આજે 19 જૂનને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
NEET-UG પુનઃપરીક્ષાના આગલા દિવસે, 20 જૂને સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાશે. 21 જૂને યોજાનારી પરીક્ષામાં 22.79 લાખથી વધુ ઉમેદવારો હાજર રહેશે.
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ, આગામી 21 જૂન, 2026ના રોજ બીકાનેરથી સાબરમતી સુધીની લાલગઢ એક્સપ્રેસ (દૈનિક) ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે. આ નવી રેલ સેવા ગુજરાતના અમદાવાદના સાબરમતી અને રાજસ્થાનના લાલગઢ (બીકાનેર) વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. ગુજરાતમાં રેલ સેવાઓના વિસ્તરણની દિશામાં આ વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આજે 19મી જૂનના રોજ સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં એક મિલિમીટરથી માંડીને 74 મિલિમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. આજે શુક્રવારના રોજ વરસેલા નોંધપાત્ર વરસાદની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ ખેડાના ગળતેશ્વરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના ગોધરા અને કાલોલમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડોદરા, ભાવનગર, મહિસાગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, નર્મદા, દાહોદ, અમરેલી જિલ્લામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે.
આજે 19મી જૂનને શુક્રવારના રોજ કોલકાતા એરપોર્ટ પર વાવાઝોડા દરમિયાન અગરતલા જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર વીજળી પડી હતી.આ ઘટના વાવાઝોડા અને વરસાદની સ્થિતિ વચ્ચે બની હતી, જેના માટે એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC) એ હવામાન ચેતવણી જાહેર કરી હતી. જો કે વિમાનમાં 147 મુસાફર સવાર હતા. પરંતુ આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થવા પામી નથી.
સુરેન્દ્રનગરના કોંઢ ગામે વીજ લાઈનના થાંભલા નાખવાનો મુદ્દે ખેડૂતો આકરા મૂડમાં જણાય છે. આજે ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય ખેડૂતોની મુલાકાતે આવતા ધારાસભ્યના ખેડૂતોએ ઉધડો લીધો હતો. ધારાસભ્યને સવાલો કરાતા સ્થાનિક ભાજપના નેતાઓએ ખેડૂતોને અટકાવ્યા હતા. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ખેડૂતોની મુલાકાતે આવતા કોઈ જ નિરાકરણ નહીં આવ્યું. યોગ્ય નિર્ણય ના આવે તો ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની કરી માંગ.
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે ચોટીલા હાઇવે પરની હોટલો પર રેડ કરી નિર્ધારીત ભાવ કરતા વધુ રૂપીયા વસુલતા હોટલ માલિકો સામે પગલા ભરી 50 હજારનો દંડ ફટકાર્યો. ચોટીલા યાત્રાધામ હોવાથી રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ચોટીલા આવતા હોઇ છે. ત્યારે અમુક હોટલ ધારકો યાત્રાળુઓ પાસેથી દરેક વસ્તુઓના ભાવ કરતા વધુ રકમ વસુલી યાત્રાળુઓને લુટતા હતા. જેની અનેક ફરીયાદો પ્રાત અધિકારીની કચેરીમાં મળી હતી.
જેથી પ્રાત અધિકારીની ટીમ એ હાઇવે પરની 47 હોટલો પર તપાસ હાથ ધરતા તેમાથી હાઇવે પરની હોટલ શ્રીકૃષ્ણા, હોટલ રાજ રાજેશ્વરી, હોટલ રાજમહેલ, હોટલ આશાપુરા, હોટલ બશીમાં ગ્રાહકો પાસેથી MRP કરતા વધુ ભાવ વસુલવામાં આવતા હતા. જેથી પ્રાત અધિકારીની ટીમ એ હોટલ માલીકોને રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો
પંચમહાલના કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદીના ધસમસતા પ્રવાહમાં બે વ્યક્તિઓ ફસાયા. જેસીબી સહિત બે વ્યક્તિઓ ફસાયા છે. બાકરોલની કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કાર્ય ચાલુ હતું, તે સમયે જેસીબી સામે કિનારેથી આ તરફ આવતા પાણીના પ્રવાહમાં તણાયું હતું. જેસીબીની સાથે તેના ચાલક અને સહાયક વ્યક્તિ પણ ફસાયા છે. છેલ્લા ચાર કલાક ઉપરાંતના સમયથી ફસાયા છે. સ્થાનિક તંત્રને જાણ કરતા કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
