30 જુલાઈના મહત્વના સમાચાર : રાજ્યના 159 તાલુકામાં વરસાદ, અબડાસામાં 4 ઈંચ વરસાદ નોંધાયો

Gujarat Live Updates : આજે 30 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

30 જુલાઈના મહત્વના સમાચાર : રાજ્યના 159 તાલુકામાં વરસાદ, અબડાસામાં 4 ઈંચ વરસાદ નોંધાયો
| Edited By: | Updated on: Jul 30, 2024 | 8:22 PM

ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આજથી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદને પણ મેઘરાજા ધમરોળશે.  રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા માટે તંત્રના નિયમો કડક કરાયા છે. આજે કલેક્ટરની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક મળશે. લોકમેળાનું કદ નાનું કરવા અંગે મોટો નિર્ણય લેવાઇ શકે. ખેડાના ઠાસરાના ધૂણાદરામાં કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. ભીના હાથે સ્વીચને અડતા કરંટ લાગ્યો હતો. બચાવવા જતા અન્ય 2 લોકો પણ મોતને ભેટ્યા છે.  અમદાવાદના મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટને  સીલ કરવામાં આવી છે. ભોજનમાંથી જીવાત નીકળતા AMCએ કાર્યવાહી કરી છે. ગ્રાહકે મગાવેલા ટિફિનમાંથી ઇયળ નીકળી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jul 2024 07:56 PM (IST)

    રાજ્યના 143 તાલુકામાં વરસાદ, અબડાસામાં 4 ઈંચ વરસાદ નોંધાયો

    આજે 30મી જુલાઈને મંગળવારના રોજ, સવારના છ વાગ્યાથી સાંજના ચ વાગ્યા સુધીના બાર કલાકમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના સરસ્વતીમાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

  • 30 Jul 2024 07:51 PM (IST)

    રાજકોટમાંથી બોગસ ડોકટર ઝડપાયો

    રાજકોટ શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ પર આવેલ ફાડગંદ ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. હર્ષદભાઈ ઉર્ફ કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયા નામનો શખ્સ ઝડપાયો છે. છેલ્લા એક વર્ષથી ડોકટર બનીને કરતો હતો લોકોના આરોગ્ય સાથે ચેડા. ભાડાના મકાનમાં ચલાવતો હતો ક્લિનિક. એસઓજીએ હોસ્પીટલના સાધનો, એલોપિથીક દવાઓ, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કર્યો કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • 30 Jul 2024 05:32 PM (IST)

    અમદાવાદમાં ગણેશજીની મૂર્તિ 9 ફૂટ સુધીની જ બનાવી શકાશે

    ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહિ બનાવી શકાય જ્યારે પીઓપીથી બનેલી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટની જ હોવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવા જણાવાયું છે.

  • 30 Jul 2024 05:11 PM (IST)

    જૂનાગઢ શહેરમાં 397 કરોડના 91 વિકાસ કાર્યો આકાર પામશે

    જૂનાગઢ શહેર માટે રાજ્ય સરકારે રૂપિયા 397 કરોડના 91 વિકાસ કાર્યોને મંજૂરીની મહોર મારી છે. જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રૂ. 397.87 કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.

  • 30 Jul 2024 04:26 PM (IST)

    કચ્છમાં વરસાદ, અબડાસા-નલિયામાં 4 ઈંચ

    કચ્છના અબડાસા અને નલિયામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. નલિયામાં બપોરના 2 વાગ્યા સુધીમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો અબાડાસામાં 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. માંડવીમાં અઢી ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. લખપતમાં પણ સવા ઈંચ વરસાદ વરસતા ખેડૂત અને પશુપાલકો ખુશ થયા છે.

  • 30 Jul 2024 04:00 PM (IST)

    કોંગ્રેસ ન્યાય યાત્રા યોજીને મોરબી પુલ હોનારત, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, થાનના પીડિતોને આપશે વાચા

    ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાયયાત્રા યોજાશે. પ્રથમ ન્યાય યાત્રા, ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી યોજવામાં આવશે. જે મોરબી, રાજકોટ, ચોટીલા થઈને વિરમગામના રૂટ પર યોજવામાં આવશે. આ ન્યાય યાત્રામાં, મોરબી પુલ હોનારત, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, થાનના પીડિતોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરાશે. ન્યાય યાત્રામાં જોડાવવા માટે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. બીજા તબક્કાની ન્યાય યાત્રા દક્ષિણ ગુજરાતના સુરતથી કાઢવામાં આવશે.

