસારીના વિજલપોરમાં દિનદહાડે દેશી તમંચા સાથે સગીર ઝડપાયો છે. ઘેલાખડી પાટિયા ખાતે એક યુવાન અને સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. સગીર બોલાચાલીમાં તમંચો કાઢતા તેને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો.
સ્થાનિકોએ તેને ઝડપી તપાસ કરતા જીવતા કારતુસ પણ મળી આવ્યા. સમગ્ર મામલે એસ ઓ જી પોલીસે સગીરની અટકાયત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છના ચોબારી, રામવાવ, મનફરા, કણખોઇ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ભરશિયાળામાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરુ, રાયડો, ઈસબગુલ સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે.
જૂનાગઢ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર કેટલાક કેદીઓએ ભેગા થઈને હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હરેશ સાવલિયા અને અન્ય કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા હતા. જ્યા બન્ને હરેશ સાવલિયા અને અન્ય કેદીઓએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જિલ્લા જેલ અધિક્ષકનું કહેવું છે કે, કોઈ ચર્ચા દરમિયાન ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. ત્યાર બાદ તે મારામારીમાં વ્યાપ્યો હતો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા. બાદમાં, તેઓ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રતિષ્ઠા દ્વાદશી સમારોહમાં હાજરી આપશે, જે રામ લલ્લાના અભિષેકની બીજી વર્ષગાંઠ નિમિત્તે યોજાશે.
નવસારીઃ મનપાની ગૌશાળામાં ગાયોની અવદશા જોવા મળી રહી છે. મૃત ગાયને શ્વાન ખાતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. મનપાએ બનાવેલી કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોત થયા. 3 મહિનામાં 20 ગાયોના મોત થયાનો દાવો છે. હજુ પણ 15થી વધુ ગાયો બીમાર હોવાનો આરોપ છે. ગૌરક્ષકોએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સુરત LCBએ મહારાષ્ટ્રની પારધી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવતી હતી. સુરત રેલવે સ્ટેશન પર એક ચોરી થઈ, અને ત્યાર બાદથી પોલીસ આ ગેંગને શોધી રહી હતી. આ ગેંગ પકડાતા જ 15 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.. આરોપીઓ પાંડેસરામાં ઝુંપડામાં રહેતા હતા, અને ચોરી કર્યા બાદ ફરાર થઈ ગયા. આ ગેંગમાં 4 બાળકીઓ છે. ભીડભાડવાળી જગ્યા પર ખાસ ચોરીને અંજામ આપતા. આરોપીઓએ સોનાના દાગીના વેચી નાખી સોનાની લગડી બનાવી હતી, જેને પોલીસે રિકવર કરી છે.
રાજકોટમાં ચાંદીના રેકોર્ડબ્રેક ભાવને કારણે સરાફા બજારમાં ભારે ખળભળાટ મચ્યો છે અને સામાકાંઠા વિસ્તારમાં આવેલી અંદાજે 44 પેઢીઓ કાચી પડ્યાની ચર્ચા તેજ બની છે. દુબઈ, અમદાવાદ અને ઈન્દોરમાંથી આવતી ચાંદીના સોદાઓમાં ભારે ભાવફેર થતા વેપારીઓ પર મોટો નાણાકીય બોજ આવી પડ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ચાંદીમાં ભાવફેરના અંદાજે 3,600 કરોડ રૂપિયા ચૂકવવાની સ્થિતિ ઊભી થતાં અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શુક્રવાર અને શનિવારે સામાકાંઠા વિસ્તારમાં યોજાયેલી બેઠકોમાં પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓનો અગાઉ અંદાજ હતો કે ચાંદીનો ભાવ 1.50 લાખ સુધી જશે, પરંતુ ભાવ સીધો 2.50 લાખ સુધી પહોંચી જતા ઉભડક કરાયેલા સોદાઓમાં ભાવફેર ચૂકવવા વેપારીઓને ભારે ફાંફા પડી રહ્યા છે. કેટલીક પેઢીઓએ તો હાથ ઉંચા કરી દીધા હોવાની પણ ચર્ચા બજારમાં ચાલી રહી છે.
કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ભૂજ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં માવઠું થયુ. નખત્રાણાના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો. શિયાળા દરમ્યાન કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
રાજકોટઃ ઉપલેટા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કલ્પેશ ધંધુકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જિલ્લા ભાજપ પ્રમુખે ઉપ પ્રમુખ વિરૂદ્ધ કાર્યવાહી કરી. કલ્પેશ ધંધુકિયાએ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોંગ્રેસનો ખેસ પહેરતા ભાજપે હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા.
સુરત: સ્પાની આડમાં દેહ વેપારનાં વેપલાનો પર્દાફાશ થયો છે. 3 મહિલાઓને મુક્ત કરાવાઇ, 1 શખ્સની ધરપકડ થઇ. રાંદેરનાં જહાંગીરબાદનાં ગ્રીન એરિસ્ટો શોપિંગ કોમ્પલેક્ષમાં દરોડા પાડવામાં આવ્યા. મુંબઈ અને મહારાષ્ટ્રથી યુવતીઓને લાવી દેહવ્યાપાર કરાવાતો. પોલીસ ટીમે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો.