સુરત જિલ્લાના કીમ પોલીસ મથકના ASI થયા સસ્પેન્ડ. ASI મહેન્દ્ર સુથારને સુરત જિલ્લા SP એ સસ્પેન્ડ કર્યા. બારડોલી પોલીસ મથક ખાતે દાખલ થયેલ એક ફરિયાદની તપાસમાં ખામી રાખતા SP રાજેશ ગઢિયા એ લીધા પગલા
સુરત જિલ્લા SP ની કાર્યવાહીને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદના મીઠાખળી પાસે રોડ સાંકડો કરી ફૂટપાથ બનાવવામાં આવતા લોકોમાં આક્રોશ છે પરંતુ શહેરના મેયર કહે છે કે, લોકોને તકલીફ ના પડે તે રીતે કામગીરી કરાઈ છે. રીટીપીમાં ડિઝાઈન યોગ્ય હોવાથી કામગીરી હાથ ધરાઈ છે. નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી જતો રોડ થશે સાંકડો. અગાઉ મીઠાખળીથી સીજી રોડ પર મોટા ફૂટપાથથી વિવાદ થયો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ત્યારે કામ રોકાવ્યું હતું. હવે 200 મીટર દૂર જ ભૂલ નું થઈ રહ્યુ છે પુનરાવર્તન. રસ્તો સાંકડો ફૂટપાથ મોટી થઈ જાય એવી ડિઝાઇન. શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે AMC ના આવા નિર્ણયથી કુતુહલ. શહેરના મેયરે રી-ટીપીમાં યોગ્ય ડિઝાઇન થઈ હોવાનો કર્યો બચાવ. ફૂટપાથની ડિઝાઇન જે બનાવવામાં આવી હતી તે અનુસાર કામગીરી કરાઈ રહી છે તેમ મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું. નાગરીકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી કરાઈ હોવાનું મેયરનું કહેવું છે.
NEET પરીક્ષા મામલે કોંગ્રેસ રાજ્યભરમાં છાત્રગુંજ કાર્યક્રમ યોજશે. 22-23 જૂન તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. NEET અંગે કોંગ્રેસના અભિયાન પર અમિત ચાવડાનું નિવેદન. પરીક્ષા સંચાલન પર દેશભરમાં પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. 10 વર્ષમાં 89 પેપર રદ્દ થયા અને 48 પરીક્ષા પુનઃ લેવી પડી છે. પરીક્ષામાં કરોડો રૂપિયાનો ખર્ચ અને યુવાઓના સપનાઓ જોડાયેલા હોય છે. ગુજરાતમાં પણ અનેક પરીક્ષાઓના પેપર લીક થયા. સમગ્ર દેશ ઈચ્છી રહ્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. NEET પેપર અંગે વડાપ્રધાને એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો. રાહુલ ગાંધીએ રાજકીય એજન્ડા વગર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. એજન્ડા વગર રાજકીય વ્યક્તિએ અવાજ બનવાનું કામ કર્યું. NEET પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ 1 લાખ 32 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો. દેશમાં મુખ્ય પાંચ પરીક્ષાઓનો ખર્ચ સાડા ત્રણ લાખ કરોડ. છાત્રગુંજ કાર્યક્રમ થકી કોંગ્રેસ પરીક્ષાર્થીઓ સુધી પહોચશે. NEET અંગે રાહુલ ગાંધીનો ગુજરાતમાં પણ કાર્યક્રમ યોજાવાની શક્યતા.
ખેડૂત આંદોલન અંગે AAP ના આક્ષેપો પર અમિત ચાવડાની પ્રતિક્રિયા આપી છે. ભાજપની B ટીમ AAP બેગાની શાદીમેં અબ્દુલા દિવાનાની જેમ આંદોલનમાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી કિસાન કોંગ્રેસે આંદોલનની જાહેરાત કરી હતી. વિધાનસભા કે પાર્લામેન્ટ હોય કોંગ્રેસે વિજપોલ અંગે અવાજ ઉઠાવ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો સાથે કોંગ્રેસ આગેવાનો પણ આવ્યા હતા. મોટી સંખ્યામાં વાહનો સાથે ખેડૂતોના બદલે માત્ર પ્રતિનિધિઓ જ ગાંધીનગર જાય એવું આયોજન થયું હતું. કોઈપણ જાતના આયોજન વગર AAP અને ભાજપના નેતાઓ આંદોલનને ડિસ્ટર્બ કરવા આવ્યા હતા. ખેડૂત પ્રતિનિધિઓ અને ભોગ બનનારા પરિવારો સાથે સરકાર બેઠક પણ કરવાની હતી. સમગ્ર કાર્યક્રમ કિસાન કોંગ્રેસના બેનર હેઠળ હતો. અરાજકતા ઊભી કરવા અમે હડદળ જેવું ના કરી શકીએ. જ્યાં પણ બળજબરીથી વીજપોલ નાખવામાં આવશે ત્યાં કોંગ્રેસ ખેડૂતોનો અવાજ બનશે.
