28 જુલાઈના મહત્વના સમાચાર : જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળ દર્દીનુ મોત

આજે 28 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 જુલાઈના મહત્વના સમાચાર : જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળ દર્દીનુ મોત
| Edited By: | Updated on: Jul 28, 2026 | 8:46 PM

આજે 28 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jul 2026 08:02 PM (IST)

    જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળ દર્દીનુ મોત

    જામનગરમાં ચાંદીપુરાની દહેશત વચ્ચે વધુ એક માસૂમનું મોત થયું છે. ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકનું મોત થયું છે. જી.જી. હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોનો મૃત્યુઆંક પાંચે પહોંચ્યો છે. હજુ બે બાળકો સારવાર હેઠળ છે. મૃત બાળકનો લેબ રિપોર્ટ બાકી છે.

  • 28 Jul 2026 07:43 PM (IST)

    IAS અધિકારીઓ, એન્જિનિયરોની ફોજ પણ અમદાવાદની પાણી સમસ્યા નથી ઉકેલતાઃ AMC સામાન્ય સભામાં વરસ્યા કોંગ્રેસના કોર્પોરેટરો

    અમદાવાદમાં 20 ઈંચ વરસાદ પડે તો પણ મધ્ય ઝોનમાં પાણી નથી ભરાતુ જ્યારે શહેરના અન્ય ઝોનમાં વરસાદી પાણી પાંચ પાંચ દિવસ સુધી ઉતરતા ના હોવાની ફરિયાદ કોંગ્રેસના કોર્પોરેટરે, અમદાવાદ મહાનગપાલિકાની સામાન્ય સભામાં કરી હતી. જૂના શહેર અને નવા શહેરની સરખામણી કરો. એ સમયમાં શહેરની ગટર અને વરસાદી પાણીની લાઈન નાખનારા બહુ ભણેલા નહોતા. 1950માં નાખેલ લાઈન છે.  આજે આઈએએસ અધિકારીઓ છે. એન્જિનિયકોની ફોજ છે.  જ્યા પાણી અને ગટરની લાઈન નાખે ત્યાં પાણી ભરાય છે. કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું છે છતા કામ થતા નથી.  શહેરની સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇન માટે વર્લ્ડ બેંકની 3000 કરોડની લોન લીધી હતી. એ લોનને આજે 3 વર્ષ થયા લોનના રૂપિયા ક્યા વપરાયા…

     


  • 28 Jul 2026 07:08 PM (IST)

    મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં ડામરને બદલે સીમેન્ટ કોંક્રીટના રોડ બનાવાશે

    મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટ (C.C.) ના બનશે: વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે નિર્ણય. રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા જરૂર જણાયે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ C.C. રોડની કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે.

  • 28 Jul 2026 07:07 PM (IST)

    અમદાવાદના વેપારીઓને આર્થિક સહાય પેકેજ આપવા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે પારદર્શી રીતે સર્વે હાથ ધરાશે

    અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ : ભારે વરસાદથી થયેલા નુકસાન સામે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને સુરતની જેમ જ મદદ કરવાનો નિર્ણય. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે પારદર્શી રીતે સર્વે હાથ ધરાશે. સહાય પેકેજથી વેપાર-રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે.

  • 28 Jul 2026 07:03 PM (IST)

    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે નોંધાઈ ફરિયાદ. રજૂઆત કરવા ગયેલા વ્યક્તિનો મોબાઇલ તોડવા બાબતે નોંધાઇ FIR. રજૂઆત કરવા આવેલાં વ્યક્તિને ધક્કા મારી કરી હતી ઝપાઝપી. પાટણ A ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. 15 જુલાઇનાં રોજ પાલિકા ઓફિસમાં બની હતી ઘટના. ઘટનાનો વીડિયો થયો હતો વાઇરલ.

  • 28 Jul 2026 04:43 PM (IST)

    હિલ સ્ટેશન સાપુતારામાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ફેલાયો ભય

    સાપુતારામાં અનુભવાયા ભૂકંપના આંચકા. 3.3 અને 2.9 ની તીવ્રતાના ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ એકમાં 6.8km અને બીજામાં 13 km દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકાને પગલે, સાપુતારામાં ગભરાટ ફેલાયો હતો.

