
ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના 26 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સેન્ચાર વાવાઝોડું હવે સક્રિય બની આગળ વધી રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે, તેની તીવ્રતા ઘાતક માનવામાં નથી આવી રહી. હવામાન વિભાગનું માનવું છે કે, આગામી 24 થી 36 કલાકમાં વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે.
ગુજરાત પર આ વાવાઝોડાની કોઈ ખાસ અસર થશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આટલું જ નહીં દક્ષિણ ભારતમાં પહેલી ડિસેમ્બર સુધી ભારે વરસાદ જોવા મળશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કાશ્મીરથી લઇને હિમાચલ પ્રદેશ સુધી હિમવર્ષાની શરૂઆત થઇ ગઇ છે, જેના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી શરૂ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં પણ આગામી થોડા જ કલાકમાં શીતલહેર ફરી વળશે.
આમ પણ વાવાઝોડાની ગુજરાત પર અસર થવાની કોઇ ખાસ શકયતાઓ નથી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વધારે ઠંડી પડી શકે છે.
ગુજરાત માટે આજે ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે યજમાની માટે અમદાવાદને પસંદ કરવામાં આવ્યું છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ગુજરાત અને સમગ્ર ભારત માટે રમતગમતના ઇતિહાસમાં એક મહાન સિદ્ધિ છે.
રાજ્યના ખરાબ રસ્તાઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. તેઓ આજે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી સાથે બેઠક કરશે. રાત્રે 8 કલાકે હોટલ લીલામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં માર્ગ મકાન વિભાગના તમામ અધિકારીઓ, NHAIના અધિકારીઓ, પ્રોજેક્ટ ડિરેક્ટરો અને મુખ્ય કોન્ટ્રાક્ટરો હાજર રહેશે.
અમદાવાદ-વડોદરા સહિતના મહત્વના હાઇવેના કામો પર ચર્ચા થશે તેમજ નેશનલ હાઇવે, એક્સપ્રેસ હાઇવે અને ગ્રીનફિલ્ડ કોરિડોરના ધીમા કામો પણ ચર્ચામાં રહેશે. બાદમાં નીતિન ગડકરી હિંમતનગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે રૂબરૂ મુલાકાત પણ કરશે.
સુરતમાં મનપા અધિકારીઓની સરમુખત્યારશાહીનો એક બનાવ સામે આવ્યો છે. મુલાકાતીઓ માટે અધિકારીઓની કેબિન બહાર વિવાદિત નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિ મોબાઇલ સાથે કેબિનમાં પ્રવેશી શકશે નહીં.
આ સાથે જ મુલાકાતીને મોબાઇલમાં વીડિયો અથવા ઓડિયો રેકોર્ડિંગ ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ નોટિસને કારણે શહેરમાં તર્ક-વિતર્કનું માહોલ સર્જાયું છે અને ‘મનપા’ના અધિકારીઓના આવા નિર્ણય પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
હોંગકોંગના તાઇપો શહેરમાં બાંધકામ સાઇટ પર ભીષણ આગ ફાટી નીકળતાં હાહાકાર મચી ગયો. ઘટનામાં 4 કામદારોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાનું પણ જાણવા મળે છે. આગ દરમિયાન સાઇટ પર હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં વધુ એક ઉચ્ચ અધિકારી ACB ના સાણસામાં ફસાયો છે. સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા વર્ગ-2 ના અધિકારી ‘નિપૂણ ચંદ્રવદન ચોક્સી’ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકત મળી હોવાનું જાણવા મળ્યું છે.
આ અધિકારી વર્ષ 2021 માં એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. લાંચ લેવાના ગુનામાં ચોક્સીને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યો હતો. તપાસ દરમિયાન આવક કરતા 62 ટકા વધુ મિલકત મળતી આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસાણા સહિત રાજ્યભરની શાળામાં હાલ શિક્ષણ વ્યવસ્થા ‘રામભરોસે’ હોય તેવું લાગી રહ્યું છે અને આનું કારણ SIR કામગીરી છે. મહેસાણા જિલ્લામાં કુલ 6,383 શિક્ષકો છે, જે પૈકી 1,810 શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. હવે આના કારણે શાળામાં હાજર શિક્ષકો પર કામનું ભારણ વધ્યું છે.