  • 30 Jul 2024 03:41 PM (IST)

    સુરતના સગરામપુરા તલાવડી પાસે 50 વર્ષીય બિલ્ડરની જાહેરમાંં હત્યા

    સુરતના સગરામપુરા તલાવડી પાસે 50 વર્ષીય બિલ્ડરની જાહેરમાંં હત્યા કરવામાં આવી છે. 50 વર્ષીય આરીફ કુરેશીની લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી છે. તલાવડી ખાતે આવેલ હિદાયત મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. બિલ્ડર આરીફની જુના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

  • 30 Jul 2024 03:10 PM (IST)

    ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

    ગુજરાત ઉપર હજુ પણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનુ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફસૉર ટ્રફ અને શિયરઝોનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 30 Jul 2024 03:05 PM (IST)

    ભાજપનો કેસરી ખેસ પહેરો અને ગુના આચરો- કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના શાબ્દિક ચાબખા

    ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે, ભાજપનો કેસરિયા ખેસ પહેરો અને ગુના આચરો જેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે. કાર ભાડે આપવાના બહાને ગીરે મુકીને છેતરપિંડી કરવામાં ભાજપના કાર્યકર પકડાય છે. રાજકોટમાં દુષ્કર્મના કેસમાં ભાજપના કાર્યકરો ઝડપાયા છે. ડ્રગ્સ મામલે પણ ગુજરાત હવે ઉડતા ગુજરાત બની રહ્યું છે. ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ ઝડપાય છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઉતારાય છે.

     

     

  • 30 Jul 2024 01:55 PM (IST)

    ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઇ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે 10 હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા રૂ. 150 કરોડની મહત્વ ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

  • 30 Jul 2024 01:53 PM (IST)

    અમદાવાદ: શ્યામલ વિસ્તારમાં તસ્કરનો આતંક

    અમદાવાદના પોશ ગણાતા શ્યામલ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી એક તસ્કરે દુકાન માલિકોની ઉંઘ હરામ કરી દીધી છે.ગત 21 તારીખના રોજ એક તસ્કરે એક સાથે 4 દુકાનોના શટર તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.આ અંગે દુકાન માલિકોએ પોલીસને જાણ કરી હતી પરંતું પોલીસે ફરિયાન નોંધી ન હતી.ત્યારે ફરીવાર આજ તસ્કરે એક ફુડ કોર્ટનુ શટર તોડી અંદરથી ગેસના સિલેન્ડરની ચોરી કરી હતી.ત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે જેથી આવી ચોરીની ઘટનાઓ અટકે.

  • 30 Jul 2024 01:33 PM (IST)

    પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો વધુ એક મેડલ

    ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ આ મેચ 16-10થી જીતી હતી.મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ભારતને વધુ એક મેડલ જીતાડ્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ગઈ છે. મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને 16-10થી પરાજય આપ્યો હતો.

  • 30 Jul 2024 12:47 PM (IST)

    દાહોદ: ઘાનપૂરના રતનમહાલ અભયારણ્યમાં આવેલ નલધા ધોધ સક્રિય

    દાહોદ: ઘાનપૂરના રતનમહાલ અભયારણ્યમાં આવેલ નલધા ધોધ સક્રિય થયો છે. ઉપરવાસમાં વરસાદ વરસતા ધોધ વહેવાનો શરૂ થયો છે. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.  આ ધોધ સહેલાણીઓમાં અનેરું આકર્ષણ જન્માવી રહ્યો છે.

  • 30 Jul 2024 12:45 PM (IST)

    કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ખતરનાક ભૂસ્ખલન

    કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ખતરનાક ભૂસ્ખલન થયું. જેમાં 100થી વધુ લોકો ફસાયા. તો મોતનો આંક સતત વધી રહ્યો છે. હાલ 42થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે.. તો લોકોને બચાવવા માટે બચાવ કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. મંગળવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ આ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું.

  • 30 Jul 2024 12:22 PM (IST)

    સુરત: પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ

    સુરત: પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાને લઈ યુથ કોંગ્રેસ વિરોધ કરી રહ્યુ છે. શહેરમાં ઠેર ઠેર ખાડા અને રોડનું ધોવાણ થતા હાલાકી પડી રહી છે. રોડ પર પડેલા ખાડા માં BJP ના ધ્વજ લગાવી વિરોધ કરાયો.

  • 30 Jul 2024 11:39 AM (IST)

    દાહોદ: યુથ કોંગ્રેસ તાલુકા પ્રમુખના ઘરેથી દારૂ પકડાયો

    દાહોદ: યુથ કોંગ્રેસ તાલુકા પ્રમુખના ઘરેથી દારૂ પકડાયો છે. પોલીસે બાતમીના આધારે ટીડોરી ફળીયામાં  કાર્યવાહી કરી છે. પોલીસે 5 હજારનો મુ્દ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. તાલુકા યુથ કોંગ્રેસનો પ્રમુખ પહેલા TRBમાં નોકરી કરતો હતો. વાહન ચાલકો પાસે પૈસાની ઉઘરાણી કરતો હોવાથી ફરજ મુક્ત કર્યો હતો.

