
આજે 14 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરતમાં અશ્લીલ વીડિયો મોકલીને મહિલા ડૉક્ટરની પજવણી કરનારો આરોપી ઝડપાયો. આરોપીએ પોતાનો અકસ્માત થયો હોવાનું કહી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે ઓનલાઇન કન્સલ્ટેશનની માગણી કરી. મહિલા ડોક્ટરે તેને કોઈ પુરુષ ફિઝિયોથેરાપિસ્ટ પાસે સારવાર લેવા સલાહ આપી છતાં આરોપીએ પોતાનો નગ્ન વીડિયો મહિલા ડૉક્ટરને મોકલ્યો અને મારી તમારી પાસે જ સારવાર લેવી છે. તેમ કહીને આરોપી મહિલાને હેરાન કરતો રહ્યો. ડૉક્ટરની ફરિયાદના આધારે પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ નવી મુંબઈનો રહેવાસી અને દારૂના નશાની ટેવ ધરાવે છે…આરોપી બેકાર હોવાથી આખો દિવસ પોતાના ફ્લેટમાં સમય પસાર કરતો હોવાનું સામે આવ્યું. ભૂતકાળની કોઈ અંગત હતાશા કે વિકૃતિને કારણે મહિલા ડોક્ટરોને ટાર્ગેટ બનાવી હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે 42 લાખથી વધુની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને આંતરરાજ્ય સાયબર ક્રાઈમ ગેંગના મોટો રેકેટનો પર્દાફાશ કર્યો. ઠગ ટોળકીએ કંપનીની સેલર પ્રોટેક્શન ફંડ પોલિસીનો દુરુપયોગ કરીને માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં એક જ ડિવાઈસ અને એક જ IP એડ્રેસ પરથી 5121 જેટલા બોગસ ઓર્ડર પ્લેસ કર્યા હતા. આરોપીઓ ખૂબ જ ચાલાકીથી કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરીને ઓર્ડર બુક કરતા ઓર્ડર પ્લેસ થયા બાદ નિયમ અનુસાર કંપની પાસેથી માત્ર 3 દિવસમાં સેલર તરીકે પેમેન્ટ મેળવી લેતા હતા અને ચોથા દિવસે તે ઓર્ડર કેન્સલ કરી દેતા હતા. આ રીતે કંપનીની પોલિસીનો ફાયદો ઉઠાવીને. 42 લાખ કરતા વધુની છેતરપિંડી આચરી. મુખ્ય આરોપી આશરફ, ભાગીદાર રક્ષિત સહિત આંતરરાજ્ય ગેંગના અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો. આરોપી રક્ષિતના બેંક ખાતામાંથી 10 મહિનામાં ₹2.46 કરોડના મોટા ટ્રાન્ઝેક્શન મળ્યા. આરોપીઓ ટેલિગ્રામ મારફતે ઝારખંડની જામતારા ગેંગ સાથે મળી ફેક સેલર આઈડી અને ઓર્ડરનું રેકેટ ચલાવતા. આરોપીઓ પાસેથી 25 ફેક જીમેલ આઈડી પણ મળી આવી.
અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે એક યુવક સગીરા પર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને તેના ઘર નજીક આંટાફેરા મારી માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને સગીરાએ આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના આપઘાત પાછળના કારણો અને યુવકની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટના જેતપુરમાં ગેમ રમવા બાબતે યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. નવાગઢ ચોકડી વિસ્તારમાં લુડો ગેમ રમ્યા બાદ સાથી મિત્રએ યુવક પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, લુડો રમ્યા બાદ રૂપિયા લઈને ભાગવા જતા યુવક પર તેના સાથી મિત્રએ હુમલો કર્યો હતો. છરી વડે હુમલો થતાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને હુમલાખોર સામે કાર્યવાહી માટે તપાસ શરૂ કરી છે.
