આજે 17 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પાટણ જિલ્લાના ચાણસ્મા ઝીલિયા રોડ પર થયેલ ગેંગવોર દરમિયાન ફરજમાં બેદરકારી બતાવનાર પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ચાણસ્માના ઝીલિયા રોડ પર રૂપિયાની લેવડ દેવડ મામલે મસ્તાની ગેંગ અને વામૈયાના ઈસમો વચ્ચે બબાલ થઈ હતી. બન્ને જૂથના લોકો ઘાતક શસ્ત્રો સાથે એકબીજા પર તુટી પડ્યા હતા. આ દરમિયાન ગેંગવોરની ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચેલ પોલીસ પણ પોબારા ગણી ગઈ હતી. આ સમગ્ર મામલે ભારે વિવાદ સર્જાતા, ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને 5 GRD જવાનને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા EWS યોજના હેઠળ ગાંધીનગર જિલ્લાના મોજે-કોટેશ્વર ખાતે ‘મધુરમિલન આવાસ યોજના’નું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22માં ડ્રો પદ્ધતિ દ્વારા આ યોજનાના કુલ 266 યુનિટની ફાળવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના વિકસિત વિસ્તારમાં આવેલી આ આવાસ યોજના લિફ્ટ, સીસીટીવી કેમેરા, ગાર્ડન અને સોલાર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોટેરાની નજીક હોવાને કારણે આ વિસ્તાર ખૂબ જ ઝડપી વિકાસ પામી રહ્યો છે. આ આવાસ યોજનામાં મકાનોની ફાળવણી બાદ કેટલાક આવાસધારકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.
ગાંધીનગર ખાતે આવતીકાલ બુધવારે મળશે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. UCC વિધેયક અંગે કેબિનેટમાં થઈ શકે ચર્ચા. ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની થઈ શકે ચર્ચા. ટેકાના ભાવે ચાલતી જણસની ખરીદી અંગે થઈ શકે સમીક્ષા. આવતીકાલે બપોરે 2 કલાકે મળશે કેબિનેટ બેઠક.
ભરૂચમાંથી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના ઝઘડિયા ખાતે ગેસ એજન્સીમાંથી સિલિન્ડરનો મોટો જથ્થો ગાયબ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉનમાં સ્ટોકની તપાસ દરમિયાન 956 ઘરેલુ ગેસ સિલિન્ડરની ઘટ સામે આવી છે. એજન્સી માલિકે ગોડાઉન કીપર પર સિલિન્ડર ગેર કાયદેસર રીતે સગેવગે કરવાનો આરોપ મૂક્યો છે. કુલ રૂપિયા 17.57 લાખની આર્થિક ગેરરીતિ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર અક્ષર પટેલે, ગુજરાત વિધાનસભાની લીધી મુલાકાત. ક્રિકેટર અક્ષર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી, અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના રાજ્ય સરકારના મંત્રીઓ સાથે કરી મુલાકાત. અક્ષર પટેલે વિધાનસભા ગૃહમાં બેસી કાર્યવાહી પણ નિહાળી. સચિવાલય ખાતે મંત્રી કનુ દેસાઈ સાથે પણ કરી મુલાકાત. અગાઉ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ વિધાનસભાની લીધી હતી મુલાકાત.
UCC મામલે સરકારે 25 માર્ચે વિધાનસભામાં લાવશે વિધેયક. સત્રમાં અંતિમ દિવસે યુસીસી પર થશે ચર્ચા. આજે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, વિપક્ષના નેતા ડો તુષાર ચૌધરી સહિત સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં રહ્યા ઉપસ્થિત.
સુરતના બારડોલીના ઉતારા ગામે મીંઢોળા નદીમાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા છે. જે પૈકીના 2 ના મોત થયા છે. કુલ 5 યુવકો મીંઢોળા નદીમાં નાહવા પડ્યા હતા. 5 પૈકીના બે યુવકો નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બારડોલી ફાયરને જાણ કરતા ઘટના સ્થળે પહોચ્યું હતું. બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતક એક બારડોલીના રામેશ્વર નગરનો લેખીરામ પ્રજાપતિ છે. જ્યારે અન્ય યુવક તેગામનો હર્ષ પરમાર હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં ફરસાણની દુકાનમાં ગેરકાયદે સિલિન્ડરનો જથ્થો રાખતો શખ્સ ઝડપાયો છે. 26 નંગ LPG સિલિન્ડરના જથ્થા સાથે શખ્સને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. માણેજા વિસ્તારમાં અગ્રવાલ સ્વીટ્સ નામની દુકાનમાં સિલિન્ડરનો ગેરકાયદે જથ્થો રાખેલો શખ્સ ઝડપાયો. શખ્સ પાસેથી વિવિધ કંપની ના 10 ભરેલા અને અન્ય 18 નંગ ખાલી સિલિન્ડર મળી આવ્યા. સમગ્ર મુદ્દે મકરપુરા પોલીસે ફરિયાદ નોંધી આરોપી શખ્સની કરી ધરપકડ. ભવાનીશંકર અગ્રવાલ નામના શખ્સની કરી ધરપકડ
હવામાન વિભાગે, ગુજરાતમાં 18 અને 19મી માર્ચના રોજ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 18 થી 19 માર્ચ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શકયતા છે.
