ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ દમ તોડ્યો છે. આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે. પેનલ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો છે. અમદાવાદમાં થલતેજ ચાર રસ્તા પાસે ટાઇટેનિયમ સ્કવેરમાં લાગી આગ. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ. કોઇ જાનહાનિ નહીં. પંચમહાલમાં ભથવાડા ગામ પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત. અમદાવાદથી ભોપાલ જતી બસ ટ્રકની પાછળ અથડાઇ. 28 મુસાફરો ઘાયલ. ગુજરાતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે. મેડિકલ ડિગ્રી વગર કપ્રેક્ટિસ રતા હતા. ડાકોરમાં શિક્ષકની તુમાખીનો શિકાર બન્યો વિદ્યાર્થી.. શિક્ષકે ધોરણ-5ના વિદ્યાર્થીને 8 લાફા ઝીંક્યા. શાળાએ કાર્યવાહી ન કરતા વાલીએ ફરિયાદ નોંધાવી. અમદાવાદના રખીયાલમાં ખુલ્લી તલવારો સાથે આતંક બાદ તંત્ર એક્શનમાં છે. ગરીબનગરમાં ગેરકાયદે બાંધકામનો સરવે કરી મનપા ફેરવશે બુલડોઝર.
પોરબંદર જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં 26 ડિસેમ્બરે દરિયાઈ પટ્ટીના ગામો અડધો દિવસ બંધ પાળશે. દરિયાઈ પટ્ટીના ગામોના ખારવા સમાજ અને માછીમાર સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાઓ મળી જિલ્લા અને તાલુકા કક્ષાએ જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા આવેદનપત્ર આપશે. દરિયાઈ પટ્ટી ગામોના બંધના સમર્થનમાં પોરબંદરના માછીમાર સમાજ પણ જોડાશે અને અડધો દિવસ બંધ ધંધા રોજગાર બંધ રાખશે. જેતપુર ઉદ્યોગોનો પ્રવાહી કચરો પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના સામે વિરોધ વધતો જઈ રહ્યો છે.
અમદાવાદના સરસપુરમાં ચારતોડા કબ્રસ્તાન પાસે નકલી ડીગ્રી સાથે પ્રેક્ટિસ ડૉકટર શૈલેષ સગર વિરૂદ્ધ અમદાવાદ મ્યુ. કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે. સરસપુરમાં ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી ડૉક્ટરની ક્લિનિકને સીલ કરાયું છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના ઉત્તર ઝોન દ્વારા ડૉકટરનું દવાખાનું સીલ કરવામાં આવ્યું છે. દવાખાનામાંથી એક્સપાયરી દવાનો જથ્થો પણ મળી આવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની 4000 કરતા પણ વધુ મિલકત ની હાલની સ્થિતિ શું છે એ અંગે મનપા સર્વે કરશે. અમદાવાદ મનપાની ટીપી કમિટીની બેઠકમાં મહાનગરપાલિકાએ આપેલ કોમર્શિયલ પ્રોપર્ટીની હાલની સ્થિતિ શું છે ? તેમાંથી મનપાને કેટલું ભાડુ મળી રહ્યું છે ? મિલકત પર કબજો કોનો છે એ સહિતની બાબતો અંગેની વિગત અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી. જો કે અધિકારીઓ પાસે આ અંગે વિગતો ના હતી. ટીપી કમિટીએ મનપાના અધિકારીઓને મનપાની કોમર્શિયલ પ્રોપર્ટીઓનો સર્વે કરવા નિર્દેશ કર્યો છે. મનપાએ સીજી રોડ, કાંકરિયા, કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં 4 હજાર કરતા પણ વધારે કોમર્શિયલ પ્રોપર્ટી ભાડા કરાર હેઠળ આપેલી છે. જેનું નજીવું ભાડુ જ મનપાને પ્રાપ્ત થઈ રહ્યું છે, ત્યારે આ અંગે પુનઃ સર્વે કરવામાં આવશે.
