23 મેના મહત્વના સમાચાર : વડોદરા મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર સામે 3 લાખની લાંચ માગી હોવાનો ગુનો નોંધાયો

આજે 23 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

23 મેના મહત્વના સમાચાર : વડોદરા મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર સામે 3 લાખની લાંચ માગી હોવાનો ગુનો નોંધાયો
| Edited By: | Updated on: May 23, 2025 | 10:02 PM

આજે 23 મેને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 May 2025 09:40 PM (IST)

    ટ્રેકટર પર બેસીને રમતા બાળકોના હાથે ટ્રેકટર ચાલુ થઈ જતા કૂવામાં ખબક્યુ, એક બાળકનુ મોત

    દેવભૂમિદ્વારકાના ભાણવડ તાલુકાના ઢેબર ગામે વાડીમાં બાળકો રમતા રમતા ટ્રેક્ટર પર ચડ્યા હતા અને અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતા વાડીમાં આવેલ કૂવામાં ખાબક્યું હતું. ટ્રોલી સાથેનું ટ્રેક્ટર કુવામાં ખાબકતા આસપાસના લોકો રાત્રીના સમયે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક ક્રેન બોલાવી ટ્રેક્ટરને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું  હતું. ટ્રેક્ટર સાથે 2 બાળકો પણ કૂવામાં ખબકયા હતા, જેમાંથી એક બાળકનો બચાવ થયો અને એક બાળકનું ડૂબી જતાં મોત થયું હતું.

     

     

  • 23 May 2025 09:36 PM (IST)

    ભરૂચના પાલેજ- વરેડીયા નજીક હાઈવે પર કારમાં લાગી આગ

    ભરૂચના પાલેજ- વરેડીયા નજીક હાઈવે પર કારમાં આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ છે. સેગવા ચોકડી પાસે કારમાં આગ લાગતા કાર બળીને ખાક થઈ જવા પામી છે. આ ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો છે.


  • 23 May 2025 09:20 PM (IST)

    જામનગરના પંચવટીમાં 37 વર્ષના યુવાનને કોરોના, આઈસોલેટ કરાયો

    જામનગર શહેરમાં પણ કોરોનાએ એન્ટ્રી નોંધાવી છે. શહેરી વિસ્તારમાં એક કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. દર્દીને હોમ આઈસોલેટ કરાયા છે. પંચવટી ગૌશાળા વિસ્તારના 37 વર્ષીય એક યુવાનને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે તકેદારીના પગલાં. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના પોઝિટિવ દર્દી બહારગામથી આવ્યો હતો. જેને તાવ, શરદી અને કફ જણાતા રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યું છે.

  • 23 May 2025 08:53 PM (IST)

    વડોદરા મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર સામે 3 લાખની લાંચ માગી હોવાનો ગુનો નોંધાયો

    વડોદરા મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર સામે લાંચનો ગુનો નોંધાયો છે. મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર, કૌશિક પરમારે કોન્ટ્રાકટર પાસે લાંચ માંગી હતી. મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ બેલેન્સિંગ રીજવાયરનું ઓપરેશન એન્ડ મેઇન્ટેન્સના ટેન્ડર સંદર્ભે લાંચ માંગી હતી. કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ ટકા લેખે ત્રણ લાખની માંગી હતી લાંચ. કોન્ટ્રાક્ટર દ્વારા ઇજનેર સાથે થયેલ ટેલિફોનીક વાતચીતના આધારે એસીબીએ નોંધ્યો ગુનો. વૈજ્ઞાનિક ઢબે ફરિયાદીના રેકોર્ડિંગનું ટેમ્પરિંગ સર્ટિફિકેટ આવતા ઈજનેર સામે નોંધાયો ગુનો. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઇજનેરની મિલકત અંગે તપાસ હાથ ધરાઈ છે.

