સુરત: સુરતમાં બિનઅધિકૃત નવરાત્રી આયોજન મામલે સારોલી પોલીસે ગરબા આયોજકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પુણા કેનાલ રોડ પર રાયન ડાઇંગ હોટલ નજીક યોજાનારા ‘જે.જી. નવરાત્રી’ના આયોજકોને પોલીસે નોટિસ ફટકારી છે. જરૂરી દસ્તાવેજો અને પ્રિમાઇસિસ લાયસન્સ મેળવ્યા વિના આયોજન કરવામાં આવતું હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. અગાઉ જાણ કરવા છતાં મંજૂરી નહીં લેતાં શક્તિ પ્રફુલભાઈ ગોહિલ સહિતના આગેવાનોને નોટિસ બજાવવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ તાકીદ કરી છે કે જરૂરી મંજૂરી વિના ગરબાનું આયોજન કરવામાં ન આવે. જો નિયમો અને લાયસન્સ વિના આયોજન ચાલુ રાખવામાં આવશે તો આયોજકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસે નિયમોનું પાલન કર્યા વિના થતા આયોજનને ચલાવી નહીં લેવાની ચેતવણી આપી છે.
જૂનાગઢ: જૂનાગઢના મધુરમ વિસ્તારમાંથી બાંગ્લાદેશની એક યુવતી ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. યુવતી નેપાળની નાગરિક હોવાની ખોટી ઓળખ આપી રહેતી હોવાનો ખુલાસો થયો છે. ખાલિદા ઉર્ફે મિથિલા નામથી ઓળખ છુપાવીને રહેતી આ યુવતીએ મહારાષ્ટ્ર અને સુરત બાદ જૂનાગઢમાં પોતાનું સરનામું બદલ્યું હતું. જૂનાગઢમાં તે છૂટક બ્યુટી પાર્લરમાં કામ કરતી હોવાની માહિતી સામે આવી છે. સી ડિવિઝન પોલીસે યુવતી પાસેથી મોબાઈલ ફોન સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે. ત્યારબાદ તેને મહિલા વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે. આ મામલે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને યુવતીની ઓળખ તથા ભારતમાં રહેવા સંબંધિત વિગતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમરેલી: જાફરાબાદમાં ચાર સગીર વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણ કર્યાના આરોપસર સરકારી શિક્ષક રામશંકર પંડ્યા સામે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપ છે કે શિક્ષક છેલ્લા પાંચ મહિનાથી વિદ્યાર્થિનીઓનું શોષણ કરતો હતો અને તેમની સાથે અડપલાં પણ કરતો હતો. આરોપી અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો હોવાની માહિતી સામે આવી છે. ફરિયાદના આધારે જાફરાબાદ પોલીસે તપાસ શરૂ કરી આરોપી શિક્ષકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી SPએ આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
બનાસકાંઠા: ડીસાના લાઠીબજાર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને રહેણાંક મકાનમાંથી જાણીતી બ્રાન્ડના શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજિત લાખોની કિંમતના ઘીના 80 બોક્સ મળી આવતાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ડીસામાં બે દિવસમાં ફૂડ વિભાગ દ્વારા બે દરોડા પાડવામાં આવતાં કાર્યવાહી વધુ તેજ બની છે. શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતાં વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી નકલી ઘી બનાવતા અને વેચતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17 ઓક્ટોબરથી ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો પ્રારંભ થશે, જે 15 જાન્યુઆરી, 2027 સુધી ત્રણ મહિના ચાલશે. આ અંતર્ગત એકતાનગરમાં 7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવશે. દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો અને સરદાર સરોવર ડેમ ખાતે ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાની ઝાંખી દર્શાવાશે. બાળકો માટે પશુઓ, મશરૂમ અને જળચર દુનિયા આધારિત લાઇટિંગ પણ ગોઠવાશે. ગત વર્ષે મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ત્રણ મહિના સુધી પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે 16 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:42 am, Fri, 16 October 26