
આજે 13 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
કુલ્લુ જિલ્લાના નિર્મંદના કુર્પન ખાડમાં વાદળ ફાટવાથી બંજરમાં તીર્થન નદીમાં ભારે પૂર આવ્યું હતું. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બંજરમાં ઘણી ઘર અને વાહનો તણાઈ ગયા હતા જ્યારે બાગીપુલમાં પુલ અને દુકાનોનેભારે નુકસાન થયું હતું. ગણવી બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાથી દુકાનોમાં રહેલો સામાન નાશ પામ્યો હતો.
ICICI બેંકે ભારે વિવાદ બાદ આખરે ગ્રાહકોને ખુશખબર આપી છે, નવા ગ્રાહકો માટે તાજેતરમાં વઘારેલી લઘુત્તમ બેલેન્સ મર્યાદા ઘટાડી દીધી છે. બેંક તરફથી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે, હવે બચત ખાતાના લઘુત્તમ એકાઉન્ટ બેલેન્સ (MAB) ના નિયમોમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યા છે અને ગ્રાહકોને રાહત આપતાં, મેટ્રો અને શહેરી વિસ્તારોમાં આ મર્યાદા 50,000 રૂપિયાથી ઘટાડીને માત્ર 15,000 રૂપિયા કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી 17 લાખના વિદેશી ચલણ સાથે ઝડપાયેલા દંપતીની અટકાયત કરવામાં આવી છે. કસ્ટમ વિભાગ દ્વારા 17 લાખ કરતા વધુની વિદેશી કરન્સી જપ્ત કરાઈ છે. અકાસા એરલાઈન્સમાં જતા દંપતી પર શંકા જતા, કસ્ટમ વિભાગના અધિકારીએ પૂછપરછ અને તપાસ કરી હતી. જેમાં પતિ પાસેથી 10,446 અમેરીકન ડોલર અને પત્ની પાસેથી 10,000 ડોલર જપ્ત કરાયા છે. આ સિવાય બંને પાસેથી તુર્કીનુ 1200નું કરન્સી પણ મળી આવી છે. કસ્ટમ વિભાગે બંનેની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
સોલા સાયન્સ સિટી ખાતે મારામારીની ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આખરે નોંધાઈ ફરિયાદ. વિક્રમ દેસાઈ, ફૂલા ભાઈ રબારી ઉપરાંત 3 અજાણ્યા ઇસમ સામે નોંધાઈ ફરિયાદ. 3 કરોડ લેવાના બાકી હોવાનું કહીને આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રોને માર્યો માર હતો. તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા હુમલામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા પામી હતી. આરોપીઓએ ભેગા મળી ફરિયાદીની ઓફિસમાં કરી હતી મારઝૂડ.
રાજકોટ-ભાવનગર હાઇ વે પર 37 લાખની લૂંટનો બનાવ બનવા પામ્યો છે. કારમાં સવાર એક વ્યક્તિ પાસેથી 37 લાખની લૂંટ કરવામાં આવી છે. કાર ચાલક રૂપિયા સાથે ત્રંબાથી રાજકોટ આવી રહ્યો હતો તે સમયે લૂંટનો બનાવ બન્યો હતો. હથિયાર બતાવીને ત્રણ થી ચાર શખ્સો લૂંટ કરી ફરાર થયાની ફરિયાદીએ પોલીસને જાણ કરી છે. આજીડેમ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતીમાન કર્યા છે.
ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ ટેનિસ કોર્ટનો વિવાદ સામે આવ્યો છે. દાતાઓના દાનમાં મળેલ જમીન ઉપર, કરોડો રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા બાદ સાત ટેનિસ કોર્ટ ધરાવતું ટેનિસ સ્ટેડિયમ, કોઈપણ પ્રકારના ટેન્ડર વગર જ આર.એચ કાપડિયાને માત્ર નફામાં ભાગીદારીની શરત સાથે આપી દેવામાં આવ્યું છે. કરોડનો ખર્ચ અને ગુજરાતી યુનિવર્સિટીની મોંઘી જમીન હોવા છતાં આ સંસ્થા સાથે કરવામાં આવેલ એમઓયુ મુજબ 70 ટકા આર એચ કાપડીયાને જ્યારે માત્ર 30 ટકા નફો ગુજરાત યુનિવર્સિટીને મળી રહ્યા છે. મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક મહિનાથી આ નફો માત્ર પ્રતિ મહિને રૂપિયા 1.5 લાખ આજુબાજુ જ જોવા મળી રહ્યો છે.
