09 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : નેપાળમાં લાદવામાં આવ્યું લશ્કરી શાસન

આજે 09 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

09 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : નેપાળમાં લાદવામાં આવ્યું લશ્કરી શાસન
| Edited By: | Updated on: Sep 09, 2025 | 10:23 PM

આજે 09 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Sep 2025 10:10 PM (IST)

    નેપાળમાં લાદવામાં આવ્યું લશ્કરી શાસન

    નેપાળના સૈન્યના વડા અશોક રાજ સિગ્ડેલે કહ્યું કે, આર્મી નેપાળની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નેપાળી લોકોની સલામતી માટે પ્રતિબદ્ધ છે. અમે નેપાળમાં ચાલુ ચળવળ દરમિયાન જીવન અને સંપત્તિના ના ભરવા યોગ્ય નુકસાન અંગે ઊંડુ દુંઃખ વ્યક્ત કરીએ છીએ. તેમણે જાહેરાત કરી કે દેશમાં આજે રાત્રીથી લશ્કરી શાસન લાદવામાં આવશે.

  • 09 Sep 2025 10:04 PM (IST)

    નેપાળમાં ફસાયા 80 થી 90 ગુજરાતી પ્રવાસી, ભારતીય દૂતાવાસના 2 ટેલિફોન નંબર જાહેર

    નેપાળમાં અંદાજે 80 થી 90 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે. આ અંગેની જાણ થતા જ મુખ્ય પ્રધાન  ભુપેન્દ્ર પટેલે  પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સીએમ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં રહ્યાં છે. વિદેશ વિભાગ તેમજ નેપાલ સ્થિત ભારતીય એમ્બેસી સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે. હાલ તમામ ગુજરાતીઓ સલામત સ્થળે હોવાનુ સામે આવ્યું છે.

    સી એમ ભપેન્દ્ર પટેલે આ અંગે સોશિયલ મીડિયા પર આપી માહિતી શેર કરી હતી.

    હાલ નેપાળમાં સ્થિત ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

    ‪+977 – 980 860 2881‬

    ‪+977 – 981 032 6134‬

     

     

     


  • 09 Sep 2025 09:30 PM (IST)

    વાવના તીર્થગામ આવેલ જેટકોના સબ સ્ટેશનમાં ભરાયા પાણી, 20 થી વધુ ગામનો વીજ પુરવઠો ખોરવાયો

    બનાસકાંઠામાં પડેલા અતિભારે વરસાદને પગલે, વાવના તીર્થગામ આવેલ જેટકોના સબ સ્ટેશન પાણી ભરાઈ ગયા છે. સબ સ્ટેશનમાં પાણી ભરાયુ હોવાથી,  20 થી વધુ ગામનો વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે જેટકોના અધિકારીઓ સહિત 35 થી વધુ કર્મચારીઓ કરી રહ્યા કામગીરી. તીર્થગામમાં આવેલ વિધુત વિભાગના સબ સ્ટેશનમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાયા છે.

  • 09 Sep 2025 09:26 PM (IST)

    મોડાસા પોલીસ સ્ટાફની ગાડીને અકસ્માત, પોલીસ સ્ટાફના 4 જણાનો આબાદ બચાવ

    મહીસાગરમાં મોડાસા પોલીસ સ્ટાફની ગાડીને અકસ્માત નડ્યો હતો. જો કે સદનસીબે પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે. પોલીસ સ્ટાફની ગાડી ડીવાઈડર કૂદીને સામેની સાઇડમાં પલટી મારી ગઈ હતી. લુણાવાડા શામળાજી રોડ પર બ્રેઝા કારને અકસ્માત નડ્યો હતો. પોલીસ સ્ટાફના 4 જણાનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ ઇજાગ્રસ્તોને નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા.

