
આજે 17 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજકોટના કાલાવડ રોડ પર મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. મટુકી રેસ્ટોરન્ટ પાછળ 55 વર્ષીય ગીતાબેન વાજાની હત્યા કરવામાં આવી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં DCP ઝોન-2 સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યાની ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને LCBની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે હત્યા પાછળનું કારણ અને આરોપી અંગેની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દોડતી કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. મહિલાની હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી છે.
વાવ-થરાદમાં ચંદન રાઠોડના મોત અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે શોક વ્યક્ત કર્યો છે. ગેનીબેન ઠાકોરે હોસ્પિટલ ખાતે ચંદન રાઠોડના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પરિવારજનોને મળ્યા બાદ ગેનીબેન ઠાકોરે અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે યુવાઓને ખાસ અપીલ કરી હતી. તેમણે યુવાઓને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને પૂરપાટ ઝડપે વાહન ન ચલાવવા અપીલ કરી હતી. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.
પંચમહાલના શહેરામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ, લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદથી ખેતીના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. શહેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા લોકોને પણ રાહત અનુભવાઈ રહી છે.
સુરતના સરોલી ગામના અમીષ પટેલના શંકાસ્પદ મોતના કેસની તપાસ સુરત જિલ્લા SOGના PIને સોંપવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ માટે પાંચ જેટલી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. અમીષ પટેલનું મોત અકસ્માતમાં નહીં પરંતુ સુનિયોજિત કાવતરું ઘડી અસામાજિક તત્વોએ હત્યા કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગત રોજ કોળી સમાજના આગેવાનોએ યોગ્ય તપાસની માગ સાથે ઓલપાડ પોલીસ મથકની બહાર હોબાળો કર્યો હતો. ઘટનાને લઈને પરિવારજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો. દરમિયાન સુરત જિલ્લા પોલીસ વડાએ પરિવારજનોને સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી. હવે SOGની ટીમો અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે.
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે. મેલોનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપતાં તેમને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેમણે PM મોદીને સારા સ્વાસ્થ્ય, ઉર્જા અને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. મેલોનીએ ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બંને દેશો પોતાની મિત્રતાને વધુ ગાઢ બનાવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અને ઇટાલી સાથે મળીને સહયોગ અને સમૃદ્ધિમય ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. PM મોદીના જન્મદિવસે ઇટાલીના વડાપ્રધાન તરફથી આપવામાં આવેલી આ શુભેચ્છા બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને ચર્ચામાં આવી છે.
PM મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા સંકલ્પ અભિયાન હેઠળ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત વારાણસી, ઉજ્જૈન અને પટનામાં લાખો દીવડાં પ્રગટાવવામાં આવ્યા હતા. બિહારના પટનામાં મરીન ડ્રાઈવ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું, જ્યાં હજારો દીવડાં પ્રગટાવવામાં આવ્યા હતા. દીવડાંની રોશનીથી સમગ્ર વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો. PM મોદીના જન્મદિવસને લઈને દેશના વિવિધ શહેરોમાં સેવા અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પટના મરીન ડ્રાઈવ ખાતે યોજાયેલા દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદની શારદાબહેન હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. વર્ષ 1960માં બનેલી આશરે 66 વર્ષ જૂની બિલ્ડિંગને એક સપ્તાહમાં ખાલી કરવાની સૂચના અપાઈ છે. બિલ્ડિંગના પોપડા ખરવાના બનાવોને ધ્યાનમાં રાખીને દર્દીઓની સુરક્ષા માટે મનપા કમિશનરે આ નિર્ણય લીધો છે. બિલ્ડિંગ ખાલી થતાં હોસ્પિટલમાં બેડની સંખ્યા 550થી ઘટીને 350 થઈ જશે. જ્યારે ઓપરેશન થિયેટરની સંખ્યા પણ 12થી ઘટીને 7 થશે. MRI, CT સ્કેન અને મેમોગ્રાફી જેવી સુવિધાઓ માટે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવશે. હોસ્પિટલની તમામ સેવાઓ નવી 7 માળની બિલ્ડિંગમાં ખસેડવાની કામગીરી હાથ ધરાશે. નવી બિલ્ડિંગમાં સેવાઓનું સ્થળાંતર થતાં દર્દીઓની સારવાર વ્યવસ્થા જાળવી રાખવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી જોવા મળ્યું હતું. જગન્નાથ મંદિર નજીકના વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત પકવાન ચાર રસ્તા અને એસ.