18 જુલાઈના મહત્વના સમાચાર : એર એશિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવેલ મુસાફર પાસેથી 24 પેકેટમાં રહેલો રૂપિયા 6 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો

આજે 18 જુલાઈને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 જુલાઈના મહત્વના સમાચાર : એર એશિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવેલ મુસાફર પાસેથી 24 પેકેટમાં રહેલો રૂપિયા 6 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો
| Edited By: | Updated on: Jul 18, 2025 | 9:52 PM

આજે 18 જુલાઈને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jul 2025 09:44 PM (IST)

    અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા, સમગ્ર પંથકમાં ચકચાર

    અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે. ખેડૂત વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા અને હત્યા કરાયેલી લાશો મળતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂત પરિવારના પતિ પત્નીની હત્યાએ ગામમાં ચકચાર મચી છે. લૂંટના ઇરાદે હત્યા હોવાની પોલીસને આશંકા છે. બન્ને મૃતક ચરૂભાઈ અને કુંવરબેની ઉંમર 70 વર્ષની આસપાસની હોવાનું કહેવાય છે. બંને ઘરે એકલા રહેતા હતા અને તેમના સંતાન સુરત તેમજ રાજકોટ ખાતે રહે છે. બેવડી હત્યાની જાણ થતા જ, અમરેલી DYSP ચિરાગ દેસાઇ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોચી હતી.
    હત્યા કરાયેલ સ્થળે અન્ય ચીજવસ્તુઓ લૂંટાઈ છે કે કેમ? તે દીશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

  • 18 Jul 2025 09:37 PM (IST)

    ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરક સિંહ રાવત સામે ED એ દાખલ કરી ચાર્જશીટ

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) એ મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ મંત્રી હરક સિંહ રાવત, તેમની પત્ની દીપ્તિ રાવત અને અન્ય 3 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ દેહરાદૂન સ્થિત સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં બિરેન્દ્ર સિંહ કંધારી, લક્ષ્મી રાણા અને પૂર્ણા દેવી મેમોરિયલ ટ્રસ્ટના નામ સામેલ છે.


  • 18 Jul 2025 09:09 PM (IST)

    એર એશિયાની ફ્લાઈટમાં અમદાવાદ આવેલ મુસાફર પાસેથી 24 પેકેટમાં રહેલો રૂપિયા 6 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો

    અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનો ગાંજો પકડાયો છે. બેંગકોકના હાઇબ્રિડ ગાંજાનો ફરી એક કેસ સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગાંજો લઈને આવનાર સામે કાર્યવાહી કરાઈ છે. એર એશિયાની ફ્લાઇટમાં યાત્રી પાસેથી 6 કરોડનો ગાંજો પકડાયો છે. ભારતીય નાગરિક પાસેથી હાઈબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે. આરોપી ઉપર શંકા જતા ચેકિંગ બાદ હાઈબ્રિડ ગાંજાના 24 પેકેટ મળી આવ્યા હતા. છેલ્લા 2 મહિનાના સમયગાળામાં 200 કરોડથી વધુની હાઇબ્રિડ ગાંજાની સ્મગલિંગ થવા પામી હતી. જેને કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે પકડી પાડી છે.

  • 18 Jul 2025 09:06 PM (IST)

    દાહોદના હડફ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરાયો

    જિલ્લામા વધુ એક બ્રીજ ક્ષતિ ગ્રસ્ત જાહેર કરાયો છે. લીમખેડાના હડફ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરાયો છે. બ્રિજ બંધ કરાતા ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો છે. અમદાવાદ, બાલાસીનોર, સેવાલિયા, ગોધરાથી ઝાલોદ તરફ આવતા વાહનોને લીમખેડા બાઈપાસ થઈ વટેડા થઈને લીમડી તરફ જવાનો માર્ગ દર્શાવ્યો છે.

