આજે 29 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે પૂરઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ છે. અકસ્માત બાદ કારની તપાસ દરમિયાન દારૂની બોટલ અને ગોગો પેપર મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ અંગેની માહિતી સામે આવી નથી.
વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુતાલ ગામે થયેલી મહિલાની ચકચારી હત્યા અને લાશ સળગાવવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધમાં તકરાર થતાં પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.
ગત 25 ઓગસ્ટના રોજ વાઘોડિયાના ગુતાલ ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાંથી એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં સ્થળ પરથી મળેલા પર્સ અને આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ સાવલીના દેવનગરના રહેવાસી લક્ષ્મીબેન ગીરીશભાઈ રોહીત તરીકે થઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજ તપાસતા મૃતક લક્ષ્મીબેન એક બાઇક પર સાવલીના પરસવા ગામના વિષ્ણુ રતીલાલ મડવાણા સાથે જતા નજરે પડ્યા હતા. પોલીસે શંકાસ્પદ વિષ્ણુની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી પ્રવાસે જશે. તેઓ કેન્દ્રીય ભાજપની બેઠકમાં હાજરી આપશે અને ‘સેવા સંકલ્પ ઉત્સવ’ અભિયાનની બેઠકમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ હર્ષ સંઘવીએ રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ આ અભિયાનને લઈને પ્રેઝન્ટેશન કર્યું હતું. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં ‘સેવા સંકલ્પ ઉત્સવ’ અભિયાન ચલાવવામાં આવશે. અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને જનસંપર્ક કાર્યક્રમો યોજાશે. આ અંગેની તૈયારીઓ અને આયોજનને લઈને દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓને લઈને રાજ્ય સરકાર સક્રિય બની છે. 31 ઓગસ્ટે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વાઇબ્રન્ટ સમિટનો કર્ટન રેઝર કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્યોગજગતના દિગ્ગજોને સંબોધન કરશે. CM ટાટા રિન્યુએબલ સહિત વિવિધ કંપનીઓના CEO સાથે વન-ટુ-વન બેઠક કરશે. JSW MG મોટર અને શ્નાઇડર ઇલેક્ટ્રિક સહિતની કંપનીઓના CEO સાથે પણ મુલાકાત કરશે. ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI ક્ષેત્રે રોકાણ અંગે ચર્ચા થશે. વિવિધ દેશોના મિશન હેડ્સ તેમજ ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ઉચ્ચસ્તરીય સંવાદ યોજાશે.
સુરતમાં ચોમાસા દરમિયાન સર્જાતા ખાડી પૂરના જોખમને ઘટાડવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાડીઓની ઊંડાઈ અને પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. અલથાણ વિસ્તારમાં આ કામગીરી માટે 8 જેટલા JCB મશીનો કામે લગાડવામાં આવ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાડીઓ પાસેના દબાણો દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા કેન્દ્રીય સ્તરની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ટીમે સુરતની મુલાકાત લીધી હતી. ટીમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત બાદ અહેવાલ આપ્યો હતો કે, પૂરના પાણીના નિકાલ માટે સુરતની ખાડીઓને ઊંડી અને પહોળી કરવી જરૂરી છે. અહેવાલ બાદ સુરત મનપાએ ખાડીઓની પાણી વહન ક્ષમતા વધારવાની કામગીરી શરૂ કરી છે.
ગાંધીનગરમાં સવર્ણ સમાજની ચિંતન શિબિર યોજાવાની છે. શિબિરમાં સવર્ણ સમાજના આગેવાનો વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરશે. સમાજના પડતર પ્રશ્નો અને હક્કોને લઈને આગેવાનો દ્વારા મંથન કરવામાં આવશે. શિબિરમાં UGCના કાયદાની નાબૂદીની માગ કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS અનામતની માગને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સવર્ણ સમાજના આગેવાનો આગામી સમયમાં સમાજને લગતા પ્રશ્નોને સરકાર સમક્ષ કેવી રીતે રજૂ કરવા અને તેના ઉકેલ માટે કયા પગલાં ભરવા તે અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા બાદ સમાજની માગણીઓને લઈને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
અમદાવાદના ભક્તો દ્વારા તૈયાર કરાયેલ સુવર્ણ જડિત ચામર જન્માષ્ટમી પહેલા દ્વારકા પહોંચશે. હિમાલયમાં જોવા મળતી પવિત્ર ચમરી ગાયના પૂંછડીના વાળમાંથી આ ચામર બનાવવામાં આવ્યું છે. ચામરનું હેન્ડલ સંપૂર્ણ સોનામાં તૈયાર કરવામાં આવ્યું છે. દ્વારકા લઈ જતા પહેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં સુવર્ણ ચામરની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પૂજામાં જોડાયા હતા. મંદિરના પૂજારી દ્વારા ગર્ભગૃહમાં ચામરની પૂજા વિધિ કરવામાં આવી હતી. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ આ ચામરને શ્રદ્ધા, સમર્પણ, સન્માન અને ભક્તિભાવનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે.
