આજે જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન તરીકે ઓમર અબ્દુલ્લાએ શપથ લીધા છે. જમ્મુ કાશ્મીરમાં NC અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત થઇ છે. મહારાષ્ટ્રમાં 20 અને ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન. 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. બનાસકાંઠાનાં વાવમાં પણ પેટાચૂંટણી યોજાશે. 13 નવેમ્બરે મતદાન, તો 23 નવેમ્બરે મતગણતરી થશે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બેઠક ખાલી પડી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર થઇ છે. પરીક્ષા 15 દિવસ વહેલી લેવાશે. 27 ફેબ્રૂઆરીથી 13મી માર્ચ દરમિયાન પરીક્ષા યોજાશે. મંદિર અને ગૌશાળાના નામે કરોડોનાં જમીન કૌભાંડનો વોન્ટેડ આરોપી જે. કે. સ્વામી ઝડપાયો છે. આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ 17મી ઓક્ટોબરના રોજ હરિયાણા જશે. હરિયાણા વિધાનસભામાં ભાજપને બહુમતી મળ્યા બાદ આવતીકાલે મુખ્ય પ્રધાનનો શપથ સમારોહ યોજાનાર છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રના પ્રધાનો, ભાજપ શાસિત વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહેનાર છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજીવાર સત્તામાં આવતા, શપથ સમારોહ માં ભાજપ કરશે શક્તિ પ્રદર્શન.
આણંદ જિલ્લાના ભાદરણમાં મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસંવાદ કાર્યક્રમમાં જેટકો, રોજગારી, આવાસ યોજના, શિક્ષણ, રસ્તા, ગંદા પાણીના પ્રશ્નોએ સૌથી વધુ રજૂઆતો થઈ હતી. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે, સીએમને કહ્યું કે, સરકારમાં રજૂઆતો કર્યાં બાદ પણ કોઈ કામ થતા નથી. પૂર્વ જિલ્લા પ્રમુખ કહેતા હતા ત્યારે આણંદના સાંસદ મિતેષ પટેલે હંસાબેનને વાત પુરી કરવા ખુબ ઇશારા કર્યા હતા. જો કે તેમણે પોતાની રજૂઆતો કર્યા બાદ જ સંબોધન અટકાવ્યું હતુ.
મહેસાણાના ઊંઝામાંથી 74 લાખની કિંમતનું શંકાસ્પદ બનાવટી જીરું-વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણા એલસીબી પોલીસે દાસજ રોડ ગંગાપૂરા પાસે ફેકટરી અને ગોડાઉન ઉપર દરોડા પાડીને 74 લાખની કિંમતનું શંકાસ્પદ બનાવટી જીરું-વરિયાળીનો જથ્થો જપ્ત કર્યું છે. સૂકી વરિયાળી પર ચડાવવામાં આવતો હતો કલર. ભૂખરી વરિયાળીને લીલીછમ બનાવી કરાતું હતું સરસ મજાનું પેકિંગ. ખરાબ ક્વોલિટી વાળા જીરું પર ગોળની રસી અને પાવડર ચડાવીને નવા જેવુ કરવામાં આવતુ હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગે ફેકટરીમાંથી જીરુ અને વરિયાળીના સેમ્પલ લીધા છે. જેની ચકાસણી બાદ સામે આવશે બધી વિગતો. પોલીસે સ્થળ પરથી 85 બોરી શંકાસ્પદ બનાવટી જીરું, 1615 બોરી શંકાસ્પદ બનાવટી વરિયાળી, 809 બોરી વરિયાળી નું ભૂસુ, 7 બોરી ભૂખરો પાવડર અને ગોળની રસી ભરેલ 1 બેરલ સહીત કુલ 74,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કેન્દ્ર સરકારે એન્ટી ટેરરિસ્ટ કમાન્ડો ફોર્સને વીઆઈપી સુરક્ષામાંથી સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય લીધો છે, હવે સીઆરપીએફ એ નવ વીઆઈપીની સુરક્ષાની જવાબદારી સંભાળશે. જેમાં રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથનો પણ સમાવેશ થાય છે.
સુરતના વરાછા મતવિસ્તારાના ધારાસભ્ય કુમાર કાનાણીએ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા માંગ કરી છે. નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન આપવાની સાથે સાથે ડાયમંડ ઉદ્યોગ માટે પણ પોલીસી જાહેર કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે. છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીના કારણે ખુબ જ કપરા સમયનો સામનો કરી રહ્યો છે.
