
આજે 24 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દ્વારકાના ખંભાળિયાના હર્ષદપુર ગામે સતવારા સમાજના ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 45 વર્ષથી જમીન પર ખેડૂતો ખેતી કરી રહ્યા છે..જેના પર તેમનો માલિકીનો હક હોવાનો પણ દાવો કર્યો. તેમ છતાં પૂર્વ મંજૂરી વગર રેલવે લાઈન ખેતરમાંથી પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ દીધી. જેને લઈ 20 દિવસથી ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ખેડૂતોએ હનુમાન ચાલીસાનો પાઠ કરીને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો રેકોર્ડમાં પણ તેમની સંમતિ વિના ફેરફાર કરીને જમીનના અધિકાર છીનવવાનો પ્રયાસ કરાયા અને તંત્રને રજૂઆતો કરી છતાં પગલાં લેવાયા નથી. જેને લઈ ખેડૂતોએ તંત્ર સામે બાંયો ચડાવી છે.
મોરબીના મકનસર ગામે વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન ન આવતા ગ્રામજનોએ આંદોલનનો માર્ગ પકડ્યો છે. વર્ષોથી રજૂઆત કરવા છતાં નિકાલ ન થતાં ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધવ્યો છે.
વડોદરાના કરજણમાં પણ મેઘાએ વરસાવી છે મહેર. તોફાની બેટિંગ કરતા કરજણના અનેક વિસ્તાોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં તોરાજીના પણ અહેવાલ છે. નેશનલ હાઇવે 48 નજીક પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. રેલવે ઓવર બ્રિજ, નવા બજાર, આમોદ રોડ, સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદનાં કારણે સતસાગર ડેમ છલકાયો. ડેમની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. બરડા પર્વત પર સ્થિત સતસાગર ડેમની સુંદરતા નિહાળવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં. છેલ્લા બે દિવસમાં પંથકમાં સાત ઇંચથી વધુ વરસાદ પડતા અનેક ચેકડેમો અને તળાવો પાણીથી છલકાયા..તો બીજી તરફ ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
જામનગર: જામજોધપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો. અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય રસ્તા, કોઝ-વે પરથી ફરી વળ્યા પાણી છે. જામવાડી ગામે કોઝ-વે થયો પાણીમાં ગરકાવ થયો છે. જેના કારમે વસંતપુર સહિતના ગામોની અવરજવર બંધ થઈ છે. ડાઈમીનસાર, વેણુ અને ઉમિયાસાગર ડેમ છલકાયા છે. ઉમિયાસાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપલેટાના હરિયાસણ, ખારેચીયા, ચરેલીયા,રાજપરાને એલર્ટ કરાયા છે. જામજોધપુરના રબારીકા અને સીદસર ગામને સૂચના અપાઈ છે.
વલસાડ: લો-લેવલ બ્રિજ પરથી તણાયેલા યુવકની બાઈક મળી આવી છે. માન નદીના લો-લેવલ બ્રિજ પરથી બાઈકસવાર યુવક તણાયો હતો. સ્થાનિક તરવૈયાઓએ યુવકની બાઈક બહાર કાઢી. GRD જવાનોના ના પાડવા છતા યુવક ત્યાંથી થયો પસાર થયો હતો. 15 કલાક બાદ પણ માત્ર યુવકની બાઈક મળી છે. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી શોધખોળમાં મુશ્કેલી આવી રહી છે.
નવસારીમાં ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે આસણા ગામમાં બનેલી ઘટના ચોંકાવનારી રહી. ઈંટની ભઠ્ઠીમાં ત્રણ લોકો બે દિવસથી ફસાયા હતા.જેનું અંતે સફળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન કરીને બચાવવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના આસણા ગામે ભારે વરસાદ બાદ નદી-નાળા બેહાલ થયા. પાણીના ઘેરાવ વચ્ચે ઈંટની ભઠ્ઠીમાં ત્રણ લોકો ફસાઈ જતાં હાહાકાર મચી ગયો. સ્થાનિક તંત્રને જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને કલાકોની જહેમત બાદ રેસ્ક્યૂ કાર્ય સફળ થયું.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વિરમગામ-માંડલ પંથકમા ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ડુમાણા, ભોજવા, સોકલી સહિતના ગામમાં સારી મેઘમહેર થઈ છે. લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
વડોદરાઃ ગણતરીના કલાકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં રોડ પર પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દિવસભર વરસાદે વિરામ લીધા બાદ શિનોર તાલુકામાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી. સાધલી, મીઢોળ, ટીમ્બરવા, ઉતરાજ સહિતના શિનોર પંથકમાં વરસાદ નોંધાયો હતો.
