
આજે 17 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વલસાડ જિલ્લાને રેલવે તરફથી નવી બક્ષીસ મળી છે. વલસાડ રેલવે સ્ટેશનને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ
વંદે ભારતનું સ્ટોપેજ મળતા વલસાડ સાંસદ ધવલ પટેલે આનંદ વ્યક્ત કર્યો છે. વર્ષો જૂની માંગ સ્વીકારતા વલસાડ વાપીની થશે કાયાપલટ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રાલયનો આભાર માન્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ થીમ ઉપર યોજાયેલ સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025માં 10 લાખથી વઘુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોની કેટેગરીમાં અમદાવાદ મહાનગરપાલિકાને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટેની સુપર સ્વચ્છ લીગ શહેરમાં સુરતને એવોર્ડ મળ્યો છે. 3થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં ગાંધીનગર મહાનગરપાલિકાને એવોર્ડ મળ્યો છે. જ્યારે પ્રોમિસીગ સ્વચ્છ શહેર એવોર્ડ કેટેગરીમાં વડોદરા મહાનગરપાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે.
ગાર્બેજ ફ્રી સીટી સર્ટીફીકેશનમાં, સુરત અને અમદાવાદને 7 સ્ટાર, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, વાપી મહાનગરપાલિકાને 3 સ્ટાર, અને 19 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને 1 સ્ટાર મળ્યો છે. કૂલ 162 મહાનગરપાલિકા-નગરપાલિકા પૈકી 26 મહાનગરપાલિકા-નગરપાલિકાને ગાર્બેજ ફ્રી સિટી સર્ટીફિકેશન પ્રાપ્ત થયું છે.
ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે. કાળીયાબીડ શક્તિમાંના મંદિર પાસે પોલીસ પુત્રે રફતારનો કહેર મચાવ્યો હતો. ક્રેટા કારચાલકે બાઇક અને 3 લોકોને અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કાર ચાલકને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો છે.
ગુજરાતમાં 211 તાલુકા પંચાયતો પોતાના મકાન ધરાવે છે. વધુ 11 તાલુકા પંચાયતોને પોતાના ભવનના બાંધકામના નિર્માણ કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વહીવટી મંજૂરી આપી છે. ડાંગ-અમદાવાદ-ખેડા-છોટાઉદેપુર-પાટણ-બનાસકાંઠા-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે. આ ઉપરાંત 104 તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ – 31માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા ઊભી કરાશે.
વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલ સામાન્ય સભા પૂર્વે, સ્મશાનના ખાનગીકરણ કરાતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
સ્મશાનનું ખાનગીકરણ કરાતા વિરોધ, શહેરના ખાડાઓ વાળા રસ્તાઓ અને સ્વચ્છતા મુદ્દે પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં પ્રવેશતા નાગરિકોને રોકવામાં આવ્યા હતા. કોર્પોરેશન કચેરીમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર ગેટ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા તેઓને પાલિકાની બહાર જ રોકવામાં આવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
પોલીસે 10 થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બાદ સુરત જિલ્લામાં તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરત જિલ્લામાં 99 જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પુર્ણ કરવામાં આવી છે. ત્રણ બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરાયા છે. ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપરના મેજર બ્રિજનું નિરીક્ષણ સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઈજનેર એ.જી. વસાવા એ કર્યું
વર્ષ 2004માં નિર્માણ પામેલ માસમા ખાડી બ્રિજનું વોટર સ્પાઉટ, ક્રેસ બેરિયર અને એપ્રોચના એમ્બેકમેન્ટનું અવલોકન કરાયું છે. બ્રિજના સબ સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચરનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરાયું છે.
પંચમહાલના ઘોઘંબાના રણજીત નગરમાં ફાયરિંગની ઘટનાને લઈને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ વધુ વેગવાન કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફાયરીંગ કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે એફ એસ એલ અને ગામમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજની મદદ લઈ અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ રણજીત નગર ખાતે આવેલા મિત્તલ પટેલના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજગઢ પોલીસ મથકે સમગ્ર મામલે નોંધાઈ છે પોલીસ ફરિયાદ.
રણજીત નગર ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોઘંબા તાલુકા ભાજપા કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ ઉપર બાઈક સવાર બે અજાણ્યા ઇસમોએ કર્યું હતું ફાયરિંગ. બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમો દેશી તમંચાથી મિત્તલ પટેલ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ગયા હતા ફરાર.