દાણીલીમડામાં વ્યાજખોરી મામલે ફરિયાદ નોંધાઈ છે. કાપડનો વેપાર કરતી મહિલાએ વ્યાજે રૂપિયા લીધા હતા. 10 ટકા માસિક વ્યાજે 30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. 3 વર્ષ સુધી મહિલાએ વ્યાજ ચુકવ્યું હતુ. આર્થિક પરિસ્થિતી બગડતા રૂપિયા આપવાનું બંધ કર્યું. આરોપીઓએ વ્યાજ સહિત 1.60 લાખની કરી માગ. મારામારી અને વાહનોમાં તોડફોડ થતા સામ સામે ફરિયાદ. દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
ભુજની રીજન્ટા હોટેલમાંથી જુગાર ક્લબ ઝડપાઈ છે. ગઈકાલ રાત્રે 12 વાગ્યાએ ભુજ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી. પોલીસે રીજન્ટા હોટલમાં 404 રૂમમાં 7 ખેલીઓ સાથે કુલ 15.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે સ્ટેટ આર એન્ડ બીના ભૂતપૂર્વ મુખ્ય ઇજનેર કિરીટ રમેશ પટેલ, ભૂતપૂર્વ ડીડીઓ ચંદ્રકાન્ત જાદવજી પટેલ, સ્ટેટ આર એન્ડ બી ભુજ વિભાગ
ડેપ્યુટી ઇજનેર ચિરાગ બળદેવભાઈ ડોડીયા, સ્ટેટ આર એન્ડ બી રોડ ડિવિઝન ઇજનેર નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા સહિતના આરોપીઓ ઝડપાયા છે. એમ કુલ 7 લોકો સામે જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી કરી છે. જ્યારે કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા નશાની હાલતમાં હોવાથી પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગુજરાતની સહકારી બેંકોમાં 1045 ચેરમેન-ડિરેક્ટરો RBI ના નિયમ વિરૂદ્ધના હોવાનો ખુલાસો થવા પામ્યો છે. રાજ્યસભામાં કેન્દ્રના નાણાં વિભાગે લેખિતમાં જવાબ આપ્યો હોવાનું રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે, સહકારી સંસ્થાઓમાં નિયમ વિરુદ્ધ સત્તા પર બેસી રહેલા સભ્યો અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં જણાવાયું હતું કે, ADC, GSC બેંક સહિતની મુખ્ય 16 સહકારી સંસ્થાઓના 169 ડિરેક્ટરો નિયમ વિરુદ્ધ પોતાના પદ પર છે. અન્ય 145 સહકારી બેંકોના 876 ચેરમેન-ડિરેક્ટરો પણ ખોટી રીતે પોતાના પદ પર બેઠા છે. નિયમ મુજબ 8 વર્ષથી વધુ સમય સહકારી બેંકોમાં ચેરમેન-ડિરેક્ટર પદે એક જ વ્યક્તિ રહી ના શકે.
નાણાં વિભાગના જવાબ બાદ શક્તિસિંહ ગોહિલે એવી માંગણી કરી છે કે, RBI ના નિયમ વિરુદ્ધ પોતાના પદ પર ચોંટી રહેલ ડિરેક્ટરોને હટાવવામાં આવે. સહકારી બેંકોમાં પારદર્શિતા માટે RBI એ કાયદામાં સુધારો કરાયો હતો. ભાજપના સભ્યો માટે અને અન્ય માટે કાયદો અલગ અલગ ના હોવા જોઈએ. કાયદાની જોગવાઈ મુજબ એમને દૂર કરવા જોઈએ. RBI અને સરકારની જવાબદારી કે કાયદાનું પાલન થવું જોઈએ.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત નહીં. AAP MLA ચૈતર વસાવાને રહેવું પડશે જેલમાં. ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર વધુ એક મુદ્દત પડી. રાજ્ય સરકાર વતી વકીલે એફિડેવિટ માટે માંગ્યો વધુ સમય.
