The liveblog has ended.
-
12 Mar 2026 07:35 PM (IST)
ભાભી સાથેના આડાસંબંધમાં માતા નડતરરૂપ હતી, દિકરા, પૂત્રવધુ અને વેવાઈએ હત્યા કરીને પોટલામાં બાંધી લાશ રસ્તામાં ફેકી દીધી
સુરતના અમરોલી H2 કોસાડ આવાસમાં હનુમાન મંદિર પાસેથી પોટલામાં બાંધેલ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તે કેસમાં પોલીસે એક મહિલા સહિત કુલ 3 જણાને ઝડપી પાડ્યા છે. સફાઈ કર્મચારી સફાઈ કરતા હતા તે સમયે તેમને આ પોટલું મળ્યું હતું. ત્યારબાદ તપાસ કરતા પોટલાની અંદરથી મહિલાનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ બાબતે અમરોલી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આ મહિલાનું નામ હમીદા ખાતુન નામની 55 વર્ષીય મહિલા ગુમ થયાની અરજી મોહંમદ પરવેઝ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં થઈ હતી. પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ કરી ત્યારે તેમના પર શંકા ગઈ હતી. મહિલાને જે દોરીથી બાંધવામાં આવ્યા હતા તે પ્રકારની બીજી દોરી પુત્રના ઘરમાં પણ હોવાનું સામે આવ્યું. આ બાબતે પોલીસે મહિલાના બને દીકરાઓની કડક પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસને જાણવા મળ્યું મોહંમદ પરવેઝ અને મોટા ભાઈની પત્ની શબાના દ્વારા મહિલાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. પરવેઝને તેના મોટાભાઈ વસીમની પત્ની એટલે ભાભી સબાના સાથે પ્રેમ સંબંધ હતો. શબાના સાથે તેમના સાસુ એટલે કે પરવેઝના માતા અવારનવાર ઝઘડો કરતા હતા.
આ ઉપરાંત આ પ્રેમ સંબંધ બાબતે પણ ઝઘડાઓ થતા હતા. ત્યારબાદ પરવેઝ અને શબાનાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેથી બિહારથી શબાનાએ તેના પિતા ફિરોઝ આલમને બોલાવ્યા. ત્યારબાદ દીકરા પુત્રવધુ અને પુત્રવધુના પિતાએ સાથે મળીને મહિલાની ગળું દબાવી હત્યા કરી. 10 તારીખે મહિલાની હત્યા કર્યા બાદ પુત્ર ફિરોજ દ્વારા મહિલાના મૃતદેહને એક દિવસ ઘરમાં રખાયો ત્યારબાદ હાથ પગ બાંધીને પોટલામાં ભરી નાખી દેવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ શબાનાનો પિતા ફિરોજ આલમ બિહાર ભાગી ગયો હતો.
જોકે પોલીસ આ ઘટનામાં ગણતરીના કલાકોમાં જ સબાના અને મહિલાના પુત્ર પરવેઝની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે બિહારના પટના રેલવે સ્ટેશનથી ફિરોઝની ધરપકડ સ્થાનિક પોલીસ સાથે મળી કરી.
-
12 Mar 2026 07:29 PM (IST)
હિંમતનગરના બેરણા ગામે વીજ ટ્રાન્સફોર્મરમાંથી તણખા ઉડતા ખેતરમાં લાગી આગ, ઘઉંનો પાક બળીને ખાક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણા ગામે ખેતરમાં આગ લાગી હતી. ઘઉંના તૈયાર પાકમાં આગ પ્રસરતા બળીને ખાખ થયો હતો. ઘઉંના ખેતર નજીક વીજ ટ્રાન્સફોર્મરમાંથી તણખલા ઝરતાં આગ પ્રસરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આગ પ્રસરતા ખેડૂતે તૈયાર પાક ગુમાવવાનો વારો આવ્યો. સ્થાનિક ખેડૂતોએ આગને ઓલવવા પ્રયાસ કર્યો હતો.
