10 ડિસેમ્બરના મહત્વના સમાચાર : 341 સગીરાઓ ગર્ભવતી! મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા

આજે 10 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

10 ડિસેમ્બરના મહત્વના સમાચાર : 341 સગીરાઓ ગર્ભવતી! મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા
| Edited By: | Updated on: Dec 10, 2025 | 8:59 PM

આજે 10 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Dec 2025 08:35 PM (IST)

    ગૌતમ અદાણી 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

    દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ₹12 લાખ કરોડ સુધીનું રોકાણ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

  • 10 Dec 2025 08:08 PM (IST)

    2 ચાર માળની ઇમારતો ધરાશાયી! 19 લોકો માર્યા ગયા અને 16 થી વધુ લોકો ઘાયલ

    બુધવારે મોરોક્કોના ફેઝ શહેરમાં 2 ચાર માળની ઇમારતો ધરાશાયી થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હતા અને 16 થી વધુ લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓનું કહેવું છે કે, ઇમારતોનું લાંબા સમયથી સમારકામ કરવામાં આવ્યું ન હતું.


  • 10 Dec 2025 07:48 PM (IST)

    કચ્છમાં ડિમોલિશન! ગાંધીધામ વિસ્તારમાં મંદિર, ચબુતરા સહિતના દબાણ હટાવાયા

    કચ્છમાં ગાંધીધામ મનપા હદ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. આદિપુરમાં મનપાએ તમામ અનધિકૃત દબાણો હટાવ્યા છે. ઘોડા ચોકી વિસ્તારમાં મંદિર અને ચબુતરા સહિતના દબાણો પણ હટાવવામાં આવ્યા છે. મનપા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

  • 10 Dec 2025 07:25 PM (IST)

    ચાંદીના ભાવમાં તેજીનો તોખાર! આ ધાતુની કિંમત હજુ કેટલી વધશે?

    સોનાના ભાવ તો આકાશને આંબી જ રહ્યા છે પરંતુ હવે ચાંદીના ભાવમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. ટૂંક જ સમયમાં ચાંદી 2 લાખ રૂપિયાને પાર કરી શકે છે અને એવી પણ ભવિષ્યવાણી છે કે, આગામી મહિનાઓમાં ચાંદીનો ભાવ 3 લાખને પર પણ જઇ શકે છે.

  • 10 Dec 2025 07:03 PM (IST)

    શિયાળાની સિઝનમાં ઠંડી ગાયબ! રાજ્યમાં કડકડતી ઠંડી માટે હજુ કેટલી રાહ જોવી પડશે?

    રાજ્યમાં શિયાળાની સિઝન તો શરૂ થઇ ગઈ છે પરંતુ ઠંડી હજુ જોવે એવી જોવા મળી રહી નથી. હવામાન વિભાગના અનુસાર, કડકડતી ઠંડી માટે હજુ એક સપ્તાહ રાહ જોવી પડશે. હવામાન વિભાગના અધિકારીઓના મતે, આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યનું તાપમાન સુકું રહેશે અને વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 14 ડિગ્રી રહેશે, જ્યારે 10 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળ્યું છે.

  • 10 Dec 2025 06:45 PM (IST)

    ઈન્ડિગોના સંકટ વચ્ચે મહત્વના સમાચાર

    ઈન્ડિગો પર ઊભેલા સંકટ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે, 13 ડિસેમ્બરથી ઈન્ડિગોની સ્થિતિ સામાન્ય થશે. ઓથોરિટીએ મદદ માટે હેલ્પલાઈન નંબર (9409303371) પણ જાહેર કર્યો છે.

    રાજકોટ એરપોર્ટ પરથી 3 થી 10 ડિસેમ્બર દરમિયાન કુલ 29 ફ્લાઈટ રદ થઈ હતી, જેના પરિણામે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. DGCA ના નિયમો લાગુ થતા ઈન્ડિગોની મુશ્કેલીઓ વધુ વધી ગઈ હતી પરંતુ હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવાની છે.