રાજકોટના જસદણ-આટકોટ રોડ પર સ્પીડ બ્રેકરથી અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક સવારને સ્પીડ બ્રેકર ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. ઓવર સ્પીડમાં બાઈક ચલાવતા અચાનક સ્પીડ બ્રેકર આવતા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. બાઈક પાછળ બેઠેલી મહિલા રોડ પર પટકાતા તેને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સ્પીડ બ્રેકર પર કલર પટ્ટા ન હોવાથી વાહનચાલકોને તે દેખાતું નથી અને અકસ્માતનો ભય રહે છે. અકસ્માત બાદ સ્થાનિકોએ સ્પીડ બ્રેકર પર સ્પષ્ટ કલર પટ્ટા લગાવવાની માગ કરી છે, જેથી વાહનચાલકોને દૂરથી સ્પીડ બ્રેકર દેખાય અને આવા અકસ્માતો અટકાવી શકાય.
મહેસાણામાં પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બહુચરાજી મંદિર પહોંચ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલે મા બહુચરના પાવન દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરની ઝીણવટભરી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહુચરાજી મંદિરના નવા મંદિરના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરી હતી. મંદિરના વિકાસ અને ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 36 LED બોર્ડ લગાવવામાં આવ્યા છે. વર્ષ 2024માં અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા LED બોર્ડ્સ હવે કોર્પોરેશન માટે કમાણી કરતાં ખોટનો સોદો વધુ સાબિત થઈ રહ્યા છે. બે વર્ષમાં 36 LED બોર્ડથી માત્ર 44 લાખ રૂપિયાની આવક થઈ છે. જ્યારે તેની સામે વીજ બિલ પાછળ જ કોર્પોરેશનને 1 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા છે. એટલે જેટલી આવક કોર્પોરેશનને થઈ નથી, તેના કરતાં અનેક ગણો ખર્ચ માત્ર વીજળી પાછળ કરવો પડી રહ્યો છે.
LED બોર્ડ શરૂ થાય તે પહેલાં VMC દ્વારા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને શહેરમાં હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.. જેના કારણે પરંપરાગત હોર્ડિંગ્સ પરથી થતી આવક પણ કોર્પોરેશને ગુમાવવી પડી છે. ડિજિટલ જાહેરાતથી આવક ઉભી કરવાની યોજના હતી, પરંતુ LEDથી અપેક્ષિત આવક ન થતાં હવે પાલિકાના આયોજન સામે સવાલો ઉઠી રહ્યા છે.
પંચમહાલના પાવાગઢમાં 102 વર્ષનાં જેઠીબેન ભગવાનજી કણજારીયાની અદભૂત શ્રદ્ધા અને હિંમત જોવા મળી છે. જામનગરના આમરા ગામનાં જેઠીબેન 102 વર્ષની ઉંમરે પરિવાર સાથે પાવાગઢ પહોંચ્યા હતા. ત્રીજી પેઢીના બાળકને સાકર સાથે તોલવાની ધાર્મિક વિધિ માટે પરિવાર સાથે આવેલા જેઠીબેને પગથિયાં ચઢીને મહાકાળી માતાના દર્શન કર્યા હતા. તેમની ઉંમર અને ઉત્સાહ જોઈ પાવાગઢમાં આવેલા શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્યચકિત થયા હતા. આ ઉંમરે પણ પરિવાર સાથે પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરનાર જેઠીબેન શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને હિંમતનું જીવંત ઉદાહરણ બન્યા છે. તેમની ભક્તિ અને હિંમત નવી પેઢી માટે પ્રેરણાસ્રોત બની છે.
