21 નવેમ્બરના મહત્વના સમાચાર : SMC દ્વારા ગુજરાતમાં દારુ-ડ્રગ્સની સપ્લાય ચેઈન તોડી નખાશે, પરપ્રાંતમાંથી દારુ મોકલનારાની કરાશે ધરપકડ

આજે 21 નવેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 નવેમ્બરના મહત્વના સમાચાર : SMC દ્વારા ગુજરાતમાં દારુ-ડ્રગ્સની સપ્લાય ચેઈન તોડી નખાશે, પરપ્રાંતમાંથી દારુ મોકલનારાની કરાશે ધરપકડ
| Edited By: | Updated on: Nov 21, 2025 | 9:47 PM

આજે 21 નવેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Nov 2025 09:47 PM (IST)

    મહેસાણામાં મોબાઈલ ચોર ઝડપાયો, 21 ફોન જપ્ત

    મહેસાણાના રામપુરા સર્કલ પાસેથી વોચમાં રહેલી પોલીસે મોબાઈલ ચોરને દબોચ્યો હતો. રાત્રે સૂતેલા લોકોના મોબાઈલ સેરવી લેતો હતો ચોર. મહેસાણા, કડી, વિસનગર પંથકમાં મચાવ્યો હતો તરખાટ. ચોરીના 21 મોબાઈલ સાથે આરોપી પકડાયો છે. આરોપી આફતાબ જેલમાં મોકલી દેવાયો છે. પોલીસે કુલ 96 હજારનો મુદ્દામાલ કર્યો રિકવર.  મહેસાણા તાલુકા પોલીસની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો.

  • 21 Nov 2025 09:26 PM (IST)

    SMC દ્વારા ગુજરાતમાં દારુ-ડ્રગ્સની સપ્લાય ચેઈન તોડી નખાશે, પરપ્રાંતમાંથી દારુ મોકલનારાની કરાશે ધરપકડ

    ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી દારૂ અને નાર્કોટિક્સ બાબતે તપાસ થઈ રહી હતી.  સપ્લાય ચેઈનને તોડવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના વિદેશી દારૂ સપ્લાય કરતા લોકો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. સુરત પોલીસ કમિશનરની મંજૂરી બાદ દસ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. દસમાં થી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના વિશ્વાસ નામના આરોપી સામે 82 થી વધુ ગુના દાખલ છે. બે મહારાષ્ટ્ર અને બે સુરતના લોકો ની ધરપકડ કરી છે. વિદેશી દારૂ લાવી સપ્લાય કરવાનો આરોપ છે. આરોપીએ મિલકત એકત્ર કરી છે તેની તપાસ થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ સપ્લાય કરતી ગેંગ સામે આ પાંચમો ગુનો છે. ગુજરાત અને ગુજરાત બહારના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.  બહારના રાજ્યના લોકો સામે ધરપકડ ની કાર્યવાહી થઈ રહી છે.


  • 21 Nov 2025 09:22 PM (IST)

    ધારાસભ્ય હાર્દિક પટેલનો હુંકાર, બેનર ફાડ્યા છે તો કોંગ્રેસ-AAPના બેનર વિરમગામમાં નહીં રહે

    વિરમગામના MLA હાર્દિક પટેલે જાહેરમા કોંગ્રેસ અને આપને ચેતવણી આપતા કહ્યું કે, કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીના કોઈ બેનર વિરમગામ વિધાનસભામાં નહીં રહે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150 જન્મ જયંતી નિમિતે
    યુનિટ માર્ચ કાર્યક્રમના સરદાર પટેલ અન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેનરો ફાડી નખાતા પાટીદાર અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને વિરમગામના ધારાસભ્ય બનેલા હાર્દિકે જાહેરમા ચેતવણી ઉચ્ચારી હતી. તેણે કહ્યું કે, એક જમાનામાં બેનર ફાડવામાં અમારો પહેલો નંબર આવતો હતો એ આ લોકો ના ભૂલે.