સુરતઃ ખાખીની સાયબર માફિયાઓ સાથે મિલીભગતનો ખુલાસો. કોન્સ્ટેબલોની માફિયા પ્રતિક સાથે સંડોવણીના ખુલાસા બાદ કાર્યવાહી થઇ. પોલીસ કમિશનરે સંડવણી બદલ 4 કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી કરી. પ્રતિક વસાવાના મોબાઇલમાંથી કોન્સ્ટેબલો સાથેના વીડિયો મળ્યા હતા.
મોરબી: ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું. ‘વન વીક વન રોડ’ હેઠળ દબાણ હટાવવાની કાર્યવાહી કરાઇ. નાની કેનાલ રોડ અને પંચાસર રોડપાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દ્વારકા: ભરશિયાળે જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો. ઠંડી વચ્ચે માવઠું પડતા ફરી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. માવઠાથી રવિ પાકને નુકસાનની ભીતિ છે.
સુરતઃ કોસંબા નજીક હીટ એન્ડ રનની ઘટનામાં 2 મોત થયા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર બન્ને યુવકો રોડ પર પટકાયા. ગંભીર ઈજાઓને કારણે બન્ને લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થયો.
ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 66 થી વધુ લોકો બીમાર પડીને હોસ્પિટલમાં દાખલ થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે. મુખ્યમંત્રી મોહન યાદવે તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી અને તેની આસપાસ દોડતી 104 થી વધુ ટ્રેનો મોડી પડી છે, જ્યારે બે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
રાજકોટમાં આંગણવાડી કેન્દ્રમાં અપાતા પોષણ અનાજને સગેવગે કરવાની શંકા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. CDPO દ્વારા સમયસર કાર્યવાહી કરીને આંગણવાડી કેન્દ્રમાંથી અનાજ લઈ જતી એક રિક્ષાને પકડી લેવામાં આવી હતી. શાળા નંબર 78માં આવેલા આંગણવાડી કેન્દ્ર બહાર થયેલી કાર્યવાહીમાં બાળશક્તિની 17 બોરી, માતૃશક્તિની 7 બોરી અને પૂર્ણાની 12 બોરી સહિત કુલ 26 હજાર રૂપિયાથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અનાજ સગેવગે કરવાના સંભવિત કૌભાંડમાં કોણ સંડોવાયેલું છે તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર: આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. લગ્ન નોંધણીના સુધારેલા નિયમો કેબિનેટમાં મૂકાઈ શકે છે. કેબિનેટમાં લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને અપાઈ શકે મંજૂરી. PM મોદીના ગુજરાતના પ્રવાસની તૈયારીઓ અંગે બેઠકમાં થશે ચર્ચા. કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેશે PM. આગામી બજેટની તૈયારીઓ અને સમીક્ષા અંગે થશે ચર્ચા. ચાલુ બજેટનાં પડતર નાણાં અંગે કેબિનેટમાં સમીક્ષા થશે. રવિ સીઝનમાં પાક વાવેતર અને સિંચાઈના પાણી અંગે ચર્ચા થઈ શકે.
સરકારે જણાવ્યું છે કે 4.18 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્ર સાથે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. તે 2030 સુધીમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. સતત મજબૂત વૃદ્ધિના આંકડાઓ સાથે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર પણ છે. 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક GDP 8.2 ટકા વધ્યો છે, જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા અને પાછલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા હતો.
નવા વર્ષની ઉજવણી માટે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉમટ્યા છે. પહલગામ હાલ પ્રવાસીઓના થનગનાટથી ગુંજી ઉઠ્યું છે. બરફવર્ષા અને ઠંડીને માણવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુલમર્ગ સહિતના પહાડી વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રવાસને ફટકો પડ્યો હતો અને માહોલ ગમગીન હતો પરંતુ નવા વર્ષ પહેલા પ્રવાસીઓની ભીડ ઉમટતા હવે પ્રવાસન ક્ષેત્ર સારા સંકેત મળી રહ્યા છે. પહલગામનો નજારો જોઈને પ્રવાસીઓએ કંઈક આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
સમગ્ર ગુજરાતમાં વાયુ પ્રદુષણનું ભયાનક સ્તર પર પહોંચ્યુ. અમદાવાદમાં AQI 339 પર પહોંચ્યો. અનેક વિસ્તારોમાં AQI ખરાબ કક્ષાએ પહોંચ્યો. જુહાપુરામાં AQI 463 પર પહોંચ્યો. ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી પણ ઘટી.
આ નવા વર્ષમાં ઓનલાઈન ડિલિવરી સંકટનો સામનો કરી રહી છે. આજે સમગ્ર ભારતમાં ગિગવર્કર્સ હડતાળ પર રહેશે.
Published On - 7:30 am, Wed, 31 December 25