
આજે 09 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પોલીસે કુખ્યાત આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. રાજકોટ-મંગળા મેઇન રોડ પર ફાયરિંગના મુદ્દે મુખ્ય સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજા જાડેજાની ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. મહત્વનું છે કે આરોપીઓએ કાર ચલાવતી વખતે ફાયરીંગ કર્યુ હતું. ફાયરીંગના કેસમાં અત્યાર સુધી 17 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સાથે જ પોલીસે મુખ્ય આરોપીની સારી એવી સરભરા કરી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આરોપીઓએ સમગ્ર મામલે જાહેર રસ્તા પર બે હાથ જોડીને લોકોની માફી માગી હતી.
રાજકોટનાં મંગળા રોડ પર ગેંગવોરમાં ફાયરિંગના કેસમાં પોલીસે કુખ્યાત આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. ફાયરિંગના કેસમાં મુખ્ય સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજા જાડેજાની ધરપકડ કરાઈ છે. સાથે 17 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સાથે જ પોલીસે મુખ્ય આરોપીની સારી એવી સરભરા કરી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આરોપીઓએ સમગ્ર મામલે જાહેર રસ્તા પર બે હાથ જોડીને લોકોની માફી માગી હતી. ત્યારે પોલીસે આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પેંડા ગેંગના 17 લોકો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. તો બીજી તરફ મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર મુરઘા હજી ફરાર છે જેની શોધખોળ હજી ચાલુ છે. સાથે પોલીસે આગામી સમયમાં પણ આવી ગેંગો સામે ગુજાઈટોકની કાર્યવાહી કરવામાં આવશે.
પંચમહાલ: ગોધરામાં રખડતા શ્વાનનો આંતક યથાવત છે. 4 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો, બાળકના માથાના ભાગે શ્વાને બચકા ભર્યા હતા. બાળક તેની માતા સાથે જઈ રહ્યો હતો તે સમયે શ્વાને હુમલો કર્યો હતો. 4 વર્ષનો કાર્તિક પરમાર તેની માતા સાથે મુવાડા બળીયા દેવ મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો.
રાજકોટઃ વિંછીયાના રહેવાણીયા ગામે ખેડૂતે આપઘાત કરી લીધો, પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને ખેડૂતે જીવન ટૂંકાવ્યુ. આર્થિક સંકડામણમાં પગલુ ભર્યાનો પરિવારનો દાવો છે. મગફળી-તુવેરનો પાક નિષ્ફળ જતા આપઘાત કર્યાનો પરિવારે જણાવ્યુ છે. ખેડૂતે 14 વિઘા જમીન પર મગફળી અને તુવેરના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યાનું પરિવારે જણાવ્યુ છે.
રાજકોટઃ SNK ચોક નજીક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. કાર ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો. બાઈકમાં પતિ-પત્ની અને તેની પુત્રી સવાર હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પુત્રીની હાલત ગંભીર જણાઈ રહી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં અદ્યતન લાઈબ્રેરીના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના માંજલપુર વિસ્તારમાં નવી લાઈબ્રેરી આકાર લઈ રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે સ્થાનિકોની માગને ધ્યાનમાં રાખીને લાઈબ્રેરીનું નિર્માણ કરાઈ રહ્યું છે. જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. પણ, મુદ્દો એ છે કે પાલિકા દ્વારા અગાઉ શરૂ કરાયેલી લાયબ્રેરી જ અત્યારે ધૂળ ખાઈ રહી છે. ત્યારે નવી લાઈબ્રેરીનું શું થશે તે સવાલ છે.
જો કે સ્થાનિક કાઉન્સિલરનો દાવો છે કે તેઓ પોતે લાઈબ્રેરીમાં હાજર રહેશે અને તેને ધૂળ ખાવા નહીં દે. ગત ફેબ્રુઆરી મહિનામાં લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત થયું ત્યારથી સતત તેના માટે ઈન્કવાયરી ચાલુ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
સુરતઃ લિવ-ઇનમાં રહેતી પ્રેમિકાની હત્યા મામલે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુ. આરોપીએ ન્યૂઝ ચેનલમાં જોઈને હત્યાને અંજામ આપ્યો હતો. લાશ ફેંકીને આરોપી બાળક સાથે ફરાર થયો હતો. મૃતક મહિલા પ્રેમી રવિને લગ્ન માટે દબાણ કરતી હતી. યુવક લગ્ન કરવા માગતો ન હોવાથી હત્યાને અંજામ આપ્યો હતો. ઘરથી લઈને ઘટના સ્થળ સુધીનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ.