-
-
12 Mar 2026 07:17 PM (IST)
ઈરાન ઈઝરાયેલ યુદ્ધને પગલે, ઊંઝાના વેપારીઓના 200 થી 250 જેટલા કન્ટેનરો મધદરિયે અટવાયા
ઈરાન-ઈઝરાયેલ અમેરિકા યુદ્ધને કારણે ઊંઝાના અનેક વેપારીઓના કરોડો રૂપિયા અટવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈરાન ઈઝરાયેલ યુદ્ધને કારણે લગભગ 200 થી 250 જેટલા કન્ટેનરો રસ્તામાં જ અટવાઈ ગયા છે. વેપારીઓના અંદાજે 200 થી 300 કરોડ રૂપિયા અટવાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. શિપિંગ લાઇનના ભાડામાં મોટો વધારો થયો છે. જે ભાડું પહેલાં 1500 ડોલર હતું, તે અત્યારે 4500 થી 5000 ડોલર સુધી પહોંચી ગયું છે. કોઈ પણ કંપની અત્યારે શિપિંગ લાઇન માટે વીમો લેવા તૈયાર નથી. જેના કારણે નિકાસ અશક્ય બની રહી છે.
-
12 Mar 2026 06:10 PM (IST)
રાંધણ ગેસ માટે વલખા મારતી જનતાની વ્હારે ક્યારે આવશે સ્મૃતિ ઈરાની ? મહિલા કોંગ્રસ પ્રમુખનો ટોણો
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિમાં ગેસની અછતને લઈને દેશના પૂર્વ પ્રધાન સ્મૃતિ ઈરાનીને ટોણો માર્યો છે. રાંધણ ગેસના બાટલાનો ભાવ એક સમયે 450 ભાવ હતો ત્યારે સ્મૃતિ ઈરાની માથે ગેસનો બાટલો લઈને ફરતા હતા, અત્યારે જનતા રાંધણ ગેસ માટે ત્રસ્ત છે ત્યારે તેઓ ક્યાં છે ? તેવો સવાલ કર્યો હતો. પેટ્રોલ અને ગેસ માટે નાગરિકો વલખા મારી રહ્યા છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે તેમ દેશમાં થઈ રહ્યું છે. રાંધણગેસના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે અને બજેટ ખોરવાઇ ગયું છે. રેસ્ટોરન્ટ અને નાના ખાણીપીણી બજાર પર ખૂબ મોટી અસર થઈ છે. એજન્સી પર ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લાગે છે. ગેસ સિલિન્ડરના ભાવ વધતા પરત ખેંચવાની મહિલા કોંગ્રેસની માગ. ભાવ વધતો પરત ખેંચવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
-
12 Mar 2026 05:10 PM (IST)
ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં ખાનગી ઉત્પાદકો પાસેથી રૂપિયા 45933 કરોડની 1,01,161 મિલિયન યુનિટ વીજળી ખરીદી
વીજ ખરીદી માટે રાજ્ય સરકાર આજની તારીખે પણ ખાનગી ઉત્પાદક એકમો પર નિર્ભર છે. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં ખાનગી એકમો પાસેથી 1,01,161 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. વર્ષ 2024 માં 48808 અને વર્ષ 2025 માં 52353 યુનિટ વીજળી ખરીદી છે. જ્યારે વર્ષ 2024 માં ખરીદાયેલી વીજ અંગે સરેરાશ 4.61 જ્યારે 2025 માં 4.48 ભાવ ચૂકવવામાં આવ્યો છે. વર્ષ 2024 માં સરકારને વીજળી ખરીદવા 22,503 કરોડનો ખર્ચ થયો જ્યારે 2025 માં 23430 કરોડનો ખર્ચ થયો હતો.
