PM મોદી આજે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. GMDCમાં તેઓ સભા સંબોધશે, તો મોટેરાથી મહાત્મા મંદિર મેટ્રો રૂટનો પ્રારંભ કરાવશે. બે દિવસ બાદ દિલ્લીના CM પદેથી કેજરીવાલ રાજીનામું આપશે. કહ્યું દિલ્લીની જનતા નક્કી કરે હું ઈમાનદાર કે ગુનેગાર. નવા CMને લઇને સસ્પેન્સ યથાવત છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે સોમ અને મંગળવારે નાગરિકોની રજૂઆત સાંભળે. વલસાડના વાપીમાં હાર્ટ એટેકથી 32 વર્ષિય મહિલાનું મોત થયુ છે. પુત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. રાજ્યમાં 18 સપ્ટેમ્બરથી વરસાદના નવા રાઉન્ડની અંબાલાલ પટેલે કરી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 10થી 13 ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની શક્યતા છે.
ભરૂચના દહેજના પણીયાદરા ગામેથી ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે. LPG ભરેલ ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવામાં આવતો હતો. પોલીસને સ્થળ પરથી LPG ભરેલ 35 સિલિન્ડર મળી આવ્યા હતા. 5 ટેન્કર સહિત રૂપિયા 3.33 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોખમી રીતે ટેન્કરમાંથી LPG કમર્શિયલ સિલિન્ડરમાં ટ્રાન્સફર કરવામાં આવતો હતો.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજૂ નથી થઈ. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં વરસાદનો વઘુ એક રાઉન્ડ આવશે તેમ હવામાનના જાણકારે આગાહી કરી છે. જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, સપ્ટેમ્બર ના છેલ્લાં અઠવાડિયા દરમિયાન એક વરસાદનો રાઉન્ડ આવશે.
ગુજરાતના તમામ મંત્રીઓને આવતીકાલ સવારે એરપોર્ટ પર હાજર રહેવા આદેશ આપવામા આવ્યો છે. તમામ મંત્રીઓએ મંગળવારે સવારે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેવા કહેવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તમામ મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીઓફ કરવા માટે ફરજીયાત હાજર રહેવા કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તો બીજી તરફ સંગઠનમાંથી પણ સંગઠનના મહત્વના હોદ્દેદારોને એરપોર્ટ ખાતે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાન આવતીકાલે સવારે અમદાવાદ એરપોર્ટ થી ભુવનેશ્વર ખાતે જવાના છે ત્યારે તમામ લોકોને હાજર રહેવા સૂચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રૂપિયા 8000 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યાં બાદ, ગાંધીનગર રાજભવન ખાતે આવી પહોચ્યાં છે. પીએમ મોદી, રાજભવન ખાતે, ગુજરાતના પ્રધાનો અને ભાજપના નેતાઓના કલાસ લેશે. રાજભવન ખાતે ત્રણ કલાક સુધી રાજકીય મુલાકાતનો સમય અનામત રાખવામાં આવ્યો છે.
મારી કોઈ આશા આકાંક્ષા નથી માત્ર તમે જ મારા આરાધ્ય છો તેમ જણાવીને મોદીએ કહ્યું કે, જીવીશ તો તમારા માટે. જુઝતો રહીશ તો તમારા માટે, જી જાનથી ખપતો રહીશ તો તમારા માટે, તમારા આર્શિવાદથી આત્મવિશ્વાસ સાથે નવા ઉંમગ અને હોસલા સાથે 140 કરોડ ભારતવાસીઓના સ્વપ્ન માટે જીવી રહ્યો છુ અને જીવતો રહીશ.
સરદાર પટેલે 500થી વધુ રજવાડાઓને એક કર્યા પણ સત્તાના લાલચુ લોકો ભારતના ટુકડે ટુકડા કરવા માંગે છે. જમ્મુ કાશ્મીરમાં તેઓ ફરી 370 લાવવા માગે છે, તૃષ્ટિકરણને વરેલા કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. આ લોકો ગુજરાતને પણ લગાતાર નિશાને લઈ રહ્યાં છે. ગુજરાતે આ લોકોથી સતર્ક રહેવાનું છે. તેમના પર નજર પણ રાખવાની છે.
ગુજરાતની વિકાસગાથાને વર્ણાવતા કહ્યું કે, ગુજરાતની પરિશ્રમ કરનારી પેઢીએ ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જવાનું છે. દેશ અને દુનિયામાં બેસ્ટ ક્વોલિટી માટે ગુજરાતે સ્થાન બનાવ્યું છે. વિદેશમાં પણ ભારતની વાહવાહી થઈ રહી છે. આજે વિશ્વમાં કોઈને તકલીફ હોય તો ભારત તરફ ભરોષાની દ્રષ્ટિએ જોવે છે. દુનિયાને ભરોષો પૂરો પાડુ છુ.
