
આજે 14 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સાયપ્રસ સ્થિત ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પરિમેચને લઈને ED એ સુરત સહિત દેશભરમાં દરોડા પાડ્યા છે. મુંબઈ ED ની ટીમે 17 સ્થળોએ પાડ્યા દરોડા છે. મુંબઈ, દિલ્લી, નોઈડા, જયપુર, મદુરાઈ, કાનપુર, હૈદરાબાદ અને સુરતમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન ED ને હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો. ED એ ડિજિટલ ડિવાઇસ પણ જપ્ત કર્યા. દરોડા દરમિયાન ED એ અંદાજિત 110કરોડના બેંક બેલેન્સ ધરાવતા બેંક ખાતાઓ પણ ફ્રીઝ કર્યા. પરિમેચ.કોમ એપ થકી યુઝર્સના 3000 કરોડ રૂપિયા રૂપિયા સલવાયા છે. મોટા મોટા સેલિબ્રિટીઝને હાયર કરીને માર્કેટિંગ કરવામાં આવ્યું. આ સિવાય સ્પોન્સરશિપના આધારે પણ એપનું મોટા પાયે માર્કેટિંગ કરવામાં આવ્યું.
એડવર્ટિએઝમેન્ટ માટે પરિમેચ સ્પોર્ટ્સ અને પરિમેચ ન્યૂઝ નામની કંપની પણ શરૂ કરવામાં આવી છે. યુઝર્સના રૂપિયા હૈદરાબાદમાં એક ચોક્કસ વિસ્તારમાં કેશમાં ઉપાડવામાં આવતા હતા. ત્યારબાદ હવાલા નેટવર્કના માધ્યમથી યુકેની એક કંપનીના વર્ચ્યુઅલ્સ વોલેટમાં પહોંચતા હતા. પશ્ચિમ ભારતમાં ગરકાયદેસર બેંક એકાઉન્ટ થકી ડોમેસ્ટિક મની ટ્રાન્સફર એજન્ટ્સ મારફતે ક્રેડિટ કાર્ડના ઉપયોગથી હેરફેર થતા. 1200 જેટલા ક્રેડિટ કાર્ડ પણ તપાસ દરમિયાન મળી આવ્યા છે. ED ની તપાસમાં એ પણ સામે આવ્યું કે RBI દ્વારા રૂપિયાની હેરફેરમાં સામેલ કંપનીના લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવ્યા છે
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો પ્રારંભ થયો છે. રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે મેળાનો પ્રારંભ કરાવ્યો. આ વખતે મેળાનું નામ શોર્યનું સિંદૂર નામ રાખવામાં આવ્યું છે. પહેલા દિવસે જ લોકોની ભીડ મેળામાં જોવા મળી છે. રેસકોર્ષ મેળામાં હજુ યાંત્રિક રાઇડ્સ શરૂ થઇ નથી. 34 પૈકી માત્ર 4 રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્રારા રાઇડ્સની ચકાસણી હાથ ધરાઇ છે. રાઇડ્સ શરૂ ન થતાં લોકોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
બનાવટી વિઝા કેસમાં ગુજરાત ATS દ્વારા પકડાયેલા આરોપીના 22 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પકડાયેલ આરોપી તેજસ જાધવની મહારાષ્ટ્રથી અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાયો. આરોપી તેજસ દ્વારા NDPS કેસના વોન્ટેડ આરોપી ગુલામહુસેન ભગાડને ખોટા ડોક્યુમેન્ટ આધારે વિઝા અપાવી મદદગારી કર્યાનો આરોપ. ATS એ આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજુ કરી 14 દિવસના રીમાંડની કરી માંગ. કેસમાં પકડાયેલ આરોપી તેજસ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું અને આશરો આપનાર આરોપીની પૂછપરછ માટે જરૂરી હોવાના મુદ્દા રજૂ કરી રીમાંડની કરી માંગ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 22 ઓગસ્ટ સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
સુપ્રીમ કોર્ટે, બિહાર મતદાર યાદી સુધારણા (SIR) પર સુનાવણી કરી. ડ્રાફ્ટ યાદીમાંથી 65 લાખ લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાંથી કાઢી મુકાયેલા લોકોના નામ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 65 લાખ કાઢી મુકાયેલા લોકોનો ડેટા કેમ જાહેર કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમના નામ જાહેર કરો. આના પર ચૂંટણી પંચે કહ્યું કે ઠીક છે, જો તમારો આદેશ હોય, તો અમે તેમ કરીશું.
રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ચાલુ વર્ષ-2025માં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવાં મોટા શહેરી વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલન કરવાનું એસ.ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના જિલ્લા-તાલુકા કક્ષાના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના પાડેર વિસ્તારમાં વાદળ ફાટવાના સમાચાર છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થવાની આશંકા છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે. આ સાથે, નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં સોસાયટીના વિવાદે ઘર્ષણનું સ્વરૂપ ધારણ કર્યું છે. માહિતી મુજબ, ત્યાં રહેતા વૃદ્ધ અને તેમના પાડોશી મહિલા તેમજ તેના પુત્ર વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. મહિલાએ આરોપ લગાયા છે કે વૃદ્ધે તેણીને અને તેના પુત્રને અપશબ્દ બોલ્યા હતા, જેના જવાબમાં પુત્રે પુનઃપ્રતિસાદ આપતા વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા. ઉશ્કેરાયેલા વૃદ્ધે લોખંડની સ્ટીક લઈ યુવક પર હુમલો કર્યો અને વચ્ચે પડનાર મહિલાને પણ ઇજા પહોંચી છે. સોસાયટીના રહીશોના મતે, વૃદ્ધ વર્ષોથી આસપાસના લોકોને હેરાન કરતા આવ્યા છે. મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને નિકોલ પોલીસે તેનો આધાર લઈ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના જશોદાનગરમાં AMCની દબાણ હટાવની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાતા પથ્થરમારાની ઘટના થઈ હતી. દુકાનો તોડતી ટીમનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને વિવાદ વચ્ચે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. મહિલાને બચાવતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે સમગ્ર ઘટનામાં ચાર લોકો સારવાર હેઠળ છે. નારાજ વેપારીઓએ દુકાનો બંધ રાખી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને નોટિસ આપ્યા વિના દુકાનો તોડવાના આરોપ સાથે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી.
