12 મેના મહત્વના સમાચાર : ગુજરાત યુનિવર્સિટીએ વર્ક ફ્રોમ હોમ નહી, પણ કાર પુલિગથી કર્મચારીઓને ઓફિસે આવવા પરિપત્ર બહાર પાડયો

આજે 12 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

12 મેના મહત્વના સમાચાર : ગુજરાત યુનિવર્સિટીએ વર્ક ફ્રોમ હોમ નહી, પણ કાર પુલિગથી કર્મચારીઓને ઓફિસે આવવા પરિપત્ર બહાર પાડયો
| Edited By: | Updated on: May 12, 2026 | 8:38 PM

આજે 12 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 May 2026 07:46 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટીએ વર્ક ફ્રોમ હોમ નહી, પણ કાર પુલિગથી કર્મચારીઓને ઓફિસે આવવા પરિપત્ર બહાર પાડયો

    પીએમ મોદીના વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ-ડીઝલના વપરાશ કરવા અંગે કરેલ અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીએ  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ કાર પુલિંગ થકી કચેરી પહોંચે એવી સૂચના આપવામાં આવી છે. એક સાથે નોકરી પર આવે તો ઇંધણની બચત થયા એ માટે નિર્ણય. એક વિસ્તારમાં રહેતા કર્મચારીઓ કાર પુલિંગથી ઓફિસ પહોંચે એ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે કર્મચારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે આસપાસ રહેતા બે કર્મચારીને સાથે લઈને આવે. ગુજરાત યુનિવર્સિટીએ વર્ક ફ્રોમ હોમનો કોઈ નિર્ણય નથી લીધો. યુનિવર્સિટીમાં ફાઇનલ પરીક્ષા ચાલી રહી હોવાથી વર્ક ફ્રોમ હોમ ના બદલે કાર પુલિંગનો નિર્ણય. પરીક્ષા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવશે.

  • 12 May 2026 07:43 PM (IST)

    પરણિતાના આપઘાતના કેસમાં કોન્સ્ટેબલ પતિની મુબઈથી પોલીસે કરી ધરપકડ

    વાસણામાં પરણિતાના આપઘાતના કેસમાં કોન્સ્ટેબલ પતિની મુબઈથી પોલીસે કરી ધરપકડ. ગત 15 એપ્રિલના રોજ વાસણા અભિલાષા સોસાયટીમાં આવેલા ઘરેથી ગીતાબેન રાજપુરોહિતનો ગળે ફાંસો ખાધેલા હાલતમાં મૃતદેહ મળ્યો હતો. વાસણા પોલીસે કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ ના મજૂર કર્યા.

     


  • 12 May 2026 06:52 PM (IST)

    જેલમાં રહેલ પાકિસ્તાની કેદીનુ મોત

    જેલમાં રહેલ પાકિસ્તાની કેદીનું મોત થયું છે. જેલમાં શ્વાસ ચડતા કેદીને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. 82 વર્ષીય ઇસ્માઇલ ઈબ્રાહીમે રાજકોટ સિવિલમા સારવાર દરમિયાન દમ તોડ્યો. પાકિસ્તાની નાગરિક હોવાના કારણે મેજિસ્ટ્રેટની હાજરીમા પંચનામાની કાર્યવાહી હાથ ધરાઈ. બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

  • 12 May 2026 05:59 PM (IST)

    અમદાવાદના શીલજ અવનીશ હાઇટ્સમાં ઘરમાંથી મૃતદેહ મળ્યો

    અમદાવાદના શીલજ અવનીશ હાઇટ્સમાં ઘરમાંથી મૃતદેહ મળ્યો છે. 56 વર્ષીય મનીષ ચોકસીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો. મૃતદેહની ચકાસણી કરાતા, મોઢાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. હત્યાનું ચોક્કસ કારણ અકબંધ. બોપલ પોલીસે હત્યા અંગે વધુ તપાસ શરૂ કરી છે.

  • 12 May 2026 05:20 PM (IST)

    અમદાવાદ રાજકોટ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

    અમદાવાદ રાજકોટ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે. બોડીયા ગામના પાટિયા પાસે ઉભેલ રિક્ષા સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર પોલીસ પહોંચી તપાસ હાથ ધરી હતી.