કેબિનેટ બેઠકને લઈ સૂત્રોના હવાલેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આજે મળેલ કેબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાયદા વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. સરકારી વકિલોની ગુજરાત હાઈકોર્ટમાં કામગીરીને લઈને નારાજગી પણ વ્યક્ત કરી હોવાનું સૂત્રો જણાવ્યું હતું. કાયદા સચિવને રાજ્ય સરકારના તમામ કેસમાં બારીકાઈથી ધ્યાન આપવા સૂચના આપી છે. સરકારનો પક્ષ અને કામગીરી યોગ્ય રીતે હાઇકોર્ટ સમક્ષ મુકવા ટકોર પણ કરી હતી. હાઇકોર્ટમા સરકાર સંલગ્ન કેસોમાં રાજ્ય સરકારનો પક્ષ યોગ્ય રીતે રજૂ ના થતો હોવાથી કાયદા સચિવની ઝાટકણી કાઢી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ, રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ઉર્જા, આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આજે મળેલ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ નાયબ સિંહ સૈનીને પક્ષના નેતાપદે ચૂંટ્યા છે.
કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીની ટાંકીમાં પડી જવાથી 5 લોકોના મોત થયા છે. કંડલા ઇમામી એગ્રો ટેક કંપનીમાં રાત્રીના દરમ્યાન મોટી જાનહાની સર્જાઈ હતી. કંપનીમાં ગંદા પાણીની ટાંકીમાં પડી જવાથી 5 લોકોના મોત થયા છે. દૂષિત પાણીમાં ઝેરી અસર થતાં સુપરવાઈઝર સહિત 5 લોકોના મોત થયા હતા. સેફટીના અભાવે બેદરકારીથી પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કંડલા પોલીસ અને ફેકટરી ઇન્સ્પેકટર સહિતના લોકો એ તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં કડીના અદુંદરામાં પતિએ પત્નીનુ ગળુ દબાઈને હત્યા કરી છે. મહિલાના પિયર પક્ષે, મૃતકનું પીએમ કરવાની જીદ કરતા મામલો બહાર આવ્યો છે. પીએમ કરવાનું કહેતા જ મૃતકના પતિ ભરત એ જ કબૂલી લીધું કે પત્નીની હત્યા કરી છે. સમગ્ર મામલે કડી પોલીસે આરોપીની અટક કરી પૂછપરછ ચાલુ. નાડિયા પાયલબેનનું તેના પતિ ભરત નાડિયાએ હત્યા કરી છે.
વડોદરામાં ભાજપ કાઉન્સિલરના પુત્ર સહિત 5 મિત્રોએ સગીરાનો ન્યુડ વીડિયો શેર કર્યો, વીડિયો વાયરલ કરવાની પણ ધમકી ઉચ્ચારી ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલના પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરાના ભાયલી દુષ્કર્મની ઘટના બાદ, સગીરાની માતાએ 2 વર્ષ પહેલાંના આપત્તિજનક વીડિયો મુદ્દે કરી ફરિયાદ. કોર્ટમાં સાંજે પીડિતાનું નિવેદન નોંધાયા બાદ દુષ્કર્મની કલમ ઉમેરવી કે નહિ તે નક્કી કરાશે. 6 ઓકટોબરે વીડિયો વાયરલ અંગે ફરિયાદ નોંધાવી હતી, બાદમાં 14 ઓકટોબરે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે પોકસો હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
સામાન્ય રીતે મનુષ્યને CPR આપી તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. જો કોઇ વ્યક્તિને સમયસર CPR આપવામાં આવે તો તેનો જીવ પણ બચાવી લેવાતો હોય છે. આવી જ રીતે પ્રાણીઓને પણ CPR આપી બચાવી લેવાતા હોય છે. વડોદરામાં આવી જ રીતે સાપને CPR આપીને બચાવી લેવાયો છે. વડોદરામાં વૃદાવન નજીક પર્યાવરણ પ્રેમી યશ તડવીએ મુર્છિત અવસ્થામાં સાપ જોયો. એટલે સાપનો જીવ બચાવવા માટે યુવકે માઉથ ટુ માઉથ સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. અને પાંચ મિનિટ બાદ જ સાપમાં ફરી જીવ આવ્યો હોય તેમ સાપ બચી ગયો હતો.
4 મહિનાના ચોમાસા વેકેશન બાદ આજથી જૂનાગઢમાં સાસણ ગીર અભયારણ્ય ખુલ્લુ મુકાયું છે. ચોમાસાના ચાર મહિના ગીર સફારી માટે વેકેશન હોય છે. જે આજે પૂર્ણ થતા સાસણ ગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આજે પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો.