રાજકોટના જસદણમાં અલગ-અલગ બનાવોમાં વીજ કરંટ લાગતાં બે લોકોના મોત થયા છે. આટકોટ અને શિવરાજપુર ગામે બનેલી ઘટનાઓમાં એક કિશોર અને એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આટકોટમાં પાણીની મોટર બંધ કરવા જતાં કિશોરને વીજ કરંટ લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા કિશોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ, શિવરાજપુર ગામે વીજ વાયર અડી જતાં એક મહિલાને કરંટ લાગ્યો હતો. મહિલાને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલાં જ તેનું મોત થયું હતું. બંને ઘટનાઓને પગલે સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે બંને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલના રતનમહાલમાં વાઘના કાયમી વસવાટને લઈને ખુશ ખબર સામે આવી. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ટીમ ગુજરાત આવશે. આ કેન્દ્રીય ટીમ ટીમ વાઘ વસવાટ અંગે જાણકારી મેળવશે. હાલ વાઘે પોતાની મુવમેન્ટ કરવાની હદમાં વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે. પંચહાલ, બારિયા, છોટાઉદેપુરના જંગલો સહિત કુલ 120 કિમીના વિસ્તારમાં વાઘની નિયમિત મુવમેન્ટ નોંધાઈ છે. વન વિભાગ સતત વાઘને ટ્રેકિંગ કરીને નજર રાખી રહ્યું છે. વાઘના ખોરાક માટે સાબર, ચિત્તલ પણ છોડવામાં આવ્યા છે. હાલ ભારતમાં કેટલા વાઘ છે તેની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં પંચમહાલના વાઘનો પણ સમાવેશ કરાશે. વાઘ ગણતરી બાદ ગુજરાતમાં વાઘણ લાવવા અંગે નિર્ણય કરાશે.
અમદાવાદમાં રાજ્ય વેરા વિભાગના બે અધિકારીઓ ACBના છટકામાં લાંચ લેતા ઝડપાયા છે. લાલ દરવાજા સ્થિત રાજ્ય વેરા કચેરીમાં ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે 25 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ મામલે ક્લાસ-2 અધિકારી સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને ક્લાસ-3 અધિકારી વેરા નિરીક્ષક મહોમ્મદ અઝીઝ કાદરખાન મન્સૂરી સામે લાંચ લેવાના આક્ષેપ થયા છે. બંને અધિકારીઓ ACBના છટકામાં 25 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત બનાવવામાં આવતી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સામે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ બોર બનાવવાની કામગીરીમાં મોટી બેદરકારીનો આક્ષેપ કરી આ મામલે સંકલન બેઠકમાં રજૂઆત કરી છે… તેમણે કહ્યું કે પૂર્વ વિધાનસભામાં વરસાદી પાણી ભરાતી 50 જગ્યા આઇડેન્ટીફાય કરી બોર કરવા માટે પાલિકા કમિશનરને લિસ્ટ આપવામાં આવ્યું હતું. જે પૈકી 39 જેટલી જગ્યા પર બોરનું કામ પૂર્ણ કરી ધારાસભ્યને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ જુલાઇમાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે 39 પૈકી 20થી વધુ બોરમાં વરસાદી પાણી ન જતું હોવાનું ધારાસભ્યનું કહેવું છે. તેમણે આ મામલે અગાઉ પાલિકા કમિશનરને ફરિયાદ કરી હતી છતાં નિરાકરણ ન આવતા હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે. ધારાસભ્યએ સમગ્ર મામલે તટસ્થ તપાસની માગણી કરી છે. સાથે જ જો કોઇ બેદરકાર હોય તો તેની સામે કાર્યવાહીની પણ માગ કરી છે. બીજી તરફ કલેક્ટરે સિંચાઇ અધિકારીને આ બાબતે તપાસ કરવાની સૂચના આપી છે.