  • 10 Dec 2025 06:29 PM (IST)

    341 સગીરાઓ ગર્ભવતી! મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા

    મહેસાણા જિલ્લામાં સગીર વયની કિશોરીઓ ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 341 સગીરાઓ ગર્ભવતી થઈ હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે. આમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 કિશોરીઓનો સમાવેશ થાય છે.

    સૌથી વધુ કેસ કડીમાં 88 અને મહેસાણામાં 80 નોંધાયા છે. 13 થી 17 વર્ષની નાની ઉંમરે ગર્ભધારણના આ કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. આરોગ્ય વિભાગ દ્વારા આ સગીરાના સ્વાસ્થ્ય માટેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

  • 10 Dec 2025 06:15 PM (IST)

    લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા

    લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી SIR વિશે જુઠ્ઠાણા ફેલાવી રહી છે. તેમણે કહ્યું કે મતદાર યાદી સુધારા ચૂંટણી પંચની જવાબદારી છે.

  • 10 Dec 2025 05:41 PM (IST)

    અમદાવાદનો વધુ એક  બ્રિજ જર્જરીત, તિરાડો પડી હોવાનું સામે આવ્યું

    અમદાવાદનો વધુ એક  બ્રિજ જર્જરીત થયો છે. આ બ્રિજ પર તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે. નેશનલ હાઇવે 8 પરના મહાત્મા ગાંધી બ્રિજ (કેડિલા) ની જર્જરીત હાલત છે. 5 મહિના પહેલાં થયેલા ઇન્સ્પેક્શનમાં પણ બ્રિજ જર્જરીત હોવાનું સામે આવ્યું હતું. બ્રિજના સ્પાન વચ્ચે મસમોટી તિરાડોમાંથી રેલવેના પાટા દેખાય છે. અગાઉ પણ ટીવી9 દ્વારા પ્રસારિત કરાયો હતો અહેવાલ. દરરોજ હજારો વાહનો આ જર્જરીત બ્રિજ પરથી કરે છે અવરજવર.

  • 10 Dec 2025 04:41 PM (IST)

    સુરતની રાજ ટેક્ષટાઈલ માર્કેટની આગ હજુ પણ બેકાબૂ, ફાયર બ્રિગેડના 3 કર્મચારી દાઝ્યા

    સુરતની રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ હજુ પણ કાબૂમાં આવી નથી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવાઈ રહ્યો હોવા છતા આગ હજી પણ બેકાબૂ છે. આગને કાબૂમાં લેવાની કામગીરી કરતા ત્રણ કર્મચારીઓ દાઝયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભીષણ આગ પર કાબુ મેળવવા માટે, અત્યાર સુધીમાં 15 લાખ લીટર પાણીનો ઉપયોગ કરાયો છે.  સવારે આઠ વાગ્યાની આસપાસ ફાયરને આગનો કોલ મળ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. ટોપ ફ્લોરની નીચેના ત્રીજા માળે લાગેલી આગ ઉપર સુધી પ્રસરી છે. ફાયર વિભાગનો મોટો કાફલો હજી પણ આગ પર કાબુ મેળવવા ઉઠાવી રહ્યો છે જહેમત

  • 10 Dec 2025 04:17 PM (IST)

    વડોદરાના અંકોડિયા ગામે અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો અજાણી યુવતીનો મૃતદેહ

    વડોદરાના અંકોડિયા ગામે અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો અજાણી યુવતીનો મૃતદેહ. 24 થી 25 વર્ષની અજાણી યુવતીનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તાલુકા પોલીસને જાણ થતા જ ઘટના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચ્યા.  યુવતીની હત્યા કે આત્મહત્યા તે રહસ્ય  રહ્યું છે અકબંધ, પોલીસે જગ્યાને કોર્ડન કરી મૃતદેહ પી એમ માટે ખસેડ્યો છે. પોલીસે આ યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તેને લઈને તપાસ હાથ ધરી છે.

