
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણમાં બે આતંકી ઠાર. વધુ 3થી પાંચ આતંકી હોવાનું અનુમાન. સર્ચ ઓપરેશન શરૂ, મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયા નજીક બોટ પલટી જતા 3 નૌસૈનિકો સહીત 13નાં મોત. મૃતકના પરિજનો માટે કેન્દ્ર સરકારે રૂ.2 લાખની સહાયની જાહેરાત કરી. આંબેડકર વિવાદ પર ખડગે અને શાહ આમને સામને. રાજીનામાની માગ પર શાહે કહ્યું, નહીં ગળે ખડગેની દાળ, હજુ 15 વર્ષ જુએ રાહ. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી. કોલ્ડવેવના કારણે જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં પારો માઈનસથી નીચે પહોંચ્યો. દાલ સરોવર સહિત અનેક જળાશયો પર જામ્યો બરફ. રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર. કચ્છમાં બે દિવસ શીત લહેરની આગાહી. 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. તો રાજકોટમાં 9.2 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન. સુરત પૂર્વના MLA અરવિંદ રાણાના પત્ર પર મેયરે હિસાબી પત્ર લખતા ફરી ધારાસભ્યએ પત્ર લખી આપ્યો સણસણતો જવાબ. કહ્યું હિસાબી પત્રનું તમામ કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયું
પાલનપુર સાયબર પોલીસ મથકે ડિજિટલ અરેસ્ટની ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમા સ્થાયી થયેલા સી પી કંપનીના ઓડિટર સાથે 28 લાખની છેતરપિંડી થઈ છે. સાયબર ગઠિયાઓએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના નામે વીડીયો કોલથી ધાક ધમકી આપી અને 28 લાખ પડાવી લીધા છે. જો કે પોલીસને 16 લાખ ફ્રીજ કરવામાં સફળતા મળી છે.
અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિ બુકિંગના નામે બિલ્ડરોએ લોકોને છેતર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભોગ બનનારાઓએ પ્રિવિલોન બિલ્ડકોન સામે પોલીસ ફરિયાદ કરી છે. લોકોના કરોડો રૂપિયા લઈને, બિલ્ડર ગ્રુપના સદસ્યો રફુચક્કર થઈ ગયા છે. જયદેવ કોટક, હરેન કારિયા સહિતના સભ્યોએ કર્યું કરોડોનું ઉઠમણું. પ્રિ બુકિંગના નામે 200થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનુ સામે આવ્યું છે.
12 લોકોની હત્યા કરનાર મૃતક ભૂવા નવલસિંહ ચાવડાના વઢવાણ સ્થિત ઘરેથી પોલીસે કટર કબજે કર્યું છે. રાજકોટની નગ્મા મુકાસમ નામની યુવતીની વઢવાણ સ્થિત ઘરે હત્યા કર્યા બાદ તેના મૃતદેહના કટર, કુહાડી, છરા વડે મૃતદેહના ટુકડા કર્યા હતા. ટુકડા કર્યા બાદ અલગ અલગ કોથળામાં પેક કરીને વાંકાનેરમાં દાટી દેવાયા હતા. નવલસિંહની પત્ની અને આરોપી સોનલ ચાવડાને સાથે લઈ જઈ કટર કબજે કરવામાં આવ્યું છે.
ગોધરા GIDCમાં આવેલ રાજકિરણ ટ્રાન્સપોર્ટમાંથી શંકાસ્પદ પાઉડર પોલીસ દ્વારા કબજે લેવામા આવ્યો છે.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ પાઉડરના બે પાર્સલ કબજે લઈ તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ પાવડરની તપાસ માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે. મળી આવેલ શંકાસ્પદ પાઉડર હૈદરાબાદથી મંગાવવામાં આવ્યો હોવાની વિગત બહાર આવી છે. પાર્સલ છોડાવવા આવેલ વ્યક્તિ શંકાસ્પદ જણાઈ આવતા, ટ્રાન્સપોર્ટ માલિકે પોલીસને કરી હતી જાણ. ટ્રાન્સપોર્ટ મારફતે પાર્સલ મંગાવનાર ઇસમની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
સાબરકાંઠાના હિંમતનગરના ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડીની ટીમે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પ્રકરણમાં તપાસ કરી છે. ગ્રોમોરના કર્મચારીઓ અને શિક્ષકોના ખાતામાં શિષ્યવૃત્તિની રકમ જમા કરવાના મામલે કાર્યવાહી કરાઈ છે. તપાસમાં સામે આવ્યા અનુસાર કર્મચારીઓના ખાતામાં 8-8 લાખ રુપિયા રકમ જમા કરી હતી. જે રકમ બાદમાં બીઝેડ ફાયનાન્સિયલ સર્વિસમાં ટ્રાન્સફર કરાઈ હતી. 83 જેટલા ખાતામાંથી આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
અમદાવાદના બળાત્કાર કેસમાં સ્પેશિયલ પૉક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર આરોપીને સ્પેશીયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ લાલચ આપી મરજી વિરૂદ્ધ સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા. પંચ અને સાક્ષીઓને તપસ્યા બાદ સ્પેશિયલ પૉક્સો કોર્ટના જજ એ બી ભટ્ટે ચુકાદો આપ્યો હતો.