  • 12 May 2026 05:19 PM (IST)

    બર્ડ ફ્લુની ફડકઃ ઉચ્છલ અને નિઝર તાલુકામાં પોલ્ટ્રીફાર્મથી દસ કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સ હેઠળ

    મહારાષ્ટ્રના નવાપુરામાં બર્ડ ફ્લુની પૃષ્ટિ બાદ તાપીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉચ્છલ અને નિઝર તાલુકામાં જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું. જાહેરનામું 10 જુલાઈ 2026 સુધી રહેશે લાગુ. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામામાં એકથી દસ કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સ હેઠળ. મરઘાં, ઇંડાં, મરઘાની ચરક તેમજ પોલ્ટ્રી ફાર્મની સાધન સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ. પોલ્ટ્રી સાથે કામ કરતા લોકો માટે માસ્ક, ગ્લોવ્સ, ગમબૂટ અને અન્ય રક્ષણાત્મક સાધનો ફરજિયાત. અસરગ્રસ્ત વિસ્તારમાં બહારથી આવતા પક્ષીઓ પાણીના સંપર્કમાં ન આવે તેની પણ તકેદારી રાખવા સૂચના અપાઇ.

  • 12 May 2026 05:16 PM (IST)

    NEET UG પરીક્ષા ફરીથી લેવામાં આવશે, ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તારીખ: NTA DG

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં NEET UG પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.

  • 12 May 2026 04:41 PM (IST)

    પીએમ મોદીની વર્ક ફ્રોમ હોમની અપીલને આઈટી કંપનીઓમાં અમલ શરુ, અમદાવાદની કંપનીએ 50 % કર્મચારીને વર્ક ફ્રોમ હોમ આપ્યું

    વડાપ્રધાનની અપીલને અમદાવાદની IT કંપનીઓએ આવકારી. અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કર્મચારીનો રેશિયો વધાર્યો. સીટા સોલ્યુશન કંપનીએ 50 ટકાથી વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું. કોવિડ બાદ કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યા હતા. છેલ્લા એક દોઢ વર્ષથી ઓફિસ વર્કનું પ્રાધાન્ય વધ્યું હતું. વૉરની સ્થિતિને કારણે પુનઃ વર્ક ફ્રોમ ઓફ તરફ કંપનીઓ વળી હતી. વડાપ્રધાનની અપીલ બાદ 50 ટકાથી વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અપાયું. વર્ક ફ્રોમ હોમના કારણે વીજ બિલમાં ઘટાડો અને ફ્યુઅલ બચાવ થશે.

     

  • 12 May 2026 04:38 PM (IST)

    NEET પરીક્ષા પેપર ફુટવાની ઘટના સાથે સરકારનું મેળાપીપણું હોવાનો શક્તિસિંહનો આક્ષેપ, મોદી શાસનમાં 4 વાર પેપરલીક થયા

    NEET પરીક્ષા રદ્દ થવા મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં છે. પરીક્ષા આપનાર 22 લાખ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ સમજવાની જરૂર છે. કેન્દ્ર સરકાર પરીક્ષા મુદ્દે ગંભીર જણાતી નથી. પેપર ફુટવાની ઘટના સાથે સરકારનું મેળાપીપણું. કેન્દ્રની ભાજપ સરકારમાં ચાર વાર પેપર લીકની ઘટના બની. વર્ષ 2024માં પેપર લીક થયું તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધુ કનેક્શન મળ્યું. NEET પેપર લીકના આરોપીઓના કેમ વરઘોડા નિકળતા નથી? કેમ તેમના ઘર પર બુલડોઝર ફરતાં નથી.  ભાજપ જીતે છે, વાહવાહી થાય છે અને આપણા બાળકોના ભવિષ્ય સાથે શું થાય છે એ વિચારની જરૂર છે.

