આજે 21 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મહેસાણાના વિજાપુરમાં આવેલ શાકુંતલ બગ્લોઝમાં એક રહીશનો બહિષ્કાર કરવાનો સોસાયટીના બાકીના રહીશોએ નિર્ણય કર્યો છે. સોસાયટીના રસ્તામાં રહેલ કાર હટાવવાનું કહેતા માથાકુટ થઈ હતી અને બેફામ બોલાચાલી થવા પામી હતી. એટલુ જ નહીં જાનથી મારી નાખવાની ઘમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર ઘટના અંગે સોસાયટીના રહીશો સાથે વિવાદ અને બબાલ કરનારનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. અને જે કોઈ તેમની સાથે સંબંધ રાખશે તેમને રૂપિયા 11,000નો દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે. આ અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ઈરાનના નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટની નજીક 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આ આંચકાએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. આ ભૂકંપ નાતાન્ઝથી 26 કિમી દૂર આવ્યો હતો અને તેના થોડાક જ કલાકો બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપનો બીજો આંચકો પણ અનુભવાયો હતો. આ ઘટના ઈરાનના પરમાણુ કાર્યક્રમની શક્યતાઓ પર પણ સવાલો ઉભા કરી રહી છે. જો કે અમેરિકા અને ઈઝરાયેલ આ મામલે બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
અમદાવાદમાં દારૂ ભરેલી કારે બે ત્રણ વાહનો અડફેટે લીધા છે. બોડકદેવમાં બુટેલગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બેફામ બનેલા બુટલેગરે પોલીસથી ભાગવા જતા અકસ્માત સર્જ્યો હતો. વોચ રાખીને બેઠેલી પોલીસને જોઇને બુટલેગરે કારને ઝડપથી ભગાવી હતી. જો કે આખરે પોલીસે ભાગી રહેલા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ડિલિવરી આપવા આવેલા કિરણ ઠાકોરને ઝડપી લેવાયો છે. તેની કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલો સહિત 4.53 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. સ્થાનિક બૂટલેગર ભાવેશને જથ્થો આપવાનો હોવાની આરોપીની કબૂલાત કરી છે. બોડકદેવ પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે કાર ઝડપી.
અમદાવાદમાં વધુ એક અકસ્માતની વિચિત્ર ઘટના સામે આવી છે. કુબેરનગરમાં 13 વર્ષની સગીરાએ XUV કાર ચલાવીને એક્ટિવા ચાલકને મોતને ઘાટ ઉતારી દીધો છે. એક્ટિવા લઈને ઘરેની બહાર નીકળતા કમલેશ નૈનાની નામના યુવકને અકસ્માત નડયો છે. કુબેરનગરના માતુછાયા સોસાયટીમાં આ અકસ્માતની ઘટના બની છે. કમલેશ નૈનાની નામના યુવકનું અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઈ છે. ટ્રાફિક જી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરમાં, જિલ્લા SOG પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડાકોરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં અને ધર્મશાળાઓમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન ડાકોરમાં આવેલા મોટાભાગના ગેસ્ટ હાઉસમાં ક્ષતિઓ જોવા મળી છે. રજીસ્ટરમાં નામ નોંધ્યા વગર ગેસ્ટ હાઉસના માલિકો આપી રહ્યા હતા રુમ. 16 જેટલા ગેસ્ટ હાઉસના માલિકો ઉપર પોલીસે કરી FIR નોંંધવામાં આવી છે.
ડાકોર શહેરમાં આવેલા આરતી ગેસ્ટ હાઉસ, તુલસી ગેસ્ટ હાઉસ, રત્નાગીરી ગેસ્ટ હાઉસ, પટેલ ગેસ્ટ હાઉસ, શ્રી રામકૃષ્ણ ગેસ્ટ હાઉસ, શ્રીનાથજી ગેસ્ટ હાઉસ, વિજયા ભુવન, વિજય ગેસ્ટ હાઉસ, સંતરામ ગેસ્ટ હાઉસ, સંતોષ ગેસ્ટ હાઉસ,
પટેલ ગેસ્ટ હાઉસ, સ્વસ્તિક ગેસ્ટ હાઉસ, જલારામ ગેસ્ટ હાઉસ, ભગવતી ગેસ્ટ હાઉસ, અને ડબગર સમાજની ધર્મશાળાના માલિકો ઉપર પોલીસે કાર્યવાહી કરી છે.