અમૂલ બચાવોના નારા હેઠળ વીરપુર ખાતે મોટી સંખ્યામાં મહિસાગર, ખેડા, અરવલ્લીના પશુપાલકો આગેવાનો અને સભાસદો દ્વારા રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને ભાવેશસિંહ પરમાર જેવા આગેવાનોએ આ સમગ્ર આયોજન કર્યું હતું. મુખ્ય મુદ્દાઓમાં, સામાન્ય સભા ના ભરવા બાબતે વિરોધ, ડેરીમાં સભાસદોના સંતાનોને ભરતી કરવાના સ્થાને અન્યની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ અને ત્રીજો મુદ્દો અમૂલ ડેરી દ્વારા વધારે ભાવો આપીને જમીન ખરીદી કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. જમીન ખરીદીમાં હાલના હોદેદારો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યા છે. વીરપુરના રતનકૂવા ખાતે રાખવામાં આવેલ જમીન જે ગૂંઠે 4 હજાર પણ ના થાય તે જમીન 4 લાખમાં ખરીદી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ અગામી સમયમાં ચૂંટણી નહીં લડે. આગામી સમયમાં રાજનીતિમાં પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત વિક્રમ માડમે કરી છે. વર્ષોથી સક્રિય રાજકારણમાં ખૂબ મોટું નામ ધરાવતા વિક્રમ માડમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસમાં વિક્રમ માડમના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. સૂર્યવદર સાનિડેમ ખાતે યોજાયેલા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વિક્રમ માડમે મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું.
હેરિટેજ સરખેજ રોઝાના ગુંજબના કળશની ચોરી પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, સોનાનો કળશ અને પાંદડું હોવાનું માનીને ચોરી કરી હતી. પરંતુ બંને વસ્તુ પિત્તળના ધાતુની બનેલી હતી. આરોપીઓએ અંદાજિત 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચીને તોડી પાડ્યો હતો. પીતળના કળશ ઉપર નકાશી કામ કરવામાં આવ્યું હતું. રોઝાના ગુંજબ ઉપર રહેલો 6-7 કિંગ્રા વજન ધરાવતો રૂ.1700 કિંમતનો કળશ અને પાદડુ ગાયબ થયા હતા. સેક્રેટરી નિઝામ હરિખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સિંગાપુર ખાતે ચાલી રહેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકો વાગ્યો. નવસારી જિલ્લાના વાસદા તાલુકાના કેરીયા ગામના ચેતન ભગરિયાએ 200 મીટર, 400 મીટર અને 800 મીટરની દોડમાં ભાગ લીધો હતો. 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત સહિત નવસારીનું નામ રોશન કર્યું. સાથે 400 મીટરની દોડમાં બીજો ક્રમ અને 200 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું.
પાવાગઢના જૈન તીર્થ સ્થાનો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાનો મામલે કરાયલ જાહેરહીતની રિટ હાઈકોર્ટે ફગાવી દીધી છે. તીર્થસ્થાનની રક્ષા કરવા સંબધિત દાદ માંગતી જાહેર હિતની અરજી કોર્ટે ફગાવી છે. 2000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું સ્થાન હાલ જોખમમાં હોવાનો અરજદારે અરજીમાં દાવો કર્યો હતો. તીર્થસ્થાનોની ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ મહત્વ હોવાનો પણ અરજદાનો દાવો કર્યો હતો. તોડી પાડેલી મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ સાથે થઈ હતી અરજી. 16.06.2024 ન રોજ થયેલી ઘટના સંદર્ભે થયેલી અરજી પર હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. સમગ્ર જાહેરહિતની અરજી ખોટા ઇરાદા સાથે થઈ હોવાનું હાઇકોર્ટનો મત. કોર્ટે અરજીનો કર્યો નિકાલ કર્યો છે.
બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારી માટે તંત્ર સજ્જ બન્યુ છે. 1 થી 7 સપ્ટેમ્બરમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 જુલાઈથી રાજયમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદના એંધાણ છે.
અમદાવાદના વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી એક સપ્તાહ દરમિયાન પોલીસ કડક કામગીરી કરશે. પોલીસ વતી સરકારી વકીલે કોર્ટમાં ખાતરી આપી. રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે પોલીસ કામગીરી કરશે. પેનલ્ટી, લાયસન્સ સસ્પેન્ડ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા હાઇકોર્ટનું સૂચન છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. બીજા પ્રયત્નમાં પણ 51.58 ટકા પરિણામ આવ્યું. 33 હજાર 731 પૈકી 17 હજાર 397 વિદ્યાર્થીઓ પાસ થયા છે. Gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. જૂન માસમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા યોજાઈ હતી.