  • 12 May 2026 03:01 PM (IST)

    અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લાખોના દાગીના લઇને થયો ફરાર

    અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લાખોના દાગીના લઇને ફરાર.  રૂપિયા  80.56 લાખના દાગીના લઈને થયો ફરાર. અમદાવાદથી બસમાં ભુજ જતાં રસ્તામાં રૂ 80.56 લાખના દાગીના લઈ ગાયબ થઈ ગયો. પાર્સલ ડિલિવરી માટે મોકલાયેલ કર્મચારી જીગરસિંહ વિહોલ દાગીના સાથે ફરાર થયો છે. સોનાં-ચાંદી અને ડાયમંડના પાર્સલ સાથે કર્મચારી ફરાર હોવાની આશંકા. પાલડીથી સહજાનંદ ટ્રાવેલ્સની બસમાં બેસાડયો હતો કર્મચારીને.
    ભુજ પહોંચ્યા બાદ જ્યુબિલી સર્કલ પરથી કર્મચારી થયો ગૂમ. કર્મચારીનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવતા ચોરીની શંકા. વેપારી પેઢીએ વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવી છે. AR-01-Y-8199 નંબરની અમદાવાદ-માંડવી બસમાં મુસાફરી દરમ્યાન કર્મચારી ફરાર. જ્વેલરી પાર્સલમાં સોનાં, ચાંદી અને ડાયમંડ સામેલ હોવાનું સામે આવ્યું છે. કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • 12 May 2026 02:35 PM (IST)

    સુરતના ડીંડોલીમાં નવનિર્મિત બિલ્ડીંગ પરથી પટકાતા મહિલા કામદારનું મોત

    સુરતના ડીંડોલી વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી મહિલા કામદારનું દસમા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું છે. માહિતી મુજબ, પ્રયોશા જ્વેલ નામની બિલ્ડીંગમાં મહિલા રેતી ખાલી કરવાની કામગીરી કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં મહિલા સીધી દસમા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. ઘટનાસ્થળે કામદારો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો, જ્યાં સેફટી બેલ્ટ સહિતની કોઈપણ વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી. ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર અને બિલ્ડર સામે મજૂરોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. અકસ્માત બાદ ડીંડોલી પોલીસ મથક બહાર કામદારો અને પરિવારજનોએ હોબાળો મચાવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

  • 12 May 2026 02:25 PM (IST)

    રાજકોટ: રફતારના રાક્ષસે સર્જ્યો ગંભીર અકસ્માત

    રાજકોટ શહેરના હકુભા ચોક વિસ્તારમાં રફતારના રાક્ષસે ગંભીર અકસ્માત સર્જ્યો છે. બેફામ ઝડપે દોડતી કારના ચાલકે ટુવ્હીલર ચાલકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે ટુવ્હીલર ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો. અકસ્માત બાદ કાર પણ કાબૂ બહાર જઈ રસ્તા પરથી ઉતરી રોડની નીચે ખાબકી હતી. કારની જોરદાર અથડામણથી ટુવ્હીલરનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 12 May 2026 01:13 PM (IST)

    આસામમાં હિમંતા બિશ્વા શર્માએ CM પદના શપથ લીધા

    આસામમાં આજે નવી સરકારનો શપથ ગ્રહણ થયો. હિમંત બિસ્વા શર્મા સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી બન્યા. તેમણે સવારે 11:40 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હિમંતની સાથે ચાર ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. હિમંતના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.

  • 12 May 2026 12:36 PM (IST)

    NEET 2026ની પરીક્ષા થઇ રદ

    3 મે 2026ના રોજ લેવાયેલી NEET 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે. પેપરલીક મામલો સામે આવતા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરના અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે. જોકે વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કે નવું ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. NTA દ્વારા અગાઉ ભરાયેલી પરીક્ષા ફી પરત આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અંગે NTA ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. સમગ્ર પેપરલીક મામલાની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે.

  • 12 May 2026 11:31 AM (IST)

    અમદાવાદના નિકોલમાં આવેલા મોકા કેફેમાં ખોરાકમાં નીકળી ઈયળ

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ મોકા કેફેમાં આરોગ્ય સાથે ચેડાં થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ, એક ગ્રાહક દ્વારા ઓર્ડર કરાયેલા સિઝલર ખોરાકમાંથી ઈયળ નીકળતા હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ ગ્રાહક કેફેના કિચનમાં પહોંચતા ત્યાં ગંદકી અને અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી, સાથે જ કાળું પડી ગયેલું તેલ પણ મળ્યું હતું. ઘટનાને લઈને કેફે મેનેજરે બચાવ કરતા જણાવ્યું હતું કે તે દિવસે રજા હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. સમગ્ર મામલે લોકોમાં રોષ ફેલાયો છે અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 12 May 2026 10:40 AM (IST)