ભારતના ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ. ખરાબ હવામાનના પગલે રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. વંટોળ સાથે વરસાદ પડે તેવી આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે.દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ વરસાદ પડી શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે.
ભાજપે વાવ બેઠક માટે 3 નિરીક્ષકની નિમણુક કરી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ ( બગદાણા ), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આવતીકાલે સવારે 11 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષક સેન્સ પ્રક્રિયા કરશે.
બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટી પણ પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.
ગેનીબેન ઠાકોરના સાંસદ બનતા આ વાવ બેઠક ખાલી થઈ છે. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન થશે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આજે શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2019 માં કલમ 370 નાબૂદ થયા પછી અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. કલમ 370 હટાવ્યા પછી, તત્કાલિન રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું.
બનાસકાંઠા: ધાનેરામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ડીસા, પાલનપુર બાદ ધાનેરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી છે. 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નમૂના લેબમાં મોકલાયા છે. સાગરનું લેબલ લગાવીને ઘી બજારમાં મોકલાતું હોવાનો ખુલાસો થયો. 91 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી.
રાજકોટ: તહેવારોની સિઝનમાં રાજકોટ મનપા એક્શનમાં છે. મીઠાઈ બાદ તેલના નમૂના લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની વિવિધ તેલની બ્રાન્ડના નમૂના લેવામાં આવ્યા. અલગ-અલગ વિસ્તારમાં આવેલ એજન્સીઓમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી. રાણી ગોલ્ડ ફિલ્ટર, ગુલાબ ગોલ્ડ ફિલ્ટર, ગુડ લાઈફ ફિલ્ટરના નમૂના લેવાયા.
GNLUને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળી છે. ગાંધીનગરની બે યુનિવર્સિટીને ઉડાવી દેવાની ધમકી મળી. GNLU સહિત PDEUને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં છે. બોમ્બ સ્કવોડ સાથે બન્ને શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરાઈ. ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરાયો.
સુરત: ઉના પાટીયા પાસે ટ્રકની અડફેટે સાયકલ ચાલકનું મોત થયુ છે. રસ્તો ક્રોસ કરવા જતા સાયકલ ચાલકને ટ્રકની ટક્કર વાગી હતી. સાયકલ સવારનું ઘટનાસ્થળે જ મોત થયું.
એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. દિલ્લી-શિકાગો ફ્લાઈટ કેનેડા તરફ ડાયવર્ટ કરાયું છે. જયપુર-અયોધ્યા ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઇ. સિંગાપોરમાં ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ. છેલ્લા 48 કલાકમાં 10 ફ્લાઈટમાં બોમ્બની ધમકીના મામલાને ગંભીર ગણીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આદે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ બોમ્બની ધમકીને લઈને એક સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં ઉડ્ડયન સંબંધિત સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો.
અમદાવાદમાં સાયબર ક્રાઈમ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને અન્ય રીતે ઠગાઈ કરનાર તાઈવાની આરોપી અને ગેંગને પકડવાના કેસમાં કામગીરી કરનાર ટીમનું સન્માન કરાયું. પોલીસ કમિશનર જી.એસ.મલિકે તમામ પોલીસ ઓફિસરોનું સન્માન કર્યું. ટીમમાં સામેલ ACP, PI, PSI સહિત 13 જેટલા પોલીસકર્મીને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા. ડિજિટલ અરેસ્ટ અને અન્ય રીતે ઠગાઈ કરી અનેક લોકોને શિકાર બનાવતી 50થી વધુ લોકોની ગેંગને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી હતી. આ મોટી સફળતા બાદ પોલીસ કમિશનરે તમામ પોલીસકર્મીને સન્માનિત કર્યા છે.
જૂનાગઢ: ચાર મહિનાના વેકેશન બાદ ફરી એક વખત સાસણ સફારી પાર્ક શરૂ થયો છે. આજથી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. DCF મોહન રામે વનવિભાગ દ્વારા લીલી ઝંડી આપી છે. પ્રથમ પ્રવાસીઓને પરમીટ સાથે સિંહ દર્શન કરવાની શરૂઆત. 15 જૂન થી 15 ઓકટોબર સુધી વનરાજોનું વેકેશન હતું.
જામનગર: કાલાવડ તાલુકામાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે પ્રચંડ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નવાગામ, માછરડા, ગુંદા, ખરેડી, માખાકરોડ, કાલમેઘડા સહીતના ગામોમાં વરસાદ વરસ્યો.
Published On - 7:26 am, Wed, 16 October 24