જી. હાઈવે પર પણ વરસાદ નોંધાયો હતો. શહેરના જોધપુર અને બોપલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અચાનક વરસાદથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા શહેરીજનોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખંભાળિયા સહિત આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ખંભાળિયાના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. અચાનક પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
અમરેલીના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં ચકચારી ઘટના સામે આવી છે. રહેણાક મકાનમાં પિતાએ પોતાની પુત્રીની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આર્થિક સંકડામણમાં આવી પિતાએ પુત્રીના મોઢા આડો હાથ રાખી શ્વાસ રુંધી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને ફ્રીજમાં મૂક્યો હતો અને ત્યારબાદ પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે બાળકીની માતાએ પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાના કારણો અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જગન્નાથ મંદિરમાં અમિત શાહ દ્વારા વિશેષ આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કાંકરિયા ખાતે સામૂહિક દીપમાળા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં 1.25 લાખ દીવડા પ્રગટાવવામાં આવશે. કાર્યક્રમને લઈને કાંકરિયા ખાતે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. જન્મદિવસ નિમિત્તે શહેરમાં વિવિધ સ્થળોએ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે. નેતન્યાહૂએ PM મોદીની નેતૃત્વ ક્ષમતાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે. નેતન્યાહૂએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે PM મોદી સાથે મળીને બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ ભાગીદારીનું નિર્માણ કર્યું છે. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, અગાઉ ભારત અને ઇઝરાયેલ વચ્ચે આટલી મજબૂત મિત્રતા નહોતી. PM મોદીના જન્મદિવસે ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી શુભેચ્છા અને બંને દેશોના સંબંધો અંગેની તેમની ટિપ્પણીઓ ચર્ચામાં આવી છે.
રાજકોટના કાલાવડ રોડ પર મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. મટુકી રેસ્ટોરન્ટ પાછળ 55 વર્ષીય ગીતાબેન વાજાની હત્યા કરવામાં આવી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં DCP ઝોન-2 સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી છે. હત્યાની ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને LCBની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા તેમજ આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.
પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ ગુજરાતના માછીમારનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતક બિજલભાઈ ભાલીયા મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના વતની હતા. બિજલભાઈ વર્ષ 2022થી પાકિસ્તાનની કરાચી જેલમાં કેદ હતા. દરમિયાન તેમનું જેલમાં મોત થયું હતું. ત્યારબાદ વાઘા-અટારી બોર્ડર પર પાકિસ્તાની તંત્ર દ્વારા તેમનો મૃતદેહ ભારતને સોંપવામાં આવ્યો હતો. મોરબી મત્સ્ય વિભાગના અધિકારીએ બિજલભાઈનો મૃતદેહ સ્વીકાર્યો હતો. હાલ મૃતદેહને તેમના વતન કોબ ગામે પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિજલભાઈના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોક છવાયો છે. સ્થાનિક સ્તરે પણ પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર કચ્છમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. ભુજમાં ટાઉનહોલ ખાતે સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર યોજાયો.આ કાર્યક્રમમાં 1 હજાર 500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા. ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત સ્ટાર્ટઅપ શરૂ કરનારા વિદ્યાર્થીઓ પોતાના અનુભવો પણ જણાવ્યા. કચ્છના સાંસદે કહ્યું કે વિદ્યાર્થીઓને નવા સાહસ શરૂ કરવામાં આ કાર્યક્રમ ઉપયોગી રહેશે.