ભાવનગર એલસીબીએ, ગુજરાતના વિવિધ 100 જેટલા મંદિરોમાં ચોરી કરનારા બે ચોરને ઝડપી પાડ્યા છે. અતુલ પ્રવીણભાઈ ધકાણ અને ભરત પ્રવીણભાઈ થડેશ્વરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અતુલ ધકાણ ગારીયાધાર તાલુકાના નવાગામનો છે, જ્યારે ભરત થડેશ્વર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામનો રહેવાસી છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં અંદાજે 100 જેટલા મંદિરોમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત બંને ચોરોએ કરી છે. પીપળીયા પુલ નજીક સફેદ કારમાં ઉભેલા બંને આરોપીઓને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી સફેદ કલરની કાર સાથે કુલ રૂ. 5.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વિજ્ઞાન જાથાએ ઉઠાવેલ સવાલો અને સર્જેલા વિવાદ બાદ, હવામાન અંગેના જાણકાર પરેશ ગોસ્વામી આવ્યા અંબાલાલ પટેલના સમર્થનમાં. વિજ્ઞાન જાથાને પડકાર ફેકતા પરેશ ગોસ્વામીએ કહ્યું, અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ છે. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવા જોઈએ.
રાજકોટ ઝૂ માં સિંહની સંખ્યામાં થયો વઘારો. પ્રદ્યુમન પાર્ક ઝુ માં સિંહ બાળનો જન્મ થયો છે. ધારા નામની સિંહણે ત્રણ સિંહ બાળને જન્મ આપ્યો છે. રાજકોટ એશિયાટીક સિંહો માટેનું બ્રિડીંગ સેન્ટર છે.
રાજ્યમાં આગામી છ દિવસ સુધી સામાન્ય વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 20 જૂનથી 26 જૂન દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની સંભાવના છે.
નિફ્ટી સિગ્નલ પ્રોબેબિલિટી (Nifty Signal Probability) ના ડેટા અનુસાર, આગામી ટ્રેડિંગ સેશન એટલે કે સોમવાર (22 જૂન 2026) માટે બજારમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. અહીં દર્શાવેલ ડેટાના આધારે નિફ્ટી સોમવાર (22 જૂન 2026)ના રોજ નીચે જવાની એટલે કે ગગડવાની સંભાવના 52% જેટલી દર્શાવવામાં આવી રહી છે, જે માર્કેટમાં શોર્ટ બિલ્ડઅપ (Short Buildup) તરફ ઈશારો કરે છે.
આ સિગ્નલ સાચું પડવા પર બજારમાં સરેરાશ -0.75% નો ઘટાડો જોવા મળી શકે છે. બજારના આ સેન્ટિમેન્ટને જોતા ઓપ્શન ટ્રેડિંગ માટે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં NIFTY PE Buy (પુટ ઓપ્શન ખરીદવાની) સલાહ આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર નજીક માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રોડક્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પેપર મિલમાં મોટી માત્રામાં કાગળનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 6 જેટલી ફાયર ફાયટર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી રેગિંગની ઘટનાને ગંભીરતાથી લઈ એન્ટી રેગિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. કમિટીની તપાસમાં 6 વિદ્યાર્થીઓ દોષિત જાહેર થતાં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગ કરનાર તમામ 6 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ તેમને સાંજના 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત દોષિત વિદ્યાર્થીઓને એકેડેમિક અને હોસ્પિટલની તમામ કામગીરીથી દૂર રહેવાના આદેશ પણ અપાયા છે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ની જોગવાઈઓ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સાથે જ દોષિત 6 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરતાં તેના પરિવારજનોએ રોષે ભરાઈ યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ છરી, પાઈપ સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરતાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલાના કારણો અને સંડોવાયેલા આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં પ્રથમ જ વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણને કારણે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે હાઈવેના કામને કારણે દર ચોમાસે આવી સ્થિતિ સર્જાય છે અને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં નકલી વોશિંગ પાઉડરના ગોરખધંધાનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ આવેલા એક ગોડાઉનમાં બ્રાન્ડેડ એરીયલ પાઉડરના નામે નકલી વોશિંગ પાઉડર બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એરીયલ કંપનીના મેનેજર અને ઉત્રાણ પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી મોટી માત્રામાં નકલી વોશિંગ પાઉડર જપ્ત કર્યું હતું. કાર્યવાહી દરમિયાન એરીયલ કંપનીના નામવાળા ડબ્બા, સ્ટીકર, પેકિંગ બોક્સ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે 3 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના દહેજ LNG ટર્મિનલ પર યુદ્ધવિરામ બાદ પ્રથમ વખત એક LNG કેરિયર સુરક્ષિત રીતે પહોંચ્યું છે. કતારથી LNGનો જથ્થો લઈને આવેલું ‘દિશા’ નામનું જહાજ હોર્મુઝ જળમાર્ગ પાર કરનાર પ્રથમ ભારતીય LNG કેરિયર બન્યું છે. જહાજમાં અંદાજે 62.3 હજાર મેટ્રિક ટન LNGનો જથ્થો લાવવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ફસાયેલું ‘દિશા’ જહાજ હવે સુરક્ષિત રીતે ભારત પહોંચતાં ઊર્જા ક્ષેત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