     

     

  • 23 May 2025 07:55 PM (IST)

    સુરત સિવિલ હોસ્પિટલના 2 રેસિડેન્ટ ડોકટરને કોરોના

    સુરત શહેરમાં કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. સુરતમાં ફરી એકવાર કોરોના વાઈરસના આજે બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બંને દર્દીઓને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. બંને કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. બન્ને દર્દી સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવે છે.

  • 23 May 2025 07:49 PM (IST)

    અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

    અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેરમાં રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ સહીત વિવિધ માર્ગો જળબંબાકાર થઈ ગયા છે. અમરેલી શહેરમા 2 કલાક કરતા વધુ સમયથી વરસાદ વરસ્યો છે. અમરેલી તાલુકાના નાના ભંડારીયા વડેરા મંગપાળામાં તોફાની બેટિંગ યથાવત રહેવા પામી છે. કુંકાવાવ, આંકડિયા સહિતના માર્ગો ઉપર વૃક્ષો ધરાશય થયા છે,  જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમા મુશ્કેલી વધી શકે છે.

  • 23 May 2025 05:05 PM (IST)

    અકસ્માત સર્જીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને હાઈકોર્ટે ચાર દિવસના આપ્યા હંગામી જામીન

    અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્મત સર્જીને નવ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને ગુજરાત હાઇકોર્ટે ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યાં છે. ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની માતાનુ ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવા હુકમ કર્યો છે. 29 મે રાત્રિના નવ વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યાં છે. તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસ કર્મીઓ રહેશે હાજર. તથ્ય પટેલ માતાનું ઓપરેશન કોઈ કારણોસર મુલતવી થાય તો સરેન્ડર કરવાનું રહેશે.

  • 23 May 2025 04:20 PM (IST)

    લો બોલો, ભાજપના જ પૂર્વ સાંસદે ચીમકી ઉચ્ચારતા કહ્યું- હપ્તારાજ ચાલે છે, ખાણ માફિયાઓ સામે તંત્ર પગલાં નહી ભરે તો આંદોલન કરાશે, સ્થિતિ બગડે તો જવાબદારી સરકારની રહેશે

    સાબરકાંઠામાં બેફામ ખનીજ ચોરી કરી દોડતા ડમ્પરો સામે ભાજપ નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાબરકાંઠા સંસદીય બેઠકના લોકસભાના પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડે સરકારી તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે. ખનીજ ચોરી સામે યોગ્ય પગલાં ભરવાની કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરાશે તેમ દિપસિંહે જણાવ્યું છે. આંદોલનને કારણે સ્થિતિ વણસવાની જવાબદારી સરકારની રહેવાની પણ દિપસિંહે કહ્યું છે. હપ્તારાજના કારણે ખનીજ ચોરી બેફામ બન્યાનો આક્ષેપ કર્યો છે. સીએમ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે તેમ પૂર્વ સાંસદ દિપસિંહે જણાવ્યું હતું. સોશિયલ મીડિયામાં પૂર્વ સાંસદનો તંત્રને ચીમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જો કે આ વીડિયો તેમનો પોતાનો જ છે કે નહીં,  તે અંગે ટીવી9 કોઈ પુષ્ટિ કરતું નથી.

  • 23 May 2025 03:56 PM (IST)

    અરબ સાગરમાં લો પ્રેશરને લઈ યલો એલર્ટ વચ્ચે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સાબદું

    ભરૂચમાં શક્તિ વાવાઝોડાને લઈ જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગતરાત્રે 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદ વરસતા લોકોએ રાત અંધારામાં વિતાવી પડી હતી. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાના અને શેડ તૂટી પડવાના કિસ્સા નોંધાયા હતા. શહેરી સહિત 100 થી વધુ ગામમાં અંધારપટ્ટ છવાયો છે. 28 મે સુધી દરિયો નહીં ખુંદવા માછીમારોને સૂચના આપી દેવાઈ છે. અગારીયાઓને પણ સલામત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે. અરબ સાગરમાં લો પ્રેશરને લઈ યલો એલર્ટ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે.

