આજે 15 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદમાં ‘આદિત્ય’ બની હિંદું મહિલાઓને ફસાવનાર ‘કરીમ’ ઝડાપાયો. આરોપ છે કે યુવક મુસ્લિમ હોવા છતાં પોતાની ઓળખ છુપાવી અને હિન્દુ નામ ધારણ કરીને મહિલાને ફસાવતો. આરોપીએ જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઈટ પર આદિત્ય પટેલ નામે ખોટી પ્રોફાઈલ બનાવી હિન્દુ તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી હતી. વિશ્વાસમાં લેવા માટે આરોપી પોતાના નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પત્નીના મરણના ખોટા પ્રમાણપત્રો પણ મોકલી આપ્યા. મહિલાનો વિશ્વાસ જીત્યા બાદ, આરોપી લગ્નની લાલચ આપી અલગ-અલગ બહાના હેઠળ રોકડ રકમ અને વાહનો પડાવી લઈ છેતરપિંડી આચરી.
સુરત: બાઈક સવાર સાથે વિચિત્ર અકસ્માત સર્જાયો. બાઈકનું સાઈડ સ્ટેન્ડ પગમાં ખૂપી ગયું. સ્ટેન્ડ પગની આરપાર નીકળી ગયુ. સુરતના ભટાર વિસ્તારમાં આ ઘટના બની. લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
મહેસાણા: તૈયાર કરીનો રસ ખાતા પહેલા ચેતજો, શોભાસણ ગામમાં અખાદ્ય 990 કિલો કેરી જપ્ત કરવામાં આવી છે. ફૂડ વિભાગે શોભાસણ ગામમાં સકર ડેરીમાં દરોડા પાડ્યા હતા. જેમા 990 કિલો કેરી, 170 કિલો કેરીનો રસ, 120 લીટર પેપ્સી મળી આવી છે. કૂલ 1200 કિલો અખાદ્ય મુદ્દામાલ જપ્ત કરાયો છે.
અમદાવાદ-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. પુરપાટ ઝડપે ચાલતા ટ્રકે લોડિંગ રિક્ષાને અડફેટે લેતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ છે. અકસ્માતમાં અન્ય 3 ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રક ખાડામાં ખાબક્યો. જ્યારે અકસ્માતને લઈને વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી. 8 જૂને રહેમતનગર સોસાયટીમાં યુવકે બિલ્ડીંગથી કૂદીને આપઘાત કર્યો તેવી જાણકારી પોલીસને મળી. શરૂઆતમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા હતી પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવકના ગળા પર એક ઈજાનું નિશાન છે. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી ફંફોસ્યા ત્યારે પોલીસને એક શંકાસ્પદ શખ્સ કેમેરામાં દેખાયો. આ શખ્સ બીજુ કોઈ નહીં પણ મૃતકની પત્નીનો પ્રેમી હતો. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી કે મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. પતિ જ્યારે ઉંઘમાં હતો ત્યારે બન્નેએ મળીને પતિને ઊંઘમાં જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો અને પતિ નીચે તરફડિયાં મારતો હતો ત્યારે પ્રેમીએ બ્લેડથી ગળું કાપ્યુ. હત્યા કરીને સમગ્ર બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એટલે પત્નીએ પતિને રસ્તા પરથી હટાવવા પ્રેમી સાથે જવા માટે હત્યા કરી હોવાનું સામે આવ્યું.
આઝાદીના 77 વર્ષ બાદ પણ દાહોદના ખરવાણીના ગ્રામજનોને પાણી માટે વલખાં મારી રહ્યા છે. કારણ કે સરકારની ‘નલ સે જળ’ જેવી યોજનાઓ અહીં માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ છે. ગામમાં નળ તો બેસાડવામાં આવ્યા છે, પાઇપલાઇનનું માળખું પણ તૈયાર કરાયું છે, પરંતુ મુખ્ય પાણીની લાઇન સાથે તેનું જોડાણ હજુ સુધી કરવામાં આવ્યું નથી, જેના કારણે આ યોજના માત્ર ગામની શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે.
લોકો તળાવમાં ખાડા ખોદીને પાણી ભરી રહ્યા છે. ગામની મહિલાઓની 2 કિલોમિટર ચાલીને પાણી ભરવા આવુ પડે છે. ખાડામાંથી ઝરતું પીવા લાયક નથી. એમા પણ જે ખાડામાંથી પશુઓ પાણી પીવે છે. એક જ ખાડામાંથી દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર છે. ત્યારે ગ્રામજનો રોગચાળો ફેલાવાના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.
ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે. સાથે જે પાઇપલાઇનનું જોડાણ અધૂરું પડ્યું છે. તેને ત્વરિત પૂર્ણ કરીને કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ આવે છે કે તંત્ર રોગચાળો ફેલાવવાની રાહ જોવે છે.
નર્મદા: જિલ્લા ભાજપમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ ધરણા પર બેઠા છે. નર્મદા ભાજપના જિલ્લા પ્રમુખ નિલ રાવ સામે આક્રોશ વ્યક્ત કર્યો. જિલ્લા પ્રમુખ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષની સફળતા અંગેના કાર્યક્રમમાં ડખો થયો. મહિલા ધારાસભ્યનું અપમાન થતાં કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યુ. મહિલા MLAનો પ્રોટોકોલ ન જળવાયો, સ્વાગત પણ ન કરાયાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય નારાજગી વ્યક્ત કરી ગાંધી ચોક વડીયા ખાતે ધરણા પર બેઠા છે. ડૉ. દર્શના દેશમુખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ: ખેડૂત આંદોલનમાં વિવાદ થતા બે ફાંટા પડી ગયા છે. ખૂબ ઓછી સંખ્યામાં ખેડૂતો સભાસ્થળે પહોંચ્યા. મોટાભાગના ખેડૂતો હાઈવે પરથી પરત ફર્યા.
ખેડૂત આંદોલનમાં વિવાદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. પાલ આંબલિયા પર આક્ષેપ થતા તેઓ ભાવૂક થયા હતા. સભાને સંબોધન કરતી વખતે પાલ આંબલિયાએ કહ્યુ ભાંગી પડ્યો. ખેડૂતોને કેટલાક લોકોએ આવીને ગેરમાર્ગે દોર્યા છે. ખેડૂતો સાથે રાજકારણ કરતો હોવાની લોકો અફવા ફેલાવે છે. ખેડૂતોને અપીલ કે તમારા માટે લડત લડતા લોકોને હિંમત આપો. છેલ્લા 10 દિવસથી હું ઘરે નથી ગયો. મારા પરિવાર સાથે ચર્ચા બાદ હવે લડવુ કે નહીં તેનો નિર્ણય કરીશ.
ગુજરાત સરકારે ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી. નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે વિકિસત ભારત 2047ના વિઝનને સાકાર કરતી પોલિસી ગણાવી. ભવિષ્યના ઉદ્યોગને ધ્યાનમાં રાખી નીતિ તૈયાર કરવામાં આવી. ગ્રીન હાઈડ્રોજન ઍરોસ્પેસ સેમિકન્ડક્ટર, ડ્રોન, રોબેટિક જેવા ક્ષેત્ર પર ધ્યાન અપાયુ. મહિલા ઉદ્યોગ સાહસિકોને વિશેષ પ્રોત્સાહન અપાશે. રોજગાર વધે, રોકાણ આવે સાથે પર્યાવરણનું રક્ષણ પણ થાય.
તો DyCM હર્ષ સંઘવીએ રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ અંગે કહ્યું કે ગુજરાત પ્રથમ એવુ રાજ્ય છે જેણે સૌથી વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મુક્યો છે. જેનાથી ઉદ્યોગને તો પ્રાત્સાહન મળશે. સાથે નવી ટેક્નોલોજીનો વિકાસ થશે અને સંશોધનમાં રસ દાખવતા યુવાઓ માટે પણ નવા અવસર ખુલશે.
“જળ એ જ જીવન” સાચા અર્થમાં સમજવું હોય, તો છોટા ઉદેપુરના ક્વાંટના અંતરિયાળ વિસ્તારના લોકો પાસેથી જાણવું જોઈએ કે લોકો માટે ખરેખર પાણીનું એક એક ટીપું કેટલુ કિંમતી છે?? પાણીના બે બેડા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે?? એક એક પાણીના બુંદ માટે જીવનું જોખમ ખેડે છે. ડુંગર વિસ્તારમાં આવેલ આંબા ડુંગર ગામ કે જ્યાં 3000 લોકો વસે છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકસિત ગુજરાતના આ ગામના લોકો પાણી માટે ડુંગરોમાં ભટકવું પડે છે. ઉનાળાના બળબળતા તાપમાં મહિલાઓને હાથમાં બે-બે બેડા લઈને પાણી ભરવા જવુ પડે છે. ડુંગરના એ ઢોળાવને ચડતી અને ઉતરતી મહિલાઓ જીવનું જોખમ ખેડી રહી હોવા ના દ્રશ્યો છે.
