13 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ભુજમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, બસ સ્ટેશન બેટમાં ફેરવાયું

|

Oct 13, 2024 | 8:01 PM

આજ 13 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

13 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ભુજમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, બસ સ્ટેશન બેટમાં ફેરવાયું

Follow us on

આજે 13 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Oct 2024 07:57 PM (IST)

    ભુજમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ

    કચ્છના ભુજમાં વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભુજમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં બસ સ્ટેશન બેટમાં ફેરવાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો  અનેક દુકાનમાં વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે.

  • 13 Oct 2024 07:21 PM (IST)

    રાજ્યમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાશે

    રાજ્ય સરકારે પ્લાસ્ટિક વેસ્ટને લઈને હત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં 13 માર્ગોની સુધારણા કરવામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી પર્યાવરણ સુધારણા સાથે રસ્તાની લાઈફ સાઇકલમાં વૃદ્ધિ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી ટકાઉ માર્ગોના નિર્માણ સાથે પર્યાવરણ સુધારણા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.


  • 13 Oct 2024 06:43 PM (IST)

    અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદની જમાવટ યથાવત

    અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદની જમાવટ યથાવત જોવા મળી રહી છે. ખાંભા શહેર અને ગામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો દાઢીયાલી, ગીદરડી, તાતણીયા, લાસા, ગીદરડી સહિત ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

  • 13 Oct 2024 05:29 PM (IST)

    તહેવારોને લઈ ફુડ વિભાગના રાજ્યવ્યાપી દરોડા

    તહેવારોને લઈ ફુડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ.4.5 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજ વસ્તુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણા અને પાટણથી રૂ. 1.39 કરોડનું શંકાસ્પદ ઘી પકડાયું છે. તો બાવળા ખાતેથી શંકાસ્પદ તુવેર દાળનો જથ્થો પકડાયો છે.

  • 13 Oct 2024 04:50 PM (IST)

    કડીમાં ઘી બાદ હવે ઝડપાયું શંકાસ્પદ યુરિયા ખાતરનું ગોડાઉન

    મહેસાણાના કડીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનું ગોડાઉન ઝડપાયું છે. જ્યાંથી નકલી ઘી ઝડપાયું તેની બાજુમાંથી ખાતર ઝડપાયું છે. અંદાજે 1600 બેગ સરકારી યુરિયા ખાતર ઝડપાયું છે. મહેસાણા LCBએ પહેલા ઘી ઝડપ્યું પછી ખાતર પકડ્યું છે. બુડાસણ GIDCમાં રાજરત્ન એસ્ટેટના ગોડાઉનમાં કાર્યવાહી કરવામાં આવી છે. યુરિયા ખાતર જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 13 Oct 2024 03:29 PM (IST)

    રાજકોટમાં પાછોતરા વરસાદે ખેડૂતોની દશા બગાડી

    રાજકોટમાં પાછોતરા વરસાદે ખેડૂતોની દશા બગાડી છે. ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન પહોંચ્યું છે. મગફળીનો તૈયાર પાક પલળી ગયો છે. મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. મગફળી સાથે ડુંગળીના પાકને પણ નુકસાન થયું છે.

  • 13 Oct 2024 02:17 PM (IST)

    દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે – ફડણવીસ

    બાબા સિદ્દીકી હત્યા કેસ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • 13 Oct 2024 02:04 PM (IST)

    આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

    અરબી સમુદ્રના મઘ્ય પૂર્વમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે આગામી 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જો કે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે 33 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.

     

  • 13 Oct 2024 01:30 PM (IST)

    પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

    પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પાટણના ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્રાટકી હતી. શંકાસ્પદ ઘીના 11 નમૂના તપાસ અર્થે લેવામાં આવ્યા છે. 14 લાખથી વધુ કિંમતનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પાટણના ઘી બજારમાં ભેળસેળયુક્ત ઘી વેચતા વેપારીઓ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા શહેરમાં થઈ રહી છે.

