આજે 02 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ તબીબ પર હુમલો કર્યો હતો. મિતુલ ટેલર નામના કેદીએ અન્ય દર્દીઓની સારવાર કરી રહેલા તબીબને માથામાં ઈંટ મારતા ભારે ઈજા આવી હતી. ઈજાગ્રસ્ત તબીબને SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેદી મિતુલ સસરાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તબીબ પર હુમલો કરવાના કેસમાં તેની વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિર ટ્રસ્ટ દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરવા અંગેની હાઇકોર્ટમાં PIL બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લા કલેકટરને હાઇકોર્ટ દ્રારા ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યા બાદ પ્રાંત અધિકારીને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે. જેમાં પ્રાંત અધિકારીએ બંન્ને પક્ષોને રૂબરૂં સાંભળ્યા બાદ લેખિતમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. પ્રાંત અધિકારી દ્રારા આ બાંધકામને લઇને જગ્યા માપણીથી લઇને સરકાર દ્રારા સોંપવામાં આવેલી જમીનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે તપાસ સોંપ્યા બાદ પ્રાંત અધિકારી ચૌધરી દ્રારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારી દ્રારા ગત શનિવારે બાલાજી મંદિર ટ્રસ્ટના પ્રતિનિધીને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ગત સોમવારે પીઆઇએલ કરનાર પક્ષકારને બોલાવવામાં આવ્યા હતા અને બંન્ને પાસેથી મૌખિક વિગતો લીધા બાદ આ અંગે લેખિતમાં જવાબ રજૂ કરવાની માંગ કરી હતી. બંન્ને પક્ષકારો લેખિતમાં જવાબ રજૂ કર્યા બાદ વહિવટી વિભાગ દ્રારા સ્થળ ચકાસણી કરવામાં આવશે. ત્રણ સભ્યોની ટીમ દ્રારા એક વખત આ અંગે પંચ રોજકામ કરી દીધું છે. જો કે બંન્ને પક્ષકારોના દાવા રજૂ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ કોઈપણ સંજોગોમાં કર્ણાટકમાં સત્તામાં પાછા ફરવા માંગે છે. આવી સ્થિતિમાં પાર્ટીના તમામ નેતાઓ પુરી તાકાતથી ચૂંટણી પ્રચારમાં દિવસ-રાત લગાવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં તેઓ નાના બાળકો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી રસ્તાની બાજુમાં વાયરની બાઉન્ડ્રી પર ઉભેલા નાના બાળકો પાસે પહોંચ્યા. આ દરમિયાન તેમણે બાળકો સાથે રમુજી રીતે વાત કરી. પીએમ મોદીએ સૌથી પહેલા નાના બાળકોને જોયા અને પૂછ્યુ કે તમે બધા શાળાએ જાવ છો? બાળકોએ પીએમને ઉત્સાહથી જવાબ આપ્યો કે હા બધા શાળાએ જઈએ છીએ.
આ પછી પીએમ મોદીએ બાળકોને પોતાના હાથથી કોઈ ખાસ આકાર બનાવવા કહ્યું. જે બાદ બાળકો તેમને જોઈને આવું કરવા લાગ્યા. આ પછી પીએમે બાળકોને પૂછ્યું કે શું તેઓ બધા ભણશે? તેના પર બાળકોએ કહ્યું કે તેઓ તમામ અભ્યાસ કરશે તો PM એ બાળકોને ફરી એક મોટો સવાલ પૂછ્યો કે, તેઓ મોટા થઈને શું બનવા ઈચ્છે છે?
રાજકોટ જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને વાઈસ ચેરમેન તરીકે અરજણ રૈયાણીની વરણી કરવામાં આવી છે. આજે(02.05.23) રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા દ્રારા પ્રદેશ ભાજપ દ્રારા આપવામાં આવેલા મેન્ડેટ સાથે સંકલનની બેઠક કરી હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્રારા આ બંન્ને નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ લોધિકા સંઘમાં નરેન્દ્રસિંહ જાડેજાનું નામ રિપીટ થતા પૂર્વ રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી અને તેનું જુથ કપાયું હતું. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાનો હાથ ઉપર રહ્યો હતો.
દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના 25બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદીએ સંયુક્ત રીતે કર્યું હતું.
રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલ આ એક અનોખો અનુભવ છે. ગરવી ગુજરાત ખાતે આયોજિત ગુજરાત સ્થાપના દિવસ સમારંભમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય કુમાર સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં સુરતમાં ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું 71.15 ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યમાં A1 ગ્રેડ મેળવારા સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતના છે. જેમાં આશાદીપ સ્કૂલના 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. TV9 સાથેની વાતચીતમાં તેમની આ સફળતા માટે ચારેય તેજસ્વી તારલાઓએ ખુશી વ્યક્ત કરી. વિદ્યાર્થીઓનું એ જ કહેવું છે કે કલાકોના કલાકો વાંચવાના બદલે ટાઈમટેબલ બનાવીને ફોકસ સાથે વાંચન કરવું જરૂરી છે. આ વિદ્યાર્થીઓ ફક્ત વાંચન જ નહીં મનોરંજન માટે ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ પણ જોતા હતા.