-
12 Mar 2026 04:39 PM (IST)
મેરેજ બ્યુરો દ્વારા લગ્ન અને ત્યારબાદ છુટાછેડા માટે રૂપિયા પડાવવાનો કારસો, હિંમતનગરમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ-7 લોકોએ પોલીસનો કર્યો સંપર્ક
સાબરકાંઠાના હિંમતનગરમાં વધુ એક મેરેજ બ્યુરો દ્વારા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. હિંમતનગર પોલીસે ત્રીજી ફરિયાદ નોંધી છે. મેરેજ બ્યુરો સંચાલક સહિતની ટોળી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. વધુ એક યુવકને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા અને ત્યારબાદ છૂટાછેડા લેવા માટે પૈસા પડાવ્યા હતા. પહેલા લગ્ન કરાવી બાદમાં છૂટાછેડા કરવા દબાણ કરાવી છેતરપિંડી આચરી હતી. અનેક યુવકોને મેરેજ બ્યુરોના નામે જાળમાં ફસાવી નિશાન બનાવ્યા હોવાની વિગતો સામે આવી છે. હિંમતનગર પોલીસ સમક્ષ અત્યાર સુધીમાં સાત જેટલા પિડીતો સામે આવ્યા છે. ટોળકીએ લગ્નના નામે લાખો રુપિયા યુવાનો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની દીશામાં તપાસ હાથ ધરી છે.
-
12 Mar 2026 03:28 PM (IST)
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પણ PMJAY યોજનામાં ગેરરીતિની અનેક ફરિયાદ મળી હોવાની સરકારની કબૂલાત
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પણ , ગુજરાતમાં અનેક હોસ્પિટલોમાં PMJAY યોજનામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો મળી હોવાની સરકારે કબૂલાત કરી છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં PMJAY યોજનામાં ગેરરીતિની 24 હોસ્પિટલ સામે ફરિયાદ મળી હતી. સારવાર લેનાર વ્યક્તિ પાસે કાર્ડ હોવા છતાં, હોસ્પિટલ દ્વારા પૈસા વસૂલ્યા હોવાની ફરિયાદ સરકારને મળી છે. ફરિયાદ મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 24 હોસ્પિટલો સામે માર્ગદર્શિકાના સરેઆમ ભંગ બદલ નોટિસ ફટકારીને પગલાં લેવાની કાર્યવાહી કરાઈ છે. તમામ 24 હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી 36,84,369 નો દંડ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ પૂછેલા પ્રશ્નમાં, સરકારે ગુજરાત વિધાનસભામાં લેખિત આપ્યો જવાબ.
-
12 Mar 2026 03:25 PM (IST)
અમદાવાદ જિલ્લાની સરકારી શાળાના 360 બાળકોના હૃદય નબળા
અમદાવાદ જિલ્લાની સરકારી શાળાના 360 બાળકોના હૃદય નબળા હોવાની વિગતો વિધાનસભામાં જાહેર થવા પામી છે. સરકારી શાળાઓમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓના હ્રદયમાં ખામી હોવાની ચિંતાજનક વિગતો સામે આવી છે. 01.02.24 થી 31.01.25 માં 169 અને 01.02.2025 થી 31.01.2026 માં 191 બાળકોના હૃદય નબળા હોવાથી, તેમને યોગ્ય સારવાર અપાઈ છે. છેલ્લા 2 વર્ષમાં આરોગ્ય ચકાસણી બાદ અમદાવા જિલ્લાના 1,15,949 બાળકોને અપાઈ સારવાર. કેન્સર, કિડની, હૃદયરોગ, પેટની તકલીફ, કાન – નાક, ગળાની તકલીફ બદલ અપાઈ સારવાર. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન મામલે સરકારે આપ્યો લેખિત જવાબ.
-
12 Mar 2026 01:35 PM (IST)
માંગણીઓ પરની ચર્ચામાં પૂર્વમંત્રી કુંવરજી હળપતિનો ફિલ્મી અંદાજ
માંગણીઓ અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન પૂર્વમંત્રી કુંવરજી હળપતિએ ગૃહમાં ફિલ્મી અંદાજમાં પોતાની વાત રજૂ કરી. વિવિધ બોલીવુડ ફિલ્મોના ડાયલોગ અને શેર-ઓ-શાયરીના અંદાજમાં તેમણે માંગણીઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા ગૃહમાં રસપ્રદ માહોલ સર્જાયો હતો. વહેલી સવારે યોજાયેલી બેઠક દરમિયાન તેમના આ અનોખા અંદાજની અધ્યક્ષ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી.