  • 09 Sep 2025 09:22 PM (IST)

    અપ્રમાણસરની મિલકત મળી આવતા ACB એ  AMCના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસરની કરી ધરપકડ

    અમદાવાદના પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગના અધિકારીની અપ્રમાણસરની મિલકત મળી આવતા ACB એ ધરપકડ કરી છે. AMC પૂર્વ ઝોન માં વર્ગ-2ની કક્ષામાં આવતા  આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર, કેતનકુમાર રામીની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કેતન રામીની આવક કરતા 30.45 ટકા વધુ સંપત્તિ મળી આવી છે. વર્ષ 2012 થી 2019 સુધીમાં 67 લાખની અપ્રમાણસર મિલકત વસાવી હતી. ACB ટીમે આસિ. એસ્ટેટ ઓફિસર કેતનકુમાર રામી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. અગાઉ પણ AMC ના અધિકારી રાજેશ ભોજકની અપ્રમાણસર મિલકત કેસમાં થઇ છે ધરપકડ.

  • 09 Sep 2025 09:19 PM (IST)

    પાટણ જિલ્લામાં અલગ અલગ ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી 5ના મોત, 4ની શોધખોળ ચાલુ

    પાટણ જિલ્લામાં અલગ અલગ ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી 5ના મોત થયા છે. જ્યારે હજુ પણ 4 લોકોની શોધખોળ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ડૂબી જવાની કુલ 4 ઘટના બની છે. જેમાં 5 લોકોના મોત થયા છે. જો કે, આ 4 ઘટનામાં હજુ પણ 4 લોકોને શોધવાની કામગીરી ચાલુ છે. સિધ્ધપુરમાં 3 ના મોત થયા છે તો સાંતલપુરના નળિયામાં ડૂબવાથી 2 ના મોત થયા છે.

     

     

  • 09 Sep 2025 07:32 PM (IST)

    સીપી રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

    સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા. તે જ સમયે, બી સુરદાસન રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો. રેડ્ડીને 300 મત મળ્યા.

  • 09 Sep 2025 06:47 PM (IST)

    નેપાળમાં આંદોલનકારીઓએ રાજકીય પક્ષના કાર્યાલયમાં ચાંપી આગ

    બુટવાલના સુખા નગરમાં સ્થિત CPN-UMLના લુમ્બિની રાજ્ય પક્ષ કાર્યાલયને વિરોધીઓએ આગ ચાંપી દીધી.

  • 09 Sep 2025 06:45 PM (IST)

    નેપાળના પૂર્વ પીએમના પત્ની રાજલક્ષ્મીનું દાઝી જવાથી મોત

    GEN-Z વિરોધીઓએ, નેપાળના પૂર્વ પીએમ ઝાલનાથના ઘરને આગ ચાંપી દીધી છે, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મીનું દાઝી જવાથી મૃત્યુ થયું છે.

  • 09 Sep 2025 06:33 PM (IST)

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ થઈ છે. પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આજે 768 સાંસદોએ મતદાન કર્યું, જ્યારે 13 સાંસદ ગેરહાજર રહ્યા, જેમાં BRS, BJD, SADના સાંસદ અને અન્યનો સમાવેશ થાય છે.

    • કુલ સાંસદ મતદારની સંખ્યા – 788
    • ખાલી જગ્યા – 7
    • અસરકારક મતદારોની સંખ્યા – 781
    • 768 સાંસદોએ મતદાન કર્યું
    • 13 ગેરહાજર રહ્યા
    • 427 NDA સાંસદોએ મતદાન કર્યું
  • 09 Sep 2025 06:19 PM (IST)

    બાલેન્દ્ર શાહે GEN-Zને ઘરે પાછા ફરવા કરી અપીલ

    કાઠમંડુના મેયર અને વિરોધ પ્રદર્શનના નેતા બાલેન્દ્ર શાહે તેમની ફેસબુક પોસ્ટ દ્વારા જનરેશન-ઝેડને શાંતિ જાળવી રાખવા અને ઘરે પાછા ફરવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, “GEN-Z, દેશ તમારા હાથમાં છે. તમે તેનું નિર્માણ કરશો. હવે તમે ઘરે પાછા જાઓ.”