  • 18 Jul 2025 09:04 PM (IST)

    સાવરકુંડલાના સિમરણ ગામમાંથી વન્ય પ્રાણીના નખ-ચામડા સાથે એકની ધરપકડ

    સાવરકુંડલાના સિમરણ ગામમાંથી એક શખ્સના રહેણાંક મકાનમાંથી વન્ય પ્રાણીના નખ અને કાળિયારનું ચામડુ મળી આવ્યું છે. વન વિભાગની ટીમે બાતમીના આધારે વ્યક્તિને ઝડપી પાડીને, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

  • 18 Jul 2025 07:26 PM (IST)

    વસ્ત્રાલના શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાઈ રહેલ મહિલા પર યુવકે કર્યો હુમલો 

    પૂર્વ અમદાવાદમાં, વસ્ત્રાલ વિસ્તારની સોસાયટીમાં મહિલા પર હુમલો કર્યો છે. શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલ મહિલાઓ પર સોસાયટીમાં યુવકે કર્યો હુમલો. સોસાયટીનો યુવક એ ભજન બંધ કરાવવા જતા મહિલાઓ સાથે માથાકૂટ કરી મહિલાઓને માર માર્યો. મહિલા અને મારતો વીડિયો સામે આવ્યો છે. ઓઢવ પોલીસ સ્ટેશન મહિલાઓ પહોંચી હતી.

     

     

  • 18 Jul 2025 06:50 PM (IST)

    ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટ નારાજ, ઈન્સ્પેકશન થવાનું હતુ તો દુર્ઘટના કેમ ઘટી ?

    વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો હાઈકોર્ટ માર્ગ અને મકાન વિભાગની કામગીરીથી નારાજ થઈ. હાઇકોર્ટે વધુ એક પુલ તૂટવા પર વ્યક્ત કરી નારાજગી. પુલના ઇન્સ્પેક્શન વિશે કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો. હાઈકોર્ટે સવાલ કર્યો કે, ચોમાસા પહેલા અને પછી ઈન્સ્પેક્શન થવાનું હતું છતાં કેમ દુર્ઘટના ઘટી. માર્ગ અને મકાન વિભાગની કામગીરીને લઈ વ્યક્ત કર્યો અસંતોષ વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર વતીથી એડવોકેટ જનરલે કોર્ટમાં માફી માંગી
    અધિકારીઓ રાજ્યના બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યાનો દાવો. હાલ તમામ અધિકારીઓને કહી તપાસ રિપોર્ટ મંગાવાયા છે, તેમ એડવોકેટ જનરલે હઈકોર્ટમાં જણાવ્યું હતું.

  • 18 Jul 2025 06:46 PM (IST)

    ડાંગ જિલ્લાના મિલન ધોધમાં બે યુવકો ડૂબ્યા, બન્નેની શોધખોળ હાથ ધરાઈ

    ડાંગ જિલ્લાના ખાતળ માછળી ગામ વચ્ચે આવેલ મિલન ધોધમાં બે યુવકો ડૂબ્યા, ગામલોકોના સહયોગથી ડૂબનાર યુવકોની શોધ ખોળ ચાલુ છે. ધોધ નજીક પાણી ઉંડું અને ડોહળું હોવાથી યુવકોની શોધ માટે મુશ્કેલી આવી રહી છે. ડુબી જનાર બન્ને યુવક તાપી જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત ઉંમર 20 વર્ષ અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત ઉંમર 25 હોવાની જાણવા મળ્યું છે. ડૂબેલા બન્ને યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામના હોવાની માહિતી સામે આવી છે. ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પ્રવાસીઓ ધોધમાં નાહવા પડે છે.

  • 18 Jul 2025 06:43 PM (IST)

    મહેસાણા અર્બન બેંકની 8 બેઠકો માટે 3 ઓગસ્ટે યોજાશે ચૂંટણી

    મહેસાણા અર્બન બેંકની 8 બેઠકો માટે 3 ઓગસ્ટે યોજાશે ચૂંટણી. અર્બન બેંકની ચૂંટણીમાં 1,07,762 મતદારો નોંધાયેલા છે. 1602 NPA ખાતેદારો હોવાથી મત નહીં આપી શકે. 1,07,762 માંથી 1,06,160 મતદારો જ આપી શકશે મતદાન.
    8 બેઠકની પેટા ચૂંટણી માટે 3 ઓગસ્ટે યોજાશે મતદાન.