નવરાત્રીના પર્વ માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આયોજકો અને ખૈલયાઓને કડક ભાષામાં ચીમકી આપી છે. જેમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવા સાથે ટુંકા કપડા પહેરીની આવનારને પ્રવેશ ન આપવા સહિતના મુદ્દાઓ છે. જે માટે 100થી વધુ કાર્યકરો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં જઈને સરપ્રાઈઝ ચેકીંગ કરશે. આ ઉપરાંત દીકરીઓ માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સાથે કોઈપણ વિધર્મીને બાઉન્સર કે કોઈ અન્ય સ્ટાફમાં ન રાખવામાં આવે. કલાકારોને પણ પરંપરાગત પોશાકમાં પર્ફોર્મન્સ આપે તેવી સૂચના આપવામાં આવી છે.
નવસારીના જલાલપોરમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું. રાજકીય અને સામાજિક સુધારણા અને સમાજમાં એકતાના નિર્માણના ઉદ્દેશ્યથી મળેલા આ સંમેલનમાં 10 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના કોળી સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. નવસારીના જલાલપોર ભાજપના ધારાસભ્ય આરસી પટેલે પણ સંમેલનમાં હાજરી આપી હતી. કોળી સમાજને રાજકીય પ્રતિનિધિ આપવામાં અન્યાય થતો હોવાની ચર્ચા સંમેલનમાં ઊઠી હતી
વડોદરા: ડભોઇનો સરિતા રેલવે ઓવરબ્રિજ બિસ્માર બન્યો છે. બ્રિજ પર મસમોટા ખાડા, સળિયા પણ બહાર નીકળી ગયા છે. સામાન્ય વરસાદમાં બ્રિજની હાલત ખસ્તા થઈ છે. બ્રિજ નિર્માણના 3 વર્ષમાં વારંવાર સળિયા નીકળી ગયા છે. તૂટેલા બ્રિજના કારણે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યુ છે. ઉલ્લેખનીય છે, સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ બ્રિજની ખરાબ હાલત મુદ્દે રજૂઆત કરી હતી. છતા હજી સુધી કોઇ કામગીરી નહીં થતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. સાવ ખરાબ હાલત હોવા છતાં બ્રિજનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું. બ્રિજ પર ઠેર-ઠેર ખાડા છે અને ખાડામાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે વાહનોને નુકસાન થઇ રહ્યું છે. આવા રસ્તાના કારણે કોઇ પણ સમયે અકસ્માત સર્જાઇ શકે છે ત્યારે, તંત્ર વહેલી તકે સમારકામ કરે તે જરૂરી છે.
ભાદરવી પૂનમ નું ગુજરાત રાજ્યમાં અનેરું મહત્વ છે કારણકે જ્યાં દેવી સતીનું હ્રદય પડયું તેવા આરાસુરમાં માં અંબા ના ધામ માં ભાદરવી પૂનમ નો મેળો ભરાય છે. તે પહેલાં જ ગુજરાતભર માંથી ભાવિક ભકતો પગપાળા યાત્રા કરીને માં અંબા ના દર્શન કરવા જાય છે. દર્શન કરીને માં ને નવરાત્રિમાં પોતાના ઘરે ગરબે રમવા આવવાનું આમંત્રણ આપે છે. અંબાજી પગપાળા યાત્રા સંઘો ભાદરવા માસની શરૂઆત થતા જ અંબાજી જવા નીકળી જાય છે. તેવો જ એક સંઘ એટલે લાલડંડા વાળો સંઘ. પરંપરાગત રીતે છેલ્લા 190 વર્ષથી અવિરત અંબાજી પગપાળા યાત્રા માં વિવિધ ભક્ત જોડાય છે અને કેટલાક પરિવારો પેઢી દર પેઢી આ સંઘમાં જોડાય છે.