     

  • 23 May 2025 03:53 PM (IST)

    ડાંગમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

    હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. આ આગાહી મુજબ જ ડાંગના આહવામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આહવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સાથે વરસાદનુ આગમન થતા તંત્ર એલર્ થયું છે.

  • 23 May 2025 03:51 PM (IST)

    ઊના તાલુકાના વાસોજ ગામે દીપડાનો આંતક, યુવક ઉપર કર્યો હુમલો

    ગીરસોમનાથના ઊના તાલુકાના વાસોજ ગામે આદમખોર દીપડાનો આંતક છે. એક પુરુષ ઉપર દીપડાએ હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના વાસોજ ગામે વહેલી સવારે 19 વર્ષના વિશાલભાઈ સીલોત   સીમમાંમાથી પસાર થતા અચાનક આદમખોર દીપડાએ વિશાલભાઇ ઉપર હુમલો કર્યો હતો.  ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ઉનાની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વાસોજ ગામમાં ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટર વિભાગનાં અધિકારીઓ પહોચ્યા હતા.

  • 23 May 2025 02:23 PM (IST)

    મનરેગા મુદ્દે કોંગ્રેસનો વધુ એક ગંભીર આક્ષેપ

    મનરેગા મુદ્દે અમિત ચાવડાનો આરોપ છે કે સરકારી યોજના હેઠળ 60 ટકા રકમ મજૂરોના વેતન માટે જ્યારે 40 ટકા રકમ મટિરિયલ માટે ફાળવવામાં આવતી હોય છે. પરંતુ, જાંબુઘોડામાં માત્ર 22 ટકા રકમ જ મજૂરોના પગાર માટે વપરાઈ છે. જ્યારે 78 ટકા રકમ મટિરિયલ પાછળ ખર્ચાઈ છે. અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે સરકાર કૌભાંડમાં ઝડપાયેલા બચુ ખાબડના પુત્રોને બચાવવાના પ્રયાસ કરી રહી છે. સમગ્ર દાહોલ જિલ્લામાં જો તપાસ હાથ ધરાય તો એક હજાર કરોડનું કૌભાંડ બહાર આવે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે.

  • 23 May 2025 02:01 PM (IST)

    27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

    રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. 35-50 કિમી પ્રતિકલાક સુધી પવનની ગતિ રહેશે. રાજકોટ, જુનાગઢ ,અમરેલી , પોરબંદર વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. ભાવનગર ,ગીર સોમનાથ,ભરૂચ, સુરત ,તાપી ઓરેન્જ અલર્ટ છે. વલસાડ ,દમણ અને દાદરા નગર વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યેલો અલર્ટ છે.

  • 23 May 2025 01:59 PM (IST)

    સુરત જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ થયું ધરાશાયી

    સુરત જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયું. કામરેજમાં કાર પર વૃક્ષ પડતાં કારને નુકસાન થયુ. કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવામાં આવ્યું.

  • 23 May 2025 01:08 PM (IST)

    મહેસાણાઃ દિવાલ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત

    મહેસાણાઃ દિવાલ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત થયા છે. વિજાપુરના સુંદરપુર ગામમાં દુર્ઘટના સર્જાઈ. જૂનું મકાન પાડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર સહિત શ્રમિકો દટાયા હતા. ત્રણ શ્રમિકોના મોત થયા છે અને  4 શ્રમિકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિકો અને તંત્રએ પહોંચી બચાવ કામગીરી ચાલુ કરી છે.