અમદાવાદના રખિયાલમાં લુખ્ખા તત્વોની દાદાગીરીને મુંગા મોઢે સહન કરનારા પીસીઆર વાનના બે કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ સામે દાદાગીરી કરનારા બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે ભાગી છુટેલા અન્ય આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે.
પોલીસે પકડેલા આરોપીઓ પૈકી અલ્તાફ ઉર્ફે જુમ્મનને 6 વાર પાસા થઈ છે. તેની સામે કુલ 43 ગુના નોંધાયેલ છે. અન્ય આરોપી સરવર ઉર્ફે કડવો, ને 3 વાર પાસા કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલ છે.
અંદરો અંદર જૂની અદાવતમાં અગાઉથી ઝગડાઓ થયેલ છે, તેની અદાવતમાં ગઈકાલે 6 આરોપીઓ ગયા હતા. 4 આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખિયાલ પોલીસના સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે રૂ.2,425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તા. 01 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે.
આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
ભારતની પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ પ્રતિષ્ઠિત ISO 27001 સર્ટિફિકેશન મેળવ્યું છે, જે ડેટા પ્રોટેક્શન અને મજબૂત ઇન્ફોર્મેશન સિક્યોરિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (આઈએસએમએસ) માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વૈશ્વિક સ્તરે માન્ય ધોરણો ઇન્ફોર્મેશન સિક્યોરિટીમાં વિશ્વસ્તરના ધોરણો જાળવવા સાથે મહત્વની માહિતીની ગોપનીયતા, અખંડિતતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના ગિફ્ટ સિટીના પ્રયાસો દર્શાવે છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 21 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના વરાછા પોલીસના ચોપડે, આ આરોપી વાહનચોરીના ગુનામાં વોન્ટેડ હતો. 21 વર્ષ દરમિયાન આરોપી વેશ બદલીને અલગ અલગ જગ્યાએ રહેતો હતો. પોલીસથી બચવા આરોપી છેલસિંહ રામસિંહ ગૈવયા, રાજસ્થાનના સિવાના ગામે સાધુ બનીને રામદેવપીર મંદિરમાં સેવા પૂજા કરતો હતો. પોલીસથી બચવા માટે, રામદેવપીરનું મંદિર પોતે બનાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દેશની અંદાજે 1.94 લાખ ગ્રામ પંચાયતના નોમીનેશન પૈકી ‘નેશનલ પંચાયત એવોર્ડ-2024’માં પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-2 દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” તરીકે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરી પ્રથમ પુરસ્કાર તરીકે રૂ. 1 કરોડની રકમ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે.
કોલ્ડવેવની પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે, સાવચેત રહેવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. સુરેન્દ્રનગરનું લઘુત્તમ તાપમાન 9 ડીગ્રી નજીક પહોંચી ગયું છે. કોલ્ડવેવની પરિસ્થિતિ વચ્ચે નાના બાળકો અને વૃધ્ધોએ ખાસ સાવચેતી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. ગરમ કપડાં પહેરી ઘરની બહાર નીકળવા પણ આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે. ઠંડીના માહોલમાં વધુ કેલેરી વાળા ખોરાકનું સેવન કરવા ભલામણ કરાઈ છે. હૃદયરોગ અને શ્વાસને લગતા રોગ, સાંધાના દુખાવાના દર્દીઓએ વધુ સાવચેતી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
સાબરકાંઠાના હિંમતનગરના બોરિયા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે. રહેણાંક મકાન વેચાણે રાખનારને દસ્તાવેજ આપવાના બદલે લાંચ માંગી હતી. રુપિયા દશ હજારની લાંચ માંગનાર તલાટી દિનેશ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે. એસીબીએ કાંકણોલ ગામે તલાટીના ઘરે પણ તપાસ હાથ ધરી છે. સર્ચ દરમિયાન પ્રાંતિજના તાજપુરનો તલાટી પણ ઘરે નજર આવ્યો હતો. તાજપુરના તલાટી જીતુ પટેલ પણ ઘરે હાજર જોવા મળ્યો છે.