  • 21 Nov 2025 09:09 PM (IST)

    પોરબંદરના નાગકા ગામે સરકારી જમીન પર ગેરકાયદે ચાલતી ખાણો પર તંત્રે બોલાવી તવાઈ

    પોરબંદરના નાગકા ગામે સરકારી જમીન પર ગેરકાયદે ચાલતી ખાણો પર તંત્રે બોલાવી તવાઈ. ખાણ અને ખનિજ વિભાગ દ્રારા ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવતા ભૂમાફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા. ગામ નજીક થી 15 સ્થળ પર અચાનક ચેકિંગ દરમિયાન મોટાપાયે મશીનરીથી થતી ખનિજ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું.

    ચેકિંગ દરમિયાન નાગકા ગામેથી 24 ચકરડી, 2 જનરેટર મશીન, 3 ટ્રક, 5 ટ્રેક્ટર, 2 જે સી બી મશીન
    2 હિટાચી મશીન સહિત કુલ 38 વાહનો અને મશીનરી કબજે કરાઈ જેની અંદાજે કિંમત 1.70 કરોડ થાય છે.

    જોકે હજુ જમીન માપણી ચાલે છે અને કરોડો રૂપિયાની બિલ્ડિંગ લાઈમ સ્ટોનની ખનીજ ચોરીનો આંકડો સામે આવે તેવી શક્યતાઓ છે.

     

  • 21 Nov 2025 08:55 PM (IST)

    મોડાસાથી ટ્રકના એન્જિનમાં સંતાડીને રાજસ્થાનથી 9 કિલો ગાંજો લાવનારો ઝડપાયો

    અરવલ્લી જિલ્લાના  મોડાસા નવી સિવિલ નજીકથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે.  એસઓજીએ રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી 9 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો.  રૂપિયા 4.90 લાખની કિંમતનો 9 કિલો 800 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ટ્રકમાં એન્જિનના કવરમાં ગાંજો છુપાવી લવાતો હતો મોડાસા. ગાંજો લાવનાર અને મંગાવનાર મોડાસાના બે શખ્શોની પોલીસે ધરપકડ કરી છે. રાણાસૈયદ વિસ્તારના વ્યક્તિએ મંગાવ્યો હતો ગાંજાનો જથ્થો. ગાંજો આપનાર ઈસમને પકડવા તજવીજ
    ટ્રક તેમજ ગાંજા સહિત 57.54 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ત્રણ દિવસ પહેલા માલપુરથી પણ ઝડપાયો હતો ગાંજાનો જથ્થો.

  • 21 Nov 2025 08:53 PM (IST)

    અમદાવાદ પોલીસ કમિશનરે, ટ્રાફિક PI એન.કે. રબારીને સસ્પેન્ડ કર્યાં

    અમદાવાદ શહેર પોલીસ કમિશનરે, આઈ ટ્રાફિક પોલીસ મથકના PI ને સસ્પેન્ડ કર્યાં.  આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એન.કે. રબારીને કર્યા સસ્પેન્ડ. PI દ્વારા ટ્રાફિક પોઇન્ટ પર યોગ્ય સુપર વિઝન ના કરતા હોવાથી બેદરકારી જણાઈ આવી હતી. આ બેદરકારી તપાસ અંતે શહેર પોલીસ કમિશને G.S. મલિકે PI રબારીને  સસ્પેન્ડ કર્યા છે.
    પીઆઈ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરીને  સસ્પેન્ડ કર્યા.

  • 21 Nov 2025 07:53 PM (IST)

    અમદાવાદના પાલડીમાં રખડતા શ્વાનો આતંક, એક જ દિવસમાં પાંચને ભર્યા બચકા

    અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં શ્વાનનો આતંક વકર્યો છે. એક જ દિવસમાં પાલડી વિસ્તારમાં એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડયો છે. હીરાબાગ ક્રોસિંગ પાસે 18 નવેમ્બરે એક શ્વાન પાંચથી વધુ વ્યક્તિઓને કરડયો હતો. પાલડીમાં હીરાબાગ ક્રોસિંગ પાસે તેમજ શારદા મંદિર રોડ ઉપર રખડતા શ્વાનનો આતંક વકર્યો છે. PG માં રહેતા યુવકને શ્વાન કરડયાના Cctv પણ આવ્યા સામે.