18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચ – બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
જ્યારે 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં નકલી દૂધનો મોટો જથ્થો ઝડપાયો છે. તાલાલા નજીક ગુંદરણ ગામ પાસે આવેલા પ્રેમ નેસ વિસ્તારમાં SOGએ દરોડા પાડી આશરે 3 હજાર લિટર નકલી દૂધ જપ્ત કર્યું છે. સ્થળ પરથી દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવાતા પાવડર, મશીનરી સહિતની સામગ્રી પણ કબજે લેવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને નકલી દૂધના ધંધા પાછળના તત્વો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
વાવ-થરાદ વિસ્તારમાં ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ડીસાના નેસડા ગામના ધોરણ 12ના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. દિયોદરના સોની ગામમાં બોર્ડની પરીક્ષા આપ્યા બાદ સ્કૂલની બહાર ઉભેલા વિદ્યાર્થી પર બે યુવકોએ જાહેરમાં હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ વિદ્યાર્થીને છરીના ઘા માર્યા હતા. આ સરાજાહેર હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક દિયોદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે નેસડા ગામના બે આરોપીઓ સામે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે હુમલાના કારણ સહિતની તપાસ શરૂ કરી છે.
પંચમહાલ જિલ્લાના શહેરામાં પોલીસે ફિલ્મી ઢબે ત્રણ શિકારીઓને ઝડપી પાડ્યા છે. ચલાલી ગામ નજીકના જંગલ વિસ્તારમાં નિલગાયનો શિકાર કરવા આવેલા શિકારીઓ દ્વારા રાત્રિના સમયે ગોળીબાર કરવામાં આવ્યો હતો. માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિકારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આશરે 15 કિલોમીટર સુધી કારનો પીછો કર્યો, ત્યારબાદ બોડીદ્રા નજીક કાર પલટી મારી જતા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આરોપીઓ પાસેથી બાર બોરની ડબલ બેરલ બંદૂક અને 7 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. કાર સહિત કુલ 4.15 લાખ રૂપિયાનું મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વિસાવદર–સાસણ રોડનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે આ રોડ માટે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવ્યા છે—ગત વર્ષે આશરે 245 કરોડ અને આ વર્ષે લગભગ 270 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. છતાં છેલ્લા 20 વર્ષથી આ રોડનું કામ પૂર્ણ થયું નથી. વિસાવદર–સાસણ રોડ પાંચ તાલુકાઓને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હોવાથી તેની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો સ્થાનિક લોકોને મોટી રાહત મળશે અને પરિવહન સુવિધામાં સુધારો થશે.
ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ અંગે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં મહત્વપૂર્ણ માંગ ઉઠાવી છે. તેમણે જણાવ્યું કે હાલની જોગવાઈ મુજબ દરેક ધારાસભ્યને સમાન રીતે અંદાજે અઢી કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ યોગ્ય નથી. તેમના મત મુજબ, વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની સંખ્યા અને વિસ્તારના આધારે ગ્રાન્ટ ફાળવવી જોઈએ. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે કામરેજમાં આશરે દોઢ લાખ મતદારો છે, જ્યારે અબડાસા અને વિસાવદર જેવી બેઠકોમાં 3 લાખથી વધુ મતદારો છે, છતાં બધાને સમાન ફાળવણી મળે છે. તેથી મતદારોની સંખ્યા અને વિસ્તારની જરૂરિયાત મુજબ નાણાંની વહેંચણી થવી જોઈએ અને તે પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે.
સુરતના ડિંડોલીમાં જમીન દલાલની હત્યાનો કેસ સામે આવ્યો છે. મૃતદેહ પરિવાર દ્વારા 2 દિવસ બાદ સ્વીકાર્યો હતો. હત્યામાં સંકળાયેલા આરોપીઓ વચ્ચે કેટલાક ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું છે. પોલીસે આ હત્યા મામલે પાંચ આરોપીઓને ધરપકડ કરી છે. અગાઉની અદાવતમાં થયેલા બબાલ બાદ હત્યાનો હુમલો કરવામાં આવ્યો હતો.