રાજ્યની વાહન વ્યવહાર સુવિધામાં કરાયો વધારો. નવી 45 એસટી બસને લીલીઝંડી અપાઈ છે. રાણીપ બસ સ્ટેશન ખાતેથી 45 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 45 એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવી બસો ઉમેરાતા મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે. નવી વોલ્વો, સ્લીપર અને ડિલક્ષ બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ઢાઢર નદીમાં લાપતા બનેલા યુવાનની ચોથા દિવસે લાશ મળી આવી છે. ડભોઇ તાલુકાના બનૈયા ગામ નજીક ઢાઢર નદીમાં યુવાન ડૂબ્યો હતો. 47 વર્ષીય યુવાન ઢાઢર નદીમાં નાહવા જતા થયો હતો લાપતા. વડોદરા ફાયર વિભાગની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ફાયરની બે ટીમ જુદી જુદી દિશામાં કરી રહી છે શોધખોળ. રવિવારે નદીમાં લાપતા થયેલા યુવાનનું મૃતદેહ અજીતપુર પોર પાસેથી મળી આવ્યો
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો સામે આવ્યો છે. બી કોમ સેમેસ્ટર 4ના 15 હજાર વિદ્યાર્થીઓના ખોટા પરિણામ વેબસાઈટ પર ચડાવી દીધા હતા. બી કોમ સેમેસ્ટર 4ના પરિણામમાં ક્ષતિ જણાતા તાત્કાલિક હટાવાયા. વિદ્યાર્થીઓના ઓરિજનલ માર્કસના બદલે ખોટા માર્કસ અપલોડ થયા હતા. પાસ વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવવામાં આવ્યા હતા. પરીક્ષા વિભાગના ધ્યાને આવતા તમામ 15 હજારના પરિણામ વેબસાઈટ પરથી હટાવી લીધા. આવતીકાલ સુધીમાં સુધારેલ પરિણામ ફરીવાર યુનિવર્સિટી વેબસાઈટ પર મૂકશે.
રાજ્યના હવામાનને લઇ આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. લો-પ્રેશર મોન્સુન ટ્રફ, ઇસ્ટ-વેસ્ટ ટ્રફ સક્રિય થયુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.
ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે સત્તાવાર રીતે બોલી રજૂ કરી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આ રમતોને સત્તાવાર રીતે મંજૂરી આપી છે, જેનાથી દેશની આશાઓ વધી ગઈ છે. 2030 કોમનવેલ્થ ગેમ્સનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે, જેમાં અમદાવાદ સ્થળ તરીકે સ્થાન મેળવશે. પીટીઆઈ અનુસાર, IOA એ તેની ખાસ સામાન્ય સભા (SGM) દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દેશની બોલીને ઔપચારિક રીતે મંજૂરી આપી છે. અંતિમ બોલી દસ્તાવેજો સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લમ્પી વાયરસે માથું ઉચક્યું છે. પાલનપુર તાલુકાના ભુતેડી, ચંડીસર અને ચડોતર ગામના પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. ત્રણ ગામમાં અંદાજિત નવ પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે…જેના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા છે. મહત્વનું છે, કે વર્ષ 2022નાં લમ્પી વાયરસના કારણે હજારો પશુઓના મોત થયા હતા અને પશુપાલકોને આર્થિક નુકસાન પણ થયું હતું. તો પશુપાલકોએ તંત્રને રોગ ફેલાય એ પહેલાં નિયંત્રણ માટે પગલાં લેવા રજૂઆત કરી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. ફૈઝલ પટેલે પહલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, ખાસ કરીને “ઓપરેશન સિંદૂર”ને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, PM મોદીએ આપણને મોટા સંકટમાંથી બહાર કાઢ્યા.ફૈઝલ પટેલે માત્ર પીએમ મોદીના જ નહીં , પરંતુ ગૃહમંત્રી અમિત શાહની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. સાથે જ મોદી સરકારના અન્ય પ્રધાનોના કાર્યને પણ તેમણે વખાણ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી પોતાના વતન વડનગરની મુલાકાતે જશે, જ્યાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. તેઓ બહુચરાજી ખાતે મારૂતિ સુઝુકી દ્વારા બનનારા ઈલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરી શકે છે. તેમના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ પણ કરશે.