  • 21 Nov 2025 07:50 PM (IST)

    વાયુ પ્રદુષણને લઈને આમ આદમી પાર્ટીએ અંકલેશ્વરમાં કર્યો વિરોધ

    ભરૂચમાં વધેલા વાયુ પ્રદુષણને લઈને આમ આદમી પાર્ટીએ અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીનું અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણ બેફામ વધ્યું હોવાના આક્ષેપ કરાયો હતો. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં રજુઆત કરવામાં આવી. જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની  માંગ દોહરાવી હતી.

  • 21 Nov 2025 06:21 PM (IST)

    કૃષિ પ્રધાને માર્ગ-મકાન વિભાગની કામગીરી ચકાસી !

    ગુજરાતના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ, અમરેલીના લીલીયા રોડ પર કર્યુ નિરિક્ષણ કર્યું હતું. આર એન્ડ બીના મુખ્ય ઈજનેર ઢોલાવાલાનો ઉધડો પણ લઈ લીધો. લીલીયા રોડ પરના પુલની બંને તરફનો રોડ ખરાબ હોવાને લઈ અધિકારીઓને કૃષિ પ્રધાને ખખડાવ્યા. લાલાવદર થી કેરીયા નાગસ નોનપ્લાન રોડની કામગીરી પર ખુદ જીતુ વાઘાણીએ પ્રશ્નો ઉઠાવ્યા.
    વર્ષ 2024 માં બનેલ નોનપ્લાન રોડના કામની તપાસ કરાવવા સુચના આપી છે.

  • 21 Nov 2025 06:18 PM (IST)

    બનાસકાંઠામાં બોલ્યા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાતનુ 3 લાખ 70 હજાર કરોડનું બજેટ, પણ ખેડૂતો માટે રાતી પાઈ નથી

    કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યનું 3 લાખ 70 હજારનું બજેટ છે, પરંતુ ખેડૂતો માટે કઈ નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેમને સહાય આપી દેવાયું. ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. યુવાઓને રોજગાર મળે અને ફિક્સ પ્રથા બંધ થાય. ગુજરાતના લોકો ભાજપને ઓળખી ગયા છે, હવે ગુજરાત સાણસામાં નહીં આવે. બીજા રાજ્યમાં મત લેવા ભાજપ આર્થિક સહાય કરે છે પણ ગુજરાતમાં નથી કરતું. કોઈ ચૂંટણી ના હોવા છતાં જવાબદાર વિપક્ષ હોવાના નાતે અમે નીકળ્યા છીએ. અમે લોકોનો અવાજ બની 2027 માં પરિવર્તનના સંકલ્પ સાથે નીકળ્યા છીએ.

  • 21 Nov 2025 05:49 PM (IST)

    ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા 2 આરોપીને 14 વર્ષની સજા ફટકારતી કપડવંજ કોર્ટ

    વર્ષ 2023માં ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલા બે ઈસમોને, કપડવંજ સેશન્સ કોર્ટે 14 વર્ષની સજા ફટકારી છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત 4 MEC ડ્રગ્સ જેવા માદક પદાર્થના કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો. આરોપી રઈશ મહંમદ તથા ફૈયાઝ અહેમદ પાસેથી મળી આવ્યું હતું આ ખતરનાક ડ્રગ્સ. આરોપી રઈશ મહંમદ પાસેથી 1.014 ( એક કિલો 14 ગ્રામ ) જેટલો જથ્થો મળ્યો હતો જ્યારે બીજા આરોપી ફૈયાઝ અહેમદ પાસેથી 464 ( ચારસો ચોસઠ ગ્રામ) જેટલો 4MEC ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો

    આરોપી રઈશ મહંમદ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા પીઠાઈ ટોલનાકા પરથી પસાર થતી બસમાં એક કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ફૈયાઝ અહેમદના અમદાવાદના ઘરમાં બેડરૂમ માં તપાસ કરતા ત્યાંથી 464 ગ્રામ જેટલો ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. મેફેડ્રોનથી વધુ ખતરનાક 4MEC ડ્રગ્સ સાથે ઝડપ્યા હતા બે આરોપીઓ.