  • 18 Jul 2025 05:05 PM (IST)

    રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઇને તંત્રે SOPમાં કર્યો ફેરફાર

    રાજકોટમાં, જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે SOPમાં ફેરફાર કર્યો છે. RCC ફાઉન્ડેશનને લઇને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જરૂર ના હોય તો ફાઉન્ડેશનનો આગ્રહ ના રાખવા તાકિદ કરાઈ છે.
    હંગામી લાયસન્સ મંજૂર કરવાની મુદ્દત 60 દિવસથી ઘટાડી 30 દિવસની કરવામાં આવી છે. રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કરીને છુટછાટ આપી.

  • 18 Jul 2025 04:42 PM (IST)

    પશુપાલકોના રોષ બાદ સાબરડેરીએ જાહેર કર્યો ભાવફેર, પ્રતિ કિલો ફેટ  રૂપિયા 995 ચૂકવાશે

    સાબરડેરીની આજે મળેલ બોર્ડ બેઠકમાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરી છે. ડેરીએ રૂપિયા 995 પ્રતિ કિલો ફેટ આપવાની જાહેરાત કરી છે. સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી જાહેરાત કરી હતી. અગાઉ 960 રુપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચુકવાયો હતો. તફાવતના 35 રુપિયા સાધારણ સભા બાદ ચુકવવા કાર્યવાહી કરાશે. નિયામક મંડળ હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે.

    જોકે આ પહેલા જ એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરનો તફાવત ચૂકવાશે. સાબરડેરીના ચેરમેને નિર્ણય અગાઉ સાંસદ શોભનાબેન બારૈયા સાથે ચર્ચા કરી હતી. ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ભીખાજી ઠાકોર, સહિત ભાજપના સંગઠન અને કિસાન સંઘના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબરડેરીએ ચર્ચા કરી હતી. સતત ચર્ચાઓ અને બેઠકોના અંતે સાબરડેરીએ મોટો નિર્ણય જાહેર કર્યો હતો. સાબરકાંઠા-અરવલ્લીના મોટા ભાગના તાલુકાના આગેવાનો સાથે સાબરડેરીએ ચર્ચા કરી

     

  • 18 Jul 2025 03:29 PM (IST)

    રહી રહીને ભાજપ આવ્યું મેદાને, સાબરડેરીના વાર્ષિક ભાવફેરનો મુદ્દો ઉકેલવા હાથ ધરશે પ્રયાસ

    સાબરડેરીના વાર્ષિક ભાવફેરનો ગરમાયેલો મામલો ઉકેલવાના પ્રયાસ હાથ ધરાયા છે. નિયામક મંડળની મહત્વની બેઠક દરમિયાન આગેવાનો સાબરડેરી પહોંચ્યા છે. સાબરકાંઠા-અરવલ્લીના આગેવાનો સાબરડેરી પહોંચ્યા હતા. સાંસદ પ્રતિનિધિ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સાબરડેરી પહોંચ્યા છે. સાબરકાંઠા-અરવલ્લીના જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સહિત આગેવાનો સાબરડેરી પહોંચ્યા છે. નિયામક મંડળની મહત્વની બેઠક બાદ, સાબરડેરી ખાતે પહોંચેલા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજાશે.