મહીસાગરમાં GBS સિન્ડ્રોમના શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. કલેક્ટરે લુણાવાડાની શાળાઓ અને આંગણવાડીઓમાં સરપ્રાઈઝ વિઝિટ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. શાળાઓમાં બાળકોને આપવામાં આવતા પાણી અને ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. 24 શાળાઓમાં 13 હજારથી વધુ બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 415 ઘરોમાં સરવે હાથ ધરાયો છે. કલેક્ટરે જણાવ્યું કે દરેક શાળા અને આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજનની સ્વચ્છતા, ગુણવત્તા અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. GBSના કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર આવેલા ઐતિહાસિક મંદિરોના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. વસંત ચોકથી અટલ ઘાટ સુધી આવેલા મંદિરોનો જીર્ણોદ્ધાર અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવશે. આ માટે અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલા આશરે 35 મંદિરો અમદાવાદના ઇતિહાસ સાથે સંકળાયેલા છે. જેમાંથી જર્જરિત અવસ્થામાં રહેલા મંદિરોનું સમારકામ અને જરૂરી રિનોવેશન કરવામાં આવશે. ટેમ્પલિંગ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 155 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામગીરી હાથ ધરાશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે વધુ વિગતો આપી હતી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ ફરિયાદમાં જવાબદાર ઠેરવાયેલા લોકોને નિવેદન માટે બોલાવવામાં આવી રહ્યા છે. રેગિંગના આક્ષેપનો સામનો કરી રહેલા ડૉ. અનુજ મહેશ્વરી પણ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે નિવેદન આપવા પહોંચ્યા હતા. નવી સિવિલના ચાર ડૉક્ટરો સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે, ડૉ. અનુજ મહેશ્વરીએ રેગિંગના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, ફરિયાદમાં જે પ્રકારની વાત કરવામાં આવી છે તેવું કંઈ બન્યું નથી. અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. માત્ર રેગિંગ જ નહીં, પરંતુ આપઘાત પાછળના તમામ પાસાઓની તપાસ થવી જોઈએ. જુનિયરો સાથે માત્ર કામના સંદર્ભમાં જ વાતચીત થતી હોવાનું તેમણે જણાવ્યું.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે. મંડળે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓ માટે શાળામાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. મંડળના જણાવ્યા મુજબ, મોબાઇલના વધતા ઉપયોગને કારણે શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર નકારાત્મક અસર થઈ રહી છે. વર્ષ 2010ના સરકારના પરિપત્રનું તમામ શાળાઓમાં કડક પાલન થાય તેવી પણ માગ કરવામાં આવી છે. સાથે જ, શિક્ષણ માટે જ્યાં મોબાઇલનો ઉપયોગ જરૂરી હોય ત્યાં વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શિકા અને નિયમો બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.
જામનગરમાં તિરંગા યાત્રા બાદ રાષ્ટ્રધ્વજની ગરીમા ન જળવાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. વોર્ડ નં-9ની મનપા કચેરીમાં રાષ્ટ્રધ્વજ કચરાની જેમ રઝળતા જોવા મળતા સ્થાનિકોએ વીડિયો બનાવી વાયરલ કર્યા હતા. ઘટનાને પગલે નાગરિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદાર કર્મચારી કે અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઉપરાંત તમામ વોર્ડ કચેરીઓમાં તિરંગાના વિતરણનો રેકોર્ડ રાખવા અને વધેલા રાષ્ટ્રધ્વજ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.
દશામાના વ્રત અને આસ્થા અંગે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સનાતન સંત સમિતિના અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે જયંત પંડ્યાના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે, “તેમને નવરાત્રિ, શિવજી અને દશામા બધામાં અંધશ્રદ્ધા દેખાય છે.” સાથે જ તેમણે લોકોની ધાર્મિક આસ્થામાં આ રીતે બાધક ન બનવાની અપીલ કરી હતી.
મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જયંત પંડ્યા પર વારંવાર હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીકા કરવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યું કે દરેક હિન્દુને પોતાના દેવી-દેવતાની ઉપાસના કરવાનો અધિકાર છે અને સનાતન ધર્મ તરફ આંગળી ચીંધાશે તો જડબાતોડ જવાબ મળશે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મહિલાની છેડતીના આક્ષેપને લઈને હોબાળો થયો હતો. સાંઈ દર્શન સોસાયટી નજીક એક યુવકે મહિલાની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને ઝડપી લીધો હતો. લોકોએ યુવકને મેથીપાક આપ્યા બાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. મહિલાની ફરિયાદ અને પોલીસ તપાસ બાદ ઘટનાની હકીકત તથા આરોપી સામેની આગળની કાર્યવાહી અંગે વધુ વિગતો સામે આવશે. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા પણ જોવા મળી હતી.