  • 21 Nov 2025 05:45 PM (IST)

    વાપીમાં આંખના જાણીતા ડોક્ટરના બંગલામાં લૂંટ, પ્લમ્બર જ નીકળ્યો લૂંટારો

    વલસાડના વાપીમાં જાણીતા આંખના ડોક્ટર પરિવારનો વર્ષોથી જાણીતો પ્લમ્બર જ બન્યો ગદ્દાર. પ્લમ્બર મુન્ના એ ડોક્ટરના પત્ની અને તેમની સાસુ પર ચપ્પુથી જીવલેણ હુમલો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. લૂંટ કરી આરોપી ફરાર થાય એ પહેલા જ પોલીસે દબોચ્યો. વાપી ટાઉન પોલીસે ફિલ્મી ઢબ્બે ફરાર થઇ રહેલા મુન્નાને બંગલાના ટેરેસ પરથી જ ઝડપી પાડ્યો હતો. વાપી પોલીસે આરોપી સનાતન બહેરા ઉર્ફે મુન્ના પ્લમ્બરને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપીએ કઈ રીતે ઘટનાને આપી હતી અંજામ તે મામલે ઝીણવટ ભર્યું કરાયું રીકન્સ્ટ્રક્શન.

  • 21 Nov 2025 03:57 PM (IST)

    ભાવનગર પોલીસે ગૌ-માંસનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો, 2 લોકોની કરી અટકાયત

    ભાવનગર પોલીસે શંકાસ્પદ ગૌ-માંસનો જથ્થો ઝડપી પાડ્યો. શહેરનાં સાંઢીયાવાડ મટન માર્કેટ પાસે આવેલ રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો જથ્થો. 100 કિલોથી વધુનાં શંકાસ્પદ ગૌ માંસનાં જથ્થા સાથે 2 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. 100 કિલો ગૌ માંસ ઉપરાંત 8 જીવતા પશુઓ ઘરમાંથી છોડાવવામાં આવ્યા છે. 8 પશુઓમાં 1 ગાય અને 7 ભેંસ અને પાડાને મુક્ત કરવામાં આવ્યા છે. રેડ દરમિયાન હુસેન અને મોસીમ નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે સતાવાર ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી.

  • 21 Nov 2025 03:37 PM (IST)

    મોરબીમાં અમિત શાહનો કાર્યક્રમ, AAPના કાર્યકરોની અટકાયત, સભા સ્થળે જય જવાન જય કિસાનના નારા લગાવનાર યુવકની અટકાયત

    મોરબીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન પૂર્વે સભા સ્થળે વિરોધ થયો હોવાની વાત સામે આવી છે. એક યુવકે સભા સ્થળની અંદર પ્રવેશ કરીને વિરોધ કર્યો હતો. જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. પોલીસે યુવકને સભા સ્થળથી લઈ જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પૂર્વે આપના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. મોરબીની અવની ચોકડી પાસેથી આપના આગેવાનોની અટકાયત કરાઈ હતી. આવેદનપત્ર આપવા જતા હોય રસ્તામાં કરાયા ડિટેન.

  • 21 Nov 2025 03:29 PM (IST)

    દાહોદમાં SIR કામગીરીના દબાણના કારણે BLO ની તબિયત બગડી !

    SIR કામગીરીના દબાણના કારણે BLO ની તબિયત બગડી હોવાનો આક્ષેપ કરાયો છે. ઝાલોદના સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષકની તબિયત લથડી હતી. BLO તરીકેની કામગીરીના વધતા દબાણથી અચાનક તબિયત ખરાબ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. શિક્ષક બચુભાઈ પાર્સિંગભાઈ ડામોરને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા છે. પરિજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, છેલ્લા 4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી છે.