  • 13 Oct 2024 01:28 PM (IST)

    ગોધરા સહિતનાં ગ્રામ્ય વિસ્તાર ગાજવીજ સાથે વરસાદ

    પંચમહાલના ગોધરા સહિતનાં ગ્રામ્ય વિસ્તાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરા પંથકમાં વીજળીનાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. દોઢ ઈંચ જેટલા વરસાદમાં નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયાં છે. એસ ટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનને જોડતા ભાગોળ વિસ્તારના મુખ્ય માર્ગ પર  વરસાદી પાણી ભરાયાં છે. જિલ્લા સેવા સદન મુખ્ય ગેટ અને જિલ્લા પંચાયત ભવન મુખ્ય માર્ગ પર ભરાયા પાણી છે. ચોમાસા ઋતુની વિદાય બાદ ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. વેજલપુર, પોપટ પૂરા, ડોકટરનાં મુવાડા, અંબાલી, છબનપૂર, ઓરવાડા, સહિત ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસ્યો છે.

  • 13 Oct 2024 01:25 PM (IST)

    દાહોદ જિલ્લામાં આસોમાં જામ્યો અષાઢી માહોલ

    દાહોદ જિલ્લામાં આસો મહિનામાં જામ્યો છે અષાઢી માહોલ. લીમખેડા, લીમડી, દેવગઢ બારીઆ અને સીગવડ પંથકમા જામ્યો વરસાદી માહોલ. જિલ્લામાં વરસાદના પગલે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જિલ્લામાં વરસાદના પગલે રસ્તાઓ પાણી-પાણી થયા છે.

  • 13 Oct 2024 11:40 AM (IST)

    સુરત ઓલપાડના ભાંડુત ગામે યુવકની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં કરાઈ હત્યા

    સુરત ઓલપાડના ભાંડુત ગામે યુવકને ચપ્પાના ઘા મારીને જાહેરમાં જ હત્યા કરી દેવામાં આવી છે. જીગર પટેલ નામના યુવકને તેના જ ફળિયામાં રહેતા દેવાંગ પટેલ નામના યુવકે ચપ્પુના ઘા માર્યા હતા. ગામના વોટ્સએપ ગ્રુપમાં અપશબ્દો બોલતા દેવાંગના માતા-પિતાને સમજાવવા ગયા હતા.  વાત કરતા મામલો ઉગ્ર બન્યો અને નાનાભાઈને પિતાએ પકડી રાખેલ અને દેવાંગે ત્રણથી ચાર ચપ્પુના ઘા મારી જીગરની હત્યા નિપજાવી હતી.

  • 13 Oct 2024 10:51 AM (IST)

    એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમ કરી રહી છે બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ

    સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ, બાબા સિદ્દીકીની હત્યા સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહી છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક અને તેમની ટીમ બાબા સિદ્દીકીની હત્યા કેસની તપાસ કરી રહી છે. બાંદ્રા સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસની તપાસ પણ દયા નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

  • 13 Oct 2024 10:42 AM (IST)

    બાબા સિદ્દીકીને આજે રાત્રે 8.30 કલાકે કરાશે સુપુર્દ એ ખાક

    બાબા સિદ્દીકીને આજે રાત્રે 8.30 કલાકે દફનાવવામાં આવશે. તેમને મરીન લાઇન્સના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ પહેલા સાંજે 7 વાગે નમાઝ-એ-જનાજા થશે.

  • 13 Oct 2024 10:17 AM (IST)

    ઉત્તરાખંડમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવાનું ષડયંત્ર, પાટા પરથી ગેસ સિલિન્ડર મળ્યો

    ઉત્તરાખંડના રૂરકીમાં રેલવે ટ્રેક પરથી ગેસ સિલિન્ડર મળી આવ્યો છે. આ સિલિન્ડર આર્મી ટ્રેન મોમેન્ટ રૂટ પરથી મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર જોઈને ગુડ્સ ટ્રેનના લોકો પાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી. ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે રેલવે અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી. રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સિલિન્ડર હટાવ્યા હતા. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

  • 13 Oct 2024 10:14 AM (IST)

    બાબા સિદ્દીકીની હત્યાને લઈનો મોટો ખુલાસો, હત્યાના ત્રણેય આરોપીઓ પંજાબની જેલમાં હતા

    બાબા સિદ્દીકીના હત્યારાઓને લઈને મોટો ખુલાસો થયો છે. ત્રણેય આરોપીઓ પંજાબની જેલમાં કેદ હતા. બિશ્નોઈ ગેંગના શૂટર પહેલાથી જ એક જ જેલમાં હતા અને ત્યાં તેઓ એકબીજાને મળ્યા હતા. સૂત્રોનું માનીએ તો કુલ 4 શૂટરને હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. દરેકને 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ શૂટર સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં આવ્યો હતા. મુંબઈના કુર્લા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. રૂમનું ભાડું 14 હજાર રૂપિયા હતું.