     

     

     

     

  • 18 Jul 2025 02:43 PM (IST)

    અમેરિકા: ભારતીય મૂળના ઉદ્યોગપતિની ધરપકડ

    અમેરિકા: ભારતીય મૂળના ઉદ્યોગપતિની ધરપકડ  કરવામાં આવી છે. ચંદ્રકાન્ત પટેલ નામના રેસ્ટોરન્ટ સંચાલકની ધરપકડ કરાઇ. ભારતીયોને ઘૂસણખોરીમાં મદદ કરવાનો આરોપ છે. રૂપિયા લઈ નકલી દસ્તાવેજ બનાવવામાં મદદનો આરોપ છે. દસ વર્ષમાં અનેકને ખોટી રીતે યુ વિઝા અપાવ્યાનો આક્ષેપ છે.

  • 18 Jul 2025 02:29 PM (IST)

    દારૂ કૌભાંડમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ

    કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે છત્તીસગઢના  પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસસ્થાને નવા દરોડા પાડ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય એજન્સીએ ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. કેસમાં નવા પુરાવા મળ્યા બાદ, ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના ઘરની તપાસ કરી રહી છે, જ્યાં તે તેના પિતા સાથે રહે છે.

  • 18 Jul 2025 02:23 PM (IST)

    સુરત: પુણાગામમાં ટ્રક નીચે પડતું મૂકી યુવકે કરી આત્મહત્યા

    સુરત: પુણાગામમાં ટ્રક નીચે પડતું મૂકી યુવકે આત્મહત્યા કરી. ટ્રકનું ટાયર ફરી વળતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા યુવકનું મોત થયુ. યુવકની આત્મહત્યાના હચમચાવતા CCTV સામે આવ્યા છે. યુવક મૂળ અમરેલીના વલડી ગામનો વતની હતો. કાપડના કારખાનામાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપઘાત પાછળના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

  • 18 Jul 2025 01:06 PM (IST)

    ગાંધીનગર: કલોલમાં મહિલા પોલીસકર્મી પર એસિડ એટેક

    ગાંધીનગર: કલોલમાં મહિલા પોલીસકર્મી પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. છત્રાલ પોલીસ ચોકી પાસે મહિલા પોલીસકર્મી પર એસિડ એટેક થયો છે. વાહન ‘નો પાર્કિંગ’માં હોવાનું કહેતા આરોપીએ એસિડ ફેંક્યું. ઘાયલ મહિલા પોલીસકર્મીને ગાંધીનગર સિવિલમાં ખસેડાઈ. પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી.

  • 18 Jul 2025 12:36 PM (IST)

    સાબરકાંઠા: સાબરડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ

    સાબરકાંઠા: સાબરડેરી સામે પશુપાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સતત પાંચમાં દિવસે દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો. અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ દૂધ ઢોળ્યુ. જવાનપુર નજીક બે-બે ટેન્કર રોકી દૂધ રસ્તા પર ઢોળ્યુ.

  • 18 Jul 2025 11:50 AM (IST)

    નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

    નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ડેમની સપાટી વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ 55 ટકા ભરાયો. પાણીની આવક થતા RBPHના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરાયા છે.

  • 18 Jul 2025 11:25 AM (IST)

    અમદાવાદઃ શહેરમાં રોંગસાઈડ વાહન ચલાવનારા સામે તવાઈ

    અમદાવાદઃ શહેરમાં રોંગસાઈડ વાહન ચલાવનારા સામે તવાઈ બોલાવવામાં આવી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઇ છે. હાઇકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. રોંગસાઈડ, હેલમેટ સહિતના નિયમોનું પાલન નહીં કરનારા સામે ડ્રાઈવ શરુ થઇ છે. આગામી એક સપ્તાહ શહેરના અલગ અલગ પોઈન્ટ પર ડ્રાઈવ ચાલશે.

  • 18 Jul 2025 10:23 AM (IST)

    મુંબઈ: પૂર્વ બાંદ્રાના ભરતનગરમાં બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ

    મુંબઈ: પૂર્વ બાંદ્રાના ભરતનગરમાં બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ મચી છે. નમાઝ કમિટી મસ્જીદ પાસેની બિલ્ડિંગ સંપૂર્ણ ધરાશાયી થતા બે ઘવાયાં. ફાયર વિભાગ, પોલીસ, એમ્બ્યુલન્સ અને પાલિકાની ટીમે દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે. ત્રણથી ચાર લોકોનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની માહિતી છે. ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો.