  • 09 Sep 2025 06:07 PM (IST)

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, ટૂંક સમયમાં શરૂ થશે મતગણતરી

    ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન સાંજે 5ના ટકોરે પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં મત ગણતરી શરૂ થશે.

  • 09 Sep 2025 06:04 PM (IST)

    નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પટેલે આપ્યું રાજીનામું

    નેપાળમાં ફાટી નીકળેલ હિંસક આંદોલનની આગ રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી ગઈ છે. નેપાળના વડાપ્રધાન બાદ હવે, નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પટેલે પણ રાજીનામું આપી દીધું છે. વિરોધીઓએ તેમના ઘરને આગ લગાવી દીધી છે.

  • 09 Sep 2025 05:58 PM (IST)

    ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ વિધાન સભામાં સર્વાનુમતે પસાર

    ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ વિધાન સભામાં સર્વાનુમતે પસાર થયો. ગૃહ ના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્તાવ વિધાન સભામાં રજૂ કર્યો હતો. ગુજરાત વિધાનસભાનું આ પવિત્ર સદન – ગુજરાતની જનતાની આશા, અપેક્ષા અને ઇચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હિંદની સેનાના પરાક્રમ અને દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાના દ્રઢ સંકલ્પ એવા ઓપરેશન સિંદૂરને વધાવવાનું, બિરદાવવાનું ઉન્નત કામ આજના આ પ્રસ્તાવ થકી ગૃહે કર્યું છે. આ ગૃહના નેતા, આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું આ પ્રસ્તાવ રજૂ કરવા બદલ ધન્યવાદ પાઠવું છું, તેમનો આભાર વ્યક્ત કરું છું.

  • 09 Sep 2025 05:56 PM (IST)

    ભાભરથી સુઈગામ 16 કિલોમીટર સુધીનો સમગ્ર વિસ્તાર કેડસમા પાણીમાં ગરકાવ

    ભાભરથી સુઈગામ 16 કિલોમીટરના માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સમગ્ર માર્ગ અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળે છે. ભાભરથી સુઈગામ વચ્ચે ચારે તરફનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. અનેક મકાનો પણ પાણીમાં છે અનેક ગામડાઓ પણ પાણીમાં છે અને લોકોની મુશ્કેલીઓનો પાર નથી. સુઈગામની તમામ સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ થઈ છે. છેલ્લા ચાર દિવસથી લાઈટ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી. સુઈગામ વિસ્તારના તમામ રસ્તા તેમજ ખેતરોમા  કેડ સમા પાણી ભરાયેલા છે.

  • 09 Sep 2025 05:02 PM (IST)

    સુઈગામમાં 300 પશુઓના મોત, ખેતરોમાં ઊભો પાક પાણીમાં ડૂબ્યો

    બનાસકાંઠાના સુઈગામમાં આકાશી આફતથી 300 થી વધુ પશુઓના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વાવ, થરાદ, સુઈગામ અને ભાભર પંથકમાં એક લાખ 98 હજાર હેક્ટરમાં કરેલો વાવેતર મોટાભાગે પાણીમાં ડૂબી જવા પામ્યું છે. વરસાદી પાણીથી અનેક પશુઓ તણાયા છે. એકલા સુઈગામમાં 300 પશુઓના મોત થયા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને મહેનત મજૂરીથી વાવેતર કરેલો પાક પાણીમાં નષ્ટ થયો છે. સરહદ વિસ્તારમાં પાકને મોટા પાયે નુકસાન અને પશુઓની મોટાપાયે ખુવારી થઈ છે. કુદરતનો કહેર પરંતુ સરકાર પાસે રાહત અને મદદની અપેક્ષા છે. હજુ પાણી ઓસર્યા બાદ સુઈ ગામની સ્થિતિ સ્પષ્ટ અને ભયાનક થશે. અનેક પશુઓના મોત પામવાથી અને અનેક મકાનો અનેક ખેતરો અનેક દુકાનો અને ધંધા રોજગાર પર પડેલી કુદરતી આફતે સુઈગામને બરબાદ કર્યું.