બનાસકાંઠામાં પિતાની હત્યા કરનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પુત્રને પોલીસે પોશીના દોતડ ગામેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, પિતા દેવાભાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આરોગ્ય ટીમનો સ્થાનિક લોકોએ ઘેરાવો કરતા હોબાળો મચ્યો હતો. વૈજાપુરમાં ચેવડો ખાધા બાદ બે વર્ષના માસૂમ બાળકની તબિયત લથડતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે સ્થાનિકોએ FDA અધિકારીની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કાર્યવાહી કરવાના બદલે લેવડદેવડ કરીને મામલો થાળે પાડવામાં આવતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. રોષે ભરાયેલા એક યુવકે FDA અધિકારીને એક્સપાયરી ડેટવાળું બિસ્કિટ ખવડાવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો ઉગ્ર બનતા આરોગ્ય ટીમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે રૂ.40 કરોડના કથિત કૌભાંડના આક્ષેપોને લઈને ઉચ્ચસ્તરીય તપાસનો નિર્ણય લેવાયો છે. PMJVKના કામોમાં ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે. પૂર્વ ન્યાયાધીશ દીપક વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી તપાસ કમિટી નિરજા ગુપ્તા સામેના આક્ષેપોની તપાસ કરશે. PMJVK હેઠળના કામોમાં થયેલી કથિત ગેરરીતિ અને રૂ.40 કરોડના કૌભાંડના આક્ષેપોની તપાસ કરવામાં આવશે. અગાઉ રચાયેલી કમિટીએ ગુજરાત યુનિવર્સિટી સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અગાઉના રિપોર્ટ બાદ હવે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ કમિટી આક્ષેપોની હકીકત અને
સુરતમાં ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસને લઈને VHP અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલની ડીન ઓફિસ બહાર કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સંગઠન દ્વારા HODને કાયમી બરતરફ કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર કેસની તટસ્થ તપાસ કરવાની પણ માગ ઉઠાવવામાં આવી છે. ડૉ. હર્ષ પંડ્યાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર સામે ગુનો નોંધવામાં આવે તેવી માગ સંગઠન દ્વારા કરવામાં આવી છે. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ પરિસરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
વાવ-થરાદના મોરીખા ગામના યુવકના શંકાસ્પદ મોતના મામલે 84 દિવસ બાદ મોટો વળાંક આવ્યો છે. યુવકના મોત બાદ દફનાવવામાં આવેલા મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ સામે આવે તેવી શક્યતા છે. પરિવારજનોએ પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અગાઉ યુવકના મોત મામલે છ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે પરિવારજનો આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની માગ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી યુવકના મોતનું રહસ્ય ઉકેલાય તેવી આશા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ચાલી રહેલી રાજકીય વિચારધારાને લઈને મોટો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બે વિચારધારા ચાલી રહી છે. તેમણે રામલીલા મેદાનમાં મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ સ્થળના શુદ્ધિકરણને લઈને પણ સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે ખડગેની સભા બાદ જે લોકોએ રામલીલા મેદાનનું શુદ્ધિકરણ કર્યું, તેમની સામે ફરિયાદ થવી જોઈએ. તેમણે અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાને ગુનો ગણાવ્યો અને કહ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને SC-ST એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ આપવાની પણ માગ કરી છે.
રાજકોટના જસદણના મોટાદડવા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા દરમિયાન મહિલા બુટલેગર અને તેના પરિવારજનોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા બુટલેગર સુમન સોલંકીના ઘરે પોલીસ દરોડો પાડવા પહોંચી હતી, પરંતુ દરવાજો ન ખોલતાં પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મહિલા બુટલેગર સહિત તેના ત્રણ સંતાનોએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલા PI સહિત પોલીસ કર્મચારીઓને બચકાં ભરવામાં આવ્યા હતા. પોલીસ ટીમને રૂમમાં પૂરી બહારથી દરવાજો બંધ કરી દેવાયો હતો. જાણ થતાં વધારાનો પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે 25 લીટર દેશી દારૂ અને 80 લીટર આથો જપ્ત કર્યો છે. આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ, ગાળો અને ધમકી આપવાના આરોપસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
જામનગરના માંડવી ટાવર પાસે અચાનક વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. વૃક્ષ નીચે પાંચ જેટલા બાઈક અને એક રિક્ષા દબાઈ ગઈ હતી. વૃક્ષ વીજ લાઈન પર પડતાં વીજળીનો થાંભલો પણ નમી પડ્યો હતો. રસ્તા પર વીજળીનો થાંભલો નમી પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ ધરાશાયી થવાના કારણે માંડવી ટાવર નજીક વાહનવ્યવહાર ખોરવાયો હતો. સાથે જ આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષ કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આ વખતે હાથતાળી આપતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં ભારે વધારો થયો છે. સિઝનનો માત્ર 6 ટકા વરસાદ નોંધાયો છે, એટલે કે 94 ટકા વરસાદની અછતને પગલે દુષ્કાળ જેવી જ સ્થિતિ છે. ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો સતત સરકાર પાસે પાણીની માગ કરી રહ્યા છે. એટલુ જ નહીં અહિંના સ્થાનિકોએ પીવના પાણી માટે પણ સરકાર પાસે માગણી કરી છે. બીજી તરફ વરસાદ નહિવત પ્રમાણમાં રહેવાના કારણે કૂવા-બોર તળિયાઝાટક બન્યા છે. માલધારીઓ માટે પશુઓના ઘાસચારા અને પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે. જગતનો તાત હવે 1987ના ગોઝારા દુષ્કાળને યાદ કરીને ધ્રૂજી રહ્યો છે અને સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની આશ લગાવીને બેઠો છે.