સુરતમાં પોસ્ટ મારફતે ડ્રગ્સ સપ્લાય કરવાના કારસાનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. અઠવા વિસ્તારની નાનપુરા પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા આ મામલે મદ્રાસ એરપોર્ટ પરથી ઝડપાયેલા એક ડ્રગ્સ પેડલરે મહત્વની બાતમી આપી હતી. આરોપીએ સુરતમાં પોસ્ટ દ્વારા ડ્રગ્સ મોકલવામાં આવ્યું હોવાની માહિતી આપતાં મદ્રાસ પોલીસની ટીમ સુરત પહોંચી હતી. બાતમીના આધારે પોલીસે પાર્સલ મંગાવનાર વ્યક્તિનો સંપર્ક કરી તેને પોસ્ટ ઓફિસ ખાતે બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની મેડિકલ તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ડ્રગ્સ રેકેટના અન્ય તાર જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરત શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અગાઉ રાત્રિના સમયે પણ શહેરમાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસાદી માહોલને પગલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાં જર્જરીત બની ગયેલી પાણીની ટાંકીને સુરક્ષાના કારણોસર તોડી પાડવામાં આવી હતી. ટાંકી પર લાંબા સમયથી તિરાડો પડી ગઈ હતી અને પોપડા પણ ઊખડવા લાગ્યા હતા, જેના કારણે કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તેવી ભીતિ ઉભી થઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગરૂપે ટાંકીને નિયંત્રિત રીતે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન સેકંડોમાં જ વિશાળ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી. ટાંકી તોડવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય.
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર નિર્માણાધીન બ્રિજ વરસાદી પાણીમાં ડૂબી જતાં કાંકણપુર અને રામપુરા ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. ભારે વરસાદને પગલે નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
વડોદરાના તરસાલી વિસ્તારમાં શ્વાન પાળવાના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાતા મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ બાદમાં હાથાપાઈ સુધી પહોંચ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર તકરાર અને મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ હરકતમાં આવી હતી અને મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વાયરલ વીડિયો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરી છે.
ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં બનેલી કરુણ દુર્ઘટનામાં ભારતીય મૂળના 18 વર્ષીય રોમાંચ મહાજનનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહાજન પરિવાર પ્રવાસ માટે ન્યૂયોર્ક ગયો હતો અને સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીની સવારીની મજા માણી રહ્યો હતો. આ દરમિયાન એકાએક ઘોડો બેકાબૂ બનતા રોમાંચની માતા ગાડીમાંથી પટકાઈ હતી. માતાને બચાવવા માટે રોમાંચ તરત જ આગળ આવ્યો અને ગાડીમાંથી કૂદી પડ્યો હતો. જોકે જમીન પર જોરથી પટકાતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના તરત બાદ તેને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો છે અને તેમના સ્વજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે ગોધરા, હાલોલ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક સોસાયટીઓ અને નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જે આગામી ખેતી માટે લાભદાયી માનવામાં આવી રહ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી.
કલોલમાં પડેલા પ્રથમ જ વરસાદે સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના નિકાલ માટે કરાયેલા આયોજન અને કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. આડેધડ વિકાસ કામો અને યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે સર્જાતી સમસ્યા યથાવત રહેતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સની મુલાકાતથી પરત ફરશે. તેઓ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીઓને આશરે ₹2,400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કરશે.
Published On - 7:32 am, Fri, 19 June 26