  • 18 Jul 2025 10:03 AM (IST)

    રાજકોટ: તહેવારો પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં વધારો

    રાજકોટ: તહેવારો પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયા છે. એક માસમાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો. સિંગતેલનો ભાવ 2500 રૂપિયા પાસે પહોંચ્યો. સિંગતેલના ડબ્બા નો ભાવ 2435 થી 2485 થયા.
    કપાસિયા તેલના ડબ્બામાં 110 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો 2270 થી 2320 રૂપિયા પહોંચ્યો. પામતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો. પામતેલનો ડબ્બો 1960થી 1970 પહોંચ્યો.

  • 18 Jul 2025 09:11 AM (IST)

    સુરત: જહાંગીરાબાદની વૈષ્ણોદેવી બિલ્ડિંગમાં ભીષણ આગ

    સુરત: જહાંગીરાબાદની વૈષ્ણોદેવી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે.  બિલ્ડિંગના ત્રીજા માળે એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી છે. પાલનપોર, અડાજણ, મોર ભાગળની 6 ફાયરની ટીમ ઘટનાસ્થળે છે. ફાયરની ટીમે મકાનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું. મકાનમાં આગ લાગતા ચાર લોકો ફસાયા હતા. આગમાં સમગ્ર બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે. સલામતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાઈ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.

  • 18 Jul 2025 09:01 AM (IST)

    M.S. યુનિ.ના ગર્લ્સ હોસ્ટેલમાં મેસમાંથી લીધેલા 7 નમૂના ફેલ

    વડોદરા: M.S. યુનિ.ના ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલે આરોગ્ય વિભાગે મેસમાંથી લીધેલા 7 નમૂના ફેલ ગયા છે. પાણીના 6માંથી 5 સેમ્પલ ફેલ, પાણી પીવાલાયક પણ નહીં. મગ, ચણા, બેસન અને ચોખા પણ બિનઆરોગ્યપ્રદ નીકળ્યા. અગાઉ પણ વિદ્યાર્થિનીઓએ ભોજન અંગે ફરિયાદ કરી હતી. યુનિવર્સિટીમાંથી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો. ગર્લ્સ હોસ્ટેલમાં 100 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતુ.

  • 18 Jul 2025 07:31 AM (IST)

    ભાવનગર: પોલીસ પુત્રએ કાર બેફામ ચલાવીને 2 લોકોને લીધા અડફેટે

    ભાવનગર: પોલીસ પુત્રએ કાર બેફામ ચલાવીને 2 લોકોને અડફેટે લીધા. 2 લોકોના કારની અડફેટમાં મોત થયા. કારે સ્કુટર અને 3 લોકોને અડફેટે લીધા હતા. કાળીયાબીડ શક્તિમાના મંદિર પાસે ઘટના બની. યુવકનું ઘટનાસ્થળે અને મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે. કાર ચાલક યુવક ભાવનગર LCBનાં ASIનો પુત્ર છે. કાર ચાલકની અટકાયત કરી નીલમબાગ પોલીસ સ્ટેશન લઇ જવાયો.

  • 18 Jul 2025 07:25 AM (IST)

    અમદાવાદ: ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝાનું એકમ કરાયું સીલ

    અમદાવાદ: ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝાનું એકમ સીલ કરવામાં આવ્યુ છે. કલાસાગર શોપિંગ સેન્ટરમાં AMCના હેલ્થ વિભાગેે કાર્યવાહી કરી છે. ગ્રાહકોને ટેબલ પર અપાતી સોસની બોટલમાં ફૂગ અંગે ફરિયાદ કરાઇ હતી. તપાસમાં અસ્વચ્છ સ્થિતિમાં ખાદ્ય પદાર્થો જોવા મળ્યા.

Published On - 7:24 am, Fri, 18 July 25