કામનું ભારણ વધતાં શિક્ષકો હવે જુગાડ કરીને બાળકોને શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે. મહેસાણાની ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં SIR કામગીરી અને બીજા કારણોના લીધે શાળાના 17 પૈકી 7 શિક્ષકો શાળામાં હાજર નથી. જોવા જઈએ તો, શિક્ષકો 2 વર્ગોને એકસાથે બેસાડીને ભણાવી રહ્યા છે.
ગીર-સોમનાથઃ બાળકીને ફાડી ખાનારી સિંહણ પાંજરે પુરાઈ. ગીર ગઢડા ના પીછવી ગામમાં જંગલની બોર્ડર પર રહેતા પરિવારની બાળા પર સિંહણે હુમલો કર્યો હતો. બાળાના મૃતદેહને PM અર્થે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખસેડાયો.
સુરતમાં સુરભી ડેરી સામે એક પછી એક ગેરરીતિઓ સામે આવી રહી છે. નકલી પનીરના કિસ્સા બાદ હવે ડેરીનું ઘી પણ નકલી હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન સુરભી ડેરીના ઘીના નમૂનાઓ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડનું પ્રમાણ વધુ માત્રામાં હોવાનું ખુલ્યું છે, જેનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
રાજકોટઃ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ આત્મહત્યા કરી છે. જીત પાબારીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી. પોતાના ઘરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી. નવેમ્બર ૨૦૨૪માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હતી.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સુરત: અજાણ્યા કારણોસર 20 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. પાંડેસરામાં યુવકે ભાઈ અને માતાને મેસેજ કરી જીવન ટૂંકાવ્યું. મોટા ભાઈને વોટ્સઅપ પર મેસેજ કર્યો હતો. મેસેજમાં ભાઈનો સાથ ન છોડવા માટે કહ્યું હતુ. મૃતક યુવક ગેરેજની દુકાનમાં કામ કરતો હતો. યુવકના આપઘાતથી પરીવારમાં શોકનો માહોલ છવાયો છે. આપઘાતનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરતું કોલ સેન્ટર આશ્રમ રોડ પરના સાકાર 9 બિલ્ડિંગના 12મા માળેથી પકડાયું છે. 6 મહિનાથી ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે દરોડો પાડી માલિક, મેનેજર, 2 ટીમ લીડર, કોલિંગ કરવા રાખેલા 20 યુવક-યુવતી પકડયાં છે. દવા મોકલવાના બહાને 600 ડોલર પડાવતા હતા. ત્યાર બાદ દવા ન મોકલીને છેતરપિંડી કરતા હતા. કોલ સેન્ટર આખી રાત ધમધમતું હતું.
સુરતમાં પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગત વર્ષે લેવામાં આવેલી વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ કરતા ઝડપાયેલા કુલ 89 વિદ્યાર્થીઓમાંથી સુનાવણી માટે હાજર રહેલા 47 વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓને 2,500 રૂપિયા થી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે. પરીક્ષાની શુદ્ધતા જળવાઈ રહે એ હેતુથી યુનિવર્સિટીએ આ કડક પગલાં લઈ વિદ્યાર્થીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરરીતિ કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં.
સુરતમાં ST બસ ચાલક બેફામ બન્યા છે. રિંગરોડ પર રોંગ સાઈડમાં ST બસ ચલાવી. મુસાફરોએ અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મુક્યા. 3 કિલોમીટર સુધી રોંગ સાઇડમાંમાં બસ હંકારી. રોંગમાં પૂરપાટ બસ હંકારતા લોકોના જીવ જોખમમાં મુકાયા.
સુરતના અનેક વિસ્તારોમાં AQI 250ને પાર પહોંચી ગયો છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધુમ્મસિયા વાતાવરણ અને ઊંચા AQIને પગલે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. વાયુ પ્રદૂષણને પગલે ફેફસાંને નુકસાન થવાનું જોખમ ઊભું છે અને બીજી તરફ શહેરનું AQI જણાવતું અઠવા ગેટ પાસે મુકેલ ડિસ્પ્લે પણ બંધ છે. એટલે કે વધતા વાયુ પ્રદૂષણને અટકાવા માટેના પગલાં તો નથી જ લેવાઈ રહ્યા પણ, લોકો હવાની ગુણવત્તા શું છે તે પણ જાણે તેમનાથી છૂપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
અમરેલી: આદમખોર સિંહણ પાંજરે પૂરાઈ છે. સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. બગસરાના હામાપુર ગામે 1 સિંહણ અને 4 સિંહબાળને પાંજરે પુરાયા. ACF, RFO અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. કલાકોની જહેમત બાદ સિંહણ અને સિંહબાળનું રેસ્ક્યૂ કર્યું. સિંહણ પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.