રાજકોટના આહિર ચોક વિસ્તારમાં ઘરકંકાસના કારણે પિતાએ પોતાના પુત્રની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પુત્ર સાથે થયેલા ઝઘડા દરમિયાન પિતાએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારતાં પુત્રનું મોત થયું હતું. ઘટનાની તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીની પત્ની પણ છેલ્લા દોઢ મહિનાથી પોતાની દીકરીના ઘરે રહેતી હતી. ઘરેલું વિવાદને પગલે આ સ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
જામનગર બાયપાસ પાસેનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક કાર ફાટેલા ટાયર સાથે પણ બેફામ ઝડપે દોડતી જોવા મળી રહી છે. કારનું ટાયર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવા છતાં ચાલક વાહન હંકારતો રહ્યો હતો. ટાયર રસ્તા પર ઘસાતાં તણખા ઝરતા પણ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. કારની આ જોખમી સ્થિતિને કારણે આસપાસથી પસાર થતાં અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. જાહેર માર્ગ પર આ રીતે વાહન ચલાવવાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. વાયરલ થયેલા વીડિયોને પગલલે જોખમી સવારી સામે સવાલ ઉઠી રહ્યા છે.
Ahmedabad: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સહિત 6 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે તેમજ 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 501.6 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 494.5 મીમી વરસાદ થવો જોઈએ. આમ, રાજ્યમાં વરસાદ સામાન્ય કરતાં 1 ટકા ઓછો નોંધાયો છે.
Ahmedabad: શાળાઓમાં ધો. 1થી 10ના વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. મંડળે જણાવ્યું છે કે બાળકોમાં મોબાઇલનો વધતો ઉપયોગ શૈક્ષણિક વાતાવરણ અને અભ્યાસ પર અસર કરી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ ગઈકાલે સાંજે અસ્વસ્થતાની ફરિયાદ બાદ તેમની તબીબી તપાસ ખાસ કરીને કોરોનરી એન્જીયોગ્રાફી કરાવી હતી. તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે, અને તેમને નિરીક્ષણ માટે દિલ્હીના એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
વાવ થરાદ જિ્લ્લાના થરાદ માર્કેટયાર્ડમાં ત્રણ દિવસ હરાજી બંધ રહેશે. વેપારીઓની લેખિત માંગણીને બજાર સમિતિએ આપી મંજૂરી. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની જાહેર રજા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે હરાજી સહિતનું કામકાજ બંધ રહેશે. 17 ઓગસ્ટે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. આવતીકાલે 15 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી સળંગ ત્રણ દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે. 18 ઓગસ્ટ મંગળવારથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.
બનાસકાંઠાના અંબાજીનાં ગબ્બર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિરોધ કરે એ પહેલા ધારાસભ્ય કાંતિ ખરાડીને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી પ્રવીણ માળીનાં હસ્તે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ હતો. કાંતિ ખરાડી અને સમર્થકોને પોલીસે ઇકબાલગઢ ખાતે કર્યા નજરકેદ. ધારાસભ્ય કાંતિ ખરાડી એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કર્યા ભ્રષ્ટાચારનાં આક્ષેપ. 1 ખાડામાં 4 વાર વૃક્ષોનું રોપણ કરી કરે છે ભ્રષ્ટાચાર તેવો આરોપ લગાવ્યો છે. આવતીકાલે જિલ્લા કક્ષાના હડાદના કાર્યક્રમમાં પ્રોટોકોલ નહીં સચવાય તો કરશે વિરોધ. ધારાસભ્ય અને સમર્થકો આજે કાર્યક્રમનો કરવાના હતા વિરોધ.
અમદાવાદના સરદારનગરના ભદ્રેશ્વરમાં સગીરાએ કર્યો આપઘાત. મૃતક સગીરાનાં પિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી પોલીસ ફરિયાદ. એક તરફી પ્રેમમાં સગીરા પર દબાણ કરવા બાબતે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. યુવકનાં સતત માનસિક ત્રાસ અને પજવણીથી કંટાળીને કોમલે પોતાના રૂમમાં સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો,. આરોપી નસીમ મૃતક કોમલ સાથે પ્રેમ સંબંધ રાખવા અને વાતચીત કરવા માટે સતત દબાણ કરતો હતો.