  • 23 May 2025 11:54 AM (IST)

    આરોપી પંકજ ભાવસારના ગેરકાયદે મકાનનું ડિમોલિશન

    વસ્ત્રાલ વિસ્તાર લુખ્ખા તત્વોએ મધરાત્રે ભારે બબાલ કરીને આતંક મચાવ્યો હતો.  વાહનોમાં તોડફોડ કરી લોકો સાથે ઉગ્ર મારામારી પણ કરી હતી. ત્યારબાદ પોલીસે પણ તમામ આરોપીને પકડીને જાહેરમા જ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આરોપીઓના ગેરકાયદે બાઁધકામ પણ તોડી પડાયા હતા.  ત્યારે આરોપી પંકજ ભાવસારના ગેરકાયદે મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

  • 23 May 2025 11:07 AM (IST)

    મહેસાણા :’ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું CMએ કર્યું ઉદ્ધાટન

    મહેસાણા :’ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું CMએ ઉદ્ધાટન કર્યું. જમીન, આકાશ અને પાણી પર 10 થી વધુ એક્ટિવિટી કરાઈ શરૂ. અહીં અત્યાધુનિક એસી ટેન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ યોજાશે. ધરોઈ આવતા પ્રવાસીઓને યાદગાર અનુભવ મળશે.

  • 23 May 2025 10:15 AM (IST)

    પૂરપાટ ઝડપે આવતી કારે ઉંટના ટોળાને લીધુ અડફેટે

    પાટણ: રાધનપુર હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કારે ઉંટના ટોળાને અડફેટે લીધુ. ગમખ્વાર અક્સ્માતમાં 2 ઉંટના મોત થયા. અકસ્માતમાં સદનસીબે કાર ચાલકનો બચાવ થયો.

  • 23 May 2025 08:56 AM (IST)

    બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ

    બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બેંગકોક ફરવા ગયેલા પરિવારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોનાથી સંકમ્રિત બાળક હાલ હોમ આઇસોલેશનમાં છે. પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 ઈમરજન્સી વોર્ડ તૈયાર કરાયા.

  • 23 May 2025 08:15 AM (IST)

    ભરૂચમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો

    ભરૂચમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.

  • 23 May 2025 07:56 AM (IST)

    સુરેન્દ્રનગર: 50થી વધુ સ્થળો પર વીજપોલ થયા ધરાશાયી

    સુરેન્દ્રનગર: કમોસમી વરસાદે નુકસાન વેર્યું છે. સરકારી અનાજના ગોડાઉનમાં પતરા ઉડ્યા. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. ભારે પવન અને વરસાદથી 30થી વધુ ઘરોમાં નુકસાન થયુ, 50થી વધુ સ્થળો પર વીજપોલ ધરાશાયી થયા છે. કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. સુરેન્દ્રનગર શહેરમાં વીજ પુરવઠો ઠપ થયો. સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

  • 23 May 2025 07:45 AM (IST)

    રાજકોટ : ભીચરી ગામે ભારે પવન સાથે પડ્યો વરસાદ

    રાજકોટ : ભીચરી ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભીચરી માતાજીના મંદિરે ડુંગર ઉપર ભારે પવન ફૂંકાયો. ભારે પવન ફુંકાતા ભક્તોમાં દોડધામ મચી. ભારે પવનને કારણે મંદિર આસપાસ અફરાતફરી સર્જાઇ.

  • 23 May 2025 07:33 AM (IST)

    ગુજરાતના માથે વાવાઝોડાનું મોટુ સંકટ

    ગુજરાતના માથે મોટુ સંકટ તોળાઈ રહ્યુ છે. આગામી કલાકો હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કારણ એ છે કે દરિયામાં લો પ્રેશર બની ગયું છે અને તેના લીધે ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ પણ તેજ થઈ છે. સ્થિતિને જોતા પ્રશાસન એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. ક્યાં ક્યાં અને ક્યારે કેવો વરસાદ પડી શકે છે એની આગાહી જાણી લેવા જેવી છે.

  • 23 May 2025 07:29 AM (IST)

    ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં વધારો

    ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જાન્યુઆરીથી મે સુધીમાં કોરોનાના કુલ 21 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 15 કેસ એક્ટિવ છે. ત્યારે રાજ્ય સરકારે કહ્યું છે કે હાલ રાજ્યમાં ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

Published On - 7:28 am, Fri, 23 May 25