    સુઈગામ, ભાભર, વાવ અને થરાદમાં પશુઓના મોત થયા હોવાનું પશુ પાલન વિભાગે સ્વીકાર્યું છે. 300 લોકોની ટીમ પશુઓના સર્વે અને સારવાર માટે લાગી છે. પાણી ઓસરે અને સ્થિતિ સામાન્ય થશે ત્યારે પશુ મોતની વધુ ખબર પડશે.  ખેતીવાડી વિભાગે કહ્યું સુઈ ગામમાં વાવમાં થરાદમાં પાકને મોટાભાગે નુકસાન. સરકારના આદેશ બાદ અને પાણીઓસર્યા બાદ પાક નુકસાની નો સર્વે થશે.

  • 09 Sep 2025 04:32 PM (IST)

    નેપાળમાં હિંસા પર ઉતરી આવેલા આંદોલનકારીઓએ કાઠમંડુ એરપોર્ટમાં આગ લગાવી

    ઓલીના રાજીનામા પછી પણ નેપાળમાં વિરોધ પ્રદર્શનો અટકી રહ્યા નથી. અહેવાલો અનુસાર, વિરોધીઓએ કાઠમંડુ એરપોર્ટ પર પણ આગ લગાવી દીધી છે. જોકે, સેના વિરોધીઓને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

  • 09 Sep 2025 03:57 PM (IST)

    ઓલીના રાજીનામા બાદ બાલેન્દ્ર શાહે GEN- Zને કરી અપીલ – જુલમીએ રાજીનામું આપ્યું – સંયમ રાખો

    કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહે ફેસબુક પર વડા પ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામામાં જનરેશન ઝેડ વિરોધીઓની ભૂમિકા સ્વીકારી છે. મેયર શાહે પોતાની પોસ્ટમાં લખ્યું, “અમે સ્પષ્ટપણે કહ્યું છે કે, આ સંપૂર્ણપણે જનરેશન ઝેડ આંદોલન છે. પ્રિય જનરેશન ઝેડ, તમારા જુલમીએ રાજીનામું આપી દીધું છે. સંયમ રાખવાનો સમય આવી ગયો છે.”

  • 09 Sep 2025 03:55 PM (IST)

    નેપાળ સૈન્ય દ્વારા પ્રધાનોને સલામત સ્થળોએ લઈ જવાઈ રહ્યાં છે

    કાઠમંડુ પોસ્ટ અનુસાર, આંદોલનકારીઓ દ્વારા નેપાળ સરકારના મંત્રીઓના નિવાસસ્થાનો પર હુમલો કરવામાં આવ્યા બાદ, નેપાળ સેનાએ હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંસદ ભવનની સુરક્ષા માટે સૈનિકોને પણ તહેનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓને લશ્કરી બેરેકમાં ખસેડવામાં આવ્યા છે.

  • 09 Sep 2025 03:52 PM (IST)

    સામખિયાળી ટોલ પ્લાઝા નજીક LPG ટેન્કરમાંથી ગેસ લીક, અફરાતફરીનો માહોલ સર્જાયો

    કચ્છના સામખિયાળી ટોલ પ્લાઝા નજીક LPG ટેન્કરમાંથી ગેસ લીક થયો છે. ટેન્કરમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસનુ ટેન્કર કંડલાથી ઉત્તરપ્રદેશ લઈ જવાતુ હતું. રસ્તાની વચ્ચે કોઈ કારણોસર ગેસ  લીકેજ થયો. ભચાઉ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ટેન્કર વાલ બંધ કરીને પ્રેશર ગેજ 100 સુધી લઈ આવામાં આવ્યું હતું.

  • 09 Sep 2025 03:44 PM (IST)

    નેપાળ આર્મી ચીફની અપીલ

    નેપાળ આર્મી ચીફે જનરેશન-ઝેડને સંયમ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાનનું રાજીનામું સ્વીકારાઈ ગયું હોવાથી, વિરોધ પ્રદર્શનો દ્વારા જાનમાલનું નુકસાન ટાળવા માટે દરેકને સંયમ રાખવાની અપીલ કરવામાં આવે છે.