  • 28 Jul 2026 03:28 PM (IST)

    પતંગ હોટેલનો માલિક ઉમંગ ઠક્કર સુરતમાં જેલ હવાલે !

    સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર શખ્સ વિરુદ્ધ કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક અને શાતિર ઠગે કેટલાક નિર્દોષ લોકોને આંબલી પિપળી બતાવીને પોતાના જાળમાં ફસાવીને મોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

    કામરેજ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2026 દરમિયાન નોંધાયેલા ગુના અનુસાર, આરોપી ઉમંગ હરીભાઈ ઠક્કરે કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં ‘નિર્વાણા’ નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જે જમીન પર પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો હતો, તે જમીન વર્ષ 2018માં જ અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવામાં આવી હોવા છતાં, જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આ શાતિર ઠગે ખુલ્લા પ્લોટનું બુકિંગ શરૂ કરી દીધું હતું.

  • 28 Jul 2026 03:18 PM (IST)

    સુરતના ભાગળ ચાર રસ્તા પાસે જર્જરીત મકાનનો સ્લેબ તુટતા 1 વૃદ્ધ દબાયા

    સુરતના ભાગળ ચાર રસ્તા પાસે જર્જરીત મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેપ ધરાશાય થતા 72 વર્ષીય વૃદ્ધ દબાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દબાયેલા વૃદ્ધને સહી સલામત બહાર કાઢ્યા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતા. વૃદ્ધનું નામ ભરતભાઈ દવાવાલા છે જેઓનું ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન હતું. તેજ મકાનનો સ્લેચ ધરાશાય થયો હતો હાલ વૃદ્ધની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

  • 28 Jul 2026 02:45 PM (IST)

    મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં CGSTની તપાસ, ચાર એકમોમાં ચેકિંગ

    મોરબીના ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચાર એકમોમાં CGSTની ટીમે તપાસ હાથ ધરી છે. અંજલિ ક્વાર્ટ્સ, સ્ટ્રીવન ક્વાર્ટ્સ, જે.કે. વુડન અને એમ્પાયર ક્વાર્ટ્સ ખાતે અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ કાર્યવાહી રૂટિન ચેકિંગનો ભાગ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે અચાનક શરૂ થયેલી તપાસને પગલે ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 28 Jul 2026 02:44 PM (IST)

    પીપળી નજીક નાળું તૂટતાં વટામણ-ધંધુકા હાઈવે બંધ

    અમદાવાદ જિલ્લાના ધોલેરા વિસ્તારમાંથી પસાર થતો વટામણ-ધંધુકા હાઈવે પીપળી ગામ નજીક નાળું તૂટી જતાં તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય બાદ પોલીસે તમામ વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કર્યા છે. સંબંધિત વિભાગ દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ થયા બાદ હાઈવે ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.

  • 28 Jul 2026 02:30 PM (IST)

    રાજકોટમાં RMCની મોટી કાર્યવાહી, નિયમભંગ બદલ વધુ 4 ફૂડ એકમો સીલ

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ખાણી-પીણીના એકમો સામે સઘન ચેકિંગ હાથ ધરી નિયમોનો ભંગ કરનારા વધુ ચાર એકમોને સીલ કર્યા છે. કાર્યવાહી દરમિયાન 53 પેઢીઓમાં તપાસ કરી 1,226 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગંદકી અને ફૂડ લાયસન્સ સંબંધિત અનિયમિતતાઓ બદલ 25 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે કાર્યવાહી અંતર્ગત રૂ. 42 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઘોષ બંગાલ સ્વીટ્સ, વિહાન નમકીન અને ઘનશ્યામ ચાઇનીઝ સહિતના એકમોની પણ તપાસ કરવામાં આવી હતી.

