દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે યુટ્યૂબર ધ્રુવ રાઠીની ગુરુગ્રામથી અટકાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મળતી વિગતો મુજબ, ધ્રુવ રાઠી CJPના વિરોધ પ્રદર્શનમાં પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. સવારે 7:48 વાગ્યે તેમની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, તેમની અટકાયત પાછળનું ચોક્કસ કારણ અને પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો અંગે વધુ માહિતી સામે આવવાની બાકી છે.
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પહેલાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હીના કનોટ પ્લેસ સહિતના વિવિધ વિસ્તારોમાં અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. જંતરમંતર વિસ્તારમાંથી પણ કેટલાક પ્રદર્શનકારીઓને પોલીસે અટકાયતમાં લીધા છે. મળતી માહિતી મુજબ, પોલીસે 500થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. CJPના વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, જેને પગલે સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને શહેરના દરેક ઝોનમાં ડિટેન્શન સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. જોકે, દિલ્હી પોલીસે CJPના પ્રદર્શનને મંજૂરી આપી નથી. સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મોટા પ્રમાણમાં પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આશરે 38 હજાર પોલીસ જવાનો ઉપરાંત CAPFની 221, CRPFની 85, ITBPની 7, SSBની 10 અને RAFની 7 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ગાઝીપુર, ચિલ્લા, ટિકરી અને બદપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જ્યારે દિલ્હી-યુપી બોર્ડર પર BSFની ટીમ પણ તૈનાત કરાઈ છે. સુરક્ષાના ભાગરૂપે દિલ્હીને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને વિવિધ બોર્ડરો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
જામનગરમાં નૂરી ચોકડી નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કારની ટક્કર લાગતાં બીજી કાર બસ સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમેરિકી કંપની સ્ટારલિંકને ભારતમાં લાઇસન્સ ન મળવાના મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. આ મામલે સ્ટારલિંકના માલિક એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુકેશ અંબાણીને નિશાન બનાવી કટાક્ષભરી પોસ્ટ કરી છે. મસ્કે વ્યંગાત્મક અંદાજમાં મુકેશ અંબાણીને ‘પ્રધાનમંત્રી અંબાણીજી’ કહી સંબોધ્યા હતા. તેમણે પોસ્ટમાં લખ્યું કે, “પ્રધાનમંત્રી અંબાણીજી, કૃપા કરીને મારી ભૂલ માફ કરી દો. મને ખબર છે કે તમે ભારતના અસલી માલિક છો.” આ સાથે મસ્કે સવાલ કર્યો કે, “શું તમે હજી પણ સ્ટારલિંકને ભારતમાં સ્પર્ધા કરવાની મંજૂરી આપવા અંગે વિચારશો?” મસ્કની આ પોસ્ટ બાદ ભારતમાં સ્ટારલિંકને લાઇસન્સ આપવાના મુદ્દે અને ટેલિકોમ ક્ષેત્રમાં સ્પર્ધાને લઈને ચર્ચા તેજ બની છે.
10 ઓક્ટોબરે દિલ્હીમાં આયોજિત વિરોધ પ્રદર્શન માટે પોલીસ સતર્ક છે. આશરે 7,000 લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. સુરક્ષા કડક કરવામાં આવી રહી છે, અને પોલીસ અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
આજે 10 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:43 am, Sat, 10 October 26