અમદાવાદ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને આજે BRTSની બસમાં રિયાલિટી ચેક કર્યું હતું. અમદાવાદ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ, અંધજન મંડળથી નહેરુનગર સુધી BRTSની બસમાં મુસાફરી કરવાની સાથે કરેલ રિયાલિટી ચેકમાં કેટલીક ખામી ધ્યાને આવી હતી. બસની ડિસ્પ્લે બંધ હોવાની સ્થિતિ સામે આવી છે. અનેક બસમાં AC કાર્યરત ના હોવાનું સામે આવ્યું હતું. હિટ એક્શન પ્લાનની અમલવારી હોવા છતાં અનેક સ્થળોએ પાણીના જગ અને ORS ના હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના રબારી વસાહતોમાં ગેરકાયદે મકાનો તોડ્યા બાદ હવે અમદાવાદ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદના ઓઢવ રબારી વસાહત, અમરાઈવાડી રબારી વસાહત અને જશોદાનગર રબારી વસાહતના રહીશો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રબારી વસાહતોને કાયદેસર કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. 1100 મકાન માટે AMC નો ઠરાવ કરવામાં આવશે. પ્રવર્તમાન જંત્રી અનુસાર અથવા સરકાર જે નિર્ણય કરે તે મુજબનો ઠરાવ મંજૂરી માટે મોકલાશે.
વર્તમાન જંત્રીના 25 ટકા રાખવા સરકાર સમક્ષ AMC ઠરાવ મોકલશે. વર્ષ 2012 અને 2017 માં BPMC એક્ટ હેઠળ આ રીતે ઠરાવ કરવામાં આવ્યો હતો. 1 એપ્રિલના રોજ રાજ્યમાં નવી જંત્રી લાગુ પડવાની છે. વધારાના બાંધકામ કરવામાં આવ્યા હશે તો GUDA અંતર્ગત ઈંપેક્ટ ફી વસુલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે 2320 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી, જેમાં 35221 ઉમેદવારોએ ઓ.એમ.આરની લેખિત પરીક્ષા આપી હતી, જે લેખિત પરીક્ષાનું પરિણામ નિગમની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પાત્ર થયેલ 3518 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે તા.25 માર્ચથી તા.05 એપ્રિલ 2025 સુધી તાલીમ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય, નરોડા, અમદાવાદ ખાતે અસલ દસ્તાવેજો સહિત હાજર રહેવા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. દસ્તાવેજ ચકાસણી માટે દૈનિક 400 ઉમેદવારોને બોલાવવામાં આવશે, ઉમેદવારોની યાદી, ચેકલીસ્ટ તથા જરૂરી સુચનાઓ નિગમની વેબસાઇટ https://gsrtc.in પર પ્રસિધ્ધ કરવામાં આવી છે.
કચ્છના નખત્રાણાના દેશલપર (ગુંતલી) ની મહિલા તલાટી લાંચ લેતાં ACB ટ્રેપમાં ઝડપાયા છે. દાખલો આપવાની અવેજમાં તલાટીએ વોટસએપ પર મેસેજ કરીને લાંચ માગી હતી. મોરબી ACB એ, રૂપિયા 2000ની લાંચ લેતા મહિલા તલાટી ચંદ્રિકા ગરોડાને ઝડપી પાડ્યા છે.
કલેકટર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોલીસ, નગરપાલિકાની બનેલ ટાસ્ક ફોર્સની ટીમે આજે હાલોલ GIDC ખાતે મોટી કાર્યવાહી હાથ ધરી છે. HNG ગ્લાસ પાસે આવેલ રામદેવ ઇન્ડસ્ટ્રીઝમા દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદે ધમધમતા એકમમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક દાણાનો મોટો જથ્થો ઝડપાયો છે. ટાસ્ક ફોર્સની ટીમે 5325 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝભલા અને 36825 કિલો દાણા મળી કુલ 35 લાખ ઉપરાંત કિંમતનો મુદામાલ કબ્જે લઈ એકમને સીલ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, SDM હાલોલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારી, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફીસર, અને Dy SP હાલોલ એમ પાંચ ઉચ્ચ અધિકારીઓની ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે.
રાજ્યસભામાં આતંકવાદ પર બોલતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ભારતના ઉરી અને પુલવામાં જે આતંકી ઘટના બની તેના માત્ર 10 દિવસમાં જ બદલો લેવામાં આવ્યો હતો. આ ઘટનાએ ભારતને ઈઝરાયેલ અને અમેરિકાની સમકક્ષ ભારત આવી ગયું છે.
દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી લગભગ 15 કરોડ રૂપિયાની રોકડ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે. હવે આ જજ યથવંત વર્માની બદલી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવતી, અલ્હાબાદ બાર એસોસિએશને જસ્ટિસ વર્માની દિલ્હીથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. ટીવી9 ભારતવર્ષના અહેવાલ અનુસાર, બાર એસોસિએશને એવુ કહ્યું છે કે, અમે ડસ્ટ બિન નથી.
સુરત: અલથાણમાં બિઝનેસ હબમાં ચોરે ચોરી કરી આગ લગાવતા દોડધામ મચી. ચોરી કર્યા બાદ તસ્કરોએ ઓફિસને આગ ચાંપી દીધી. કુલ ત્રણ દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું. પોલીસે સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. બિઝનેસ હબના CCTV ચકાસવાની કામગીરી હાથ ધરાઇ.
