23 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હિમાલયથી આવતા પવનની ગતિ પડી નબળી

આજે 23 ડિસેમ્બરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હિમાલયથી આવતા પવનની ગતિ પડી નબળી
| Edited By: | Updated on: Dec 23, 2025 | 10:14 AM

LIVE NEWS & UPDATES

  • 23 Dec 2025 10:30 AM (IST)

    નડિયાદ: સરદાર ભુવનની જર્જરિત દુકાનોને તોડવાની કામગીરી શરૂ

    નડિયાદના સરદાર ભુવનમાં આવેલ જર્જરિત દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 1978માં બનેલી 48 દુકાનો પર તંત્રના બુલડોઝર ફર્યુ છે. પૂર્વમાં નડિયાદ મનપાએ દુકાનો ખાલી કરવા વેપારીઓને નોટિસ આપી હતી, જેના પગલે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તંત્ર દ્વારા વહેલી સવારથી જર્જરિત દુકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને સલામતી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરાઈ રહી છે.

  • 23 Dec 2025 10:20 AM (IST)

    વડોદરા: પાદરાના વડું ગામે જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત

    વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામે આવેલી જર્જરિત પાણીની ટાંકી તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી છે. લગભગ 25 વર્ષ જૂની અને જોખમી બની ગયેલી આ ટાંકીથી કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરક્ષાને ધ્યાને રાખીને તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. નિર્ધારિત પ્રક્રિયા અનુસાર કાર્યવાહી હાથ ધરતા ગણતરીના સેકન્ડોમાં જ ટાંકી ધરાશાયી થતી નજરે પડી હતી. સ્થાનિક લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા સમયસર આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.


  • 23 Dec 2025 10:10 AM (IST)

    મહીસાગર: બાલાસિનોરના ઢાંકલીયા તળાવમાં ડૂબતા વ્યક્તિનું મોત

    મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલા ઢાંકલીયા તળાવમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ભેંસોને તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે વ્યક્તિ અચાનક તળાવમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ વ્યક્તિ તળાવમાં ડૂબી રહ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક તંત્રને માહિતી આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ લુણાવડા પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે 45 વર્ષીય આધેડનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  • 23 Dec 2025 09:09 AM (IST)

    ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટા ફેરફાર

    ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે વાઈન એન્ડ ડાઈન એરિયા ઉપરાંત પણ દારૂ પીરસવા માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટના લૉન, પુલ સાઈડ, ટેરેસ તેમજ રૂમમાં પણ દારૂ મંગાવવાની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગિફ્ટ સિટીમાં આવતા વિવિધ ગ્રુપ માટે ટેમ્પરરી પરમિટની જોગવાઈ કરાઈ છે, જેમાં એક ગ્રુપમાં મહત્તમ 25 મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટ મળી શકશે. WASP-2 હેઠળ ગુજરાત બહારના તથા વિદેશી નાગરિકોને દારૂ પીવા માટે અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે અને માન્ય ફોટો ઓળખપત્ર રજૂ કરીને તેઓ ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે. જોકે, આ છૂટ માત્ર 21 વર્ષથી ઉપરના લોકો માટે જ લાગુ રહેશે.

  • 23 Dec 2025 08:57 AM (IST)

    ગાંધીનગર: અમદાવાદ-મહેસાણા હાઈવે પર ફરી અકસ્માત

    ગાંધીનગર નજીક અમદાવાદ–મહેસાણા હાઈવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. જગુદણ પાસે આગળ જઈ રહેલા ડમ્પરે અચાનક બ્રેક મારતાં ખાનગી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ ડિવાઈડર સાથે ટકરાઈ પલટી ગઈ, જેમાં ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકો અને રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાઈવેની ખરાબ ગુણવત્તા અને બેદરકારીભર્યા વાહનચાલનને કારણે આવા અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતો હોવાની ચર્ચા પણ ઉઠી છે.

  • 23 Dec 2025 08:31 AM (IST)

    ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ ગુજરાતમાંથી ઠંડી ગાયબ

    સામાન્ય રીતે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં કડકડતી ઠંડી પડતી હોય છે. ઉત્તર દિશામાંથી આવતા પવનોના કારણે ભારે ઠંડીનો અનુભવ થતો હોય છે. પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી આવતું દબાણનું ક્ષેત્ર સક્રિય હોવાના કારણે ઠંડી પર લાગી છે બ્રેક. આગામી 2 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે અને ઉત્તર ભારતમાંથી આવતા પવનોની ગતિ વધશે. પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

  • 23 Dec 2025 07:36 AM (IST)

    વડોદરાઃ આરોપીને લઈને જતા પોલીસના વાહનનો અકસ્માત

    વડોદરાઃ આરોપીને લઈને જતા પોલીસના વાહનનો અકસ્માત થયો. ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા. અમદાવાદ પોલીસ લૂંટના આરોપીને વડોદરાથી પકડી લઈ જતી હતી. લોકોએ કારનો ઘેરાવ કરી પોલીસકર્મીઓને ઉધડો લીધો. ફતેગંજ પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો.

  • 23 Dec 2025 07:34 AM (IST)

    વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કોલંબોમાં શ્રીલંકાના નેતૃત્વને મળશે

    વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર પ્રધાનમંત્રીના ખાસ દૂત તરીકે શ્રીલંકામાં પહોંચ્યા હતા અને મંગળવારે શ્રીલંકાના નેતૃત્વને મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતની “પડોશી પ્રથમ નીતિ” ને પ્રતિબિંબિત કરે છે અને ચક્રવાત દિતાવાહથી થયેલા વિનાશને સંબોધવા માટે શરૂ કરાયેલા ઓપરેશન સાગર બંધુના સંદર્ભમાં થઈ રહી છે.

આજે 23 ડિસેમ્બરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

Published On - 7:34 am, Tue, 23 December 25