દિવ નજીક અરબી સમુદ્રમાંથી 1200 કેન્ટેનર લઈ જતું એક જહાજ ડૂબ્યુ છે. એવા સમાચાર ગઈકાલે આવ્યા હતા. ત્યારે આજે બે કન્ટેનર અલગ અલગ જગ્યાએથી મળ્યા છે. જુનાગઢના ચોરવાડ નજીક જુજારપુર ગામે દરિયામાંથી કન્ટેનર મળ્યું છે. તો સુત્રાપાડાના ધામલેજ ગામના દરિયા કાંઠે વધુ એક કન્ટેનર મળી આવ્યું છે. સ્થાનિક પોલીસ આ કન્ટેનર અંગે તપાસ કરી રહી છે. મળી આવેલા આ કેન્ટેનર ડુબી ગયેલા જહાજ પૈકીનું છે કે કેમ તે અંગે તપાસ ચાલું છે.
દરિયામાં ડૂબેલા જહાજના કન્ટેનર હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારે રઝળતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢના ચોરવાડ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથના સૂત્રાપાડામાં દરિયાકાંઠે કન્ટેરન તરતા દેખાયા હતા.
ધોધમાર વરસાદને પગલે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. ઉત્તર ગુજરાતના ડેમોની વાત કરીએ તો બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાં નવા નીરની આવક થતાં ખુશીની લહેર ફરી વળી છે. તો મહેસાણાનો ધરોઇ ડેમ 86 ટકા ભરાયા છે. આ તરફ ગાંધીનગરના સંત સરોવર ડેમના 21 દરવાજા ખોલાયા છે અન 28 ગામો એલર્ટ કરાયા છે. જ્યારે અરવલ્લીનો મેશ્વો ડેમ 91 ટકાથી વધુ ભરાયો છે. મધ્ય ગુજરાતના જળાશયોમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 82 ટકા ભરાયો છે. જ્યારે કરજણ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ તરફ મહીસાગરનો વણાકબોરી ડેમ છલકાયો છે. જેના પગલે નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળસપાટી 415.11 ફુટ પર પહોંચી છે. જેને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.
રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ 90 ટકાથી વધુ ભરાયો છે. બીજી તરફ જુનાગઢ શહેરનો સૌથી મોટો હસ્નાપુર ડેમ ઓવરફ્લો થયો છે. ધારાસભ્ય અને મનપાના હોદ્દેદારોએ નવા નીરના વધામણાં કર્યા હતા. તો રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ-2 ડેમ પણ છલકાયો છે. બીજી તરફ અમરેલીમાં ને શેત્રુંજી નદી પર ખોડિયાર સિંચાઈ ડેમ 70 ટકા ભરાયો છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના જળાશયો છલોછલ થયા છે.
વડોદરામાં 94 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે. સોસાયટીઓમાં ડ્રેનેજ બેક મારવાની સમસ્યા ઉભી થઈ હતી. જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. સામાન્ય સભા દરમિયાન વોર્ડ નંબર 12ના મ્યુનિસિપલ કાઉન્સિલર મનીષ પગારે આક્ષેપ કર્યા હતા. ચોમાસામાં પણ કામ કરાતું હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. સાથે જ ડ્રેનેજની લાઈનનું ડાઇવર્ઝન આપવાનું રહી ગયું હોવાથી. સોસાયટીઓમાં ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
નર્મદાઃ કરજણ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરવાસમાં સતત વરસાદને પગલે પાણીની સતત આવક થઈ રહી છે. ડેમનુ જળસ્તર જાળવવા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 13 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.
કરજણ ડેમ ના 3 દરવાજા ખોલી ને 13 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણીને પગલે નદી કાંઠાના હજરપુરા,ભચરવાળા, તોરણા સહિતના ગામોને સાબદા કરવામાં આવ્યા છે. જોકે હાલ કોઈ પુર જેવી પરિસ્થિતિ સર્જાય એવું કંઈ નથી.