-
12 Mar 2026 01:18 PM (IST)
સુરત: લિંબાયતમાં પતિએ કરી પત્નીની હત્યા
સુરતના લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. શરૂઆતમાં આરોપીએ ચક્કર આવી પડવાથી મોત થયું હોવાનું કહેીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃતકના ભાઈએ પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાનું જણાવતાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપીનો ભાંડો ફૂટ્યો અને તેણે હત્યા કર્યાની કબૂલાત આપી. વધુ તપાસમાં સામે આવ્યું કે હત્યા પહેલા આરોપીએ ગૂગલ પર શ્વાસ રૂંધવાથી કેટલા સમયમાં મોત થઈ શકે તેમજ ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે તેવી માહિતી પણ સર્ચ કરી હતી. 9 માર્ચે યુવતીનું મોત થયું હતું અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.
-
12 Mar 2026 01:16 PM (IST)
રાજકોટઃ ઘરેલુ ગેસનો ગેરકાયદે ઉપયોગ રોકવા ચેકિંગ
રાજકોટમાં ઘરેલુ ગેસનો ગેરકાયદે ઉપયોગ અટકાવવા માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા આ અભિયાન દરમિયાન કોમર્શિયલ એકમો દ્વારા ઘરેલુ ગેસનો ઉપયોગ થતો હોય તે અટકાવવા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાસ્ટફૂડની એક દુકાનમાંથી ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને અનધિકૃત રીતે ગેસ સિલિન્ડરનો ઉપયોગ ન કરવા સખત સૂચના આપવામાં આવી છે.
-
12 Mar 2026 01:00 PM (IST)
વલસાડ: પારડીમાં રખડતા ઢોરે લીધો એક વૃદ્ધનો જીવ
વલસાડના પારડીમાં રખડતા ઢોરના હુમલામાં એક વૃદ્ધનું મોત થયું છે. ઢોરે વૃદ્ધના છાતીના ભાગે શિંગડું મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રહેવાસીઓએ રખડતા ઢોરની સમસ્યાને લઈને તંત્ર સામે રજુઆત કરી છે અને આવા ઢોરોને ઝડપીને પાંજરે પુરવાની માંગ ઉઠાવી છે.
-
12 Mar 2026 10:45 AM (IST)
અમદાવાદમાં ઢોર પકડવા ગયેલા AMC કર્મચારીઓ પર હુમલો
અમદાવાદમાં ઢોર પકડવા ગયેલા AMCના કર્મચારીઓ પર હુમલો થયો છે. પાલનાધિકારીઓએ જણાવ્યું કે પશુઓ પકડવાના મુદ્દે કેટલાક માથાભારે શખ્સોએ કર્મચારીઓ પર હુમલો કર્યો અને અપશબ્દો બોલી સમગ્ર વિસ્તાર બાનમાં લઈ ગયા. ચાર શખ્સોએ કર્મચારી પર સીધો હુમલો કર્યો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી. પોલીસે ઘટનાનું CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી અને હુમલાખોર ચાર શખ્સો વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
12 Mar 2026 10:15 AM (IST)
મિડલ ઈસ્ટમાં સતત તેરમા દિવસે ભીષણ સંગ્રામ
મિડલ ઈસ્ટમાં 13મા દિવસે પણ સંગ્રામ યથાવત્ છે, જ્યાં ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર ઘાતક હુમલાઓ ચાલુ છે. આ હુમલાઓમાં ઈરાનમાં 19 હજારથી વધુ રહેણાંક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે, સાથે જ 77 હોસ્પિટલ અને 69 શાળાઓ પણ મોટાપાયે નષ્ટ થઇ ગઇ છે. અનેક વિસ્તારોમાં કાટમાળના ખડકલા છવાયા હોવાથી સ્થાનિક જનજીવન પર ગંભીર અસર પડી રહી છે.
-
12 Mar 2026 10:00 AM (IST)
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલા થતા ક્રુડના ભાવ ફરી વધ્યા
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થયેલા હુમલાઓના કારણે ક્રુડના ભાવમાં તબક્કાવાર વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ઓઈલના ભાવ 7 ટકા સુધી ઉચક્યા છે, જ્યારે બ્રેન્ટ ક્રુડ ફરી 100 ડોલરના નજીક પહોંચી ગયો છે. હાલમાં ક્રુડનો ભાવ 98.48 ડોલર નોંધાયો છે. જો હુમલા ચાલુ રહેતા રહેશે, તો ક્રુડના ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ જ્યોંતા તરીકે બતાવવામાં આવી રહી છે.