અગાઉ પણ આરોપી યુવતીને મોટરસાયકલ પર બેસાડી ભગાડી ગયો હતો, જે અંગે અગાઉ પણ પોલીસ ફરિયાદ થઈ હતી. આરોપીના ત્રાસથી કંટાળીને પરિવારે ઘર બદલ્યું હોવા છતાં, આરોપીએ નવા રહેઠાણ આસપાસ પણ આંટાફેરા મારી પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. એરપોર્ટ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપી આરોપી નસીમની ધરપકડ કરી છે.
કાણકિયા ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો છે. દીપડાને સલામત રીતે પકડવા માટે પિંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાયો છે. દીપડાને નિરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આનંદનિકેતન સ્કૂલમાં રાષ્ટ્ર ગીત અને પ્રાર્થના બંધ કરવાનો મામલે બજરંગદળે વિરોધ કર્યો છે. આનંદનિકેતન સ્કૂલમાં બજરંગદળના કાર્યકરોએ જઈને વિરોધ નોંધાવ્યો. સ્કૂલમાં ચોક્કસ પુસ્તકોનું દબાણ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વિરોધ થયો હતો.
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. હવે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારતને પોકળ ધમકીઓ આપી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ અંગે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં પાણીનું દરેક ટીપું મહત્વનું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ભારત તેના પાણીના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે, તો કડક જવાબ આપવામાં આવશે.
સોમનાથથી દ્રારકા જતા યાત્રીકોની બસને અકસ્માત નડ્યો છે. ઉતરપ્રદેશના જોનપુરના યાત્રીકોનો હુસેનાબાદ ગામે અકસ્માત થયો. ટ્રક પાછળ ટ્રાવેલ્સ અથડાતા 9 લોકોને ઈજા થવા પામી છે. જેમાના 2ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્વતંત્રતા દિવસ પૂર્વે રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસના 19 જવાનો-અધિકારીઓને ચંદ્રક આપવાની જાહેરાત કરાઈ છે. બે અધિકારીઓ પૈકી IPS અમિત વિશ્વકર્માને મળશે વિશિષ્ટ સેવા મેડલ જ્યારે DySP બહાદુર સિંહ ચુડાસમાને પણ વિશિષ્ટ સેવા મેડલ થશે એનાયત. 17 પોલીસ જવાનોને પ્રશંસનીય સેવા મેડલ અપાશે. IG સૌરભ તોલંબિયાને વિશિષ્ટ સેવા મેડલ.
મહેસાણાના આંબલીયાસણ સ્ટેશન પાસેના મહાદેવ મંદિરની ઘટના બની. અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવી. ત્રણ આરોપીઓએ યુવતીને જાતિ વિરુદ્ધમાં ખૂબ ખરાબ ગાળો બોલી હતી. આરોપીઓએ ફરિયાદીની નાની બહેનને પણ શરીરે ખરાબ રીતે અડપલાં કર્યા હતા. આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈને યુવતીઓ સાથે ઝપાઝપી કરી હતી. યુવતીઓને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી અપાઈ હતી. લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો.
અમદાવાદના SG હાઈવે પરના ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો. ઉમિયા કેમ્પસની હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન. દેત્રોજના 16 વર્ષીય તુષાર પટેલે આપઘાત કર્યો. મૃતક આર.સી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. આપઘાત અંગેના કારણ બાબતે સોલા પોલીસે તપાસ હાથ ધરી.