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે નીલકંઠ મહાદેવની શોભાયાત્રામાં શિવભક્તે ડોલર ઉડાવ્યા હતા. રામભાઇ નામના શિવભકતે ડોલરનો વરસાદ કરતા ડોલર લુંટવા લોકોએ પડાપડી કરી હતી. શ્રાવણ માસની અમાસ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં જોરાવરનગરના ભક્ત બન્યા ભાવ વિભોર. શોભાયાત્રામાં પ્રથમવાર અઘોરી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. અઘોરી પરમારની ઝાંખી જોઈ લોકો અભિભૂત બન્યા હતા. શિવભક્તએ અમેરિકન ડોલર ઉડાવતા લોકો એ ડોલર લેવા પડાપડી કરી મૂકી હતી.
બનાસકાંઠાના ભાભરના અબાળા ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. ધિંગાણામાં બન્ને જૂથના 7થી વધુને ઈજા પહોચી હતી. અબાળા ગામમા થયેલું દબાણ દૂર કરાતા મામલો બિચક્યો હતો. સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે ધિંગાણું ખેલાયું હતું. બંને પક્ષના લોકોએ એકબીજા પર કર્યા જીવલેણ હુમલા. ચાર થી વધુ વાહનોને પણ તોડફોડ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાભર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 189 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોરબીના માલિયામાં સવા બે ઈંચ, ટંકારામાં બે ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદના બાકરોલ પાસે સાબરમતી નદીમાં 25 માણસો ફસાયા છે. ખેતરમાં કામ કરતા 25 જેટલા મજૂરો ફસાયા છે.
રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે. સાબરમતી નદીમાં, પાણી છોડાતા ખેતીકામ કરતા આ મજૂરો નદીના પાણીના પ્રવાહમાં અટવાયા છે.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નિક્કીની હત્યાના કેસમાં પોલીસે પતિ વિપિનની ધરપકડ કરી હતી. હવે જ્યારે પોલીસ તેને કાનૂની કાર્યવાહી કર્યા પછી મેડિકલ માટે લઈ જઈ રહી હતી, ત્યારે તેણે કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, જ્યાં પોલીસે તેનો સામનો કર્યો. એન્કાઉન્ટરમાં વિપિનને પગમાં ગોળી વાગી હતી. જેના કારણે વિપિનને ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોલીસ પાસેથી હથિયાર છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો.
હાલ મઘા નક્ષત્રમાં પડી રહેલા વરસાદનું પાણી ઉત્તમ ગણાય છે. કૃષિ પાકોમાં રોગ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે.
ગણેશ ચતુર્થી, પર્યુષણ પર્વ અને રામદેવપીરના નોરતા દરમિયાન વરસાદ પડશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. અંબાજી જતા પદયાત્રીઓ માટે વરસાદ સમસ્યા સર્જશે. આગામી 23 થી 26 ઓગસ્ટ દરમ્યાન ઉત્તર ગુજરાત, રાજસ્થાન સરહદ ઉપર થશે મૂશળધાર વરસાદ વરસશે. આગામી 26 ઓગસ્ટથી બીજું વરસાદી વાહન આવતાં 28 ઓગસ્ટ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં પડશે વરસાદ. કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવશે.
રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડશે વરસાદના ઝાપટા પડશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. સરદાર સરોવર ડેમમાં જળ સ્તર ઊંચું આવશે. આ વરસાદથી નર્મદા નદી બે કાંઠે થશે. સાબરમતી અને તાપી નદીનું જળ સ્તર વધશે. આ વર્ષે નવરાત્રીમાં ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોમોન જોસેફના ઉમેદવારી ફોર્મમાં નકલી સહીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 46 ઉમેદવારોના 68 ઉમેદવારી ફોર્મમાંથી ફક્ત બે જ માન્ય ફોર્મ હોવાનું જાણવા મળ્યું છે. જોમોન જોસેફના ઉમેદવારીમાં ઘણા સાંસદોની નકલી સહીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાક જેલમાં પણ છે. આ મામલો ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓને ઉજાગર કરે છે. સાંસદોએ પુષ્ટિ આપી છે કે તેમની સહીઓ તેમની જાણ વગર કરવામાં આવી હતી.