ગીર સોમનાથ જિલ્લામાં જાણીતા કલાકાર દેવાયત ખવડ સામે હુમલાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. અમદાવાદના એક યુવક પર હુમલો કરવા અંગે દેવાયત ખવડ પર આરોપ મુકાયો છે. ફરિયાદ મુજબ દેવાયત ખવડે અન્ય શખ્સો સાથે મળીને બુકાનો બંધાવી યુવક પર હુમલો કર્યો હતો. યુવકના કહેવાનુ છે કે બંને કારોને અથડાવીને રોકી દેવામાં આવી અને ત્યારબાદ લોખંડની પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી છે. તફતીષ માટે પોલીસ દ્વારા 7 જુદી જુદી ટીમો બનાવી દેવામાં આવી છે. તપાસમાં CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સનો સહારો લેવામાં આવી રહ્યો છે.
વરસાદની રાહ જોતા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14થી 20 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 17 ઓગસ્ટનું રાજ્યમાં વરસાદનું જોર વધશે. 17 તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી વાતાવરણમાં ઘેરા વાદળો છવાઈ ગયા અને કેટલાંક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો. સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પણ વરસાદી ઝાપટાં વરસ્યા છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આશાની ચમક દેખાઈ છે અને તેઓ મેઘરાજા મનમુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, હજુ સુધી ખેતી માટે પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.
નિમિષા પ્રિયાની મુક્તિ સુનિશ્ચિત કરવા માટેની અરજી પર સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર સુનાવણી 8 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. અરજદારના વકીલે દલીલ કરી હતી કે ફાંસીની તાત્કાલિક કોઈ ધમકી નથી અને વાટાઘાટો ચાલી રહી છે. અગાઉ, યમન સરકારે નર્સની મૃત્યુદંડની સજા મુલતવી રાખી હતી.
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. NSUI દ્વારા ‘યુનિવર્સિટી બચાવો’ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. યુનિવર્સિટીના જમીન ફાળવણી, જમીન કૌભાંડ, ખંડણી કૌભાંડ સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો.મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા.
દિલ્હીમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયુ છે. કાલકાજી વિસ્તારમાં રસ્તા પર તોતિંગ વૃક્ષ રસ્તા ધરાશાયી થયા છે. તોતિંગ વૃક્ષ બાઇકસવાર પર પડ્યું. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત, એક ઘાયલ થયો છે. વૃક્ષ નીચે દબાઈ જતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો છે.
પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સામે દક્ષિણ ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. વિવિધ વિસ્તારોમાં people દ્વારા આ યોજનાનો પુરજોશમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે મોટી મહારેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી. આ રેલીમાં નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજકોટ : ત્રંબા નજીક 37 લાખની લૂંટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. ફરિયાદી જગદીશ ચૌહાણે જ લૂંટનું તરકટ રચ્યાનું ખૂલ્યું છે. આંગડિયા પેઢીના કર્મચારીએ રૂપિયાની જરૂર હોવાથી લૂંટનું નાટક કર્યું.
સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કારની પાછળની લાઈટની અંદર અને બોનેટમાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત કુલ 17 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા દારૂની કિંમત અંદાજે 7 લાખથી વધુ છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં ગોળીબાર થયો છે. પીટસ્લવેનિયાના શેરીફના ડેપ્યુટી અધિકારીઓ પર ફાયરિંગ થયુ. વોરંટ આપવા જતા શખ્સે 3 ડેપ્યુટી અધિકારી પર ફાયરિંગ કર્યુ. 2 અધિકારીને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કાઉન્ટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આર્થિક ગુના શાખા (EOW) એ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેના પતિ રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ લોકો પર મુંબઈના એક ઉદ્યોગપતિ દીપક કોઠારી સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ છેતરપિંડી તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત લોન-કમ-રોકાણ સોદામાં કરવામાં આવી હતી.
ઉત્તરાખંડ કેબિનેટે ગેરકાયદેસર ધર્માંતરણ પર કડક વલણ અપનાવ્યું અને ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ, 2025 ને મંજૂરી આપી. જે હેઠળ ગંભીર કેસોમાં આજીવન કેદ સુધીની સજા અને ભારે દંડ જેવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નોઈડા, ગાઝિયાબાદમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો. દિલ્લીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે્. રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા છે.
પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ દરમિયાન ગોળીબાર થયો હતો જેમાં 3 લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
ઉત્તરાખંડ કેબિનેટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા (સુધારા) બિલ, 2025 ને મંજૂરી આપી છે. આ બિલ મુજબ, ખોટી ઓળખ આપીને લગ્ન કરવા અને સોશિયલ મીડિયા મેસેજિંગ એપ અથવા કોઈપણ ઓનલાઈન માધ્યમ દ્વારા ધર્મ પરિવર્તન માટે ઉશ્કેરવા બદલ સજાની જોગવાઈ છે.
સુરતઃ કોસંબામાં પીપોદરા ગામ નજીક ફાયરિંગની ઘટના બની છે. કાપડના વેપારી પર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ થયુ. બાઈક પર આવલા યુવાનો ફાયરિંગ કરી ફરાર થયા. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ગ્રામ્ય LCB, કોસંબા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
Published On - 7:34 am, Thu, 14 August 25