  • 10 Dec 2025 03:30 PM (IST)

    લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરી મુલાકાત

    લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સંસદભવન સ્થિત, વડાપ્રધાનના કાર્યાલયમાં, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

  • 10 Dec 2025 03:18 PM (IST)

    ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષપદે નિમણૂક

    ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીની ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

  • 10 Dec 2025 03:00 PM (IST)

    ભાવનગરથી આચરવામાં આવેલા રૂપિયા 1,01,90,000 ના સાયબર ફ્રોડના ગુન્હામાં અમદાવાદના એક વ્યક્તિની ધરપકડ

    ભાવનગરમાં આચરવામાં આવેલા રૂપિયા 1,01,90000 ના સાયબર ફ્રોડના ગુન્હામાં વધુ એક શખ્સની કરવામાં આવી ધરપકડ. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે 29 વર્ષીય અમદાવાદના યુવકની ધરપકડ કરી છે. અજય પટેલ નામના વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી હતી ફ્રોડની ફરીયાદ. સેબીનું બનાવટી સર્ટીફીકેટ મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સ્ટોક માર્કેટમાં પ્રોફિટ કરાવી આપવાની લાલચ આપી કરવામાં આવ્યું હતું ફ્રોડ. આ કેસમાં અગાઉ 3 શખ્સોની કરી છે ધરપકડ અત્યાર સુધીમાં 4 આરોપી ઝડપાયા છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા દિપક પટેલની કરવામાં આવી ધરપકડ. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

  • 10 Dec 2025 02:56 PM (IST)

    અનેક ગુનામાં સંડોવાયેલ બોટાદનો કુખ્યાત આરોપી સિરાજ ઉર્ફે શિરો ઝડપાયો

    બોટાદના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ખૂંખાર આરોપી સિરાજ ઉર્ફે શિરો હુસેન ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ખંડણી માગવાના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડી ગુનાના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. બોટાદમાં પાંચ લાખની ખંડણી માંગવાના આરોપસર, આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. આરોપી વિરુદ્ધ કુલ 39 જેટલા ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા હતા,  તેમાં ગુજસીટોક જેવા ગંભીર ગુના પણ સામેલ છે. જામીન પર મુક્ત થયા પછી બોટાદમાં ફરી ગુના આચરતો હોવાને કારણે આ આરોપીની ધરપકડ કરી હતી. આજ ઘટના અંગે રી કન્સ્ટ્રક્શનમાં આરોપીએ ગુનાને કઈ રીતે અંજામ આપ્યો અને ક્યા વાહનનો ઉપયોગ કરી ફરાર થયો તેની જાણકારી મેળવવામાં આવી. આ ખૂંખાર આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના જામીન રદ થાય અને તેને જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું ડીવાયએસપીએ જણાવ્યું હતું.

  • 10 Dec 2025 01:42 PM (IST)

    અમદાવાદઃ કોર્પોરેટરના પુત્ર સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ

    અમદાવાદમાં કોર્પોરેટરના પુત્ર સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે. બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમના પુત્ર સામે ગુનો નોંધાયો છે. વટવામાં કરોડોની જમીન ખોટી રીતે નામે કરી લીવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

  • 10 Dec 2025 12:45 PM (IST)

    માઉન્ટ આબુ: તાપમાનનો પારો ગગડ્યો, મેદાની વિસ્તારમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું

    માઉન્ટ આબુ ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ માટે શિમલા-મનાલી સમાન છે. ત્યારે ડિસેમ્બરની ઠંડીમાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. મહત્વનું છે કે મેદાની વિસ્તારોમાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે.., ત્યારે પ્રવાસીઓએ આબુમાં ચાની ચુસ્કી સાથે ઠંડીની મજા માણી.. નક્કી લેક સહિતના પર્યટક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો…

  • 10 Dec 2025 11:46 AM (IST)

    ભાગેડુ મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, ભારત લાવવાનો માર્ગ મોકળો થયો

    ભાગેડુ મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે.  કોર્ટે પ્રત્યાર્પણને પડકારતી અરજી ફગાવી છે. મેહુલ ચોક્સી સામે 13 હજાર કરોડના બેંક કૌભાંડનો આરોપ છે.  કોર્ટે અરજી ફગાવતા મેહુલ ચોક્સીને ભારત લાવવાનો માર્ગ મોકળો છે.

    બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે ભારત પ્રત્યાર્પણને પડકારતી તેની અપીલ ફગાવી દીધી છે. ચોક્સી કથિત 13 હજાર કરોડના પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ફરાર છે. કોર્ટના આ ચુકાદા બાદ ચોક્સીને ટૂંક સમયમાં ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.

  • 10 Dec 2025 11:02 AM (IST)

    વડોદરા : કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત

    વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓના મોત થયા છે.  યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.  ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બંને બાઈક સવાર રોડ પર પટકાયા હતા. ત્યારે બાજુમાંથી જતા ટ્રકના પૈડા નીચે બંને આવી જતા મોત થયું હતું. જો કે કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • 10 Dec 2025 10:42 AM (IST)

    USA વિઝાને લઈને ભારતમાં અમેરિકન કોન્સ્યુલેટની સત્તાવાર જાહેરાત, એપોઈન્મેન્ટ તારીખોમાં કરાયો ફેરફાર

    ભારતમાં અમેરિકન કોન્સ્યુલેટે એકસ પર પોસ્ટ કરી જણાવ્યું કે આ અથવા આગામી સપ્તાહની વિઝા અરજદારોની વિઝા એપોઈન્ટમેન્ટ તારીખોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અને તેને ફરીથી માર્ચના અંત સુધીમાં શેડ્યૂલ કરવામાં આવી છે. જેના કારણે ફરવા જવા માગતા લોકો તથા કામના હેતુથી જવા માગતા લોકોનો પ્રવાસમાં અડચણ આવી રહી છે. વિઝા એપોઈન્ટમેન્ટની તારીખોમાં ફેરફારથી વિઝા અરજદારોમાં વ્યાપક મૂંઝવણ ઊભી થઈ છે.તો એમ્બસી દ્વારા ઘણી H-1B અને H-4 એપોઈન્ટમેન્ટ પણ રદ કરવામાં આવી. કામનું ભારણ અને સોશિયલ મીડિયામાં અરજદારની પ્રોફાઈલ ચેક કરવા માટે તારીખોમાં ફેરફાર કરાયો હોવાની શક્યતા છે. સાથે ઉમેર્યુ કે મિશન ઈન્ડિયા તમારી નવી એપોઈન્ટમેન્ટ તારીખમાં તમને મદદ કરવા તૈયાર છે. પરંતુ જે અરજદારો પોતાની અગાઉની શેડ્યૂલ કરેલી તારીખે અમેરિકી દૂતાવાસ પહોંચશે તો તેમને પ્રવેશ નહીં આપવામાં આવે

  • 10 Dec 2025 10:19 AM (IST)

    રાજસ્થાન: ખાટૂશ્યામ દર્શનાર્થે જતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત

    રાજસ્થાન: ગુજરાતના શ્રદ્ધાળુઓને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત 3 લોકોના મોત નિપજ્યાં છે. ઘાયલ 28 લોકો સારવાર હેઠળ, 7 લોકોની હાલત વધુ ગંભીર છે.  ફતેહપુર શેખાવટીમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તમામ શ્રદ્ધાળુઓ વલસાડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ખાટૂશ્યામ દર્શનાર્થે જતા સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત થયો છે.

  • 10 Dec 2025 10:00 AM (IST)

    સુરતઃ ટેક્ષટાઈલ માર્કેટમાં 9માં માળે લાગી આગ, 15 ગાડી ઘટના સ્થળે

    સુરતમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. સુરતમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે. આગ લાગતા 15થી વધુ ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે.

  • 10 Dec 2025 09:54 AM (IST)

    દાહોદ: એક જ પરિવારના 5 ભાઈઓના મકાનમાં આગ, 4 બકરીના મોત

    દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈઓના મકાનમાં આગ લાગી છે. સીંગવડ તાલુકાના બારેલા ગામમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે એક લાઈનમાં આવેલા 5 મકાનમાં એકાએક આગ ભડકી હતી.  સમયસર તમામ પરિવારજનો બહાર નીકળી જતા આબાદ બચાવ કરવામાં આવ્યો છે.  મકાનમાં બાંધેલા ચાર બકરા આગની ઝપેટમાં આવતા મોત થયા છે.