  • 21 Nov 2025 01:42 PM (IST)

    અમદાવાદ: ધોળકામાં દારૂ પાર્ટી પર પોલીસની તવાઈ

    અમદાવાદ: ધોળકામાં દારૂ પાર્ટી પર પોલીસે તવાઈ બોલાવી છે. જન્મદિવસની ઉજવણીમાં 10 લોકોએ દારૂ પાર્ટી કરી. ડડુસર રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલતી હતી. DYSPએ બાતમીના આધારે પાર્ટી પર રેડ કરી. વિદેશી દારૂ અને બિયર સાથે 10 શખ્સ ઝડપાયા. દારૂ અને વાહન સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 21 Nov 2025 01:22 PM (IST)

    દેવભૂમિદ્વારકા: કલ્યાણપુર તાલુકામાં ઝડપાયો ચરસનો જથ્થો

    દેવભૂમિદ્વારકા: કલ્યાણપુર તાલુકામાં ચરસનો જથ્થો ઝડપાયો. SOGની ટીમે ચરસના જથ્થા સાથે 1 આરોપીને દબોચ્યો. આરોપીની થાર કારમાંથી 501 ગ્રામ ચરસ જપ્ત કરાયો. ચરસ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.

  • 21 Nov 2025 12:38 PM (IST)

    અંબાજી: કોરિડોરની કામગીરી માટે દબાણ દૂર કરવા નોટિસ

    અંબાજીમાં કોરિડોરના કામને ઝડપી ગતિ આપવાની કામગીરી હેઠળ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે. સર્વે નંબર 8 વિસ્તારમાં આવેલી આશરે 250 જેટલી દબાણવાળી મકાનોને ખાલી કરવાની સૂચના મળતાં વર્ષોથી ત્યાં વસવાટ કરતા લોકો ચિંતામાં મુકાયા છે. હાલની ઠંડીના સમયમાં કોઇપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર મકાનો ખાલી કરાવવાની તંત્રની કાર્યવાહીને લઈને રહેવાસીઓએ આક્ષેપો કર્યા છે. બીજી તરફ અંબાજીના વેપારીઓએ અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં સ્વૈચ્છિક ધંધા–રોજગાર બંધ રાખી તેમની સાથે એકતા વ્યક્ત કરી છે. તંત્ર તરફથી આગળની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા બનવાની રાહ છે.

  • 21 Nov 2025 12:34 PM (IST)

    વડોદરા: હરણી વિસ્તારમાં ચેન સ્નેચરો થયા સક્રિય

    વડોદરાના હરણી વિસ્તારમાં ચેન સ્નેચરો ફરી સક્રિય બન્યા છે. નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં એક વૃદ્ધા સાથે દંપતી ચાલતા હતા ત્યારે બાઈક પર આવેલા બે યુવકો તેમની નજીક આવી સોનાની તુલસી માળા ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા. આશરે 40 હજાર રૂપિયાની કિંમતની આ સોનાની માળા તોડી લેવાતા વિસ્તારમાં દહેશતનું માહોલ સર્જાયો હતો. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજના આધારે આરોપી બે યુવકોની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.

  • 21 Nov 2025 12:33 PM (IST)

    રાજકોટ: 1.14 કરોડના ડીજીટલ અરેસ્ટનો મામલો

    રાજકોટમાં 1.14 કરોડ રૂપિયાના ડિજિટલ અરેસ્ટના ચોંકાવનારા મામલે સાઇબર ક્રાઇમે મહત્વની કાર્યવાહી કરતાં એકાઉન્ટ હોલ્ડર સુઝલ લાખાણીની ધરપકડ કરી છે. જેતપુરનો રહેવાસી આ આરોપીએ નિવૃત્ત શિક્ષકને લગભગ 20 દિવસ સુધી ડિજિટલ રીતે અરેસ્ટ રાખીને છેતરપીંડી કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે શિક્ષક પાસેથી હડપ કરાયેલી રકમમાંથી 4.97 લાખ રૂપિયા આરોપીના એકાઉન્ટમાં જમા કરાયા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીનું નેટવર્ક ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સુધી ફેલાયેલું હોવાની શક્યતા સામે આવી છે. સાઇબર ક્રાઇમ પોલીસે કેસમાં વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

