
આજે 30 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદમાં યોગ્ય કામગીરી ના કરવા બદલ પાંચ અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને, નોટિસ ફટકારી છે. એસ ટી પી અને લાઇટ વિભાગના અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવી છે. ડેપ્યુટી સિટી ઇજનેર યુ કે માડિયા, આસિ સીટી ઇજનેર સંજય જેઠવા, આસિ ઇજનેર – રાજેશ પટની અને એમ એચ નિનામા અને લાઇટ વિભાગના અધિકારી એમ કે નિનામાને કારણદર્શક નોટિસ ફટકારી છે.
ગુજરાત વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીએ આજે સોશિયલ મીડિયા એક્સ પર ભાજપની ગેંગવોરના નામે એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં, અમરેલી ભાજપમાં ચાલતી ખેંચતાણ અને ભાજપના પદાધિકારીઓ વિરુદ્ધ શાબ્દિક ચાબખા માર્યા છે.
“”પડદા પાછળનો ખેલ””
પ્રદેશ પ્રમુખની આબરુનુ
જાહેરમા નિલામ થાય છે,
ચેલકાઓના રાજ-ગુરુની
ભારે મોટી ફજેતી થાય છે,
નામોશીનો બદલો લેવા જ
ગુરુ ને ચેલા ભેગા થાય છે,
સ્થાનિક વિરોધીઓની પાંખો કાપવા
અંદરો અંદર ષડયંત્રો રચાય છે,
ઈ કારણે અસલી પત્રની
નકલી ફરીયાદ નોંધાય છે.#ભાજપની_ગેંગવોર https://t.co/KyhQ8EUb0i
— Paresh Dhanani (@paresh_dhanani) January 30, 2025
ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગે ફરીથી મોટી કાર્યવાહી કરી છે. કોબા ગામના સાબરમતી નદીના પ્રતિબંધિત વિસ્તારમાંથી ખનન ચોરી પકડી પાડી છે. એક એસ્કેવેટર સાથે 50લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ભૂસ્તર ટીમે છેલ્લા ત્રણ દિવસથી વોચ રાખી હતી, જે બાદ આજે આ ઓપરેશન પાર પાડી એક વ્યક્તિને ઝડપી પાડીને કાર્યવાહી કરી છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટીમાં કિન્નરોએ આંતક મચાવીને તોડફોડ કરી હતી. હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. કિન્નરોએ કરેલી તોડફોડની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
યજમાન વૃત્તિ અને અગાઉના ઝઘડાની અદાવતમાં કિન્નરોની વચ્ચે અદાવત ચાલી રહી હતી. અદાવતને લઈને તોડફોડ કરાઈ હોવાનું સામે આવ્યું છે. વાડજ પોલીસ મથકે, તોડફોડ કરનારા કિન્નરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વાડજ પોલીસે ગુનો નોંધીને તોડફોડ કરનારા 11 કિન્નરોની અટકાયત કરી છે.
BZ પોન્ઝી સ્કિમ દ્વારા લોકોના કરોડો રુપિયાનું કૌંભાડ કરવાના કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ જિલ્લામાં ઊભા થયેલા વિવાદને લઈને જિલ્લા કલેકટરે મહત્વનો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે, જિલ્લાના વિભાજનને લઈને જે કોઈ નાગરિકને રજૂઆત કે ફરિયાદ કરવી હોય તો, આગામી 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત અધિકારીને કરી શકાય છે. બનાસકાંઠાના ગામ અને તાલુકાના અરજદારો જે તે પ્રાંત અધિકારીને રજૂઆતો કરી શકશે. 2 ફેબ્રુઆરી સુધી લેખિત ફરિયાદ અને અરજી કરી શકશે.
અમદાવાદના વિરમગામમાં વેવાઈ અને વેવાણ વચ્ચેના પ્રેમ સબંધ અને ત્યાર બાદ તેનો કરુણ અંત આવવાનો અનોખો કિસ્સો સામે આવ્યો હતો. વેવાણ સાથે પ્રેમસબંધમાં વેવાઈની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો. વિરમગામમાં વેવાઈ શિક્ષકની જાહેરમાં ઘાતકી હથિયારોથી હુમલો કરીને હત્યા કરાઈ હોવાની ઘટના CCTV માં કેદ થઈ હતી. વિરમગામ ટાઉન પોલીસે 3 વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં મોડી રાતે બે યુવકો પર ઘાતકી હુમલો કરાયો હતો. જેમાં એકનું મોત થયુ તો અન્ય એક ઈજાગ્રસ્ત છે. યુવક નોકરી પુરી કરીને ઘરે જઇ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. જે અંગે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સારોલી વિસ્તારના કુબેરજી માર્કેટમાં આગ લાગી છે. કુબેરજી માર્કેટના આઠમા માળે આગ લાગી છે. ફાયરની 12 ગાડી ઘટના સ્થળે પહોચીને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી છે. કુબેરજી માર્કેટમાં લાગેલી આગને કારણે કાપડનો માલ બળીને ખાક થયો છે. જો કે, સદનસીબે આગને કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી
રાજ્ય સરકાર શ્રી અન્ન મહોત્સવ યોજશે. આગામી 8 અને 9 ફેબ્રુઆરી યોજાશે મિલેટ મહોત્સવ. રાજ્યની 7 મનપા વિસ્તારમાં યોજાશે મિલેટ મહોત્સવ. વર્ષ 2023માં શરૂ થયું હતું મિલેટ મહોત્સવ. રાજ્ય કક્ષાનો મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે.ગત વર્ષે 1.15 કરોડનું મિલેટનું વેચાણ થયું હતું. આ વર્ષે 600 જેટલા મિલેટના સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ વર્ષે પ્રાકૃતિક વેજીટેબલ સ્ટોલ ઉભા કરવામાં આવશે.