ભારતીય નૌસેનાની તાકાતમાં વધુ એક અત્યાધુનિક જહાજનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ‘નિપુણ’ નામનું ડાઈવિંગ સપોર્ટ જહાજ 31 ઓગસ્ટે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ જહાજ અત્યાધુનિક ડાઈવિંગ સપોર્ટ સિસ્ટમથી સજ્જ છે. ઉપરાંત, ‘નિપુણ’માં રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અંડરવોટર ઓપરેશન દરમિયાન જહાજ નૌસેનાની કામગીરીને વધુ અસરકારક બનાવશે. ખાસ કરીને ડાઈવિંગ ઓપરેશન અને દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી કામગીરીમાં નૌસેનાની ક્ષમતામાં વધારો થશે. ‘નિપુણ’ના સમાવેશથી ભારતીય નૌસેનાને દરિયાઈ તેમજ અંડરવોટર ઓપરેશન માટે નવી અને મહત્વપૂર્ણ ક્ષમતા મળશે.
ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 59માં એક્સપાયરી ડેટનું કઠોળ વિતરણ કરાતા હોબાળો મચ્યો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતી તુવેરદાળ અને ચણા એક્સપાયરી થઈ ગયા હોવા છતાં લાભાર્થીઓને અપાયા હોવાનો આક્ષેપ છે. આંગણવાડી મહાનગરપાલિકાના ICDS વિભાગ હેઠળ આવે છે. સરકારી રેશન શોપ મારફતે મળતા કઠોળના વિતરણમાં બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપ સાથે લાભાર્થી માતાઓએ કઠોળની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય સાથે સંકળાયેલા આ કઠોળના વિતરણમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ઘટનાને લઈને સ્થાનિક સ્તરે હોબાળો થયો છે.
સાબરકાંઠાના પ્રાંતિજના કરોલ વિસ્તાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલી કારે રાહદારી બે બાળકો અને મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 13 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માતાની નજર સામે જ 13 વર્ષના પુત્રનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કિશોર તેની બહેન સાથે ચાલતો હતો ત્યારે કારની ટક્કર લાગી હતી. જ્યારે એક વર્ષના બાળક સાથે જઈ રહેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. માતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર સ્થળ પર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાંતિજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સુરતમાં દારૂબંધીના દાવા વચ્ચે ટ્રેનમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ સામે આવ્યો છે. બુટલેગરો દ્વારા ટ્રેનમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં ટ્રેનમાં સવાર લોકોએ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી પહેલાં જ જનતાએ દારૂનો જથ્થો ઝડપી લેતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સુરતમાં દારૂબંધીના અમલ અને પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વૈજાપુરમાં ચેવડો ખાધા બાદ 2 વર્ષના માસૂમની તબિયત લથડતા લોકોમાં રોષ ફેલાયો હતો. ઘટનાની તપાસ માટે પહોંચેલી આરોગ્ય ટીમનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો હતો. સ્થાનિકોએ FDA અધિકારીની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતા કાર્યવાહી કરવાને બદલે લેવડદેવડ કરીને મામલો થાળે પાડવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા એક યુવકે અધિકારીને એક્સપાયરી ડેટવાળું બિસ્કિટ ખવડાવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.