  • 09 Sep 2025 03:42 PM (IST)

    કાઠમંડુના મેયરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવાની માંગ

    કેપી ઓલીના રાજીનામા બાદ, કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવાની માંગ થઈ રહી છે. અહેવાલો અનુસાર, બાલેન્દ્ર શાહે વિરોધીઓનું નેતૃત્વ કર્યું છે.

  • 09 Sep 2025 03:40 PM (IST)

    કેશોદ, પોરબંદર, ભાવનગરનું એરપોર્ટનું વિસ્તરણ કરાશે, દ્વારકા અને દાહોદમાં નવા બનાવાશે

    રાજ્યમાં ત્રણ એરપોર્ટનું કામ પ્રગતિ હેઠળ તેમજ બે નવા બનાવવાનું આયોજન છે. કેશોદ, પોરબંદર, ભાવનગરનું એરપોર્ટનું વિસ્તરણ કાર્ય પ્રગતિમાં હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. દ્વારકા અને દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું છે. કેશોદ એરપોર્ટ વિસ્તરણ માટે 205 એકર સરકારી અને ખાનગી જમીન એરપોર્ટ ઓથોરિટીને અપાઈ છે. દ્વારકા અને દાહોદમાં નવા એરપોર્ટ માટે જમીન મેળવાની કામગીરી પ્રગતિમાં છે. પોરબંદર અને ભાવનગર એરપોર્ટ વિસ્તરણ માટેની વધારાની જમીન મેળવવા કામગીરી ચાલી રહી છે.

  • 09 Sep 2025 02:50 PM (IST)

    કેપી ઓલીનું રાજીનામું અમારા માટે વિજય સમાન – પ્રદર્શનકારી

    કાઠમંડુમાં એક પ્રદર્શનકારીએ કહ્યું, “અમારા દેશ માટે ખૂબ જ સારી વાત છે કે નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. હવે યુવાનો આગળ આવશે અને દેશના વિકાસમાં યોગદાન આપશે.”

  • 09 Sep 2025 02:48 PM (IST)

    ભારત-નેપાળ સરહદ હાઇ એલર્ટ પર

    નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભારત-નેપાળ સરહદ પર આવેલ પાણીટાંકી વિસ્તાર હાઇ એલર્ટ પર છે. એસપી પ્રવીણ પ્રકાશે જણાવ્યું હતું કે, “અહીં એક પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે અને વધારાનુ પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. અમે એલર્ટ પર છીએ અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.”

  • 09 Sep 2025 02:37 PM (IST)

    નેપાળ: પ્રદર્શનકારીઓએ નેપાળની સંસદ સળગાવી

    નેપાળ: પ્રદર્શનકારીઓએ નેપાળની સંસદ સળગાવી. પ્રદર્શનકારીઓએ સંસદને આગને હવાલે કરી. સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. નેપાળની સંસદ ભવન પર પ્રદર્શનકારીઓએ કબજો જમાવી લીધો છે. સંસદની અંદર ગોળીબારના અવાજ આવી રહ્યા છે.

  • 09 Sep 2025 02:23 PM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં ઓપરેશન સિંદૂરની સફળતા પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં ઓપરેશન સિંદૂરની સફળતા પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો. તેમણે કહ્યુ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નહીં, ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું પ્રતીક છે, જે આતંકવાદીઓને જડથી નાબૂદ કરે છે. પેહલગામમાં નિર્દોષોની હત્યાને લઈને સર્જાયેલ અરાજકતાને વડાપ્રધાન મોદીએ કડક સૈન્ય કાર્યવાહીથી અટકાવ્યો. આ ઓપરેશન દ્વારા દેશમાં શાંતિ અને સુરક્ષા મજબૂત થઇ છે.