રોહતકના લખન માજરા ગામમાં રમતના મેદાનમાં પ્રેક્ટિસ બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવકે બાસ્કેટબોલના થાંભલા પર લટકીને કસરત કરતો હતો ત્યારે અચાનક થાંભલો નીચે તૂટી પડે છે અને યુવક થાંભલાની નીચે આવી જાય છે. મેદાન પર પ્રેક્ટિસ કરી રહેલા અન્ય ખેલાડીઓએ આ જોયું અને તરત જ મદદે દોડી ગયા. જોકે, થાંભલાના ભારે વજનને કારણે તેનું ઘટનાસ્થળે ખેલાડીનું મોત નીપજ્યું હતું. હાર્દિક એક આશાસ્પદ બાસ્કેટબોલ ખેલાડી હતો અને તેની ભારતીય ટીમ માટે પસંદગી થઈ હતી.
સાબરકાંઠા: મગફળી વેચવા ખેડૂતોએ કતાર લગાવી છે. હિંમતનગરમાં મગફળી વેચાણ માટે લાંબી લાઈન લાગી. મોડી રાતથી જ ધરતીપુત્રો લાઈનમાં લાગ્યા. માર્કેટ યાર્ડથી હાઈવે ચોકડી સુધી વાહનોની કતાર જોવા મળી. મગફળી વેચવા માટે અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો આવ્યા.
આજે બજાર મજબૂતી સાથે ખુલ્યું. સેન્સેક્સ 217.47 પોઈન્ટ અથવા 0.25% વધીને 84,801.75 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 65.95 પોઈન્ટ અથવા 0.25% વધીને 25,950.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.
બનાસકાંઠાઃ કારની અડફેટે મહિલાનું મોત થયુ છે. કારચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. મહિલાનું મોત, બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાલનપુરના હનુમાન ટેકરી પાસે અકસ્માત થયો. ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો. કારચાલક આબુરોડનો ઈશ્વર પાટીલ હોવાનું સામે આવ્યું.
સાબરકાંઠાઃ હિંમતનગર ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો. એન્જિનિયર સહિત 4 લોકોના મોત નિપજ્યા. હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન અકસ્માત સર્જાયો. ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારી. રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતાં 4ના મોત થયા. મૃતકોમાં 3 શ્રમિકો અને એક હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઈજનેર છે.
રાજકોટના જેતપુરમાં બાઈક અથડાવાની સામાન્ય ઘટના ગંભીર રૂપ ધારણ કરતી જોવા મળી હતી. અથડામણ બાદ બે જુથો વચ્ચે જાહેરમાં જ છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. બાદમાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે બંને તરફથી પથ્થરમારો પણ થયો હતો. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આખી મારામારીની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં પોલીસ સીસીટીવીના આધારે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી ચૂકી છે.
મૂળ મોરબી જિલ્લાના વાંકાનેરનો રહેવાસી જૈમિલ કણસાગરા નામનો 13 વર્ષીય કિશોર મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઈંગ્લીશ સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમતી વખતે જૈમિલ ઢળી પડ્યો હતો. શાળા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું.
અમદાવાદ પૂર્વમાં ગૂમ થયેલા લોકોને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. પૂર્વ વિસ્તારમાં 15 વર્ષમાં કૂલ 2 હજાર 328 લોકો ગૂમ થયા હતા.. પોલીસે એક માસની ડ્રાઈવમાં 328 લોકોને શોધી કાઢ્યા. આ ઝૂંબેશમાં 22 પોલીસ સ્ટેશનની ટીમ જોડાઈ હતી, જેમાં 18 વર્ષથી ઉપરના 194 મહિલા તથા 113 પુરૂષ મળી આવ્યા અને 18 વર્ષથી નાની વયની 8 બાળકીઓ તથા 13 બાળકો મળી આવ્યા.
Published On - 7:27 am, Wed, 26 November 25