
આજે 29 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
તો રાજ્યમાં હજુ પણ 7 દિવસ વરસાદી સંકટ યથાવત છે. હવામાન વિભાગનું માનીએ તો, આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે ભારે વરસાદ. ન માત્ર વરસાદ, પરંતુ વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતાઓ સેવવામાં આવી છે. સ્થિતિને જોતા ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
ખેડા જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. કપડવંજ શહેરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. લાંબા વિરાબ બાદ કપડવંજ પંથકમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. બપોર બાદ ગરમી અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા હતો અને મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.
સુરત: કીમ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કીમ ચાર રસ્તા નજીક ફિરદોષ શોપિંગ સેન્ટરમાં ભરાયા પાણી, ઘૂંટણસમાં પાણી ભરાતા દુકાનદારો તેમજ લોકોને ભારે હાલાકી પડી રહી છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડ્રેનેજ લાઈન બ્લોક થતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા દુકાનદારો તેમજ લોકો મજબૂર બન્યા છે.
રાહુલ ગાંધીની યાત્રામાં PM મોદીના માતા પર અભદ્ર ટિપ્પણી કરવા સામે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાના કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સાંસદે જણાવ્યુ કે PM મોદીના માતા અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો. આ ટિપ્પણી વિપક્ષની માનસિકતા છતી કરે છે. “સમગ્ર દેશની મહિલાઓ અને માતાઓનું આ અપમાન છે”
પીએમ મોદીના માતા બ્રહ્મલીન છે તેઓના માટે આવા અભદ્ર શબ્દો બોલી અપમાન કર્યુ છે.
પંચમહાલ: ધસમસતા પાણીના પ્રવાહમાં યુવાનો તણાયા હતા. કોઝવે પર બાઈકસવાર બંને યુવાનો પાણીમાં તણાયા હતા. બાઈક છોડી મુકતા બંને યુવાનોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક તણાઈ ગયું હતુ. ગોધરાના સાંપા ગામ પાસેની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પાણીના તેજ પ્રવાહમાંથી પસાર થવું યુવકોને ભારે પડ્યું છે.
ગઈકાલે એટલે કે, ગુરૂવારના રોજ ગોધરામાં ભારે વરસાદ ખાબક્યા બાદ આ ઘટના બની હતી. ખજુરી મોર ડુંગરા ગામ વચ્ચેની કોતરમાં ધસમસતા પાણી વહેતા થતા. કોતર પરનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો. આ સમયે બાઈકસવાર બે યુવાનોએ પાણી વચ્ચેથી પસાર થયા અને પોતાનો જીવ જોખમમાં મુક્યો. કોઝવે પર અધવચ્ચે પહોંચતા જ યુવાનો તણાવા લાગ્યા અને યુવાનોએ બાઈકને છોડી મુકતા તેમનો જીવ બચી ગયો. બાદમાં કોઝવેના છેડે ઉભેલા લોકોએ યુવકોને હેમખેમ બહાર કાઢ્યા. જો કે, સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદઃ સેવન્થ ડે સ્કૂલનું પ્રતિનિધિ મંડળ DEO સમક્ષ હાજર થયું હતુ. જેમા સ્કૂલના પ્રતિનિધિ મંડળે DEO સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો. શાળાના પૂર્વ પ્રિન્સિપાલ જી. ઈમેન્યુઅલની હકાલપટ્ટી કરવામાં આવી છે જ્યારે નવા પ્રિન્સિપાલ તરીકે રોબિન્સન ઉન્દ્રાસીની નિમણૂક કરાઈ છે. 18 પૈકી 6 મુદ્દાના આધાર પુરાવા શાળાએ રજૂ નથી કર્યા. શાળાની NOC રદ કેમ ન કરવી તે અંગે પણ જવાબ રજૂ નથી કરાયો. ધોરણ 1થી 8ની મંજૂરી અને NOC હજુ સુધી રજૂ નથી કરી. AMCએ જગ્યા ભાડા પેટે આપી છે એના પુરાવા પણ રજૂ કરવાના બાકી છે. સોમવાર સુધીમાં બાકીના 6 મુદ્દાઓના જવાબ રજૂ કરવા સૂચના અપાઈ છે.
અમદાવાદ : સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુના ઘા મારી હત્યા બાદ શાળા છોડવા વાલીઓનો ધસારો જોવા મળ્યો છે. અત્યાર સુધી 160 વાલીઓએ સ્કૂલમાંથી લિવિંગ સર્ટી લઈ લીદુ છે. અન્ય શાળામાં પ્રવેશ માટે સેવન્થ ડે સ્કૂલમાંથી પ્રવેશ રદ કરાવ્યો છે. DEO કચેરી દ્વારા અન્ય શાળામાં પ્રવેશ આપવા કાર્યવાહી ચાલી રહી છે. હજુ પણ DEO કચેરી સમક્ષ પ્રવેશ રદ કરાવવા વાલીઓ પૂછપરછ કરી રહ્યા છે.
