24 જાન્યુઆરીના મહત્વના સમાચાર : માઉન્ટ આબુમાં એક જ દિવસમાં 13 ડિગ્રી ગગડ્યો પારો, આબુમાં માઇનસ 5 ડિગ્રી તાપમાન

આજે 24 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 જાન્યુઆરીના મહત્વના સમાચાર : માઉન્ટ આબુમાં એક જ દિવસમાં 13 ડિગ્રી ગગડ્યો પારો, આબુમાં માઇનસ 5 ડિગ્રી તાપમાન
| Edited By: | Updated on: Jan 24, 2026 | 10:09 AM

LIVE NEWS & UPDATES

  • 24 Jan 2026 10:50 AM (IST)

    સુરતઃ બોગસ તબીબની પાસા હેઠળ ધરપકડ

    સુરતમાં બોગસ તબીબ કમલેશ કુમાર રાયને લસકાણા પોલીસે પકડ્યા બાદ અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દીધો છે. વર્ષ 2025માં ધરપકડ થયાની છતાં તેણે પોતાની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ડિગ્રી વિના પણ તે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો, જે દર્દીઓને ખોટું સારવાર પૂરું પાડતો હતો. આ સુરતમાં બોગસ તબીબો સામે પહેલીવાર પાસા હેઠળ કાર્યવાહી છે. પોલીસની કડક કાર્યવાહી પછી અન્ય બોગસ તબીબોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.

  • 24 Jan 2026 10:40 AM (IST)

    નલિયામાં એકજ દિવસમાં 5.3 ડિગ્રીનો ઘટાડો

    ગુજરાતમાં શીતલહેરનો પ્રભાવો ફરીથી દેખાઈ રહ્યો છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ઘટી ગયો છે, જ્યારે ઠંડા પવન ફૂંકાતા લોકોએ કફ અને શીતલતાનો અનુભવ કર્યો. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો લાવવામાં જોવા મળી. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે, જ્યાં એકજ દિવસમાં તાપમાન 5.3 ડિગ્રી ઘટ્યું. અન્ય શહેરોમાં ડીસામાં 8.4, રાજકોટમાં 9.5, ભૂજમાં 9.8, પોરબંદરમાં 10.2 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં તાપમાન 12.5 ડિગ્રી સુધી ઘટી ગયું છે, જેના કારણે ઠંડીનો કડાકો મહેસૂસ કરવામાં આવી રહ્યો છે.


  • 24 Jan 2026 10:25 AM (IST)

    વડોદરાઃ કરજણમાં મગરની બેરહેમીથી પીટાઈ કરનારા સકંજામાં

    વડોદરાના કરજણ વિસ્તારમાં મગરને બેરહેમીથી માર મારવાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ વન વિભાગના સકંજામાં આવી ગયા છે. મગરને લાકડીથી ક્રૂરતાપૂર્વક મારવાનો વીડિયો વાયરલ થતા કરજણ વન વિભાગે તેનો આધાર લઈને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન લાકડીથી મગરને માર મારનારા બે શખ્સોની ઓળખ કરી તેમને ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કરજણ સબજેલમાં મોકલવામાં આવ્યા છે. કરજણ રેન્જના કણભા ગામ પાસે તળાવમાંથી મૃત હાલતમાં મહાકાય મગર મળ્યો હતો, જેને બેરહેમીથી માર્યા બાદ તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

  • 24 Jan 2026 10:15 AM (IST)

    વડોદરામાં વગર વરસાદે જેલ રોડ થયો પાણી-પાણી

    વડોદરામાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના જેલ રોડ પર વરસાદ વગર જ પાણી-પાણી થઈ ગયું હતું. પોલીસ ભવન પાસે કોર્પોરેશનની મુખ્ય પાણીની લાઇન તૂટી જતા કલાકો સુધી લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું. પાણીનો ભારે વેડફાટ થતો રહ્યો છતાં લાંબા સમય સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

  • 24 Jan 2026 10:06 AM (IST)

    અમદાવાદઃ વાસણામાં કાર પર હુમલો

    અમદાવાદના વાસણા વિસ્તારમાં ભરચક રસ્તા પર કાર પર હુમલાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. સફેદ રંગની કારમાં આવેલા યુવકોએ રસ્તા વચ્ચે કારને અટકાવી બ્લેક થાર પર તોફાની હુમલો કર્યો હતો. હુમલાખોરોએ થારના કાચ તોડી નાખતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં રસ્તા પર કાર રોકી ખુલ્લેઆમ હુમલો કરાતો દેખાઈ રહ્યો છે. હાલ પોલીસએ હુમલાનું કારણ અને હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.