  • 21 Nov 2025 10:32 AM (IST)

    પંચમહાલ: ગોધરામાં રહેણાંક મકાનમાં આગથી 4ના મોત

    પંચમહાલ: ગોધરામાં રહેણાંક મકાનમાં આગથી 4ના મોત થયા છે. આગના બનાવમાં એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત થયા. માતા-પિતા અને બે પુત્રના મોત થયા. પરિવારમાં બંનેમાંથી એક પુત્રની આજે સગાઈ હતી. ગોધરાની વૃંદાવન નગર-2 સોસાયટીમાં દુ:ખદ ઘટના બની. સોફામાં લાગેલી આગના કારણે રૂમમાં ધુમાડો ભરાયો હતો. ગુંગળામણથી ચારેય લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

  • 21 Nov 2025 10:13 AM (IST)

    સુરત: લસકાણા વિસ્તારમાં ગાંજા માફિયાને પોલીસે દબોચ્યો

    સુરત: લસકાણા વિસ્તારમાં ગાંજા માફિયાને પોલીસે દબોચ્યો. માથા ભારે ગાંજા માફિયાના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો. આરોપી શખ્સ મૃતક યુવકને ગાંજો વેચવા દબાણ કરતો હતો. આરોપીના ત્રાસથી યુવકે સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 21 Nov 2025 08:42 AM (IST)

    ભારતીય કેપ્ટન શુભમન ગિલનો આજે ફિટનેસ ટેસ્ટ થશે

    ગિલનો આજે ફિટનેસ ટેસ્ટ થશે. તે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં રમશે કે નહીં તે ફિટનેસ ટેસ્ટ પછી નક્કી થશે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન તેને ઈજા થઈ હતી.

  • 21 Nov 2025 08:23 AM (IST)

    ગીરસોમનાથ:તાલાલા મામલતદાર કચેરીમાં ACBનું છટકું

    ગીરસોમનાથ:તાલાલા મામલતદાર કચેરીમાં ACBએ છટકું ગોઠવ્યું. પુરવઠા શાખાના કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા. ઓપરેટર સિવાય અન્ય 2 નાગરિક પણ આ છટકામાં પકડાયા. રાશન કાર્ડ e-KYC માટે 1200 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા. જુનાગઢ ACBની ટીમને સફળતા મળી.

  • 21 Nov 2025 08:02 AM (IST)

    પંચમહાલ: ફિલ્મી ઢબે પીછો કરી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો

    પંચમહાલમાં ફિલ્મી અંદાજમાં થયેલી કાર્યવાહી દરમિયાન પોલીસ અને પ્રાણી ફાઉન્ડેશનની સંયુક્ત ટીમે 1680 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલથી ગોધરા તરફ આવી રહેલી ઇનોવા કાર પર શંકા વધતાં ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો. આ દરમ્યાન ઇનોવા કારના ચાલકે ભાગવાના પ્રયાસમાં રસ્તા પર પાર્ક કરેલી બાઈકને અડફેટે લીધી હતી. થોડા સમય બાદ કારનું ટાયર ફાટતાં ચાલક અને સાથેનો એક વ્યક્તિ કાર મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવ્યા છે. ગોધરા બી-ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનાની નોંધ લઈને આગળની તપાસ શરૂ કરી છે.

  • 21 Nov 2025 07:46 AM (IST)

    આજે સવારે પાકિસ્તાનમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શુક્રવારે સવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 135 કિમીની ઊંડાઈએ હતું.

Published On - 7:45 am, Fri, 21 November 25