  • 09 Sep 2025 02:05 PM (IST)

    અમદાવાદઃ એસ. જી. હાઈવે પર નિર્માણાધિન બ્રિજની એંગલ તૂટી પડતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

    અમદાવાદના એસ. જી. હાઈવે પર આજે સવારે નિર્માણાધીન બ્રિજનો એંગલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ. એંગલ તૂટી પડતા રોડ પરથી પસાર થઈ રહેલા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના સમયે તૂટેલો એંગલ હજી પણ લટકતી હાલતમાં છે, જેના કારણે અત્રે ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં બ્રિજ બનાવતી કંપનીના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.

  • 09 Sep 2025 01:23 PM (IST)

    રાજ્યમાં મહિલા ઔદ્યોગિક તાલીમ મંડળી લઇને ઉઠ્યો ગૃહમાં પ્રશ્ન

    રાજ્યમાં મહિલા ઔદ્યોગિક તાલીમ મંડળી અંગે ગૃહમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરીએ ગૃહમાં પૂછ્યું કે રાજ્યમાં કેટલી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે અને તેમાં કેટલી બેઠકો મંજૂર કરવામાં આવી છે. ઉદ્યોગમંત્રીએ ગૃહમાં જવાબ આપતા જણાવ્યું કે હાલમાં રાજ્યમાં કુલ 25 મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓમાં કુલ 8600 જેટલી બેઠકો મંજૂર કરવામાં આવી છે.

  • 09 Sep 2025 12:48 PM (IST)

    નેપાળ હિંસા: વિરોધીઓએ વિદેશ મંત્રીના ઘરને આગ લગાવી

    નેપાળમાં વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે. ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ વિદેશ મંત્રી આરજુના ઘરને આગ લગાવી દીધી છે. કૈલાલીના ધનગઢીમાં સ્થિત વિદેશ મંત્રી ડૉ. આરજુ રાણા દેઉબાના ઘરને આગ લગાવવામાં આવી છે.

  • 09 Sep 2025 12:45 PM (IST)

    પોરબંદર-જૂનાગઢના ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં સવાલ ઉઠાવ્યો

    પોરબંદર-જૂનાગઢના ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં સવાલ ઉઠાવ્યો હતો, જેના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઘેડ વિસ્તારમાં પૂર નિયંત્રણ અને જળ સંચય માટે કુલ ₹1534.09 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. પોરબંદર જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારના કામો માટે ₹703.04 કરોડ, જૂનાગઢના સોરઠી ઘેડ માટે ₹481.04 કરોડ અને પોરબંદર-દ્વારકાના બરડા તથા રાવલ ઘેડ વિસ્તાર માટે ₹350.01 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.રાજ્ય સરકાર આ યોજના ત્રણ તબક્કામાં અમલમાં મૂકશે. ફેઝ-1 હેઠળ ₹139.74 કરોડની વહીવટી મંજૂરી મેળવી ઘેડ વિસ્તારમાં 17 કામો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાંથી 1 કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 6 કામો પ્રગતિ પામ્યા છે અને 60% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીના 10 કામો ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે. ફેઝ-2 હેઠળ ₹1394.36 કરોડના કામો વહીવટી મંજૂરીના અગ્રિમ તબક્કામાં છે. ફેઝ-3 અંતર્ગત આગામી 5 વર્ષમાં સર્વેક્ષણ, આલેખન અને જમીન સંપાદન જેવા સંકીર્ણ કામો પૂર્ણ કરવાનો સરકારનો આયોજન છે. આ સમગ્ર માહિતી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબરૂપે રાજ્ય સરકારે ગૃહમાં રજૂ કરી.

  • 09 Sep 2025 12:00 PM (IST)

     નેપાળ: કાઠમંડુમાં સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત

    નેપાળ: કાઠમંડુમાં સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યુ છે. સો. મીડિયા પર પ્રતિબંધ હટ્યા બાદ પણ ઉગ્ર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. વડાપ્રધાન ઓલી રાજીનામું આપે તેવી પ્રદર્શનકારીઓની ઉગ્ર માંગ છે. પ્રદર્શનકારીઓએ કાઠમંડુના રસ્તા પર ટાયરો બાળ્યા. UML પાર્ટીની ઓફિસ પર પ્રદર્શનકારીઓનો કબજો કર્યો. કાઠમંડૂમાં UML પાર્ટીની ઓફિસમાં તોડફોડ જોવા મળી રહી છે. મધેશના મુખ્યપ્રધાનના કાર્યાલયમાં પણ તોડફોડ જોવા મળી રહી છે.