કચ્છ: માનકુવા પોલીસ સ્ટેશનમાંથી લૂંટના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી દ્વારા ભાગી જવાનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ રાત્રે પોલીસ કોન્સ્ટબલ જમાવનું આપવા ગયો ત્યારે આરોપીએ તેને ધક્કો મારી ફરાર થઈ ગયો. આરોપી ગાંધીધામ નજીકના ખારીરોહર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીને પકડવા માટે ચકાસણીઓ શરૂ કરવામાં આવી છે.
ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરના ચિરુન્ડા ગામમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘૂસણખોરો સાથેની ભીષણ અથડામણમાં એક સૈનિક પણ શહીદ થયો છે. તે જ સમયે, ઓપરેશન હજુ પણ ચાલુ છે.
રાજસ્થાન: દૌસા નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કન્ટેનર અને પિકઅપ વાહન વચ્ચે ટક્કર થતાં 10થી વધુ લોકોના દુખદ મોત થયા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર ઘટનામાં 7 બાળકો અને 3 મહિલાના મોત નીપજ્યા છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય લોકોને તાત્કાલિક જયપુરની SMS હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. મૃતકો યાત્રાધામ ખાટુશ્યામના દર્શન કર્યા બાદ પરત ફરતા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ: નહેરુનગર વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રોહનને માર મારનાર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કારંજ પોલીસ સ્ટેશનમાં PSI દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ આરોપી રોહનને કોર્ટમાં રજૂ કરતી વખતે હુમલો કર્યો હતો. આ મામલામાં ચાર શખ્સો સામે આરોપીને માર મારવા બદલ ગુનો નોંધાયો છે. કારંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા: વીજાપુર ખાતે પામોલીનમાંથી પનીર બનાવતી માફિયા ફેક્ટરી સામે પગલાં લેવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના ફૂડ વિભાગે કાર્યવાહી કરીને ડીવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ રદ કર્યું છે. આ ફેક્ટરી પામોલીનમાંથી પનીર બનાવતી હોવાને કારણે માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, અગાઉ આ ફેક્ટરી પર રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારો પર હુમલો થયો હતો. આખરે ફૂડ વિભાગે મહત્વની કાર્યવાહી કરીને ફેક્ટરી સામે કડક અભિગમ અપનાવ્યો છે.
કચ્છ: ભુજ શહેરમાં ક્રિકેટ સટ્ટાના કેસમાં એક શખ્સ ઝડપાયો છે. આરોપી ઈન્ટરનેશનલ T20 મેચ પર ઓનલાઇન વેબસાઇટ મારફતે ક્રિકેટ સટ્ટો રમાડતો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી કારની અંદર સટ્ટા પ્રવૃત્તિઓ ચલાવતો હોવાનું જાણવા મળ્યું. આરોપી પાસેથી ક્રિકેટ સટ્ટામાં ઉપયોગમાં લેવાતું બેલેન્સ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે હજી બે અન્ય આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે.
ડીઆરડીઓ ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા અને દેશની ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી સરહદ પાર કરીને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન મોકલવાના આરોપમાં જેસલમેરમાં ધરપકડ કરવામાં આવી છે. ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેને રિમાન્ડ પર લેવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે: રાજસ્થાન પોલીસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર મત ચોરી અંગે અનેક આરોપો લગાવ્યા છે. આ પછી, કોંગ્રેસ હવે દેશભરમાં મત ચોરી સામે વિરોધ પ્રદર્શન કરશે.
પીએમ મોદી આવતા મહિને ન્યૂયોર્કમાં યોજાનાર યુએનજીએ સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા જઈ શકે છે. આ સમય દરમિયાન, પીએમ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળી શકે છે.
આણંદઃ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ છે. આગામી 10 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. નિયામક મંડળની 12 બેઠકો માટે મતદાન થશે. 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે. 29 ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 30 ઓગસ્ટએ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 12 સપ્ટેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાશે.
બનાસકાંઠાઃ પાંથાવાડા ગુંદરી હાઈવે પર અકસ્માતમાં 2ના મોત થયા છે. બે ટ્રેલર સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રેલરમાં બેઠેલા 2 વ્યક્તિઓના મૃતદેહ ફસાયા હતા. અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા. પાંથાવાડા પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.
Published On - 7:37 am, Wed, 13 August 25