સુરત: નોકરી અપાવવાના નામે ઠગાઇ કરનાર દંપતી ઝડપાયું છે. કતારગામ પોલીસે એક મહિના બાદ ઠગ દંપતીની ધરપકડ કરી છે. ONGCમાં નોકરી અપાવવાનાં બહાને રૂ. 17 લાખ પડાવ્યા હતા. ONGCમાં જુનિયર એન્જિનિયરનાં પદ પર નોકરીની લાલચ આપતા હતા. ખોટા ઓફર લેટર બનાવીને લોકોને મોકલ્યા હતા.
નિર્મળ અને કિંજલ ધાનાણી ONGC કંપનીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવી નોકરી વાંછુકોને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓએ અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવ્યાની આશંકા છે. કતારગામ પોલીસે હવે દંપતીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર: મુળીનાં વેલાળા ગામે ડ્રો નાં નામે છેતરપીંડીનો આરોપ લાગ્યો છે. રામદેવપીરના લાભાર્થે ટિકિટ ડ્રો નાં નાણાં લઇ આયોજકો ભુગર્ભમાં ઉતરી ગયા છે. લાખો કરોડોના ઈનામોની લાલચ આપી ટિકિટોનું વેચાણ કરાવ્યુ હતુ. રૂ. 400ની એક એવી 80હજાર ટિકિટો એજન્ટો દ્વારા વેચાવી હતી. 5 નવેમ્બરે ડ્રો માં આયોજકોનાં મળતીયાઓને જ ઇનામ લાગતા ભાંડો ફુટ્યો હતો. મોટા ઇનામો જીતનારની તમામ ટિકિટ એક જ મોબાઇલ નંબર પરથી રજીસ્ટર્ડ થઈ હતી. ગોટાળોની આશંકાએ લોકોએ હોબાળો કર્યો છે. ટિકિટનાં નાણાં પરત આપવાની લોકોએ માગ કરી છે.
વાવ-થરાદ જિલ્લામાં ભાભર ખાતે આંજણા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. રાજકીય રીતે તદ્દન અલગ-અલગ વિચારધારા ધરાવતા આ બન્ને નેતા સામાજિક કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા. રાજકીય મંચ પરથી શંકર ચૌધરીએ ગેનીબેનના શરૂઆતી રાજકીય જીવનની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને જાહેર મંચથી ટકોર કરતા કહ્યું હતું કે તમે બન્ને મોટા નેતા છો સાથે મળીને સમાજ માટે શિક્ષણના કાર્યો પૂર્ણ કરો.
જુનાગઢઃ પ્રિ-વેડિંગમાં શુટ દરમિયાન ડૂબેલી યુવતીનો મૃતદેહ બે દિવસે મળી આવ્યો છે. વેરાવળમાં ડૂબેલી યુવતીનો માંગરોળથી મૃતદેહ મળ્યો છે. પોલીસ અને NDRFએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી ડૂબી હતી. જે બાદ માછીમરોને માંગરોળના દરિયામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને દરિયા કિનારે લાવવા તજવીજ હાથ ધરાઈ છે.
જુનાગઢ: જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે. જ્યાં 27 કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો છે. SMS કરી ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા હતા મગફળીની ગુણવતા પર ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરાયુ છે. મણ દીઠ ₹1452ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. સરકાર દ્વારા સારા ભાવ મળતા ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 125 મણ મગફળની ખરીદી કરાઈ રહી છે. ખુલ્લી બજારમાં જો ખેડૂતો મગફળી વેચે તો તેમને 6 હજારની નુકસાની સહન કરવી પડી શકે છે. અને એટલે જ તેઓ ટેકાના ભાવે ખરીદીથી ખુશ છે.