ઉપરવાસમાં પડેલા સારા વરસાદ અને ધરોઈ ડેમ તેમજ સંત સરોવરમાંથી છોડાઈ રહેલા પાણીને કારણે વાસણા ખાતે આવેલ સાબરમતી નદી પરના બેરેજના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. વાસણા બેરેજના 25 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતીનું લેવલ અત્યારે 129 ફૂટ છે. સંત સરોવરમાંથી 63225 ક્યુસેક પાણી, સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે ધરોઈ ડેમમાંથી 32140 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાંથી વાસણા બેરેજ થી 51126 ક્યુસેક પાણીની જાવક સાબરમતી નદીમાં થઈ રહી છે. નીચાણ વાળા ગામના લોકોને નદીમાં ના જવા માટે સૂચના આપવામાં આવી છે.
જામજોધપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ચાર ઈંચ વરસાદથી જામજોધપૂરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. 4 ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. પુરને લઈ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓેના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. સાબરમતી નદીમાં પાણી છોડાતા ઈડર, હિંમતનગર, વિજાપુર, પ્રાંતિજ, માણસા તાલુકાના નદી કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં પૂરના ધસમસતા પ્રવાહના દ્રશ્યો જોવા મળ્યા છે. પૂરને લઈ હિંમતનગર-મહેસાણાને જોડતો દેરોલ પુલ અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયો છે.
ગાંધીનગર સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. 66215 ક્યુસેક પાણીની આવક થતા 63224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સંત સરોવરના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે. સંવેદનશીલ જગ્યાઓ ઉપર ફાયર અને પોલીસનો પોઇન્ટ મુકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમ પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદી પાણી આવતા જિલ્લાના 28 જેટલા કાઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગાંધીનગરના વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા પેથાપુર પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરિજ સહિતના ગામોમાં નદી કિનારેના એલર્ટ આપવામાં આવ્યું છે.
માણસા તાલુકા ખડાત, મહુડી, અનોડિયા, ડોડિયાલ, વરસોડા, લાકરોડા, ગુણમાં, અંબોડ અમરાપુર સહિતના ગામ સરપંચ અને તલાટીઓ અને આગેવાનોને લોકોને સૂચના આપવા જણાવ્યું છે.
ભાણવડ પંથકના ઘુમલી ગામે આશાપુરા માતાજીના મંદિરે ચોરીની ઘટના સામે આવી છે. બરડા ડુંગર પર આવેલ પ્રસિદ્ધ આશાપુરા માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બનતાં ભક્તોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. ચોરોએ મંદિરના ગર્ભગૃહમાંથી માતાજીનુ રૂ. 51,000 કિંમતનુ ચાંદીનુ છત્તર ચોરી કરી ફરાર થયા છે. અજાણ્યા શખ્સોએ મંદિરની દીવાલ કૂદીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ મંદિરનાં CCTV કેમેરામાં કેદ થયો છે. CCTVના આધારે ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી અને ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ પણ આ જ મંદિરે પૂજારીની હત્યા કરી ચોરી કરાઈ હતી, જેનું રહસ્ય આજદિન સુધી ઉકેલાયું નથી.
રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ અને ભારે પવન સાથે પડી શકે છે વરસાદ. કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં ઓરેન્જ એલર્ટ?
પોરબંદરના બરડા પંથકમાંથી પસાર થતી વર્તુ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ભાણવડના વર્તુ 2 ડેમમાં મોટાપ્રમાણમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાણવડ પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થતા દરવાજા ખોલાયા છે. 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેને લઈને પોરબંદરના બરડા પંથકના મોરાણા, પારાવાડા, ભોમિયાવદર, ફટાણા, શીંગડા, શીશલી સહિતના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
મહેસાણાના વડનગરના જૂની વાગડી ગામ નજીક સાબરમતી નદીના તટમાં 7 લોકો ફસાયા છે. 24 કલાક વીતવા છતાં ફસાયેલા લોકોને બહાર કાઢી શકાયા નહોતા. જો કે NDRF ની ટીમે માત્ર 2 કલાકમાં જ ફસાયેલા તમામને બહાર કાઢી લીધી હતા. સાબરમતી નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છોડતા 7 લોકો ફસાઈ જવા પામ્યા હતા. ટ્રેક્ટર લઈને નદીમાં રેતી કાઢવા ગયેલા 7 લોકો ફસાઈ ગયા હતા. ગઈકાલે રેસ્ક્યુ કરતા ફાયરની ટીમ પણ તણાઈ જવા પામી હતી. ગતરોજ બચાવ કામગીરી દરમિયાન રેસ્ક્યુ ટીમ તણાઈ હતી. રેસ્ક્યુ ટીમની બોટ ફણ પલટી જવા પામી હતી, જોકે રેસ્ક્યુ ટીમનો બચાવ થયો હતો. NDRFની ટીમને રેસ્ક્યુ માટે બોલવાઈ છે. NDRF ની ટીમ આજે નદીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. નદીમાં ભારે પ્રવાહ હોવાથી રેસ્ક્યુ કરવું મુશ્કેલ બની રહ્યું હતું જો કે NDRFની ટીમે વહેલી સવારે જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. માત્ર 2 કલાકની કામગીરીમાં ફસાયેલા તમામે તમામને હેમખેમ બહાર કાઢી લેવાયા છે.