એક તરફ ચોમાસુ ખેંચાઈ રહ્યુ છે ત્યારે આ અંતરિયાળ ગામમાં પાણીને લઈને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીની મહિલાઓને પાણી માટે ઠેર-ઠેર ભટકવું પડે છે. મહિલાઓ દિવસે મજુરીે જાય છે. પરત આવી પાણી ભરવા માટે ડુંગરની તળેટીમાં ભટકવુ પડે છે.
ચોમાસાને અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચોમાસા પર અલ નીનોની અસર વર્તાવાની શરૂઆત થઈ ચુકી છે. પ્રશાંત મહાસાગરમાં તાપમાન 0.7 ડિગ્રી વધ્યું છે. દરિયાની સાથે હવાઓ પણ ગરમ થવાની શરૂઆત થઈ છે. ભારતમાં વરસાદ સામાન્યથી 10 ટકા ઓછું રહેવાની સંભાવના છે. સિઝનનો 90 ટકાથી ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. જુલાઈ-ઓગસ્ટમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ શકે છે. મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ શકે છે. હવામાન વિભાગથી લઈ ખાનગી હવામાન સંસ્થાઓએ આશંકા વ્યક્ત કરી છે.
ભારતની વાત કરીએ તો IMD પણ આશંકા વ્યક્ત કરી ચુક્યું છે કે અલ નીનોની અસરને પગલે આ વખતે ચોમાસું નબળું રહેશે. અને છેલ્લા 50 વર્ષની સરખામણીએ આ વખતે વરસાદમાં 10 ટકાની ઘટ સર્જાશે. આની સૌથી વધુ અસર ખેતી પર પણ વર્તાઈ શકે છે અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે. એટલું જ નહીં આની અસર વીજ ઉત્પાદન ઉપર પણ વર્તાશે.
ઓછો વરસાદ પડવાને લીધે જળાશયોમાં ઓછું પાણી આવશે જેના કારણ કે જળ વિદ્યુત ઉત્પાદન 10 ટકા સુધી ઘટવાની આશંકા છે. એવું નથી કે અલ નીનોની અસર માત્ર ભારતમાં જ વર્તાશે. વિશ્વના અનેક દેશોને તેના કારણે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
પાટણમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ કરી બુટલેગરો ફરાર થઈ ગયા, જેવા મીડિયામાં અહેવાલ પ્રસારીટ થયા તો દારૂના અડ્ડાઓ બંધ થઈ ગયા છે. SP કચેરી પાસે ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર તાળા લાગ્યા છે. અનેક લોકો દારૂના અડ્ડાઓ પરથી પરત ફરતા નજરે પડ્યા છે.
ઉલ્લેખનિય છે કે પાટણમાં SP કચેરીની પાછળ જ દારૂડીયાઓની મહેફિલ જામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મીડિયામાં આ અહેવાલ રજૂ થતા તેની ધારદાર અસર જોવા મળી છે… બુટલેગરો દારૂના ધમધમતા અડ્ડાઓ બંધ કરી ફરાર થઈ ગયા છે.. બારની જેમ ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર લાગ્યા તાળા લાગ્યા છે.. અનેક લોકો દારૂના અડ્ડાઓ પરથી પરત ફરતા નજરે પડી રહ્યા છે.
વડોદરા: સરપંચના પુત્રએ ગઈકાલે રાત્રે મચાવેલા આતંક બાદ તેની સામે ગુનો નોંધાયો છે. હથિયારો વડે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો અને આતંક મચાવતા સરપંચના પુત્ર ઉપેન્દ્ર પરમાર સહિત 8 લોકો સામે ગુનો નોંધાયો છે. તલવાર, ધારીયા અને લાકડીઓ વડે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. જાહેરમાં અપશબ્દો બોલીને ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. માથાભારે શખ્સોએ વાહનોમાં તોડફોડ કર્યાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં જામા મસ્જિદ મામલે વિવાદ વધુ ઘેરાતો જોવા મળી રહ્યો છે. હિન્દુ અને જૈન સંગઠનો દ્વારા રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને સંગઠનના અગ્રણીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. કચેરીમાં માત્ર ગણતરીના લોકોને જ પ્રવેશ આપવામાં આવતા કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. સાધુ-સંતો અને સંગઠનના પ્રતિનિધિઓએ 35 હજાર લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર કલેક્ટરને સોંપી જામા મસ્જિદ મૂળ મંદિર હોવાનો દાવો રજૂ કર્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રાજકોટમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા RMCના મેયર ડૉ. નેહલ શુક્લએ મોટી જાહેરાત કરી છે. મેયરે જણાવ્યું કે આજથી એક વર્ષ સુધી મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે અને ભેળસેળિયા તત્વો સામે સખત પગલાં લેવામાં આવશે. તેમણે ભેળસેળ કરનારાઓની સરખામણી આતંકીઓ સાથે કરતાં કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવું આતંકી ષડયંત્ર જેવું પાપ છે. મેયરના જણાવ્યા મુજબ ખાદ્યચીજોના ત્રણ અલગ-અલગ કેટેગરીમાં પરીક્ષણ કરવામાં આવશે અને તેના પરિણામો વહેલી તકે જાહેર કરાશે. સાથે જ ભેળસેળ કરતા વેપારીઓનો પર્દાફાશ કરવા માટે નાગરિકોને પણ આગળ આવી માહિતી આપવા અપીલ કરવામાં આવી છે.