  • 09 Sep 2025 11:15 AM (IST)

    બનાસકાંઠાઃ રણ અને તૂટેલી કેનાલોના પાણી સુઈગામમાં ફરી વળ્યાં

    બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં મેઘ તાંડવને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રણ અને તૂટેલી કેનાલોના પાણી ફરી વળી આવતા સુઈગામ વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ છે. અનેક ગામોમાં કેડસમા પાણી ભરાતા માર્ગો બંધ થઈ ગયા છે, જયારે નડાબેટના રણ વિસ્તારમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે. અંતરિયાળ વિસ્તારોમાં રહેલ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને પગલે લોકો ટ્રેક્ટરની મદદથી સ્થળાંતર કરી રહ્યા છે.

  • 09 Sep 2025 11:13 AM (IST)

    કચ્છ: ભચાઉમાં પાણીમાં ફસાયેલ 3 વ્યક્તિનું રેસ્ક્યૂ

    કચ્છના ભચાઉ વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓ પાણીમાં ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યૂ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. તેઓ બંધડી પાસે આવેલ એકલમાતા મંદિર નજીકના ખેતરમાં જળબંબાકાર સ્થિતિને કારણે ગઈકાલથી ફસાયા હતા. મોડીરાત્રે NDRFની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી. ટીમે ત્રણેય વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યાં.

  • 09 Sep 2025 09:55 AM (IST)

    અમદાવાદઃ નારોલમાં વીજકરંટથી દંપતીનું મોત

    અમદાવાદઃ નારોલમાં વીજકરંટથી દંપતીનું મોત થયુ છે. રાત્રે સ્કૂટર પરથી પાણીમાં પસાર થતા કરંટ લાગ્યો હતો. 3 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં પસાર થતા દુર્ઘટના સર્જાઇ હતી. સ્કૂટર ખાડામાં ખાબકતા દંપતી નીચે પડ્યા હતા. વીજ કરંટ લાગતા દંપતી નીચે પટકાયા હતા. નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

  • 09 Sep 2025 09:41 AM (IST)

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા

    ભાણવડ તાલુકામાં ગઇકાલે સાંજે 7:32 કલાકે પ્રથમ અને 7:37 કલાકે બીજો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાઓની તીવ્રતા 2.3 નોંધાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પોરબંદરથી આશરે 37 કિમીની ત્રિજ્યા હેઠળ હોવાનું અનુમાન છે. છેલ્લા બે દિવસથી ભાણવડ શહેર અને આસપાસના ગામડાઓમાં ભૂકંપના સામાન્ય ધડાકાઓ અનુભવાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે પણ આજે ભાણવડ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના બે આંચકા નોંધાયાની પુષ્ટિ કરી છે.

  • 09 Sep 2025 08:59 AM (IST)

    બનાસકાંઠા: અનરાધાર વરસ્યા બાદ વરસાદે લીધો વિરામ

    બનાસકાંઠામાં અનરાધાર વરસાદ બાદ આજે વરસાદે વિરામ લીધો છે. સવારથી વરસાદ ન પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાવ, થરાદ, સુઈગામ અને ભાભર તાલુકાઓમાં વરસાદ બંધ રહ્યો છે. વરસાદ બંધ થતાં તંત્રએ પણ હાંફડો અનુભવ્યો છે, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ ઝડપી પહોંચાડી શકાશે.હાલ સુઈગામ અને વાવ તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ યથાવત્ છે. કેટલાંક વિસ્તારોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.NDRF અને SDRFની બે-બે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ છે.