સશસ્ત્ર સેનામાં છૂંદણાને લઈને ઉમેદવારને મેડીકલ અનફિટ જાહેર કરવાના મુદ્દે હાઈકોર્ટમાં કરાયેલ અરજી સંદર્ભે, ગુજરાત હાઇકોર્ટ એક સીટ ખાલી રાખવા માટે સ્ટાફ સિલેક્શન કમિટીને જણાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
સશસ્ત્ર સેનામાં માત્ર છૂંદણા (ટેટૂ) ના નિશાનના આધારે ભરતી માટે નકારી શકાય નહીં. સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઇકોર્ટની નોટિસ. 28 વર્ષીય યુવાન દ્વારા સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી પ્રાથમિક કસોટી કરવામાં આવી હતી પાસ. પરીક્ષાર્થીના જમણા હાથમાં અગાઉ ટેટુ હતું. જેને ખુદ પરીક્ષાર્થી દ્વારા કઢાવી લેવામાં આવ્યું હતું. આ ટેટૂનું નિશાન રહી જવાના કારણે પાસ થયા હોવા છતાં પણ સ્ટાફ સિલેક્શન કમિટીએ મેડિકલી અનફિટ જાહેર કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ એક સીટ ખાલી રાખવા માટે સ્ટાફ સિલેક્શન કમિટીને કર્યો આદેશ. વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
સામાન્ય સંજોગોમાં સલ્યુટિંગ આર્મ એટલે કે જમણા હાથમાં ટેટૂ હોય તો ભરતી માટે અયોગ્ય કરાર આપવામાં આવે છે. પરંતુ ટેટૂ નીકળ્યા બાદ રહેલા નિશાનને ટેટૂ ગણી શકાય નહીં. આ ઉપરાંત ડાબા હાથ પર પાછળના ભાગમાં હાથની લંબાઈના એક ચતુર્થાંશ ભાગ જેટલું ટેટુ હોય તો માન્યતા મળે છે.
આંબેડકર વિવાદ પર બસપા અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, અમિત શાહના શબ્દોથી બાબા સાહેબની ગરિમા અને અસ્તિત્વને ખૂબ જ ઠેસ પહોંચી છે અને એક રીતે તેમનું અપમાન થયું છે. હવે સમગ્ર દેશમાં તેમના અનુયાયીઓ વચ્ચે જબરદસ્ત ગુસ્સો અને નારાજગી છે. અમિત શાહે આ શબ્દો પાછા ખેંચી લેવા જોઈએ અને તેના માટે માફી પણ માગવી જોઈએ. અન્યથા બાબા સાહેબના અનુયાયીઓ તેમને ક્યારેય ભૂલશે નહીં, જેમ તેઓ કોંગ્રેસના આંબેડકર પ્રત્યે કુકર્મોને ભૂલી શક્યા નથી.
સુરેન્દ્રનગર: સર્વિસ રોડ મુદ્દે 5 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જનસાળી, બરોડ, હડાળા સહિતના ગામોએ વિરોધ નોંધાવ્યો. હાઇવે બનાવ્યા બાદ સર્વિસ રોડ નહીં બનતા લોકોને હાલાકી. લોકો ખોટી સાઇડમાં વાહન ચલાવવા મજબૂર બન્યા છે. વિસ્તારમાં છેલ્લા 9 મહિનામાં 20 અકસ્માત સર્જાયા છે.
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં તાંત્રિક વિધિના કેસમાં હોસ્પિટલે ભૂવા સામે ફરિયાદ નોંધાવી છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યુ કે અમે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. આરોગ્ય પ્રધાને પણ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ગંભીર વ્યક્તિને સાજા કરવા માટે ડૉક્ટર્સની મહેતન લાગે છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે રાજ્યમાં સવારના સમયે ઠંડી વર્તાશે. અનેક ભાગમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા. કેટલાંક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચું તાપમાન રહેશે. જામનગર, રાજકોટ, કચ્છના ભાગોમાં આકરી ઠંડી પડી શકે. જૂનાગઢ, અમરેલીમાં પણ સખ્ત ઠંડીની શક્યતા છે.