વાવ-થરાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. દિયોદર, થરાદ, સુઈગામ અને ભાભર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં રાહત જોવા મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે વરસાદનું આગમન મહત્વનું બન્યું છે. હાલ મગફળી, બાજરી, જુવાર અને કઠોળ સહિતના પાકને વધુ વરસાદની જરૂરિયાત છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેતીના પાકને મોટો ફાયદો થઈ શકે છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, ત્યારે ફરી વરસાદ થતાં પાકને જીવતદાન મળવાની આશા જાગી છે. હવે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જુનાગઢના ખાડિયા રોડ પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ લટાર મારતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. વરસાદી વાતાવરણ વચ્ચે એકસાથે છ સિંહ રોડ ક્રોસ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગાઢ જંગલમાંથી બહાર આવેલા સિંહો ખુલ્લા વિસ્તારમાં રોડ પર જોવા મળ્યા હતા. એકસાથે છ સિંહો રસ્તો પસાર કરતા જોવા મળતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સિંહો શાંતિથી રસ્તો ક્રોસ કરીને આગળ વધતા જોવા મળે છે. રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર સિંહોની હાજરીથી લોકોમાં કુતૂહલ સાથે થોડી ચિંતા પણ જોવા મળી હતી.
રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત છૂટો છવાયો વરસાદ રહી શકે છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા વરસાદ ખાબકી શકે. રાજયમાં હજુ પણ સિઝનના 9 ટકા વરસાદની ઘટ છે.
હવામાન વિભાગે, આજે સૌરાષ્ટ્ર ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ પવન સાથે ભારે વરસાદ રહેશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફથી રહેશે વરસાદ. રાજયમાં હજી 9 ટકા વરસાદની ઘટ રહેવા પામી છે. અમદાવાદ સહિત છૂટો છવાયો વરસાદ રહેશે.
સુરતના રાંદેર રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું છે. રાંદેરના બેજનવાલા કોમ્પ્લેક્સ નજીકનો બનાવ. સ્થાનિકો દ્વારા કારનો પીછો કરવામાં આવ્યો,કાર ચાલકની માનવતા મરી પરવારી. યુવકને હોસ્પિટલ લઈ જવાની જગ્યા, ભાગી છૂટ્યો. કારમાં બે અજાણ્યા લોકો હતા સવાર. બોમ્બે કોલોનીના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો કારનો પીછો. કાર ચાલકનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ. રાંદેર પોલીસ આ અકસ્માતની ઘટનાને લઈ તપાસ શરૂ કરી.
દ્વારકા જિલ્લામાં સિઝનમાં પહેલીવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉદ્ભવી છે. મીઠાપુર ઓખા પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો છે.
મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેના હેલીકોપ્ટરમાં ખામી સર્જાઈ છે. વડનગર નજીક ગુંજા પાસે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ. ઉડાન ભરી નહીં શકતા એકનાથ શિંદે બાય કાર વિસનગર રવાના થયા. હેલિકોપ્ટરના પાયલટ દ્વારા હેલિકોપ્ટર મરામત પ્રયાસ ચાલુ કરાયો છે.
દ્વારકા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદની જોરદાર હેલી વ્યાપ્તા રોડ પર વરસાદી પાણી. થોડી વાર વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી. ગણેશ મહોત્સવના પ્રારંભથી દ્વારકામાં વરસાદી માહોલ.
ઓખા મીઠાપુર અને કલ્યાણપુરમાં પણ માત્ર વરસાદી માહોલ.
રાજકોટના જેતપુરમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદથી ઠંડક પ્રસરી. લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો.
રાજકોટના ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. વહેલી સવારથી ધોરાજીમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અસહ્ય ઉકળાટ બાદ ધોરાજીમાં વરસાદનું આગમન. ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો.
ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળીના પાકને લાભ થશે.
બનાસકાંઠાના ધાનેરાના ચારડા ગામે ખાનગી બસ સળગાવવાની ઘટના બની છે. એક જ પરિવારના બે કુટુંબ વચ્ચેના ઝઘડામાં રાત્રે બસ સળગાવાઈ. કૌટુંબિક મુદ્દે એક પરિવારે પોલીસમાં અરજી કરી હતી. અરજીના મનદુઃખમાં અરજી કરનારની બસને આગ લગાવાઈ. અરજી કરનારની કારમાં પણ નુકસાન કરાયું. કારને નુકસાન કર્યા બાદ ખાનગી બસ સળગાવાઈ. બે પરિવારના ઝઘડાથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક જ સમાજના બે પરિવારો વચ્ચેનો વિવાદ વકર્યો
વડોદરાની MS યુનિવર્સિટીના હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સામે ફરી સવાલ. વાયરલ વીડિયોમાં ભોજનની ગુણવત્તા અંગે સવાલો. થોડા દિવસ અગાઉ ફૂડ ક્વોલિટીની ચકાસણી કરાઈ હતી. ચકાસણી બાદ પણ ભોજનની ગુણવત્તા મુદ્દે વિવાદ. રોટલી સહિતની ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ. હોસ્ટેલના ભોજનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર વિદ્યાર્થીઓ નજર માંડીને બેઠા છે.