Breaking News મહાકુંભના સેક્ટર 22માં ભીષણ આગ લાગી છે. ઘણા પંડાળ બળીને રાખ થઈ ગયા છે.
અમદાવાદ: HMPVનો વધુ એક કેસ સામે આવ્યો છે. ગોતા વિસ્તારમાં HMPVનો કેસ નોંધાયો છે. 4 વર્ષીય બાળક SGVP હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુરત: નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત થયુ છે. મુંબઈથી અમદાવાદ જવાના નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. માંગરોળના સિયાલજ પાટિયા નજીક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતક દંપતી મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વતની છે. સુરતથી પોતાના વતન જતા સમયે દંપતીને અકસ્માત નડ્યો.
સુરતઃ કાપોદ્રામાં ડૉક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ થઇ છે. ફ્લોરલ હોસ્પિટનાં ડૉક્ટર પ્રતીક માવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદી યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યાનો આક્ષેપ છે. ડૉક્ટરને માર માર્યાનો હોવાની વાત પણ સામે આવી છે. ડૉક્ટરને માથામાં ઇજા થતા ICUમાં સારવાર હેઠળ છે. યુવતીએ ડૉક્ટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.
સુરતઃ કીમ રેલવે સ્ટેશન ખાતે 2.5 કલાક સુધી ગુડ્સ ટ્રેન અટકી ગઇ છે. લોકો-પાયલટે શિફ્ટ પુરી થઈ જતાં ટ્રેન ઉભી રાખી દીધી. ગુડ્સ ટ્રેન ઊભી રાખી લોકો પાયલટ નીકળી ગયો. ટ્રેક પર ગુડ્સ ટ્રેન અટકતા અન્ય પેસેન્જર ટ્રેનો અટવાઈ. પેસેન્જર ટ્રેનોને અન્ય ટ્રેક પર ઉભી રાખવાની ફરજ પડી. બીજા લોકો-પાયલટે આવી ટ્રેન રવાના કરી. ગુડ્સ ટ્રેનના લોકો-પાયલટને કારણે મુસાફરોને હાલાકી થઇ.
ચિત્રકૂટ પાસે એક કારનો અકસ્માત સર્જાયો, જેમાં નવસારીની 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. આ ઘટનામાં કારમાં સવાર 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત પછી, ઈજાગ્રસ્ત મહિલાને જલ્દીથી નિકટની હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ગંભીર ઈજાઓના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું. મહિલાના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં ભારે ભીડને પગલે હાલાકી પડી રહી છે. મહાકુંભ મેળાના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. ભૂખ્યા-તરસ્યા અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા છે. પાંચ-પાંચ કલાક સુધી કુંભમેળામાં પ્રવેશ નથી મળી રહ્યો. કુંભમાંથી પરત ફરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની કોઈ જ મદદ ન મળી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
અમેરિકા: વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના બની છે. વિમાનને પોટોમેક નદીમાં ઇમરજન્સી લેન્ડ કરવું પડ્યું. હેલિકોપ્ટરથી ટક્કર થતા દુર્ઘટના સર્જાઇ હતી. વિમાનમાં 60 મુસાફરો સવાર હતા. વિમાન એર કેનેડાનું હોવાનું સામે આવ્યુંછે. વિમાન કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ધાનેરાના જડિયા ગામે રાત્રિ સભા મળી હતી. જેમાં ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા માગ મુકવામાં આવી. માગ નહીં સ્વીકારાય તો વિધાનસભાના ઘેરાવની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે.
વડોદરાના રાજમાર્ગ પર જાહેરમાં મારામારી થઇ છે. વાહન હંકારવાને લઈને મોપેડ ચાલક અને કારચાલક વચ્ચે મારામારી થઇ છે. મારામારીનો વીડિયો વાયરલ થયો છે. નવાપુરા પોલીસે 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટઃ થોરાળમાં નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. પોલીસની ઓળખ આપીને ગુનાખોરી આચરતા હતા. 25 જાન્યુઆરીએ પોલીસની ઓળખ આપી યુવકને લૂંટ્યો હતો. પોલીસ બનીને રૌફ જમાવતા સગીર સહિત 2 ઝડપાયા છે. આરોપી સલીમ ઉર્ફે જીગો ઠેબાનો ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ આરોપી વિરૂદ્ધ 7 ગુના નોંધાઇ ચૂક્યા છે.
મહાકુંભમાં ગયેલા મહેસાણાના એક શ્રધ્ધાળુનું મોત થયુ છે. વિસનગરના કડાના પટેલ મહેશભાઈ નામના શ્રધ્ધાળુનું મોત થયુ છે. જો કે તેમનુંનું કયા કારણોસર મોત તે સ્પષ્ટ નથી. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાયી થયેલો છે.
Published On - 7:29 am, Thu, 30 January 25