દાહોદ પોલીસના પોલીસ કર્મી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ધાનપુર પોલીસ મથકમા ફરજ બજાવતા જિતેન્દ્ર સોલંકીએ ગાડીઓ ભાડે રાખી વેચી મારી હતી. અમદાવાદની ગો વિથ ઝૂપ નામની ટ્રાવેલ્સ કંપની પાસેથી ગાડીઓ લીધી હતી ભાડે. પોલીસ તપાસ માટે દાહોદના અલગ અલગ પોલીસ સ્ટેશન માટે ગાડીઓની જરૂર હોવાનું જણાવ્યું હતું. એક ફોર્ચ્યુનર, 2 સ્વિફ્ટ, 2 સ્કોર્પિયો, 1 થાર એમ કુલ પાંચ ગાડીઓ બારોબાર વેચી મારી હતી. ગાડીઓમાં લાગેલા GPS, બાઈકમાં લગાવી ટ્રાવેલ્સ સંચાલકને ગેરમાર્ગે દોર્યા હતા. પોલીસકર્મી જીતેન્દ્ર સોલંકી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
રાજકોટ SOG અને કુવાડવા રોડ પોલીસનો સંયુક્ત કાર્યવાહી. ગેરકાયદે પેટ્રોલ વેચાણ 2 શખ્સો પર કાર્યવાહી. ટ્રાન્સપોર્ટનગરના ગોડાઉનમાં ચાલતો હતો ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર. ગેરકાયદે ઈલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સાથે 1900 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે. ગ્રાહકોને છેતરી વાહનોમાં નાખવા આવતું હતું શંકાસ્પદ ઈંધણ. મહેલમ ભારમલ અને રણજિત ધાંધલની કરાઈ ધરપકડ. SOGની કાર્યવાહીમાં રૂપિયા 3.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. લેપટોપ, ડાયરી, બિલબુક સહિત વેપારના દસ્તાવેજો પણ પોલીસ કબજામાં.
અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMC ના દરોડાના પગલે, DGPએ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, દરિયાપુર પોલીસ ચોકીના PSI અને સર્વેલન્સ સ્ટાફને ઘરભેગા કરી દીધા છે. જીમખાનામાં જુગારધામ પકડાતા ડીજીપીએ કાર્યવાહી કરી છે. દરિયાપુર પીઆઇ જી.વી.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરિયાપુર ચોકી પીએસઆઇ અને સર્વેલન્સ પીએસઆઇ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પીઆઇને સોંપવામાં આવ્યો.
ગુજરાતમાં ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો હતો. વલસાડમાં વિતેલા 24 કલાકમાં સાડા ત્રણ ઈંચ જટલો વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યમાં વર્તમાન ચોમાસામાં સરેરાશ 73 ટકા વરસાદ વરસ્યો છે.
મહારાષ્ટ્રના નાસિકમાં આજે વહેલી સવારે 5.32 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 ની નોંધાઈ હતી. જમીનમાં 3 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.
An earthquake of magnitude 3.4 on the Richter scale occurred in Nashik, Maharashtra. pic.twitter.com/XQAAUDe2N4
— ANI (@ANI) August 14, 2026
જૂનાગઢમાંથી જીપીસીબીના અધિકારી અને પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી ખંડણી વસૂલતી ગેંગ ઝડપાઈ ગઈ છે. કારખાનું સીલ કરવાની ધમકી આપી રૂપિયા 21 હજાર પડાવ્યા. જૂનાગઢ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી. બીજી ફરિયાદ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં બે પોલીસ સ્ટેશનમાં આ ગેંગ વિરુધ ફરિયાદ દાખલ કરાઈ છે. જેતપુરમાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા, 2 આરોપી હજુ ફરાર. એજ દિવસે અન્ય કારખાનેદારોને પણ નિશાન બનાવ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. કુલ પાંચ વેપારીઓ આ ગેંગના ભોગ બન્યા છે.
RAC કેતકી વ્યાસ જેલ હવાલે થઈ છે. જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કેતકી વ્યાસને જેલમાં મોકલી આપવામાં આવી છે. રૂ. 2.29 કરોડથી વધુના અપ્રમાણસર રોકડ વ્યવહાર અને સંપત્તિનો કેસમાં ચાલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ACB દ્વારા પોલીસ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે જેલ હવાલે કર્યા છે.
પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રાળુ અને ભક્તોના સ્વાસ્થયને ધ્યાને રાખીને, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 23 રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની દુકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. 34 કિલો વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાયો છે. સ્થળ પર જ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને હાથ ધરાઈ કાર્યવાહી. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Published On - 7:19 am, Fri, 14 August 26