જૂનાગઢઃ ટેસ્ટ ડ્રાઈવને બહાને કારની ચોરી થયાની ઘટના સામે આવી છે. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યા. શો રૂમમાંથી ટેસ્ટ ડ્રાઇવના બહાને કારની ચોરી કરી હતી. કારના શો રૂમના કર્મીને ધમકી આપી ખરાબ વ્યવહાર કર્યો.
મોરબીઃ વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. 24 કલાકમાં ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે. નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિકમાં શખ્સ ઝડપાયો. પોલીસે દરોડા પાડીને બોગસ તબીબને પકડ્યો. ડિગ્રી કે લાયસન્સ વિના ક્લિનિક ચલાવતો હતો. દવાઓ સહિત 8 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પંચમહાલઃ 3 શંકાસ્પદ શખ્સોની અટકાયતનો કેસમાં ATSએ ત્રણમાંથી એક શખ્સને છોડી મુક્યો છે. પૂછપરછ બાદ શખ્સને મુક્ત કરાયો. બે શખ્સોની પૂછપરછ ચાલુ છે. ગઈકાલે ATSએ 3 શખ્સની અટકાયત કરી હતી. અટક કરાયેલા શખ્સોના પાકિસ્તાન ક્નેક્શન અંગે તપાસ ચાલી રહી છે. 2023માં 2 શખ્સો 20 દિવસ પાકિસ્તાન રોકાયા હતા.
વડોદરાઃ અજાણ્યા વાહાનની ટકકરે 3 જૈન સાધ્વી ઘાયલ થયા છે. નેશનલ હાઇવે 48 પર 3 જૈન સાધ્વીઓને અકસ્માત નડ્યો. લાકોદરા ગામ પાસેથી વિહાર કરતા સમયે ઘટના બની હતી. 5 જેટલા જૈન સાધ્વીઓવિહાર કરી રહ્યા હતા, તે સમયે વાહનની ટકકરે 3 જૈન સાધ્વી ઘાયલ થયા. ત્રણે જૈન સાધ્વીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
વડોદરા: કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કછિયાનું જાહેરમાં સરઘસ કાઢ્યું. મોડી રાત્રે આરોપીનું મેડિકલ કરાવ્યા બાદ સરઘસ કઢાયું. કુખ્યાત ગેંગસ્ટરનું તેના જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીને અકોટા અને નવાપુરામાં ફેરવવામાં આવ્યો. પોલીસે આરોપી કલ્પેશ કાછિયાની દમણથી ધરપકડ કરી હતી.
સુરત: VNSGU પરીક્ષામાં ગેરરીતિ આચરતા 164 વિદ્યાર્થી ઝડપાયા. આ વિદ્યાર્થીઓને 2500 થી લઇને 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો. ચોરી કરતા ઝડપાયા તે વિષયનું પરિણામ પણ અટકાવાયું. બોલપેન આપ લે કરવા મામલે પણ કેસ નોંધાયો. ગેરરીતિ કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓનું MPEC સમક્ષ હિયરિંગ થયું હતું
રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થઇ છે. એક જ દિવસમાં ડુંગળીના ત્રણ લાખ કટ્ટાની આવક નોંધાઈ. ડુંગળીની જંગી આવક વચ્ચે ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ 100થી 481 રૂપિયા બોલાયા. માત્ર સાત દિવસમાં ડુંગળીનો ભાવ અડધો થઈ જતા ખેડૂતો નિરાશ થયા છે.
ભરૂચ: વાગરાના પણીયાદરા ગામ નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે. વહેલી સવારે ટ્રકે બાઈકને અડફેટે લીધો. બાઈક સવાર યુવાનોના ઘટનાસ્થળે કરુણ મોત થયા છે.
જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સેનાએ મોટું ઓપરેશન હાથ ધર્યુ. કદર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન 2 સૈનિકો પણ ઘાયલ થયા છે. હજુ પણ આ વિસ્તારમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન યથાવત છે.
Published On - 8:47 am, Thu, 19 December 24