  • 24 Jan 2026 09:38 AM (IST)

    અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ ક્લેમનુ નિરાકરણ કર્યુ

    અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ ક્લેમનુ નિરાકરણ કર્યુ. એર ઈન્ડિયાને 1,125 કરોડ ચુકવવામાં આવ્યા. મૃતકોના પરિવારને 225 કરોડ રૂપિયા ચુકવાયા. 12 જૂન 2025એ અમદાવાદમાં બોઈંગ 787 ક્રેશ થયુ હતુ. ક્રેશમાં 241 યાત્રિકો સહિત 260 લોકોના મોત થયા હતા. હાલ વિમાન અને એન્જીન સંબંધિત દાવાઓનો નિકાલ કરવામાં આવ્યો. મુસાફરોને પણ બાકી રકમ થોડા સમયમાં ચુકવવામાં આવશે.

  • 24 Jan 2026 09:18 AM (IST)

    અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

    ગુજરાતમાં શીતલહેરનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો. ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની દેખાઈ અસર. લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી ઘટાડાનો વરતારો છે.

  • 24 Jan 2026 08:22 AM (IST)

    ઓશિવારા પોલીસે દિગ્દર્શક કમલ આર. ખાન ઉર્ફે કેઆરકેની ધરપકડ

    ઓશિવારા પોલીસે મુંબઈ ઓશિવારા ગોળીબાર ઘટનાના સંદર્ભમાં અભિનેતા અને દિગ્દર્શક કમલ આર. ખાન ઉર્ફે કેઆરકેની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની ટીમે કેઆરકેની પૂછપરછ કરી હતી. કેઆરકેએ પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ગોળીબાર કર્યાની કબૂલાત કરી હતી.

  • 24 Jan 2026 08:15 AM (IST)

    હિમાચલ પ્રદેશ: ભારે હિમવર્ષાને કારણે 565 રસ્તા બંધ

    હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 565 રસ્તા બંધ થઈ ગયા છે અને આશરે 4,800 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. હવામાન વિભાગે 24 અને 25 જાન્યુઆરીએ રાજ્યના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ રહેવાની આગાહી કરી છે.

  • 24 Jan 2026 08:08 AM (IST)

    જામનગર: કચરાના ઢગલામાં આગ ભભૂકી

    જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. મનપાની ફાયર ફાઇટર યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ. આગ લાગવાનું કારણ અકબંધ, કોઈ જાનહાની થઇ નથી.

  • 24 Jan 2026 07:48 AM (IST)

    દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો થયો , AQI 264

    આજે, દિલ્હીનો AQI 264 છે, જે ખરાબ શ્રેણીમાં પણ આવે છે, પરંતુ પાછલા દિવસો કરતા સારો છે. વરસાદ અને ભારે પવનને કારણે AQIમાં થોડો સુધારો થયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, AQI 440 પર પહોંચી ગયો હતો, પરંતુ હવામાનમાં ફેરફારને કારણે નોંધપાત્ર સુધારો થયો છે.

  • 24 Jan 2026 07:28 AM (IST)

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 61,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા 18મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને 61,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પીએમ મોદી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

  • 24 Jan 2026 07:28 AM (IST)

    પતિરામ માંઝી સહિત 17 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા

    ઝારખંડના ચૈબાસાના સારંડા જંગલોમાં 209 કોબ્રા, ચૈબાસા જિલ્લા પોલીસ અને ઝારખંડ જગુઆર દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન પતિરામ માંઝી ઉર્ફે અનલ દા સહિત 17 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

  • 24 Jan 2026 07:26 AM (IST)

    ગુજરાત જેલ પ્રશાસનમાં ધરખમ ફેરબદલ

    ગુજરાત જેલ પ્રશાસનમાં ધરખમ ફેરબદલ થયા છે. ગુજરાતભરમાં એક સાથે 406 જેલ કર્મચારીઓની બદલી થઇ છે. 26 જુનિયર ક્લાર્ક,68 હવાલદાર અને 312 સિપાઈની સાગમટે બદલી કરાઈ.

     

આજે 24 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:25 am, Sat, 24 January 26