ગુજરાતના લોકો સમયનું મૂલ્ય સારી રીતે જાણે છે. આજનો સમય ગોલ્ડનકાળ છે. આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું છે. જેમાં ગુજરાતની બહુ મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતના વેલકનેકટેડ રાજ્યમાંથી એક છે. એ દિવસો બહુ દૂર નથી ગુજરાત પહેલા મેડ ઈન ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આપશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
અમદાવાદ મેટ્રોના વિસ્તારને લઈને અનેક લોકો ખુશ છે. ગુજરાત માટે આજનો દિવસ એક અન્ય કારણસર પણ ખાસ છે. અમદાવાદ ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ થઈ છે. જે રોજબરોજ આવનાર જનાર માટે સરળતા રહેશે. આવનારા દિવસોમાં અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલથી જોડી દેવાશે. 15થી વધુ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે.
તેલીબિયા ઉગાડનારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. એમએસપીથી વધુ કિંમત મળે જેથી તેલીબિયા ઉગાડનારા ખેડૂતોને વધુ ભાવ મળે. સોયાબિન અને સૂર્યમુખી ઉગાડનારને વધુ દામ મળશે. બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસ પર જે પ્રતિબંધ લગાવેલો હતો તે હટાવી લેવાયો છે. જેના કારણ ચોખા અને ડૂંગળીની માંગ વધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, મે કહ્યું હતું કે 70 વર્ષના લોકોને તબીબી સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. કેટલાક દિવસો પૂર્વે જ 70 વર્ષ સુધીના લોકોને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ એક ગેરંટી પૂરી કરી નાખી છે. નોકરી કરતા 4 કરોડ યુવાનોને પહેલી નોકરીનો પહેલો પગાર સરકાર આપશે. મુદ્રા લોન સ્વરોજગાર ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે. જેની સફળતાને જોઈને 10 લાખને બદલે વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું કે, 60 વર્ષ બાદ દેશની જનતાએ એક ઈતિહાસ રચ્યો છે. સતત ત્રીજીવાર એક જ સરકારને કામ કરવાની તક પૂરી પાડી છે. ત્રીજી ટર્મમા અભૂતપૂર્વ નિર્ણયો લેવાની મે ગેરંટી આપી હતી. પાછલા 100 દિવસમાં રાત દિવસ નથી જોયા. દેશ હોય કે વિદેશ જે કરવાનું હતું તે કર્યું છે. તમે જોયું હશે કે પાછલા 100 દિવસમાં કેવી કેવી વાતો થઈ, મારી મજાક પણ ઉડાડવામાં આવી. અનેક તર્ક વિતર્ક કરવામાં આવતા હતા. અપમાન થઈ રહ્યું હોવા છતા મોદી કેમ ચૂપ છે. પરંતુ તેઓ જાણતા નથી આ સરદારની ભૂમિના મોદી છે. મે નક્કી કર્યું હતું કે એક પણ જવાબ નહીં આપુ. રાહ પરથી ભટકીશ નહીં. પરંતુ આજે મને ખુશી છે કે બધા અપમાનને પચાવીને 100 દિવસમાં દરેક વર્ગના લોકોના કલ્યાણ માટેની ગેરંટી પાકી કરી નાખી છે.
ઉત્સવના આ આનંદ સાથે એક પીડા પણ છે. ગુજરાતના અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ થવા પામી હતી જેના કારણે અનેક લોકોની જાનહાની થઈ. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રભાવિતોને રાહત આપવા કામ કરી રહી છે. જેમની સારવાર થઈ રહી છે તેઓ જલદી સ્વસ્થય થાય તેવી કામના કરી રહ્યો છુ તેમ વડાપ્રધાને કહ્યું હતું.
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી રૂપિયા 8000 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં વિકાસનો ઉત્સવ નિરંતર ચાલુ છે. રેલવે, રોડ, મેટ્રોના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું છે. નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરાઈ છે. અર્બન કનેક્ટિવીટી માટે માઈલ સ્ટોન સાબિત થશે. ગુજરાતના હજ્જારો પરિવાર નવા ઘરમાં પ્રવેશ કરશે.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ કહે છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ કલમ 370 ફરીથી લાગુ કરશે. તેમણે કહ્યું કે કલમ 370 હવે ઈતિહાસનો હિસ્સો બની ગઈ છે. ભારતના બંધારણમાં કલમ 370 માટે હવે કોઈ સ્થાન નથી. કાશ્મીરમાં ક્યારેય બે વડાપ્રધાન, બે બંધારણ અને બે ઝંડા હોઈ શકે નહીં. એક જ ધ્વજ હશે અને તે છે આપણો ત્રિરંગો.
સુરતમાંથી ગણેશ મહોત્સવ દરમિયાન અનેક અવનવા પ્રયાસ કરવામાં આવે છે.. ત્યારે આ વર્ષે સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવા માટે અનોખી પૂજાનું આયોજન કરવામાં આવ્યું,. પરમસુખ ગુરુકુળમાં બાળકોએ શ્રીજીની પૂજા-અર્ચના સાથે પોતાના માતા-પિતાની પણ પૂજા કરી. 300થી વધુ બાળકોએ માતા-પિતાની પૂજા કરીને પ્રેમ અને સન્માન દર્શાવ્યું.. શ્રીજીની પૂજા અને માતા-પિતાની પૂજા કરી બાળકોએ સનાતન સંસ્કૃતિ દર્શાવતો અનોખો સંદેશ આપ્યો.