સસ્તા અનાજના દુકાનદારો, મંત્રી કુંવરજી બાવળીયાને રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા ગરીબો માટેના ચણા અને દાળનો જથ્થો 50 ટકા જ ફાળવે છે. જેના કારણે ગરીબોને પુરતી માત્રામાં ચણા અને તુવેરદાળ આપી શકાતી નથી. દુકાનદારોની ફિંગર સિસ્ટમમાં નોમિનેશન કરવાની માંગ પણ કરવામાં આવી છે. જો કે કુવરજી બાવળિયાએ હાલ તો દુકાનદારોને 1 મહિનામાં તેમની સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું આશ્વાસન આપ્યું છે.
મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ, એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના તેમજ અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ વ્યાપારી અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન બહુવિધ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી 30.63 કરોડની વસૂલાત સહિત રૂ. 93.47 કરોડની વસૂલાત થઈ હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, નવેમ્બર, 2024 દરમિયાન 2.01 લાખ ટિકિટ વિનાના, અનિયમિત મુસાફરોને શોધીને રૂ. 12.91 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી, જેમાં અનબુક કરાયેલા સામાનના કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવેમ્બર મહિનામાં પણ, પશ્ચિમ રેલવેએ મુંબઈ ઉપનગરીય વિભાગ પર 82 હજાર કેસ શોધી કાઢ્યા અને 4.03 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો. એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવોના પરિણામે, એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અંદાજે 40,000 અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે અને 131 લાખ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા 177 રસ્તાઓ બંધ છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ, શિમલા, કુલ્લુ, મંડી, ચંબા અને સિરમૌર જિલ્લાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે.
ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે, ગઈકાલ તા. 23 ડિસેમ્બરના રોજ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષ અને સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
હાલમાં અંદાજીત 11 હજારથી વધુ આશરે 91 ટકા સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયાને ઓનલાઈન કરવાની ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયા ઓનલાઈન થવાથી ફી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ, પારદર્શક અને ઝડપી બનશે અને સરકારની ડીઝીટલાઈઝેશનની નેમને વધુ વેગ મળશે.
ખોખરા અનુપમ સિનેમા પાસે ટ્રક અને ટુ વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 વર્ષની બાળકી ઇયા અને તેના નાના બંનેના મોત થયા છે. ટુ વ્હીલર પર સવાર નાના અને દોહિત્રીનું મોત થયું છે. ડિવાઈડરથી વળાંક લેતી વખતે ટ્રક ટુ વ્હીલર પર ચઢી ગયો. ગંભીર ઈજાઓ બાદ પહેલા દોહિત્રીને અને નાનાને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યા ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યાં હતા. મૃતકમાં 3 વર્ષની બાળકીનુ નામ ઈયા હતું. જ્યારે તેના નાનાનુ નામ જિતેન્દ્ર ભાવસાર હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે.
બનાસકાંઠા: ડુપ્લીકેટની ભરમાર વચ્ચે દિયોદરમાં LCBએ મોટી કાર્યવાહી કરી છે. ડુચડવાડા ગામમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગામના ખેડૂતના ખેતરમાં ધમધતી ફેક્ટરીમાં તપાસ કરાઈ. વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સબસીડી યુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવાનો ખુલાસો થયો છે. સબસીડી યુક્ત યુરિયા ખાતર અને લિક્વિડ બનાવતી સામગ્રી, સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ રખિયાલમાં આતંક મચાવનારને કાયદાનું ભાન કરાવાશે. જાહેરમાં હથિયાર લઈને દાદાગીરી કરનારના ઘર પર દાદાનું બુલડોઝર ફરશે. આરોપી સમીર ચીકનાના દબાણવાળા ઝૂંપડા પર ફરશે બુલડોઝર. ગરીબનગર નજીક અકબર નગરના છાપરા ખાતે આરોપી સમીરનું ઘર તોડી પાડશે. ડિમોલિશનની કાર્યવાહી માટે AMC અને પોલીસની ટીમ પહોંચી.