જામનગરઃ જોડીયા-જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની એન્ટ્રી બંધ થઇ. જોડીયા-જાંબુડા પાટિયા રોડ પરના 5 બ્રિજ જર્જરિત હાલતમાં છે. જર્જરિત બ્રિજનું નિર્માણકાર્ય ચાલતું હોવાથી બ્રિજ પર અવર-જવર બંધ કરવામાં આવી. 5 બ્રિજ પર ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો. ભારે વાહન માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
વાપીઃ ચોથા માળેથી પટકાતા મજૂરનું મોત થયુ છે. નવ નિર્મિત અપાર્ટમેન્ટમાં દુર્ઘટના બની છે. કામ કરતી વખતે મજૂર ઈંટો પર ચોથા માળેથી પડ્યો. ઘાયલ મજૂરને વાપી અને બાદમાં સેલવાસ ખસેડાયો. મજૂરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મજૂરના મોત બાદ સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા.
સાબરકાંઠાઃ સાબરડેરીના ભાવફેર મામલે વિવાદ યથાવત્ જોવા મળી રહ્યો છે. દૂધ રસ્તા પર ઢોળવાની વધુ એક ઘટના સામે આવી છે. ટેન્કરને રોકી વાલ્વ ખોલી રસ્તા પર દૂધ ઢોળી દેવાયું. દૂધ પૂરવઠો સપ્લાય ચેઈનને તોડવા માટે ટેન્કરો નિશાને રખાયા. દૂધની અછત ઉભી કરવાનો પ્રયાસ કરવા ટેન્કરો નિશાને રખાયા. પશુપાલકો ભાવફેરને લઈ સાબરડેરીના સત્તાધીશો સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
લગભગ 12 વર્ષ પહેલા મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમાજના યુવકની હત્યા થઈ. જે બાદ આ પરિવારો સાથે ચડોતરૂ કરવામાં આવ્યુ. જેના કારણે આ પરિવારોએ ગામ છોડીને જવું પડ્યુ. સરકારે અને પોલીસે આ વિસ્થાપિત પરિવારની માહિતી મેળવી તેમનો સંપર્ક કરાવી બંને સમુદાય વચ્ચે બેઠક કરી સુલેહ કરાવી. આ પરિવારોની ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન આવેલી છે. બનાસકાંઠા પોલીસે જમીનની માપણી કરાવી અને ઝાડી-ઝાંખરા દૂર કરી તેને ખેતીલાયક બનાવી આપી. આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં બે મકાનો તૈયાર કરાવી આપવામાં આવ્યા. ટૂંક સમયમાં મકાનો અને અન્ય જીવનજરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વડોદરા: બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. વડોદરા રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિહારથી મુંબઈ જતી ટ્રેનમાંથી 16 સગીર સહિત 41નું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ. બાતમીના આધારે વડોદરા રેલવે પોલીસે કાર્યવાહી કરી.
રેસ્ક્યૂ કરાયેલ બાળ મજૂરોને બાળ રિમાન્ડ હોમ મોકલાયા. બાળકોને મજૂરી માટે સુરત, મુંબઈ મોકલાતા હોવાનો પર્દાફાશ થયો છે. બાળકો બિહાર અને મધ્યપ્રદેશના હોવાનો ખુલાસો થયો છે.
ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીને લીધે ઈમરજન્સી લેન્ડિંગ થઇ છે. ઈન્ડિગોની દિલ્લીથી ગોવા જતી ફ્લાઈટનું મુંબઈમાં લેન્ડિંગ કરવામાં આવ્યુ. ફ્લાઈટનું એક એન્જિન ફેલ જતાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. વિમાન લેન્ડિંગ પહેલાં 17 મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું. મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ બાદ મુસાફરોને સલામત બહાર કઢાયા. અન્ય વૈકલ્પિક વિમાનમાં મુસાફરોને ગોવા મોકલાયા.
કચ્છઃ ગાંધીધામના આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ થયુ છે. ગાંધીધામની સંકેતનીધિ આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ થયું હતું. પોલીસે તપાસ શરૂ કરતા જ સંચાલક સુરક્ષિત મળી આવ્યા. ભચાઉના જંગી પાસે આંગડિયા પેઢીના સંચાલક સુરક્ષિત મળ્યા. અપહરણકારો કાર મૂકીને ભાગી છૂટ્યા. કેતન કાંકરેચાનું કોણે અપહરણ કર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે.
ચીનના તિયાનજિનમાં SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આપણે વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવાનો પડકારનો સામનો કરીએ છીએ. તેમણે તમામ દેશોને તેને સ્થિર કરવા માટે કામ કરવા હાકલ કરી.
અલાસ્કામાં ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. અહીં રાત્રે 2:07 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તેની ઊંડાઈ 36 કિમી હતી. અહીં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
Published On - 7:22 am, Thu, 17 July 25