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી એક ફર્નિચર સાઇટ પર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા કોન્ટ્રાકટર તરીકે કામ કરતા યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે કોઈ વ્યક્તિએ યુવકને ધક્કો માર્યો હોવાની આશંકા છે. પરિવારનો દાવો છે કે યુવકને નાણાંની લેતી-દેતીના મામલે સતત ત્રાસ આપવામાં આવતો હતો. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
ભરૂચમાં જામા મસ્જિદ વિવાદને લઈને સંત સમાજ દ્વારા યોજાનારી રેલી પહેલાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કોઈપણ પ્રકારની ઘર્ષણજનક સ્થિતિ સર્જાય નહીં તે માટે જામા મસ્જિદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ પ્રવેશને લઈને વિવાદ ટાળવા મસ્જિદના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે. સંત સમાજ હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી કાઢી કલેક્ટર કચેરી સુધી પહોંચવાનો કાર્યક્રમ ધરાવે છે, જ્યાં ઐતિહાસિક ધરોહરની નિયમો મુજબ જાળવણીની માંગ સાથે રજૂઆત કરવામાં આવશે. જોકે રેલી માટે સત્તાવાર પરવાનગી ન હોવાને કારણે તણાવભરી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સ્વામી મુક્તાનંદ સહિતના સંતોને રેલી પહેલાં જ અટકાવવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડી રાત્રે એક કારચાલકે દારૂના નશામાં હોવાની આશંકા વચ્ચે સોસાયટી બહાર પાર્ક કરાયેલી ચાર જેટલી કારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવમાં ઘટાડો અને સંભવિત સમજૂતીના સંકેતો બાદ વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે, જેના પ્રભાવથી ભારતીય શેરબજારમાં પણ જોરદાર તેજી નોંધાઈ છે. સેન્સેક્સમાં આશરે 1100 પોઇન્ટ અને નિફ્ટીમાં 340 પોઇન્ટનો ઉછાળો જોવા મળતાં રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. ઓઇલ અને ગેસના ભાવમાં ઘટાડાની આશાએ બજારને વધુ બળ મળ્યું છે. નિષ્ણાતોના મતે કાચા તેલના ભાવમાં નરમાઈથી ભારતને રાહત મળી શકે છે અને તેની અસર રૂપિયાની મજબૂતી પર પણ જોવા મળી શકે છે.
અમેરિકાના મિસૌરી રાજ્યમાં એક ભયાવહ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. સ્કાઈડાઈવિંગ માટે ઉડાન ભરનાર વિમાન ટેકઓફ બાદ થોડી જ વારમાં તૂટી પડતાં 11 સ્કાઈડાઈવર્સ સહિત કુલ 12 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. વિમાને બટલર મેમોરિયલ એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ નિશ્ચિત ઊંચાઈએ પહોંચે તે પહેલાં જ તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું. ઘટનાની જાણ થતાં બચાવ અને તપાસ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાનની વર્તમાન સ્થિતિને જોતા રાજ્યમાં 20 જૂન સુધી ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવી રહી છે. ગુજરાત તરફ આગળ વધી રહેલા ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે લોકોને હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનોને અવરોધ મળતા ચોમાસાની ઉત્તર તરફની પ્રગતિમાં વિલંબ થઈ રહ્યો છે, જેના સીધા પ્રભાવ ગુજરાત પર જોવા મળી રહ્યા છે.
ગાંધીનગરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે. શાંતિપુરા ચોકડીથી સવારે 10 વાગ્યે પ્રસ્થાન કરનારી આ કૂચમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. વીજ કંપનીઓની મનમાની, ખેતીની જમીનમાં વીજ ટાવર નાખવાની કાર્યવાહી તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. કિસાન કોંગ્રેસ સહિત 23 જેટલા સંગઠનોના સમર્થન સાથે ખેડૂતો સરકાર અને ખાનગી કંપનીઓ સામે વિરોધ નોંધાવી રહ્યા છે.
Published On - 7:48 am, Mon, 15 June 26