અમદાવાદ : વાસણા બેરેજમાંથી ફરી છોડવામાં આવ્યુ છે. બેરેજમાંથી 20,645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા છે. ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. નર્મદા મેઇન કેનાલમાંથી 6,977 ક્યુસેક પાણીનો નિકાલ થયો છે.
ગાંધીનગર : કપાસ મુદ્દે કિસાન સંઘનો આક્રોશ ભારતીય કિસાન સંઘે કપાસ પરની આયાત ડ્યુટી ઉઠાવવાના નિર્ણયનો વિરોધ કર્યો. “સરકારનો નિર્ણય ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન” : આર. કે. પટેલ. આયાત ડ્યુટી હટાવવાથી ખેડૂતોને ભારે નુકસાન : કિસાન સંઘ. 3 વર્ષ પહેલા નિકાસકર્તા ભારત હવે આયાતકર્તા બન્યું. કપાસના બીજ પર સંશોધનની તાતી જરૂરિયાતની કિસાન સંઘની માંગ. ટેરિફ યુદ્ધમાં ખેડૂતો સરકાર સાથે છે, પણ એકતરફી નિર્ણય ન ચાલે : કિસાન સંઘ. સરકારે ડ્યુટી ફરી નહીં લગાવી તો ખેડૂતોના આંદોલનના માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સુસાઈડ નોટનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ બાદ ફરી કેસમાં નવો વળાંક આવ્યો છે. કુલ પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં એક પાનાના હસ્તાંક્ષર અમિત ખૂંટ સાથે મેચ ન થયાં. ચાર પાના અમિત ખૂંટે લખેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર FSL નો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદઃ જશોદાનગરમાં ડિમોલિશન સમયે મહિલાની આત્મહત્યા મામલે રાજનીતિ ગરમાઈ છે. સામાન્ય સભામાં વિપક્ષે મહિલાના મોતનો મુદ્દો ઉઠાવ્યો છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. બે વર્ષ સુધી AMCએ મહિલાને માનસિક પરેશાન કરી હોવાનો વિપક્ષનો આરોપ
વિપક્ષના હંગામા બાદ સામાન્ય સભા બરખાસ્ત કરાઈ છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે મહિલાએ આગ લગાવવાની ધમકી આપી ત્યારે નફ્ફટ અધિકારીઓએ નિવેદન આપ્યું હતું કે આગ લગાવી હોય તો લગાવો પણ દબાણ હટાવવામાં આવશે. વિપક્ષે વિરોધ કરતા આરોપ લગાવતા સવાલ કર્યો કે ઉદ્યોગપતિઓના મકાન અને ફાર્મ હાઉસ સામે IAS અધિકારીઓની તાકાત છે.. શું તંત્ર આ દબાણ હટાવવા જાય છે? 50 હજારથી વધુ ગેરકાયદે બાંધકામ AMC ને ન દેખાયા અને જશોદાનગરમાં મહિલાની દુકાન જ દેખાઈ ? વિપક્ષે આક્ષેપ કર્યો કે બે અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થઈ પણ તેની સામે કોઈ પગલાં નથી ભરાયા.
આગામી 48 કલાક સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત્ રહી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓ હાલ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી,સુરત અને તાપીમાં રેડ એલર્ટ છે. એટલે આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી.
વર્ષ 2018ના બિટકોઇન કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે. વિશેષ અદાલતે કુલ 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા. પૂર્વ MLA નલિન કોટડિયા પણ દોષિત જાહેર કરાયા. તત્કાલીન SP જગદીશ પટેલ અને તત્કાલીન PI અનંત પટેલ દોષિત જાહેર કરાયા છે. આ તમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો છે. ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. પોપટપુરા, છબનપુર, લીલેશરા, ગદુકપુર અને વાવડી ગામોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખુર્દ અને ભામૈયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ભુરાવાવ વિસ્તારમાં સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર માટે અડચણો સર્જાઈ છે.
જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ગૌરીકુંડ, રુદ્રપ્રયાગ, ઋષિકેશ, બદ્રીનાથ જેવા ઘણા સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. નદીઓનું પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર વધી રહ્યું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે કાટમાળ રસ્તા પર આવી ગયો છે અને વાહનો ફસાઈ ગયા છે.
ઉત્તરાખંડમાં આ સમયે વરસાદનો કહેર જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે બે સ્થળોએ વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. ચમોલી અને બાસ્કેદરમાં વાદળ ફાટવાથી ઘણા લોકો ગુમ થયા છે. રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે. આ જ કારણ છે કે નદીઓનું પાણીનું સ્તર પણ સતત વધી રહ્યું છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો. તેણે 85.01 મીટર ફેંક્યો. જર્મનીના જુલિયન વેબરે 91.51 મીટર ફેંકીને ડાયમંડ લીગ જીતી.
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ થયો છે. વસ્ત્રાપુર, સેટેલાઈટ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે.
Published On - 7:30 am, Fri, 29 August 25