
આજે 12 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જન્માષ્ટમીના તહેવાર ટાણે જ ઓખા સુદર્શન બ્રિજ ખાતે કલેકટરના જાહેરનામાનો ભંગ. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષી તારીખ 12 થી 19 સુધી સુદર્શન બ્રિજ ઉપર ભારે વાહનો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાણે ઓખા પોલીસ કલેકટરના જાહેરનામાનો પાલન ના કરાવતી હોય તેવો તહેવાર ટાણે ઘાટ સર્જાયો છે. આજરોજ સુદર્શન બ્રિજ ઉપર અનેક મોટા વાહનો પસાર થયા હોવાના વીડિયો સામે આવ્યા છે. જેમાં બસ જેવા અનેક વાહનો પસાર થઈ પાર્કિંગમાં જોવા મળ્યા હતા.
અમદાવાદના એલિસબ્રિજના ઓરિએન્ટ ક્લબમાં થયેલ મારામારીના કેસમાં એલિસબ્રીજ પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. ક્લબમાં એન્ટ્રી કરવા બાબતે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે થઈ હતી માથાકૂટ. બંને પક્ષ તરફે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે ફરિયાદ. ભદ્રેશ શાહની મેમ્બરશિપ રદ કરાતા થઈ હતી માથાકૂટ.
મુંબઈના બોરીવલીમાં દર વર્ષે નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક ગરબા ગવરાવતી હોય છે. પરંતુ આ વર્ષે હવે ગીતા રબારી ગવડાવશે ગરબા. ગીતા રબારી બોરીવલીમાં હિંદી, ગુજરાતી અને મરાઠી ગીત ઉપર ગવડાવશે ગરબા. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન ગીતા રબારીએ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમ રજૂ કર્યો હતો. ગુજરાત સહીત ગીતા રબારી વિદેશમાં પણ ગરબા માટે લોકપ્રિય છે. ગીતા રબારીએ મહારાષ્ટ્રમાં ગરબા માટે જે સમય મર્યાદા છે તે વધારવા માટે રજૂઆત કરી છે.
ઇન્દોર-અમદાવાદ હાઈવે નજીક કઠલાલ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત, બે લોકોના મોત થયા છે. આઈસર ટ્રકે સીએનજી રિક્ષાને ટક્કર મારતા અંદર બેઠેલા બે જણાના મોત થયા છે. સેવાલિયાથી કઠલાલના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલી સીએનજી રિક્ષાને ખોખરવાડા નજીક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર બે લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ કઠલાલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કઠલાલની સરકારી હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે શિવરંજનીમાં હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ મેથીપાક ચખાડ્યો. નહેરુનગર ખાતે રવિવારે રાત્રે કાર ચાલકે એક્ટિવાને અડફેટે લઈને બે વ્યક્તિને મોતને ઘાટ ઊતાર્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક નાસી છુટ્યો હતો. જો કે સોમવારે બપોર બાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. હિટ એન્ન રન કેસના આરોપી રાહુલ સોનીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ પરિસરમાં આરોપીને, ઉશ્કેરાયેલા લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસની હાજરીમાં જ લોકોએ આરોપીને માર માર્યો હતો.
અમદાવાદના એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અશાંત ધારાને લઈને પત્ર લખ્યો છે. આ પત્રમાં અમિત શાહે એવો આક્ષેપ કર્યો છે કે, પાલડી વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ કરીને, પ્લાન પાસ કર્યા વગર મુસ્લિોમાં દ્વારા બાંધકામ થઈ રહ્યું છે. મુસ્લિમ સમાજના કેટલાક પૈસાદાર લોકો દ્વારા મકાનો ખરીદી કરવામાં આવી રહ્યા છે. એ લોકો પાલડી ને જમાલપુર કે જુહાપુરા બનાવવાનું પ્લાનિંગ શરૂ કર્યું છે. સિદ્ધગીરી ફ્લેટ નાં 104 મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે. અહી આવી ગયેલાને હટાવવા માટે, ભગાવવા માટે કલેકટર અને કમિશનરને આ બાંધકામ તોડવા માટે રજૂઆત કરી છે. આશ્રમ રોડનો પટ્ટો કબ્જે કરવાની કોશિશ કરી રહ્યા છે જે અમે નહિ થવા દઇએ તેમ પણ અમિત શાહે જણાવ્યું છે.
ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌંભાડ આશંકાને લઇ દંડ કરવામાં આવ્યો છે. શહેરની ખાનગી HCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90,205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. PMJAY યોજના અંતર્ગત 2 દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ 6,000 અને 19,000 નું મની ચાર્જ વસૂલવામાં આવ્યું છે. તેમજ હોસ્પિટલના કેસનું એનાલિસિસ કરાતા 39 કેસોમાં અપ કોડિંગ જોવા મળેલ છે. આ સાથે જ હોસ્પિટલમાં ઉપલબ્ધ રેડીએશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવા થી તારીખ 11- 7- 2023 થી 21- 5- 2024 દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલ રેડિયેશનાં કુલ 996 કેસોમાંથી 443 કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલ હતા તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં જેને લઈને હોસ્પિટલ દ્વારા પેનલ્ટીની રકમ કરવામાં આવી ન હોય માટે તારીખ 29- 7 ના રોજ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
તાલાલા સાસણ રોડ લોક કલાકાર દેવાયત ખવડ પર માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના યુવકને તાલાલાના ચિત્રાડ ગીર ગામ નજીકના વિસ્તારમાં માર મારવાનો કિસ્સો નોંધાયો છે. ખવડ અને તેની સાથેના માણસોએ માર માર્યાના આરોપ સાથે પીડિત યુવક તલાલા હોસ્પિટલ દાખલ થયા બાદ તેને જૂનાગઢ ખાતે રિફર કરાયો. છે. પોલીસમાં પીડિત યુવકે ફરિયાદ માટે અરજી કરી. જો કે હજુ સુધી ફરિયાદ દાખલ નથી થઈ. ગીરમાં આવેલા યુવકે સ્ટેટ્સ મૂક્યા બાદ ખવડ અને તેના મિત્રો અમદાવાદથી અહીં આવ્યા હોવાનું મનાય રહ્યું છે. પીડિત યુવકની રેકી કરાઈ હોવાની પણ આશંકા છે.
ગુજરાત યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. ગુજરાત યુનિવર્સિટીના કર્તાહર્તાઓએ અંધજન મંડળ પાસેનુ એક ગ્રાઉન્ડ ખાનગી કંપનીને પધરાવી દીધુ હતું. વિવાદ વધતા યુનિવર્સિટીએ, ભાડે આપેલ ગ્રાઉન્ડ પરત લઈ લીધું. ભાડે આપેલ જગ્યામાં કોઇપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કામ કરવાનું ના હતું. આમ છતા, રાધે એન્ટરપ્રાઇઝે ભાડે મેળવેલ જગ્યા પર ફૂડ કોર્ટ માટે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું હતું. રેન્ટ એગ્રીમેન્ટ રદ્દ કરવા મામલે ગુજરાત યુનિ. ના કુલપતિ ડૉ નિરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સમગ્ર ઘટનાનો બચાવ કરતા હોય તે પ્રકારે કહ્યું કે, કામ શરૂ થયાનું ધ્યાને આવતા ગ્રાઉન્ડ ભાડે આપવાનું રદ કરી દેવાયું છે. અગાઉ EC બેઠકમાં નિર્ણય કરાયો હતો કે ટેન્ડર પ્રક્રિયા કરી કોઈને જગ્યા આપવી નહીં. અગાઉ આ જગ્યા તિબેટીયન માર્કેટ અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટને અપાઈ હતી. યુનિવર્સિટીની માલિકી હોય ત્યારે ગ્રાઉન્ડ ભાડે આપવામાં ટેન્ડર પ્રક્રિયા હોતી નથી.
ભરૂચમાં સ્યુસાઈડ પોઇન્ટ બની ચૂકેલા નર્મદા નદી પરના બ્રિજના બન્ને તરફના છેડા બાજુ નેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા નદી પરના બ્રિજ પરથી અત્યાર સુધીમાં 40 લોકોએ મોતની છલાગ લગાવી છે. આથી રૂ.1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ નેટ લગાવાશે. નેટ લગાવવાની કામગીરી આગામી 10 દિવસ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે, પાર તાપી સંઘર્ષ સમિતિની મિટિંગમાં કહ્યું કે, સાંસદ ધવલ પટેલ તો જુઠાલાલ છે. યોજના નથી બનવાની તેમ કહીને લોકોને ભરમાવે છે. અનંત પટેલે સાંસદ ધવલ પટેલને ડિબેટ માટે પડકાર ફેક્યો હતો. અનંત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી પાર તાપી સંઘર્ષ સમિતિની મિટિંગમાં મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. આવનારી 14 ઓગસ્ટના રોજ ધરમપૂર ખાતે મળનારી સભાની તૈયારી માટે ચિકાર ગામે મળી હતી મિટિંગ. આ બેઠકમાં એવો સૂર વ્યક્ત કરાયો હતો કે, અમે એક ઇંચ જમીન પણ આપવાના નથી.
રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હાર્દિકસિંહ કેરળ રાજ્યના કોચીમાં છુપાયો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ કેરળથી ધરપકડ કરી ગુજરાત લાવી,
પેટ્રોલ પંપ પર ફાયરિંગ બાદ હાર્દિકસિંહ ફરાર થયો હતો. હાર્દિકસિંહ જાડેજા વિરૂદ્ધ 12 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. પેરોલ જમ્પ કર્યા બાદ ફાયરીંગનો ગુનો આચરી ફરાર હતો. હાર્દિકસિંહે વીડિયો વાયરલ કરી ફાયરિંગની જવાબદારી લીધી હતી.
કચ્છના માંડવી શહેરમાં જાહેર રસ્તા પર ગેરકાયદે રીતે નોનવેજ વેચાણના વિરોધમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો. સનાતન હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે રાત્રે તથા જાહેર સ્થળોએ નિયમ વિરુદ્ધ નોનવેજનું વેચાણ થાય છે, જેના કારણે હિંદુ સમુદાયમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. અનેક વખત પાલિકા પાસે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આક્રોશની લાગણી સાથે વેપારીઓએ સ્વયંભૂ પોતાની લારીઓ, ગલ્લાઓ અને દુકાનો બંધ રાખી બંધમાં સહભાગીતા નોંધાવી હતી. શાંતિપૂર્ણ બંધ દરમિયાન શહેરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ન્યૂડ કોલ કરીને મહિલાઓને હેરાન કરતી નરાધમ આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. આ આરોપી પંજાબનો રહેવાસી ગુરજીત સિંઘ છે, જેને ભરૂચ પોલીસે પંજાબમાંથી ધરપકડ કરી છે. ગુરજીત સિંઘે નશાની હાલતમાં રેન્ડમ નમ્બરો પર ન્યૂડ વીડિયો કોલ કર્યા હતા અને ખાસ કરીને આંગણવાડી મહિલાઓને ટાર્ગેટ કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે ગુરજીતે દેશભરમાં 1500થી વધુ ન્યૂડ કોલ કર્યા છે, જયારે માત્ર ભરૂચમાં જ તેણે 100થી વધુ વખત આવી હરકતો કરી હતી. આરોપી પોર્નોગ્રાફીની લતનો શિકાર છે અને નશો કરીને આ વિક્ષિપ્ત કારસ્તાન કરતો હોવાનું સામે આવ્યું છે. ભરૂચ પોલીસે આરોપીને ઝડપી લઈને જેલમાં ધકેલ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
દિલ્લી: જસ્ટિસ વર્મા કેશ કાંડ મામલે 3 સભ્યોની ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટના જજનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીમાં એક કાયદાના જાણકારનો પણ સમાવેશ કરાયો. જસ્ટિસ વર્મા મામલે લોકસભા સ્પીકરએ નિવેદન આપ્યું. આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી હોવાનું સ્પીકરે જણાવ્યુ. સાથે જ જણાવ્યુ કે ઘરમાંથી મળી આવેલા સળગેલા નોટની તપાસ જરૂરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં માહિતી આપતા કહ્યુ કે 31 જુલાઈએ જસ્ટિસ વર્માને હટાવવાનો પ્રસ્તાવ મળ્યો હતો.
વલસાડના પારનેરા ડુંગર પર આવેલા મંદિરોમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. શ્રાવણ મહિનામાં જ આ ચોરીની ઘટના બનતાં ભક્તોમાં આક્રોશ છે. તસ્કરોએ શિવ મંદિર, અંબિકા મંદિર, નવરદુર્ગા માતાના મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો મંદિરનો દરવાજો તોડીને પ્રવેશ્યા હતા. પોલીસથી બચવા માટે તસ્કરોએ..ચોરી કરતા પહેલા મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો પણ કાપી નાખ્યા હતા. મંદિરમાંથી ચાંદીના સિંહાસન અને ચાંદીના મુગટો સહિત અંદાજે ૧૨ કિલો ચાંદીની ચોરી થઈ હોવાનું અનુમાન છે.