-
12 Mar 2026 09:48 AM (IST)
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે શેરબજારમાં ફરી મોટા કડાકા
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધતા ભારતીય શેરબજારમાં ફરીથી ભારે કડાકો પડ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી નીચે પડી ગયો, જ્યારે નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. આ સાથે જ, ઓઈલ ટેન્કર પર હુમલાના કારણે ક્રુડના ભાવમાં પણ વધારો થયો છે. વધેલા ક્રુડ ભાવના કારણે કંપનીઓના નફાના માર્જિન પર દબાણ પડશે અને નિકાસ ક્ષેત્રે ફટકો લાગવાથી તેઓને મોટા નુક્સાનની શક્યતા ઉભી થઈ છે.
-
12 Mar 2026 09:29 AM (IST)
ભરૂચઃ ક્રિકેટની રમતમાં મારામારી થતા કિશોરની હત્યા
ભરૂચમાં અંકલેશ્વરના અંદાડા ગામમાં ક્રિકેટ રમતા વખતે થયેલા ઝઘડામાં 17 વર્ષીય કિશોરીના મોત નીપજ્યા. ઝઘડો પાણી ઢોળવા મુદ્દે ઉદ્ભવ્યો હતો અને સાહિલ વસાવા અને નિલેશ વસાવા તેના સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, બંને આરોપીઓને ઝડપી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
-
12 Mar 2026 08:57 AM (IST)
મિડલ ઈસ્ટના યુદ્ધથી ગુજરાતમાં ગેસ સંકટ, શહેરોમાં લાંબી લાઈનો
મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘેરાયેલો ગેસ સંકટ લોકો માટે સમસ્યાનું કારણ બની ગયો છે. મેગા સિટી સહિત અનેક શહેરોમાં ગેસ સિલિન્ડર માટે લાંબા સમય સુધી કતારો લાગ્યા છે. અમદાવાદમાં 70 હજાર સિલિન્ડરની માંગ હોવા છતાં માત્ર 25 હજાર જ ઉપલબ્ધ થઈ શક્યા છે. સરકારી સર્વર પણ વધુ ડિમાન્ડને પહોંચી વળવા અસમર્થ રહી, જેના કારણે અનેક સ્થળે ઓનલાઇન બુકિંગ વ્યવસ્થા ઠપ પડી ગઈ છે. વડોદરા, અમદાવાદ, કલોલ અને બોટાદમાં લોકો સિલિન્ડર માટે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળ્યા છે. સરકારની ખાતરી હોવા છતાં, સામાન્ય જનતા અછત અને ભવિષ્યમાં વધારે તંગી પડવાની ચિંતા વ્યક્ત કરી રહી છે. આ પરિસ્થિતિથી ગૃહિણીઓ અને નાના વેપારીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે, જ્યારે શહેરોમાં ગેસ વિતરણનું યથાવત્ અસ્તવ્યસ્ત હાલત છે.
-
12 Mar 2026 08:26 AM (IST)
દિલ્લીઃ ઉત્તમ નગરમાં ભીષણ આગની ઘટના, ભીષણ આગમાં 400થી વધુ ઝૂંપડા બળીને થયા ખાખ
દિલ્લીના ઉત્તમ નગર વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજે 400થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયરના લગભગ 23 વાહનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે જોરશોરથી પ્રયાસો હાથ ધરાયા હતા.