આજે રવિવાર સવારના 6થી 8 સુધીના બે કલાકમાંમ મોરબીના માળિયામાં અને બનાસકાંઠાના દાંતામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 82 તાલુકામાં સવારના 6થી 8 સુધીના બે કલાકમાં વરસાદ વરસ્યો છે.
મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં 32,200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં ધરોઈ ડેમ 86.44 ટકા ભરાઈ ગયો છે. ધરોઈ ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલીને 32,200 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા છેલ્લા 24 કલાક દરમિયાન 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં પાંચ ઈંચથી વધુ નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં નોંધાયેલા વરસાદની સાથે રાજ્યનો કુલ વરસાદ 81.74 ટકા નોંધાયો છે. જેમા કચ્છ પ્રાંતમાં 84.58 ટકા, ઉત્તર ગુજરાતમાં 83.59 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 77.19 ટકા, સૌરાષ્ટ્રમાં 81.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 84.38 ટકા વરસાદ વરસ્યો છે.
જેતપુરના ખજૂરી ગુંદાળા નજીકનો સુરવો ડેમ ઓવરફલો થયો છે. ચોમાસાની સિઝનમાં સૌપ્રથમવાર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણી આવક થવા પામી છે. સુરવો-1 ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. થાણાગાલોલ, ખીરસરા, ખજૂરી ગુંદાળા ગામને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર નહિં કરવા તંત્રે સૂચના આપી છે.
ગીર ગઢડાના મહોબતપરા ગામ પાસેથી પસાર થતી રાવલ નદીમાંથી સવારે મળ્યો સિંહનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે વન વિભાગે ગ્રામ્ય વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. સતત 10 કલાક સુધી તપાસ હાથ ધરતા વન વિભાગને સિહનુ મોત કોણે નીપજાવ્યું છે તે શોધવા માટેની સફળતા મળી છે. ગીર ગઢડા તાલુકાના જંગલની બોર્ડર નજીકના નાગડિયા ગામમાંથી બે શખ્સોને વનવિભાગે ઉઠાવ્યા હતા. નાગડિયા ગામની વાડી માં મગફળીનું વાવેતર કર્યું હોય એ પાકને બચાવા ખેતર ફરતે મૂક્યો હતો વીજ કરંટ. ખેતરમાં સિંહ આવતા વીજ શોર્ટ લાગવાથી સિંહનું નીપજ્યું હતુ મોત. સિંહનું મોત નીપજ્યા બાદ બંને શખ્સોએ ટ્રેક્ટરમાં સિંહના મૃતદેહને નાખી નાગડિયાથી 10 કી.મી.દૂર મહોબતપરા નજીકથી પસાર થતી રાવલ નદીમાં ફેકી આવ્યા હતા.
વડનગર નજીક સાબરમતી નદીમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે નદીના પ્રવાહમાં ઉતરેલી સ્ક્યુ ટીમની બોટ પલટી જવા પામી હતી. સાબરમતી નદીમાં 6 થી 7 લોકો ફસાયેલા છે તેવા સમાચાર તંત્રને મળ્યા હતા. ફસાયેલા લોકોને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમની બોટ પલટી હતી. સાબરમતી નદીના ધસમસતા પાણીમાં બોટ પલટી ગઈ હતી. બોટ પલટી મારતા રેસ્ક્યુ કરવા ગયેલી ફાયર ટીમ પાણીમાં તણાઈ હતી. રેસ્ક્યુ ટીમ પાણી તણાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.
Published On - 7:18 am, Sun, 24 August 25