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે રેલવે સ્ટેશન રોડ પર નાલંદા સ્કૂલ નજીક એક નશામાં ધૂત કારચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે નિયંત્રણ ગુમાવીને બે કાર, બે મોપેડ અને એક જીપને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક વિદ્યાર્થિની સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. કારની અંદરથી દેશી દારૂની પોટલી મળી આવી છે અને કારચાલક નશાની સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપીને અટકાયત હેઠળ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યોજાયેલા એક સેમિનારમાં માણસાના રાજવી અને ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર વચ્ચે સ્ટેજ ઉપર તુ-તુ-મેં-મેં થઈ હતી. વિદ્યાર્થીઓ માટે આયોજિત ઇતિહાસ વિષયક સેમિનારમાં જયરાજસિંહ પરમારે ક્ષત્રિયોના ઇતિહાસ વિશે ચર્ચા કરતી વખતે અંગ્રેજોની ગુલામીનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન માણસા રાજવીને તેમના નિવેદનમાં ખોટો ઇતિહાસ બતાવાતો લાગ્યો અને તેઓએ સ્ટેજ પર જ તેનો વિરોધ નોંધાવ્યો. રાજવીે જયરાજસિંહ પર ખોટો ઇતિહાસ બોલીને વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાના આક્ષેપ કર્યા હતા અને તેમને રોકડું પરખાવી દીધા હતા. સમગ્ર ઘટનાએ કાર્યક્રમમાં હાજર લોકોને અચંબિત કરી દીધા હતા, જ્યારે સેમિનારમાં અણપેક્ષિત બોલાચાલી સર્જાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના હાજીપુર ગામમાં એક યુવાનનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના માથા, ગળા અને મોઢા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે તેની પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે મૃતક વણાગલા ગામનો રહેવાસી હતો. ખેતરમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ બનાવને હત્યાનો બનાવ માનીને આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગી તે સમયે ગોડાઉનમાં પ્લાસ્ટિક સહિતના જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ. એક ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવે એ પહેલા આગએ પંથ ફેરવીને એક પછી એક 12 ગોડાઉનને ઘેરી લીધા હતા. ઘટનાની જાણ થતાં વાપી ફાયર બ્રિગેડની છ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આખરીએ લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અંગે કડક અને ક્યારેક નરમ વલણ અપનાવી રહ્યા છે. ટ્રમ્પે હવે ચીન પર લાદવામાં આવેલ ટેરિફ સસ્પેન્શન 90 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.
કેદારનાથ યાત્રા 3 દિવસ માટે અટકાવાઈ છે. રુદ્રપ્રયાગ જિલ્લા તંત્રએ હંગામી ધોરણે યાત્રા અટકાવી. હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. હાઈએલર્ટ પર તંત્ર, શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. શ્રદ્ધાળું અને સ્થાનિકો માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરાઈ. 12, 13 અને 14 ઓગસ્ટે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ સેવન્થ બ્લીસ ફ્લેટમાં એક હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે, જ્યાં પાંચ વર્ષિય દર્શુલ પટેલ નામના નિર્દોષ બાળકનું અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જવાથી કરૂણ મોત થયું છે. ઘટનાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે ફ્લેટની અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું નીચે પડી જતાં ટાંકી ખુલ્લી રહી ગઈ હતી. રહીશોએ આ મામલે અગાઉથી બિલ્ડર આઈડલ ગ્રુપને અનેક વખત લેખિત અને મૌખિક રીતે ફરિયાદ કરી હતી, તેમ છતાં બિલ્ડર તરફથી કોઈપણ પ્રકારની પગલાં લેવામાં નહીં આવતાં આ દુર્ઘટનાને જાણે આમંત્રણ મળ્યું. ઘટનાથી ગણતરીની મિનિટો પહેલાં જ રહીશોએ ટાંકીના ખુલ્લા ઢાંકણાની તસવીરો ગ્રુપમાં શેર કરી હતી અને જવાબદારોને સૂચિત કર્યા હતા, પરંતુ તે સૂચનાઓની અવગણના થઈ.
Published On - 7:35 am, Tue, 12 August 25