સુરતના લિંબાયતમાં બનેવીએ સંબંધોને શર્મસાર કરતુ કૃત્યુ આચર્યુ છે. બનેવીએ સગીરા સાળી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ડૉક્ટરની તપાસમાં ભાંડો ફૂટ્યો છે. સગીરાને 5 મહિનાનો ગર્ભ રહ્યાનો ખુલાસો થયો છે. સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સુરતમાં BRTS બસનો કહેર ફરી સામે આવ્યો. BRTS બસચાલકે 3 બાઇકને ટક્કર મારી છે. સિંગણપોર-ડભોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે. રોડ પર રહેલી બાઇકને ટક્કર મારવામાં આવી હતી. લોકોએ ડ્રાઈવરને ઝડપીને પોલીસને સોંપ્યો છે.
સરકારની જાહેરાત બાદ રાજ્યમાં આજથી ટેકાના ભાવે જણસીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતની જણસીની ખરીદીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ખરીદ પ્રક્રિયાનું ગાંધીનગર કૃષિ ભવન ખાતે લાઇવ મોનેટરિંગ કરવામાં આવ્યું. મહત્વનું છે કે રાજ્યના 97 કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ, આવતીકાલથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે.
10 હજાર કરોડના રાહત પેકેજ બાદ રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે જણસીની ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જણસીની ખરીદીનો પ્રારંભ થયો છે અને ખેડૂતો પોતાની જણસી લઇને માર્કેટિંગ યાર્ડ પર પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે હાલ 90 કેન્દ્રો પર ખરીદી શરૂ થઇ છે, જ્યારે આવતીકાલથી કુલ 300 કેન્દ્રો પરથી મગફળી, સોયાબીન, અડદ, મગ સહિતની જણસીની ખરીદીનો પ્રારંભ કરાશે. ઉલ્લેખનીય છે કે ખરીદ પ્રક્રિયામાં કોઇ વિવાદ ન થાય તે માટે કૃષિ ભવનથી તમામ કેન્દ્રોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. TV9ને આતંકીઓની સૌથી મહત્વપૂર્ણ માહિતી હાથ લાગી છે. આતંકીઓના પાકિસ્તાન કનેક્શન સાથે સૌથી મોટા હત્યાકાંડના પ્લાનનો પર્દાફાશ થયો છે. રાઇઝિન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો. આતંકી અહેમદ સૈયદે સૌથી મોટા હત્યાકાંડનું કાવતરુ ઘડ્યુ હતુ. પાછલા ઘણા સમયથી અહેમદ સૈયદ રાઇઝિન નામનું ઝેર એકઠું કરી રહ્યો હતો. આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદમાં પોતાની માલિકીની હોટલ ધરાવે છે. આ આતંકીએ વર્ષ 2008થી 2013 સુધી ચીનમાં રહીને MBBSનો અભ્યાસ કર્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો આતંકી અનેક આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. ત્રણેય આતંકી ISKPના પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજાના સંપર્કમાં હતા.
વડોદરામાં સ્વદેશીને બદલે ચાઈનીઝ ગિફ્ટથી વિવાદ થયો છે. સાંસદના કાર્યક્રમમાં પત્રકારોને ચાઈનીઝ ભેટ અપાઈ. સરદાર પટેલની 150મી જન્મજયંતિને લઈને કાર્યક્રમ યોજાયો હતો. જેમા પત્રકારોને અપાયેલી ભેટ પર ‘મેડ ઈન ચાઈના’ લખેલુ હતુ. સ્ટેજ પરથી સ્વદેશી અપનાવવાની મોટી મોટી વાતો કરાઈ અને ભેટ ચાઈનિઝ આપવામાં આવતા વિવાદ થયો છે. સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તો વિવાદ બાદ ભાજપની સ્પષ્ટતા સામે આવી છે. દાવો છે પદાધિકારીઓ આ ભેટથી અજાણ છે. પ્રેસ કોન્ફરન્સ બાદ ભેટ અપાઈ હતી. અને તે ભેટથી પાર્ટીના કાર્યકરો કે પદાધિકારીઓ કોઈ રીતે જોડાયેલા નથી.