  • 28 Jul 2026 01:53 PM (IST)

    જાપાનમાં આવ્યા 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

    મંગળવારે જાપાનના ક્યુશુ ટાપુ પર કુમામોટો પ્રદેશમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ, જાપાન હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી, જેમાં 1 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. સરકારે કુમામોટો, તેમજ નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇટા અને મિયાઝાકી પ્રીફેક્ચર માટે કટોકટી ચેતવણી જાહેર કરી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

  • 28 Jul 2026 12:59 PM (IST)

    સુરતમાં શાળામાં કરુણ ઘટના, ધોરણ-9ના વિદ્યાર્થીનું કરંટ લાગતાં મોત

    સુરત શહેરના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નં. 16માં કરુણ ઘટના બની છે. ધોરણ-9માં અભ્યાસ કરતા અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થીનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે શાળાની કથિત બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે.

  • 28 Jul 2026 12:55 PM (IST)

    વડનગર-રૂપાવટી ગામથી GIDC ને જોડતો રોડ ધોવાયો

    અમદાવાદ જિલ્લાના સાણંદ GIDCને જોડતો વડનગર-રૂપાવટી ગામનો માર્ગ ભારે વરસાદ બાદ પાણીના જોરદાર વહેણમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રોડ ધોવાઈ જતાં સ્થાનિકો અને રાહદારીઓને ગંતવ્ય સુધી પહોંચવા માટે આશરે 10 કિલોમીટરનો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. રસ્તો બંધ હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે તૂટેલા માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

  • 28 Jul 2026 12:20 PM (IST)

    આણંદના પાંદડ ગામે વીજળી ત્રાટકી, ચાર મકાનોને નુકસાન

    આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાંદડ ગામમાં ભારે વરસાદ દરમિયાન વીજળી ત્રાટકતાં ચાર જેટલા મકાનોમાં તિરાડો પડી હતી. ઘટનામાં ટીવી, ફ્રિજ સહિતના અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાખ થઈ જતાં ગ્રામજનોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.

  • 28 Jul 2026 10:52 AM (IST)

    ઉત્તરાખંડમાં સતત વરસાદથી અલકનંદા-મંદાકિની નદીઓ ભયજનક સપાટીએ

    ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અલકનંદા અને મંદાકિની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને ભયજનક સપાટી વટાવી છે. રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં તંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે. નદીના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે કોઈપણ વ્યક્તિ નદી કિનારે ન જાય તે માટે પ્રશાસને ખાસ અપીલ કરી છે.

  • 28 Jul 2026 10:50 AM (IST)

    બનાસકાંઠામાં તેલ ભરેલું ટેન્કર પલટી ખાતાં લોકોમાં તેલ લેવા પડાપડી

    બનાસકાંઠાના કાંકરેજ-રાધનપુર હાઈવે પર કંડલા તરફથી આવી રહેલું તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાંથી તેલ લીક થતાં આસપાસના સ્થાનિકો બરણીઓ અને અન્ય વાસણો લઈને તેલ ભરવા માટે દોડી આવ્યા હતા. સ્થળ પર લોકો બરણીઓમાં તેલ ભરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લેવા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

  • 28 Jul 2026 09:31 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાની બસને અકસ્માત

    ફકરો: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના હરિગણીવન નજીક અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતનો ભોગ બની ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 50 યાત્રાળુ સવાર હતા, જેમાંથી અકસ્માતમાં આશરે 30 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આર્મી, CRPF અને ITBPની ટીમોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને સારવાર માટે કંગન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 28 Jul 2026 08:07 AM (IST)

    પાંચ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મચાવશે તાંડવ

    હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. રાજ્ય પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો વધુ એક તીવ્ર રાઉન્ડ શરૂ થઈ શકે છે. અપર એર સર્ક્યુલેશન, બે સક્રિય મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના સંયુક્ત પ્રભાવથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • 28 Jul 2026 07:48 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાજ્યના કુલ 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે દાહોદ જિલ્લાના લીમખેડામાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત રાજ્યના અન્ય 10 તાલુકાઓમાં દોઢ ઈંચથી વધુ અને 15 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ખેતી અને જળાશયો માટે રાહતરૂપ સ્થિતિ સર્જાઈ છે.

Published On - 7:47 am, Tue, 28 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.