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે જોકે મહામેળાના 4 દિવસ થયા છે અને ભાદરવી પૂનમના મહામેળામાં 10 લાખ જેટલા લોકોએ દર્શન કર્યા છે, લાખો પદયાત્રીકો આવ્યા છે, પરંતુ છેલ્લા ચાર દિવસમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી જોકે પોલીસ પરિવારે માતાજીની માનતા રાખી હતી કે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તો ત્રીસૂલીયા ઘાટ પરથી ત્રિશૂળિયા દેવીના દર્શન કરી અને અંબાજી મંદિર સુધી પોલીસ પરિવાર પદયાત્રા કરશે.
વડોદરામાં નશામાં ધૂત યુવક બેફામ બન્યો. દારૂ પીને કાર ચલાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાલકે નશાની હાલતમાં બેફામ કાર ચલાવતા અકસ્માત સર્જ્યો છે. બેકાબૂ બનેલી કાર ડીવાઈડરની ઉપર ચઢી ગઈ હતી. કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી છે. ક્રેનની મદદથી કારને ડીવાઈડર પરથી ખસેડાઇ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદઃ હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો છે. પોલીસે ચોરને પકડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ચોરને ઝડપી પાડવા ગાઢ જંગલમાં નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો. ચોર મંદિરમાં ચોરી કરી ગાઢ જંગલમાં નાસી ગયો હતો. પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા. જે પછી નાઇટ વિઝન કેમેરાથી ચોર પર ચાંપતી નજર રાખી ઝડપી પાડ્યો. પોલીસની સારી કામગીરી બદલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં રી-ઈન્વેસ્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયા ભારતની ભૂમિકાને સમજી રહી છે. રિ-ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. 100 દિવસમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. મને વિશ્વાસ છે કે આગામી 3 દિવસમાં ઊર્જા, ટેક્નોલોજી અને નીતિઓના ભવિષ્ય પર ગંભીર ચર્ચા થશે.
ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજર તમામ લોકોનું સ્વાગત કરવા સાથે PM મોદીઓ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનવા તરફ આગળ વધતુ જઇ રહ્યુ છે. ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ અને એક્સ્પો મીટ (RE-INVEST)માં ભાગ લીધો. તેમણે સમિટનો પ્રારંભ કરાવ્યો.
સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ. બાળકી રમતા રમતા 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. માળા ગળી જતા બાળકીને પેટમાં દુખાવો અને ઉલટીઓ થઇ હતી. પરિવાર બાળકીને સારવાર માટે ખસેડતા સમગ્ર હકીકત સામે આવી છે. તબીબો ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી. માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા. ડોક્ટરોએ આંતરડાની સર્જરી કરી બાળકનો જીવ બચાવી લીધો.
અમદાવાદ: વડાપ્રધાન મોદી ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપશે. GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. તેઓ 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળા 4 ડોમ સજ્જ છે. GMDC ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.
રાજકોટના ધોરાજીમાં ફરેણી રોડ પરથી પસાર થતી સકુરા નદીમાંથી મગર પકડાયો. છેલ્લા ઘણા દિવસથી સકુરા નદીમાં મગરે દેખા દીધી હતી. સ્થાનિકો દ્વારા ધોરાજી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરાઇ હતી. ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમે મગરનુ રેસ્ક્યુ કરી જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મોકલી આપ્યો.
રાજસ્થાનઃ ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. તો લગભગ 15 લોકો ઘવાયાં છે. ગંભીર રીતે ઘવાયેલા બેને ઉદયપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. પિંડવાડામાં કાંટલ પાસે ટ્રક અને જીવ વચ્ચે ટક્કર થઈ છે. શ્રમિકો પાલી જિલ્લામાં મજૂરી કરવા જતા હતા તે સમયે અકસ્માત થયો.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, રવિવારે બપોરે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ઉત્તરી પેસિફિક તટ પર 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. ડેમની જળસપાટી 137.06 મીટર થઇ છે. નર્મદા ડેમના 5 દરવાજા 1.4 મીટર સુધી ખોલાયા છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21.25 ફૂટ થઇ છે. ડેમમાં 1લાખ 80હજાર ક્યૂસેક પાણીની આવક થઇ છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. કેનાલ મારફતે 45 હજાર ક્યૂસેક પાણી છોડાયુ છે.
વલસાડ: વાપીમાં હાર્ટ એટેકથી મહિલાનું મોત થયુ છે. પુત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો. ઉજવણી દરમિયાન જ 32 વર્ષીય મહિલા ઢળી પડી હતી. મહિલાને હાર્ટ એટેકની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
PM મોદી આજે ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે. આ સાથે ભારતની પ્રથમ વંદે મેટ્રોને ભુજથી અમદાવાદ સુધી ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં અન્ય અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
Published On - 7:40 am, Mon, 16 September 24