કમોસમી વરસાદ ખાબકવાને લીધે અમરેલીના જાફરાબાદ બંદરના માછીમારોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માછીમારોનું કહેવું છે કે તેમને “સાગરખેડુ”નો દરરજો તો અપાય છે. તો પછી “ખેડૂતો”ની જેમ સહાય શા માટે નથી અપાતી ? જાફરાબાદમાં બુમલા માછલીની ફિશિંગ કરવામાં આવે છે. જેને તડકામાં સુકવવી પડે છે. પરંતુ, જો આ દરમિયાન કમોસમી વરસાદ વરસે તો માછીમારોની તમામ મહેનત પર પાણી ફરી વળી જાય છે. માછીમારોનું કહેવું છે કે ખેડૂતોને 10 હજાર કરોડની સહાય ચુકવાઈ તે સારી વાત છે. પરંતુ, હવે માછીમારોને પણ સરકાર મદદ કરે.
જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કૃષિ મંત્રીને આ અંગે રજૂઆત કરી છે અને માછીમારોને યોગ્ય સમય મર્યાદામાં સહાય કરવા માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માછીમારીથી સરકારને સૌથી મોટું હુંડિયામણ પણ મળે છે. ત્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સરકારે સાગરખેડુઓની વહારે આવવું જોઈએ.
જૂનાગઢ વંથલીના ટીનમસ ગામે જૂથ અથડામણની ઘટના બની છે. રીક્ષા રોકવા જેવી સામાન્ય બાબતે થઇ જૂથ અથડામણ. એક જ કોમના બે જૂથ વચ્ચે થઇ જૂથ અથડામણ. મહિલાઓ દ્વારા પણ છૂટા હાથે મારામારી કરવામાં આવી હતી. જૂથ અથડામણીમાં 2 લોકોને ઈજા થવા પામી છે. બન્ને પક્ષે કુલ 13 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂથ અથડામણની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ પ્રથમવાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. રાજુલા, સાવરકુંડલા, બગસરા, બાબરા સહિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત નિયત્રીત બજાર સંઘ ચેરમેન જીજ્ઞેશ પટેલના હસ્તે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો હતો. ટેકાના ભાવે મગફળીની ખરીદી રૂપિયા 1452થી ખરીદી થઈ છે. 5 થી 10 ખેડૂતોને મેસેજ નાખી ખરીદી માટે બોલાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોના નુકસાન બાદ પણ મગફળીની આવક આવી થઈ રહી છે.
બનાસકાંઠાના ધાનેરા ખરીદ વેચાણ સંઘે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે. સીતેર દિવસ ચાલશે મગફળીની ખરીદીની પ્રક્રિયા. ધાનેરામાં 20714 ખેડૂતો એ કરાવી છે નોંધણી. દરરોજ 400 ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવાનુ આયોજન. 1452 રૂપિયાના ટેકાના ભાવથી 2500 કિલો હેકટર દીઠ ખરીદી થશે. ધાનેરામાં વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેકટર લઈને ટેકાના ભાવે મગફળી વેચવા માટે પહોંચ્યા છે.
મોરબીના હળવદમાં નકલી સ્ટેમ્પ, દસ્તાવેજોને આધારે સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે સરકારી જમીન પચાવી પાડવામાં આવી. બે મહિલા સહિત નવ ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ખોટા રબ્બર સ્ટેમ્પ, અધિકારીઓની નકલી સહીઓ વાળા દસ્તાવેજોને આધારે કૌભાંડ પાર પાડ્યું. અલગ અલગ ત્રણ સરકારી જમીનોને પડાવી પોતાના નામે કરી લેવાઈ હતી. હળવદ મામલતદાર દ્વારા હળવદ પોલીસ મથક ગુનો નોંધાવ્યો
મહેસાણા ખાતે SIR ની કામગીરી મામલે શિક્ષકોએ લેખિત વાંધો વ્યક્ત કર્યો છે. શિક્ષકોના પ્રાથમિક શૈક્ષણિક સંઘએ લેખિત રજૂઆત કરી છે. 5 મુદ્દા ટાંકીને વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. SIR હેઠળ મતદાર યાદીની કામગીરી મુદ્દે શિક્ષકોની લેખિત રજૂઆત કરાઈ છે. ખાસ મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પડતી તકલીફો મામલે રજુઆત કરવામાં આવી છે. શાળાના સમય દરમ્યાન કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે. શાળાના સમયમાં કામગીરી ના કરાય તો મતદાર યાદીની કામગીરી પૂર્ણ કરવી અશક્ય છે. 10 % શિક્ષકો વતન હુકમોથી કામગીરી કરવી મુશ્કેલ છે. BLO ને મદદ માટે અન્ય કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે. મતદારો ઝડપથી ફોર્મ ભરી આપતા નથી. શિક્ષકોને શાળા કાર્ય દરમ્યાન કામગીરી કરવા પરિપત્રની માંગણી કરાઈ છે. ચૂંટણી અધિકારીને સંબોધી લેખિત રજૂઆત કરાઈ છે.