  • 13 Oct 2024 09:55 AM (IST)

    મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા ખાડે…. બાબા સિદ્દીકીની હત્યા પર બોલ્યા રાહુલ ગાંધી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાબા સિદ્દીકીનું દુઃખદ અવસાન આઘાતજનક છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. આ ભયાનક ઘટના મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતાને દર્શાવે છે. સરકારે જવાબદારી લેવી જોઈએ અને ન્યાય થવો જોઈએ.

  • 13 Oct 2024 08:36 AM (IST)

    બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સંડોવાયેલી હોવાની શંકા

    મુંબઈ પોલીસ શૂટરોની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ હત્યામાં બિશ્નોઈ ગેંગનો હાથ છે કે નહીં? પોલીસને શંકા છે કે બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનો હાથ છે. ધરપકડ કરાયેલા શૂટરોના ગુનાહિત રેકોર્ડ અને લોરેન્સ ગેંગ સાથેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે.

  • 13 Oct 2024 08:16 AM (IST)

    દશેરા પર્વની મોડી રાતે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ

    દશેરા પર્વની મોડી રાતે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. દશેરાના શેરી ગરબામાં વરસાદ વિઘ્ન બન્યો હતો. વીજળીના કડાકા ધડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરના સુભાનપુરા, કારેલીબાગ, સયાજીગંજ સહીત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

  • 13 Oct 2024 08:15 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 93 તાલુકામાં વરસ્યો વરસાદ

    ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાં 3 ઈંચથી વધુ નોંધાયો હતો. જામનગરના જામજોધપૂર અને રાજકોટના જેતપુરમાં અઢી ઈંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, નવસારીના ગણદેવી અને  બનાસકાંઠાના અમિરગઢમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.

  • 13 Oct 2024 07:13 AM (IST)

    કડીના જાસલપુરની ઘટના અંગે કોન્ટ્રાકટર, એન્જિનિયર, લેબલ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

    મહેસાણામાં ભેખડ ધસી પડવાથી 9 મજૂરોના મોત મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. કડીના જાસલપુરની સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમા ગઈકાલે દુર્ઘટના બની હતી જેમાં નવ મજૂરોના દટાઈ જવાને કારણે મોત થયા હતા. આ ઘટનામાં દટાયેલા 10 શ્રમિકમાંથી બચી ગયેલ 19 વર્ષીય વિનોદ વસૈયાએ કોન્ટ્રાકટર જયેશભાઈ કાન્તિલાલ દોશી, એન્જિનિયર કૌશિકભાઈ પરમાર અને લેબર કોન્ટ્રાક્ટર દિનેશભાઇ સમુભાઇ ભુરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • 13 Oct 2024 07:10 AM (IST)

    બાવળા બગોદરા રોડ પર રખડતા ઢોર સાથે બાઈક અથડાતા ચાલકનુ મોત

    અમદાવાદના બાવળા બગોદરા રોડ પર રખડતા ઢોર સાથે બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનાક બાઈક ચાલકનું મોત થયું છે. રામનગર કોર્ટ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

  • 13 Oct 2024 07:08 AM (IST)

    દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર પંથક તેમજ ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

    દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર પંથક તેમજ ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર તાલુકામાં રાવલ પાનેલી ભાટિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

  • 13 Oct 2024 06:52 AM (IST)

    બાબા સિદ્દીકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં કરાશે

    NCPના નેતા બાબા સિદ્દીકીના મૃતદેહને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્રીજા આરોપીની શોધ ચાલુ છે.

  • 13 Oct 2024 06:50 AM (IST)

    સલમાન ખાન લીલાવતી હોસ્પિટલમાં બાબા સિદ્દીકીના પરિવારને મળ્યો

    ગઈકાલ શનિવારે મોડી રાત્રે ગોળી વાગવાથી મૃત્યુ પામેલા બાબા સિદ્દીકીના પરિવારને મળવા, જાણીતા ફિલ્મ અભિનેતા સલમાન ખાન, લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો.

  • 13 Oct 2024 06:32 AM (IST)

    ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ

    ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નેતન્યાહુએ ટ્વીટરમાં લખ્યું કે, હું અને ઈઝરાયેલના લોકો ભારતના ગૌરવશાળી પુત્ર અને આપણા બંને દેશોની મિત્રતાના ચેમ્પિયન રતન નવલ ટાટાના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. રતનના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ.

Published On - 6:30 am, Sun, 13 October 24