  • 10 Dec 2025 09:50 AM (IST)

    મહારાષ્ટ્ર: સમૃદ્ધિ હાઈવે પર જોખમી બમ્પને કારણે ભયાનક અકસ્માત

    મહારાષ્ટ્રના સમૃદ્ધિ હાઈવે પર જોખમી બમ્પને કારણે ભયાનક અકસ્માત સર્જાયો છે.  કાર સ્પીડ બમ્પથી હવામાં ઉછળીને ડિવાઈડર સાથે અથડાતા આગ લાગી હતી. ગણતરીના સેકેન્ડોમાં જ કારમાં ભીષણ આગ લાગી હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારીક બચાવ થયો છે.  લહુકી જંકશન પર કર્માડ તરફ જતા દરમિયાન કારને અકસ્માત નડ્યો છે. કારચાલકને બમ્પનો અંદાજ ન આવતા ડિવાઈડર સાથે અથડાઈ કાર હતી.  કારમાં અચાનક આગ લાગતા સમયસર મુસાફરો નીચે ઉતરી ગયા હતા.

  • 10 Dec 2025 09:21 AM (IST)

    ગોવાના નાઈટ ક્લબમાં આગ મામલે ક્લબના એક માલિકની ધરપકડ

    ગોવાના નાઈટ ક્લબમાં આગ મામલે ક્લબના એક માલિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અજય ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ક્લબના 4 માલિકો પૈકી એક અજય ગુપ્તાની દિલ્લીથી ધરપકડ કરવામાં આવી છે.  ક્લબના 2 માલિકો સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરાની શોધખોળ હાથ ધરી છે.  ફરાર આરોપીઓ સામે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.  ગોવાના નાઈટ ક્લબમાં આગમાં 25 લોકોના મોત થયા હતા.

  • 10 Dec 2025 09:07 AM (IST)

    ઈન્ડિગો સંકટ બાદ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ઈન્ડિગોની ઉડાનની સંખ્યામાં 10% ઘટાડાના કેન્દ્ર સરકારના આદેશ

    ઈન્ડિગો સંકટ બાદ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી
    ઈન્ડિગોની ઉડાનની સંખ્યામાં 10% ઘટાડાના કેન્દ્ર સરકારના આદેશ
    રિફંડ અને પ્રવાસીઓનો સામાન ઝડપી પહોંચાડવાનો કડક આદેશ
    DGCA ઈન્ડિગોને 8 ડિસે. મોકલેલ નોટિસની સમીક્ષા કરી
    મંત્રાલયે નોંધ્યું કે ઈન્ડિગો એરલાઈન્સ મોટાપાયે ફ્લાઈટ કેન્સલેશનને સંભાળી ન શકી
    રિપોર્ટમાં જણાવાયું કે એરલાઈન્સ વિમાન અને પાયલોટ ક્રૂની યોગ્ય વ્યવસ્થા ન કરી શકી
    સરકારે આદેશ આપ્યા કે ઈન્ડિગોના શિયાળુ શિડ્યુલમાં 10% ઘટાડો કરાય

  • 10 Dec 2025 08:45 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

    આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળી સહિતની જણસની ખરીદીની સમીક્ષા થશે.  તેમજ રાજ્યમાં ખાતરની અછત અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે . રાહત પેકેજ માટે થયેલી અરજીઓની પણ સમીક્ષા કરાશે. અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો અંગે માહિતી રજૂ કરવામાં આવશે.

  • 10 Dec 2025 08:12 AM (IST)

    ઈરાકમાં ભારે વરસાદથી તબાહી, 2 લોકોના મોત

    ઈરાકમાં ભારે વરસાદથી તબાહી મચી છે. કુર્દિસ્તાન વિસ્તારમાં પડેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. પૂરને કારણે બે લોકોના મોત થયા છે. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો સમગ્ર મધ્ય-પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 10 Dec 2025 07:57 AM (IST)

    ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મોટી દુર્ઘટના, 7 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ

    ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જકાર્તામાં 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા 22 લોકોના મોત થયા છે. જે મૃતકોમાં 15 મહિલા અને 5 પુરૂષોનો સમાવેશ થયો છે.

Published On - 7:55 am, Wed, 10 December 25