12 સાયન્સમાં સતત મહેનત જરૂરી છે પરંતુ તેનો મતલબ એવો નથી કે સતત વાંચ્યા જ કરવુ. વાંચનમાં પણ સાતત્યતા જળવાવી જરૂરી છે. કોઈ માત્ર બે કલાક વાંચે પરંતુ એ બે કલાક જો એકાગ્રતા સાથે કોઈપણ બીજી પ્રવૃતિમાં ધ્યાન ભટકાવ્યા વિના વાંચે તો એ પણ સારુ પરિણામ લાવવા એટલુ જ મહત્વનું છે. કન્સીસ્ટન્સી દ્વારા સારુ રિઝલ્ટ ચોક્કસ આવે તેવુ ટોપર વિદ્યાર્થી જણાવે છે.
વાંચનમાંથી ફ્રેશ થવા માટે મનોરંજન પણ જરૂરી છે. એકલુ ભણવુ જ જરૂરી નથી. ટોપર જણાવે છે કે તે માઈન્ડ ફ્રેશ કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ પણ જોતા હતા છતા ધાર્યુ રિઝલ્ટ મેળવી શક્યા છે.
આણંદમાં ગણેશ ચોકડી વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે 4 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જમીન બાબતની જૂની અદાવતને લઈ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનામાં કોઈ ને જાનહાનિ થઈ નથી.
એકાગ્રતા સાથેની સાચી દિશામાં મહેનત, ચોક્કસ લક્ષ્ય અને આત્મવિશ્વાસ હોય તે ગમે તે વ્યક્તિ ધારે તે સફળતા મેળવી શકે છે. આજે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યુ છે. જેમા અનેક વિદ્યાર્થીઓએ સારા પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ બધામાં અમદાવાદની એક સામાન્ય પરિવારની દીકરીએ 12 સાયન્સમાં ઝળહળતી સફળતા મેળવી છે. સ્કૂલવાન ચાલક રાજેશ જાદવની દીકરી હિતેશા 12 સાયન્સમાં 91 પર્સેન્ટાઈલ લઈ આવી છે ત્યારે પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. હિતેશા હવે ડૉક્ટર બનવા ઈચ્છે છે. પિતા સ્કૂલવાન ચલાવે છે અને માતા સિલાઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. બનાસકાંઠાના ધાનેરાના વાછોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. બનાસકાંઠાના અમીરગઢના આવલ ગામમાં વરસાદ વિલન બન્યો હતો. આવલ ગામમાં લગ્ન પ્રસંગના ભોજન સમારંભ સમયે જ માવઠું થતા લગ્ન પ્રસંગ હતા, તે યજમાન તેમજ મહેમાનો પરેશાન થઈ ગયા હતા. આ તરફ યાત્રાધામ અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા બજારોમાં નદીઓ વહેવા લાગી હતી. બીજી તરફ બનાસકાંઠાના અમીરગઢના આવલ ગામમાં વરસાદ વિલન બન્યો હતો.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હતો. પણ હાલમાં કોરોનાના દેૈનિક કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 2 મેના રોજ ગુજરાતમાં નવા 96 કોરોના કેસ નોંધાયા છે. આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
બનાસકાંઠાના અંબાજીમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા બજારોમાં નદીઓ વહેવા લાગી હતી. બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોના ઉનાળાના પાકને વ્યાપક નુકસાન થયું હતું. બનાસકાંઠાના અમીરગઢના આવલ ગામમાં લગ્ન પ્રસંગના ભોજન સમારંભ સમયે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના પાલનપુર અને દાંતામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો વડગામ, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આવતીકાલે મળનારી રાજ્ય કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલની સારવાર અર્થે મુંબઈમાં હોવાથી કેબિનેટની બેઠક નહીં મળે. સીએમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાથી મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અનુજ પટેલને રવિવારે બપોર બાદ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને અમદાવાદ વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને ઍર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ હિંદુજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
એવિએશન ક્ષેત્રનું મોટું નામ અને વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ એરલાઈને પોતાને નાદાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વધતી ખોટને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીના સીઈઓ કૌશિક ખોનાએ પીટીઆઈને જણાવ્યું કે કંપનીએ તેની 28 ફ્લાઈટ્સ ગ્રાઉન્ડ કરી દીધી છે.
ગુજરાતના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત રહેશે. હજી પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. રાજ્યમાં માવઠાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. રાજ્યભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકશે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ વરસી શકે છે,તો આવતીકલે દાહોદ, પંચમહાલ અને ડાંગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર છેલ્લા રાઉન્ડમાં છે. દરમિયાન હનુમાનજીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ અને પીએફઆઈ સહિત નફરત ફેલાવનારા વ્યક્તિઓ અને સંગઠનો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે. તેના પર ભાજપે આ સમગ્ર મામલાને હનુમાનજી સાથે જોડીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. મંગળવારે જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસે હનુમાનજીને તાળામાં બંધ કરવાનો સંકલ્પ કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. અગાઉ શ્રી રામને તાળામાં બંધ કર્યા હતા.