છોટાઉદેપુરઃ મોટી સઢલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતાનું મોત થયુ છે. મહિલાનું મોત થતા મોટી સંખ્યામાં પરિજનોએ હોબાળો કર્યો છે. નોર્મલ ડિલિવરી બાદ મોત થતા પરિવારજનોનો આક્ષેપ છે. મહિલાને છોટા ઉદેપુર રિફર કરાઈ હોવાનો આરોપ છે. ડોક્ટરના બદલે નર્સે ડિલિવરી કરાવવાથી મોત થયાનો આક્ષેપ છે.
વડોદરા: ડભોઇના ભીલાપુરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. મહિલા પર હુમલા બાદ શ્વાન અન્ય 2 લોકોને પણ કરડ્યું. 2 દિવસમાં 10 જેટલા લોકોને શ્વાન કરડ્યું. શ્વાને લોકોના હાથ-પગ અને મોઢાના ભાગે ઇજા પહોંચાડી છે. ઘરની બહાર નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વડોદરા અને ડભોઇમાં સારવાર લીધી. રખડતા શ્વાનને પકડવાની કામગીરી કરવા માગ છે.
રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજળીમાં ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો થયો છે.
જૂનાગઢ: માંગરોળ બંદર ખાતેથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. પગમાં નંબરો લખેલું ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં કંઈક લખેલું હતું. મરીન પોલીસને કબૂતર સોંપાયા બાદ કંઈક વાંધાજનક ન મળ્યાનો દાવો છે. કબૂતરના એક પગમાં આંકડામાં 305115 અને 2024 લખેલ જોવા મળ્યું. અન્ય દેશમાં કબૂતરની યોજાતી હરીફાઈ દરમ્યાન આ કબૂતર અહીં આવી ગયું હોવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ: લખનઉ અને ગાઝીપુરમાં એન્કાઉન્ટર થયુ છે. બંને એન્કાઉન્ટરમાં એક-એક શખ્સનું મોત થયુ છે. બંને મૃતકો લખનઉમાં બેંક લોકરમાં ચોરી કેસના આરોપી હતા. અન્ય એક ઇજાગ્રસ્ત થયા છે. આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના સ્થળેથી દેશી કટ્ટા, કારતૂસ અને ચોરાયેલા ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે. બેંકમાં 42 જેટલા લોકર તોડી આરોપીએ ચોરી કરી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસનું સર્ચ ઓપરેશન છે. 2 દિવસ અગાઉ 7 શખ્સોએ બેંકમાં ચોરી કરી હતી.
વડોદરા: ઝઘડિયાની બાળકી પર દુષ્કર્મ કેસમાં બાળકીનાં પેનલ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો છે. બાળકીનો પરિવાર મૃતદેહને લઇ મોડી રાત્રે જ વતન જવા રવાના થયો છે. 8 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયુ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલતી હતી.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત લથડી છે. ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ, એન્જલ યુરેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને સોમવારે વોશિંગ્ટનમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા અને તેમને પરીક્ષણ અને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પંચમહાલ:અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ભથવાડા ગામ પાસે ભયાનક અકસ્માત થયો છે. લકઝરી બસ અને ટ્રક અકસ્માતમાં 28 પેસેન્જર ઘાયલ થયા છે. અમદાવાદથી ભોપાલ જતી બસ ટ્રકની પાછળ અથડાઈ છે. બસમાં ફસાયેલા તમામ પેસેન્જરોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. અકસ્માતમાં 8 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. 20 પેસેન્જરોને સામાન્ય ઈજા થઈ છે. બસના ચાલકને અમદાવાદ અને અન્ય ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલમાં દાખલ કરાયા છે.
Published On - 8:47 am, Tue, 24 December 24