ગાંધીનગર: પડતર માંગણીઓને લઈ આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત છે. રાજ્યભરમાંથી આવેલા આરોગ્યકર્મી રામકથા મેદાનમાં એકઠાં થયા છે. ગ્રેડ પે વધારવા, ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યુ છે. આરોગ્ય કર્મચારીઓ મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપશે. એસ્મા’ લાગુ છતાં ફરજ પર હાજર થવાની આરોગ્યકર્મીઓએ સ્પષ્ટ ના પાડી છે.
સુરતઃ રાજ્યવેરાનો લાંચિયો અધિકારી ઝડપાયો છે. ACBએ છટકું ગોઠવી અધિકારીને રંગે હાથે ઝડપ્યો છે. અધિકારીએ ટેક્સના નાણાં રિફંડ કરવા લાંચ માગી હતી.
ગુજરાતમાં ગોપાલ રાયને પ્રભારી અને દુર્ગેશ પાઠકને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. પંજાબમાં મનીષ સિસોદિયાને ઇન્ચાર્જ અને સતેન્દ્ર જૈનને સહ-ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. પંકજ ગુપ્તાને ગોવામાં પ્રભારી બનાવવામાં આવ્યા, દીપક સિંગલા, આભાસ ચંદેલા અને અંકુશ નારંગને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા. છત્તીસગઢમાં સંદીપ પાઠકને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાનું 10 હજાર કરોડથી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 9 હજાર 6 સો કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વધારો કરી 10 હજાર ચાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ વર્ષે કોંક્રીટના રોડને સિમેન્ટના કરવા પર ફોક્સ કરવામાં આવ્યું છે. જે માટે 57 રોડની પસંદગી કરવામાં આવી છે. શિવશક્તિ માર્કેટમાં દુર્ઘટના બાદ આ વર્ષના બજેટમાં શહેરની ફાયર સેફ્ટી માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. ઢેબર રોડ પર નજીવી બાબતે સામસામે મારામારી થઇ. ઝઘડામાં મોબાઈલમાં વીડિયો ઉતારનારા શખ્સને પણ માર માર્યો. દાતરડા વડે મારતા ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો છે. ઈજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પાટણ: ડીજીપીના આદેશ બાદ પાટણ પોલીસ એક્શનમાં આવી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવનારા શખ્સોની યાદી તૈયાર કરાઇ છે. 550 ગુનાઓમાં સંડોવાયેલ 163 શખ્સોની યાદી તૈયાર કરાઈ છે. પોલીસની વિવિધ ટીમ દ્વારા શહેર અને જિલ્લામાં કોમ્બિંગ હાથ ધરાયુ. કોમ્બિંગમાં DySP, PI સહિતના અધિકારીઓ પણ જોડાયા. પોલીસની કાર્યવાહી દરમિયાન ઘાતક હથિયારો મળી આવ્યા છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
ખેલ સહાયકો માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા CM ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી. વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. રાજ્ય શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ જાહેરાત કરી.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થઈ ગયું છે. યાત્રા પર આવતા તમામ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ માટે, તમે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની વેબસાઇટ www.registrationandtouristcare.uk.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. 30 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરુ થશે.
મહેસાણા: શોભાસણ ગામે લગ્નના વરઘોડામાં બબાલ થઇ છે. વરઘોડામાં અન્ય કુટુંબના લોકો નાચતા બહાર કઢાયા હતા. નાચતા અટકાવનાર લોકો પર ઘાતકી હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો. કૌટુંબિક કાકાને તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી દેવાયા. હુમલા બાદ વરઘોડામાં પથ્થરમારાની ઘટના બનીપથ્થરમારામાં એક મહિલા સહિત 4 લોકો ઘાયલ થયા છે. એક મહિલા સહિત કુલ 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વડોદરાના વારસિયાના યુવાનને બર્થ ડેનો તલવાર સાથે વીડિયો બનાવવાનું ભારે પડ્યું છે. વીડિયો વાયરલ થતા વારસિયા પોલીસ એક્શનમાં આવી છે. વ્રજ આઈકોન જે કે કોર્નર પાસે રહેતા ક્રિસ મુલાનીની અટકાયત કરવામાં આવી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે અફઘાનિસ્તાનમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. NCS ના ડેટા અનુસાર, ભૂકંપ 160 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
જામનગર: કાજલ હિન્દુસ્તાનીએ ગૃહ રાજ્યપ્રધાનને રજૂઆત કરી છે. જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ ન લેવાતી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદ ન લેતી હોવાથી સોશિયલ મીડિયા દ્વારા રજૂઆત કરાઇ. લખ્યુ કે જામનગર પોલીસને 5 મહિના પહેલા લેખિતમાં ફરિયાદ કરી હતી. LCB દ્વારા તપાસ ચાલુ હોવાનું જણાવી ફરિયાદ દાખલ કરાતી નથી. જામનગર SPને પણ રૂબરૂ રજુઆત કરી હતી.
Published On - 7:10 am, Fri, 21 March 25