રાજકોટના અયોધ્યા ચોક પાસે નશાની હાલતમાં કારચાલકે અકસ્માત સર્જ્યો. નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી કારથી અકસ્માત. રોંગ સાઈડમાં કાર ચલાવી ટુ વ્હીલર ચાલક સહિત બેને અડફેટે લીધા. ગાંધીગ્રામ પોલીસમાં પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ફરિયાદ. પોલીસ તપાસમાં કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું ખુલ્યું. કારમાંથી છરી અને ભાજપનો ખેસ મળી આવ્યો. પોલીસે કારચાલકની અટકાયત કરી.
રાજકોટના જામનગર રોડ પર રેલનગર જવાના રસ્તે બેરીકેટ લગાવાતા લોકોએ હલ્લાબોલ કર્યો. બિનજરૂરી બેરીકેટ લગાવાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. બેરીકેટના કારણે લાંબુ ચક્કર ફરીને જવું પડતું હોવાનો રોષ. રેલનગરવાસીઓએ એકઠા થઈ રસ્તા પર રામધુન બોલાવી. લોકોએ જાતે જ બેરીકેટ હટાવતા હોવાના દ્રશ્યો આવ્યા સામે. પોલીસ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા. રેલનગરથી કાલાવડ રોડ, રેસકોર્સ અને 150 ફૂટ રિંગ રોડ પર જવામાં મુશ્કેલી. ટ્રાફિક શાખા વિરુદ્ધ રેલનગરવાસીઓનો વિરોધ.
સુરેન્દ્રનગર વઢવાણ શહેરનો સ્થાપના દિવસ ઉજવાયો. આજે વઢવાણ શહેરનો જન્મદિવસ ઉજવાયો. ભોગાવો નદીની મહાઆરતીનું આયોજન કરાયું. સંતો, મહંતો અને શહેરીજનોએ કેક કાપી ઉજવણી કરી. વઢવાણ શહેર અંદાજે 2560 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. જૈન સમાજ માટે ભગવાન મહાવીર સ્વામીના પગલાંનું વિશેષ મહત્વ છે. વઢવાણમાં ભગવાન મહાવીર સ્વામીના પગલાં આજે પણ મોજૂદ છે.
PM મોદીનો આજે જન્મ દિવસ છે. આજથી દેશમાં સેવા અને જનકલ્યાણ અભિયાનની શરૂઆત કરાશે. 3 ઓક્ટોબર સુંધી સેવા સપ્તાહની ઉજવણી કરાશે. વડનગરથી વારાણસી યાત્રાનો આજે થશે પ્રારંભ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કરાવશે પ્રારંભ. સવારે 9.30 કલાકે શર્મિષ્ઠા તળાવ પહોંચશે અમિત શાહ. શર્મિષ્ઠા તળાવ એ આરતી કરશે. આરતી બાદ અમિત શાહ જાહેર સભાને કરશે સંબોધન. શર્મિષ્ઠા તળાવ ઘાટ પર કળશમાં જળ ગ્રહણ કરશે
શર્મિષ્ઠા તળાવથી શહેરમાં થઈને પદયાત્રા થકી હાટકેશ્વર મંદિર પહોંચશે.હાટકેશ્વર મંદિરે દર્શન કરી બાઇકર્સ ને લીલી ઝંડી આપશે. લીલી ઝંડી બાદ રેલવે સ્ટેશન સ્વચ્છતા અભિયાન માં સહભાગી થશે, શ્રમ દાન કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસે, ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. મોદીના જન્મસ્થળ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ ખાતે, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published On - 7:27 am, Thu, 17 September 26