મહિસાગર જિલ્લાના લુણાવાડાના સોનેલા ગામ નજીક કેનાલમાંથી GRD જવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. રક્ષાબંધનનો તહેવાર મનાવી પરત ફરતા જવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ મળી આવતા મોત પાછળનું કારણ રહસ્ય ઘેરાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ જવાનના મોત અંગે સઘન તપાસ કરી હકીકત બહાર લાવવાની માગ કરી છે.
નવસારી જિલ્લામાં મહિલા બુટલેગરનો દારૂ લઈ જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દારૂબંધીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મરોલી-ઉભરાટ રોડ પર મોપેડ પર દારૂ લઈ જતી મહિલાને કેટલાક યુવકોએ રોકી તપાસ કરતાં તેની પાસેથી દારૂ મળી આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. ગામમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની શંકાને પગલે યુવકોએ મહિલાને રોકી હતી. વીડિયો વાયરલ થતાં મરોલી પોલીસ હરકતમાં આવી અને મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં ફરી એકવાર દારૂના મુદ્દે ચર્ચા તેજ બની છે.
નરોડા GIDC ફેઝ-3માં આવેલા એક પ્લોટમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની આશરે 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ સ્થળ પર પહોંચ્યા હતા. હાલ આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું નુકસાન થયું તે અંગે વધુ વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે.
પેંગ્વિન ઈન્ડિયાએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ પ્રકાશિત કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ, પ્રકાશક દ્વારા પુસ્તકમાં કેટલાક સંપાદકીય ફેરફારો કરવા સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ સોનિયા ગાંધીએ ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમના જવાબ બાદ પેંગ્વિન ઈન્ડિયાએ પુસ્તક પ્રકાશિત નહીં કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડમાં દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા નવસારના જથ્થા સાથે ભાજપના નેતા સુલેમાન શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સુલેમાન શેખ પાસેથી 9 કિલો નવસારનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારનો ઉપયોગ દેશી દારૂ બનાવવામાં થતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દારૂ સંબંધિત ગુનામાં નામ સામે આવ્યા બાદ ભાજપે પણ સુલેમાન શેખ સામે કાર્યવાહી કરી છે. તેમને વલસાડ લઘુમતી મોરચાના પ્રમુખપદેથી દૂર કરવાની સાથે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ હટાવવામાં આવ્યા છે.
રાજકોટમાં રસ્તાના કામોમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવા મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રસ્તાના કામના સ્થળે કોન્ટ્રાક્ટરોએ ફરજિયાત તક્તી લગાવવી પડશે, જેમાં કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, કામની સમયમર્યાદા, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ તેમજ મનપાનો ટોલ ફ્રી નંબર દર્શાવવાનો રહેશે. આ નિર્ણયથી શહેરીજનોને રસ્તાના કામ અંગેની જરૂરી વિગતો સ્થળ પર જ મળી શકશે અને કામની ગુણવત્તા અંગે પ્રશ્નો કે ફરિયાદો હોય તો સરળતાથી રજૂ કરી શકાશે. મેયર નેહલ શુક્લ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત પર અંકુશ લાવવાની સાથે રસ્તાના કામોમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તક્તીની જાળવણીની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે.
નેપાળમાં ભોટેકોશી નદીમાં હજુ પણ વિનાશક પૂરનો ખતરો યથાવત છે. નદીના ઉપરવાસમાં બનેલા નવા તળાવને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભોટેકોશી નદી નજીક પાણીનું સ્તર ફરી વધવા લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
નેપાળમાં પૂરના તાંડવથી તબાહીની સ્થિતિ સર્જાઈ છે અને કુલ 92 હજાર લોકો પ્રભાવિત થયા હોવાના અહેવાલ છે. પૂરના કારણે 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે, જ્યારે પ્રોજેક્ટમાં કામ કરતા આશરે 933 કામદારો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. ગુમ થયેલા કામદારોમાંથી 254 લોકોને બચાવી લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે હજુ પણ અનેક લોકો સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે. ઉપલા ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટના 576 કામદારો હજુ ગુમ હોવાની માહિતી છે. બીજી તરફ, ચીનની સીમા પાસે તિબેટ તરફ આશરે 400 ભારતીયો સલામત હોવાના અહેવાલથી રાહત મળી છે.
Published On - 7:51 am, Sat, 29 August 26