    રાજકોટના આજીડેમ ચોકડી પાસે આગની ઘટના, વેસ્ટ માલ બળીને ખાખ

    રાજકોટ શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનાના ખુલ્લા પટમાં પડેલા વેસ્ટ માલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કારખાનામાં રાખેલ વેસ્ટ સામગ્રી ઝડપથી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમયસર કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 12 May 2026 10:30 AM (IST)

    સુરત: માંડવીના કાકરાપાર ડેમમાં નાહવા પડેલાં 4 યુવક ડૂબ્યા

    સુરત જિલ્લાના માંડવી વિસ્તારમાં આવેલા કાકરાપાર ડેમમાં ગઈકાલે સાંજે ન્હાવા ગયેલા ચાર યુવકો ડૂબી જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. માહિતી મુજબ, એક યુવક પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે અન્ય ત્રણ યુવકો પણ પાણીમાં પડ્યા હતા, જેના કારણે ચારેય યુવકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈનો પતો લાગ્યો નથી.

  • 12 May 2026 08:38 AM (IST)

    વડોદરાના વડસરમાં દારૂના ગોડાઉન પર SMCનો દરોડો, લાખોનો મુદ્દામાલ જપ્ત

    વડોદરાના વડસર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના ગોડાઉન પર દરોડા પાડવામાં આવતા મોટો જથ્થો ઝડપાયો છે. દરોડા દરમિયાન વિદેશી દારૂની આશરે 35થી 40 પેટી જપ્ત કરવામાં આવી હતી. SMCએ સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે દરોડાની જાણ થતાં જ મુખ્ય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે, કારણ કે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને SMCએ સીધી કાર્યવાહી કરી હતી.

  • 12 May 2026 07:47 AM (IST)

    આજે આસામમાં નવી સરકારની શપથવિધિ, હિમંતા બિસ્વા શર્મા ફરી સંભાળશે CM પદ

    આજે આસામમાં નવી સરકારની શપથવિધિ યોજાવાની છે, જેમાં હિમંતા બિસ્વા શર્મા બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સવારે 11:40 કલાકે યોજાનારા આ ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. મુખ્યમંત્રી સાથે ચાર ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે. જેમાં રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિઓગનો સમાવેશ થાય છે. સમગ્ર રાજ્યમાં શપથવિધિને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 12 May 2026 07:46 AM (IST)

    જૂનાગઢઃ સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલાનો આપઘાત

    જૂનાગઢ શહેરમાં સ્પા સેન્ટરમાં કામ કરતી 36 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ મહિલા ઝાંઝરડા રોડ પર આવેલ એક સ્પા સેન્ટરમાં નોકરી કરતી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજી અકબંધ છે, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 12 May 2026 07:39 AM (IST)

    અમરેલીમાં સિંહણની પજવણીનો વીડિયો વાયરલ: બે આરોપીની ધરપકડ

    અમરેલી જિલ્લામાં સિંહણની પજવણીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાની ધારી ગામ નજીક કેટલાક શખ્સોએ સિંહણને શ્વાનની જેમ દોડાવતાં તેની પાછળ ક્રૂરતાપૂર્વક બાઈક દોડાવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મામલે શિવરાજ માંજરીયા અને રણજીત માંજરીયાની ધરપકડ કરવામાં આવી છે. ખાંભા કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

  • 12 May 2026 07:38 AM (IST)

    રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક: ખુલ્લી છરી સાથે મારામારીનો વીડિયો વાયરલ

    રાજકોટ શહેરમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા લુખ્ખા તત્વોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. મવડી મેઈન રોડ પર આવેલી એક ટી સ્ટોલ પાસે કેટલાક અસામાજિક તત્વોએ છૂટાહાથે મારામારી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મહિલાઓ સાથે પણ ધક્કામુક્કી અને મારામારી થતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, એક યુવાન ખુલ્લી છરી સાથે દાદાગીરી કરતા નજરે પડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 12 May 2026 07:26 AM (IST)

    ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી

    ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કાળઝાળ ગરમી લોકોના ભુક્કા બોલાવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે, જ્યારે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તીવ્ર ગરમી અને લૂના કારણે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા તેમજ પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

Published On - 7:25 am, Tue, 12 May 26

Follow Us