  • 09 Sep 2025 08:44 AM (IST)

    વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ

    વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. ગૃહની કામગીરી બપોરે 12 વાગ્યે પ્રશ્નોત્તરીથી શરૂ થશે. આજે વિધાનસભામાં ભારતીય સૈન્યની વીરતાના કિસ્સા ગાજશે. “ઓપરેશન સિંદૂર” અને GSTમાં થયેલા ફેરફારોને લઈને સરકાર તરફથી અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે. ઓપરેશન સિંદૂર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રસ્તાવ રજૂ કરશે, જ્યારે નાણામંત્રી કનુભાઈ GSTના દરોમાં મળેલી રાહત અંગેનો પ્રસ્તાવ મૂકશે. વિધાનસભામાં આજે બે વિધેયકો પર ચર્ચા થવાની છે. ગુજરાત માલ સેવા વેરા (સુધારા) વિધેયક અને ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક. સાથે સાથે, વિવિધ ઓડિટ અહેવાલો પણ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે.

  • 09 Sep 2025 08:27 AM (IST)

    બનાસકાંઠાઃ શંકર ચૌધરીએ અસરગ્રસ્તોની લીધી મુલાકાત

    બનાસકાંઠાના થરાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગાંધીનગરથી ઇમરજન્સી સેન્ટરથી થરાદ પહોંચીને શંકર ચૌધરીએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી પ્રભાવિત થયેલા પરિવારોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.  શંકર ચૌધરીએ ટ્રેક્ટરનો સહારો લઈને થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. થરાદના નીચાણવાળા વિસ્તારોમાંથી 50 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું.શંકર ચૌધરીએ અસરગ્રસ્તો મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

  • 09 Sep 2025 08:21 AM (IST)

    દિલ્હીના યમુના વિહારમાં પિઝા હટમાં એસી ફાટ્યુ, 5 ઘાયલ

    રાજધાની દિલ્હીના યમુના વિહાર વિસ્તારમાં પિઝા હટના ગ્રાઉન્ડ ફ્લોર પર એસી કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને ગઈકાલે રાત્રે માહિતી મળી હતી, ત્યારબાદ 3 ફાયર વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. 5 લોકોને થોડી ઇજાઓ થઈ છે. સ્થાનિક પોલીસ સ્ટેશન આ મામલાની તપાસ કરી રહ્યું છે.

  • 09 Sep 2025 07:53 AM (IST)

    ઉત્તરાખંડ: હરિદ્વારમાં ભયાવહ ભૂસ્ખલન

    ઉત્તરાખંડમાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી. સતત વરસાદ અને ભૂસ્ખલનને પગલે લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. હરિદ્વારમાં કાલી મંદિર નજીક મનસા દેવી પર્વતનો એક ભાગ આજે એકાએક ધસી પડ્યો હતો. અને તેનો કાટમાળ. ભીમગોડા રેલવે ટ્રેક પર ધસી આવ્યો હતો. ભીમગોડા રેલવે બોગદા પાસે જ કાટમાળ ખડકાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. રેલવે ટ્રેક પર લાગેલી લોખંડની સુરક્ષા જાળીઓને પણ નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ. જો કે લોકોમાં ડરનો માહોલ જરૂર છે. રેલવે વિભાગ દ્વારા  સત્વરે કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ ટ્રેકને પૂર્વવત થવામાં સમય લાગી શકે છે. હાલ કેટલીક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશન પર રોકી દેવાતા અનેક પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે.

  • 09 Sep 2025 07:52 AM (IST)

    આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી

    આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાનાર છે. મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે અને રાત્રે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ પદ પર જીત મેળવવા માટે ઉમેદવારને ઓછામાં ઓછા 391 મતોની જરૂર રહેશે. YSRCP પક્ષે NDAના પક્ષમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ રાધાકૃષ્ણન NDAના ઉમેદવાર છે, જ્યારે I.N.D.I.A. ગઠબંધન તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી મેદાનમાં છે.

Published On - 7:48 am, Tue, 9 September 25