કોંગ્રેસ પર નિશાન સાધતા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ 100% હિંદુ વિરોધી પાર્ટી છે. કર્ણાટક, જે હનુમાનજીની ભૂમિ છે, ત્યાં હનુમાનજીનો વિરોધ કર્યો. કોંગ્રેસે રામના અસ્તિત્વનો ઈનકાર કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી બજરંગબલીનું અપમાન કરીને PFIને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કોંગ્રેસની તુષ્ટિકરણની પરાકાષ્ઠા છે.
રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મગાવ્યા છે. રાહુલ ગાંધીની સજા મોકૂફી પર ઉનાળુ વેકેશન પહેલા નિર્ણય આવે તેવા હાલ કોઈ સંકેત નથી. રાહુલ ગાંધીની સજા મોકૂફી મુદ્દે તમામ પક્ષોને સાંભળવા માટે હાઇકોર્ટ આજે અને મહત્તમ આવતીકાલે તક આપશે. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે સ્પષ્ટ કર્યું કે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખાશે.
કોંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ ડીકે શિવકુમારને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મંગળવારે બપોરે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની માલિકીના એરપોર્ટ પર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, એક પક્ષી હેલિકોપ્ટરની કોકપીટના કાચ સાથે અથડાયું, જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા કોલાર જિલ્લાના મુલબાગલમાં એક જાહેર સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. DK શિવકુમારનું હેલિકોપ્ટર પક્ષી સાથે અથડાયું હતું. ઘટનામાં કેમેરામેન ઘાયલ થયા છે ત્યારે શિવકુમાર ચૂંટણી રેલી માટે જતા હતા, શિવકુમાર સુરક્ષિત પરંતુ કેમેરામેનને સામાન્ય ઇજા પહોંચી છે. TV9 કન્નડના રિપોર્ટર પણ ઘટના સમયે હેલિકોપ્ટરમાં હાજર હતા. ત્યારે TV9ના કેમેરામાં પક્ષી અથડાવવાની ઘટના કેદ થઇ હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે એક પછી એક ભાજપના આગેવાનો મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મુખ્યમંત્રીના દીકરાના હાલ ચાલ જાણવા જઇ રહ્યા છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને જીતુ વાઘાણીએ પણ તેમની મુલાકાત લીધી હતી. જો કે બીજી તરફ મુખ્યમંત્રીએ તમામ નેતાઓ, મિત્ર વર્તુળ તેમજ શુભચિંતકોને અપીલ કરી છે કે અનુજની તબિયત પૂછવા માટે તેઓ મુંબઈ ન આવે. અન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે.
ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી અમદાવાદ એરપોર્ટ આવેલા 231 જેટલા ભારતીયોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવકાર્યા હતા. કુલ 231માંથી 208 જેટલા ગુજરાતીઓ સુદાનથી પરત આવ્યા છે. પરત ફરેલા સુદાનવાસીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુદાનથી પરત ફરેલા લોકોને આવકારતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનમાં ફસાયેલા દરેક ભારતીયને પોતાના પરિવાર સાથે ભારત પરત લાવવા માટે સેના સાથે મળીને કપરી પરિસ્થિતિમાં એક પછી એક વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યાં છે. વોર ઝોનમાં લેન્ડિંગ કરવું ક્યારેય સરળ હોતું નથી, પરંતુ આપણી સેનાના જાંબાઝ જવાનો આ મિશનને ખૂબ જ હિંમતપૂર્વક પાર પાડી રહ્યા છે, જે આપણા માટે ગૌરવની વાત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. કામરેજના આંબોલી બ્રિજ પર ઈકો વોક-વે વચ્ચે ફસાઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે NHAI વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.
આજે જાહેર કરાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં, ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી અને ઉર્દુ માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયું છે તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ઉર્દુ માધ્યમનું 77.87 ટકા જાહેર થયું છે. જ્યારે મરાઠી માધ્યમનું 49.01 ટકા અને સૌથી ઓછુ પરિણામ હિન્દી માધ્યમનું 46.32 ટકા જાહેર થયું છે.
આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું છે. મોરબી જિલ્લાનું 83.22 ટકા આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ જાહેર થયું છે. દાહોદ જિલ્લાના લિમખેડાનું માત્ર 22 ટકા જ પરિણામ જાહેર થયું છે.
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એ ગ્રુપનુ 72.27 ટકા અને બી ગ્રુપનુ 61.71 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે એબી ગ્રુપનું 58.62 % પરિણામ જાહેર થયું છે.
પરિણામ અંગે વધુ સમાચાર જાણવા અહિં ક્લિક કરો.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ 65.58 ટકા જાહેર કરાયું છે. એટલે કે 66 ટકા જેટલું પરિણામ સામે આવ્યું છે. આ વર્ષે જાહેર થયેલ પરિણામ ગયા વર્ષ કરતા ઓછુ છે. ગયા વર્ષે 72.02 ટકા પરિણામ જાહેર થયું હતું.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકશે. બોર્ડ દ્વારા પહેલીવાર વોટ્સએપ નંબર ઉપર પણ પરિણામ આપવામાં આવ્યું છે.
મોરબી જિલ્લો 83.22 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે.
Published On - 8:59 am, Tue, 2 May 23