  • 30 Jul 2024 10:57 AM (IST)

    અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અધિકારીઓમાં દોડધામ

    અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અધિકારીઓમાં દોડધામ છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યુ છે. નારોલ CETP માંથી નદીમાં સતત પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. પ્રદૂષિત પાણી રોકવામાં હજુ પણ AMC અને GPCB નિષ્ફળ રહ્યા છે. CETP આઉટલેટમાંથી સાબરમતી નદીમાં સતત  પ્રદૂષિત પાણી ઠલવાઇ રહ્યુ છે. તાત્કાલિક પ્રદૂષિત પાણી બંધ કરવાના આદેશ અપાયા છે. આદેશ બાદ પણ નદીમાં પ્રદૂષિત પાણીની સતત આવક યથાવત છે.

  • 30 Jul 2024 10:24 AM (IST)

    અરવલ્લી: વરસાદને કારણે મુલોજમાં ગરનાળુ ધોવાયું

    અરવલ્લી: વરસાદને કારણે મુલોજમાં ગરનાળુ ધોવાયું છે. એક માસ પહેલા જ બનાવવામાં આવેલું ગરનાળું ધોવાયુ છે. ભારે વરસાદ દરમિયાન ગરળાળું ધોવાઈ જતા રસ્તો બંધ થયો છે. સ્થાનિકોને અવર જવર માટે ભારે હાલાકી સર્જાઇ છે. નબળી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

  • 30 Jul 2024 10:14 AM (IST)

    પાટણ: જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

    પાટણ: જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગામોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ છે.

  • 30 Jul 2024 09:33 AM (IST)

    મહેસાણા: એક જ પરિવારના ત્રણ સભ્યોનો આપઘાતનો પ્રયાસ

    મહેસાણા: એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કડીની કરણનગર કેનાલમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતા અને બે પુત્રો કેનાલમાં ડૂબ્યા હતા. સ્થાનિકોએ 4 વર્ષના એક બાળકને બચાવી લીધો છે. પિતા અને અન્ય એક બે વર્ષના બાળકની શોધખોળ ચાલુ છે. કેનાલમાં આપઘાત કરવા અંગેનું કારણ અકબંધ છે. પરિવાર કરણનગર ગામનો બજાણીયાના હોવાનું  સામે આવ્યુ છે.

  • 30 Jul 2024 08:44 AM (IST)

    રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં 3 ઈંચ, 24 તાલુકામાં 2 ઈંચથી વધુ, રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

  • 30 Jul 2024 07:57 AM (IST)

    રાજકોટ: ઇન્સ્ટન્ટ ખીરના પેકેટમાંથી નીકળી જીવાત

    રાજકોટ: ઇન્સ્ટન્ટ ખીરના પેકેટમાંથી જીવાત નીકળી. ગોલ્ડન સુપર માર્કેટમાંથી ગ્રાહકે ખીર બનાવવાનું પેકેટ ખરીદ્યું હતું. ખીર બનાવવાના પાવડરમાં મોટા પ્રમાણમાં જીવાત નીકળ્યાનો મહિલાનો દાવો છે. ઘરે જઇને ખોલતા પેકેટમાંથી જીવાત નીકળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરીને કાયદેસરની કાર્યવાહીની માગ કરાઇ છે.

  • 30 Jul 2024 07:31 AM (IST)

    પાટણમાં સતત બીજા દિવસે મેઘરાજા ધોધમાર વરસ્યા

    સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે. પાટણમાં સતત બીજા દિવસે મેઘરાજા ધોધમાર વરસ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઇ છે. લાંબા સમયની રાહ જોયા બાદ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

  • 30 Jul 2024 07:30 AM (IST)

    ઝારખંડના ચક્રધરપુરમાં મોટી ટ્રેન દુર્ઘટના

    હાવડાથી મુંબઈ જઈ રહેલી હાવડા મેલ ઝારખંડના ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં 18 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા હોવાની આશંકા છે. જોકે, રેલવે અને સ્થાનિક પોલીસે હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ કરી નથી. આ દુર્ઘટના મંગળવારે સવારે લગભગ 3.30 વાગ્યે રાજખારસ્વન અને બડાબામ્બો વચ્ચે થઈ હતી. અકસ્માત સમયે હાવડા મેલ ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડાથી સીએસએમટી મુંબઈ જઈ રહી હતી.

  • 30 Jul 2024 07:28 AM (IST)

    રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

    રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઑફશૉર ટ્રફ સક્રિય  થઇ છે. ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિભારેની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.

Published On - 7:26 am, Tue, 30 July 24