UCC (યૂનિફોર્મ સિલાઇન્ટ કોડ) અંગેની કમિટીએ મુખ્યપ્રધાનને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટ રિટાયર થયેલા જસ્ટિસ રંજન દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં કમિટીની રાજ્યપ્રમુખ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ડ્રાફ્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભામાં આ રિપોર્ટ 23 માર્ચે રજૂ થઈ શકે છે, જ્યારે 24 માર્ચે સરકાર UCC અંગે બીલ વિધાનસભામાં લાવશે.
અમદાવાદના નારણપુરા અને પ્રગતિનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરવાના બનાવો થયા છે. બેફામ તત્વોએ આ આતંક કયા કારણસર મચાવ્યો તે હજુ સામે આવ્યું નથી. નારણપુરા પોલીસે ઘટના અંગે ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે. બેફામ તત્વો સામે કડક કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવી રહી છે.
સુરતમાં તીવ્ર ગરમીને કારણે DEOએ શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉનાળામાં વિદ્યાર્થીઓને લૂથી બચાવવા મેદાનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે અને મેદાનની જગ્યાએ ક્લાસરૂમમાં એક્ટિવિટી કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. શાળાઓને ક્લાસરૂમમાં પંખા અને અન્ય ઠંડીની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને હીટવેવ અને તીવ્ર ગરમી વિશે સમજણ આપવામાં આવશે. શાળાના યુનિફોર્મમાં છૂટછાટ પણ આપવામાં આવી છે; જો યુનિફોર્મમાં બ્લેઝરનો સમાવેશ હોય તો ગરમી દરમિયાન વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવશે.
પાટણના ચાણસ્મા ઝીલિયા રોડ પર બે ગેંગના ઇસમો વચ્ચે ભારે ગેંગવોર સર્જાયો હતો. ખંડણીખોર ગેંગ અને મસ્તાની ગેંગ/વામૈયાના લોકો રૂપિયાની લેવડદેવડને લઈને અથડાયા. વામૈયાના શખ્સો રામાધની ફાર્મ પર હુમલો કરવાનો ઇરાદો લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સામસામે થયેલા અથડામણમાં પોલીસ પહોંચી ગઈ પણ કાબૂમાં ન આવી, અને બે જૂથના લોકો હાથમાં ધોકા, લાકડીઓ જેવા હથિયારો લઈને આતંક મચાવતા જોવા મળ્યા.
અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ગાઢ ધુમ્મસનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા-અમરેલી હાઇવે પર ધુમ્મસને કારણે વાહન ચાલકોને સફર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉનાળામાં તાપમાન વધતા ગુજરાતમાં આજે ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદની આગાહી જોઈ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે, કારણ કે પાકને નુકસાન થવાની શક્યતા વધેલી છે.
પંચમહાલ જિલ્લામાં ગોધરા–વડોદરા હાઈવે પર ખરસલીયા ચોકડી પાસે કન્ટેનર, ટ્રેલર અને વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં GRD જવાન સહિત બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાનમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યો પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક પણ અસરગ્રસ્ત બન્યો હતો.
અમદાવાદ જિલ્લાના વિરમગામ હાઈવે પર વિરોચનનગરના પાટીયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કેટલાક વાહનોમાં આગ લાગી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગના કારણે કારમાં સવાર બે લોકો જીવતા જ ભસ્મીભૂત થઈ જતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને પોલીસ દ્વારા વાહન વ્યવહારને નિયમિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. નંદાદેવી નામનું LPG ટેન્કર આજે ગુજરાતના જામનગર નજીક આવેલા વાડીનાર પોર્ટ પર પહોંચવાનું છે. આ જહાજ પર અંદાજે 46 હજાર મેટ્રિક ટન LPGનો મોટો જથ્થો છે. બંદરે પહોંચ્યા બાદ આ ગેસનો જથ્થો અન્ય બે નાના જહાજ MTBW બ્રિઝ અને MD જગ પ્રતાપમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ આ નાના જહાજો દ્વારા LPGનો જથ્થો તામિલનાડુના બંદર સુધી પહોંચાડવામાં આવશે, જ્યાં અંદાજે બે દિવસમાં ગેસ પહોંચવાની શક્યતા છે. આ પુરવઠાથી ગેસની અછત વચ્ચે થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે ટપાલ વિભાગની નવી 24 કલાક ચાલતી સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરશે. પ્રથમ તબક્કામાં, આ સેવા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ થશે.
Published On - 7:33 am, Tue, 17 March 26