-
12 Mar 2026 08:16 AM (IST)
યુદ્ધની સ્થિતિમાં શિપિંગ કંપનીઓના ભાડા વધ્યા
યુદ્ધ જેવી સ્થિતિને કારણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ પર ભારે અસર જોવા મળી રહી છે. અનેક શિપિંગ કંપનીઓએ ભાડામાં મોટો વધારો કર્યો છે, જેના કારણે વેપારીઓને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. ખાસ કરીને 40 ફુટના પ્રતિ કન્ટેનર દીઠ સરચાર્જમાં લગભગ 4.60 લાખ રૂપિયાનો કમરતોડ વધારો નોંધાયો છે. અગાઉ પ્રતિ કન્ટેનર લગભગ 2 હજાર ડોલર જેટલો ચાર્જ લેવાતો હતો, જે હવે વધીને અંદાજે 5 હજાર ડોલર સુધી પહોંચી ગયો છે. વધેલા ભાડાને કારણે આયાત-નિકાસ વેપાર તેમજ શિપિંગ ઉદ્યોગમાં ચિંતા અને અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
12 Mar 2026 08:01 AM (IST)
ગુજરાતના 64 ટકા વિસ્તારમાં હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના અંદાજે 64 ટકા વિસ્તારમાં હીટવેવની અસર નોંધાઈ છે. રાજકોટનું તાપમાન દેશમાં સૌથી વધુ નોંધાયું હતું, જ્યાં પારો 41.9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. દેશના સૌથી ગરમ 10 શહેરોમાંથી 8 શહેરો ગુજરાતના હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત દીવમાં ગરમીનો 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું જણાવાયું છે. જોકે ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે 14 માર્ચથી ગરમીનું જોર ધીમે ધીમે ઘટશે અને તાપમાનમાં લગભગ 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી બે દિવસ સુધી ગરમીનું વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે.
-
12 Mar 2026 07:57 AM (IST)
ઓમાનમાં તેલ ડેપો પર ઇરાનની ભીષણ ડ્રોન સ્ટ્રાઇક
ઇરાન દ્વારા ઓમાનના સાલાલાહ બંદર નજીક આવેલા તેલ ડેપો પર ભીષણ ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ઇરાન દ્વારા મોકલાયેલા અનેક ડ્રોનમાંથી બે ડ્રોન ઇંધણ ભરેલા ટેન્કર સાથે અથડાતા ભારે વિસ્ફોટ થયો અને ભીષણ આગ લાગી હતી. ઘટનાના પગલે સમગ્ર તેલ ડેપોનું ઓપરેશન તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. આ હુમલા બાદ વૈશ્વિક ઊર્જા અને શિપિંગ બજારોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
-
12 Mar 2026 07:57 AM (IST)
પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર જીવલેણ હુમલો
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર લગ્ન સમારોહ દરમિયાન જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. એક હુમલાખોરે અચાનક ફાયરિંગ કર્યું હતું, જેના કારણે કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ. સદભાગ્યે ફાયરિંગ દરમિયાન ફારૂક અબ્દુલ્લા માંડ માંડ બચી ગયા અને તેમને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી. ઘટનાના સમયે જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરિંદર ચૌધરી પણ સ્થળ પર હાજર હતા. સુરક્ષાકર્મીઓએ તરત જ કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર શખ્સને પકડી પાડ્યો હતો. હુમલાખોરનું નામ કમલ જામવાલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
-
12 Mar 2026 07:43 AM (IST)
ગુજરાતમાં રાંધણ ગેસની અછતને કારણે હાલાકી, અનેક શહેરોમાં ગ્રાહકોની લાંબી કતાર
ઇરાન યુદ્ધની અસર હવે ગુજરાત સુધી આવી ગઇ છે. રાજ્યમાં તેલની અછતના કારણે સ્થિતિ વણસી રહી છે.અલગ અલગ શહેરોમાં એક સમાન હાલત જોવા મળી રહી છે. રાંધણ ગેસ એજન્સી બહાર લાઇન જોવા મળી રહી છે. વડોદરાથી લઇને સુરત અને અમદાવાદથી લઇને ભાવનગર સુધી અને જામનગર સુધી હાલ ગેસના બોટલની બબાલ જોવા મળી રહી છે. જો કે દહેશત છે કે ગેસની બોટલ મળશે નહીં. ગેસની અછત મુદ્દે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઇ છે…ગેસની અછતને દૂર કરવાની કોશિશ થઇ રહી છે. અફવા ફેલાવતા લોકો સામે પણ કાર્યવાહી થઇ રહી છે. કાળ બજારીઓ સામે પણ કડક કાર્યવાહી થશે. સરકારનો દાવો છે કે હાલ ગેસની કોઇ અછત નથી. સરકાર ગેસના ઉપ્તાદન વધારવાની કોશિશ કરી રહી છે.