સુરત શહેર SOG પોલીસે, ભાગળ ટાવર રોડ પર દરોડા પાડ્યા હતા. બ્રાન્ડેડ કંપનીના નામની નકલી ઘડિયાળ વેંચતા દુકાનદારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. 3.93 લાખની 875 નકલી ઘડિયાળ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કોપીરાઈટ હેઠળ ગુનો નોંધ્યો છે. જતીન ચોપરા નામના વેપારીની અટકાયત કરવામાં આવી છે. મુંબઈથી નકલી ઘડિયાળ લાવી સુરતમાં વેચાણ કરવામાં આવતી હોવાનું વેપારીએ કબૂલ્યું છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવાતુ હોવાના આક્ષેપ સાથે હંગામો મચ્યો હતો. ખ્રિસ્તી મિશનરીઓ પર હિન્દૂ સંગઠનનોએ હલ્લા બોલ કર્યો હતો. MLA મનુ પટેલની હાજરીમાં હિન્દૂ સંગઠને વિરોધ નોંધાવ્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશન બહાર લોકો ભેગા થયા હતા. મિશનરીના લોકોએ મિશનરીનો દરવાજો બંધ કરી દીધો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અગાઉ પણ ધર્મ પરિવર્તનની વાતથી લોકોએ હોબાળો કર્યો હતો. હાલમાં પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.
ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે પર સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ લાગી છે. વારંવાર સ્કેપ માર્કેટમાં આગના બનાવો વધ્યા છે. આગમાં સળગતો વેસ્ટ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્ક્રેપના ગોડાઉન ભાડે રાખી ચલાવતા હતા.
ગુજરાત ATS 3, અમદાવાદના સિમાડેથી 3 આતંકવાદીઓને ઝડપ્યા છે. અડાલજ ખાતે શંકાસ્પદ પ્રવૃતિ કરતા 3 આતંકવાદીને ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. નવા મોડ્યુલ સાથે આતંકીઓ સંકળાયેલ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું. 3 આતંકીઓને લઈ ATS તપાસ શરૂ કરી છે.
હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કિમે રોકાણકારોને છેતર્યાનો મામલો સામે આવ્યો છે. હિંમતનગરના બી ડિવિઝન પોલીસે ધ બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. ધ બીગબુલ પોન્ઝી સ્કીમના 06 સંચાલકો સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સંચાલક દંપતિ જગદીશ ગોસ્વામી અને શિતલ ગોસ્વામી સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 1 કરોડ 44 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને બીટકોઈન અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ વડે ઉંચા વળતરની લાલચ આપી ફસાવ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં લોકો શિકાર બન્યા છે. ફરિયાદી સહિત રોકાણકારો છ માસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા. એસપી કચેરીએ રજૂઆત કરવા રોકાણકારોનું ટોળું પહોંચતા આખરે ફરિયાદ નોંધાઈ. એસપી પાર્થરાજસિંહ ગોહિલે હિંમતનગર પોલીસને ફરિયાદ નોંધી આરોપીઓ ઝડપવા આદેશ કરતા નોંધાઈ ફરિયાદ. એક માસ અગાઉ એઆર ગ્રુપ સામે પોન્ઝી સ્કીમમાં છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. બીઝેડ સ્કેમ બાદ પાંચ જેટલી પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહી.
વેરાવળના આદરી ગામે પ્રિ વેડિંગ શૂટ દરમ્યાન દરિયાના મોજામાં તણાઈ ગયેલ યુવતી હજુ પણ મળી નથી. ગઈકાલે 24 કલાક બાદ પણ કોઈ ભાળ ના મળતા આખરે પોલીસ અને એનડી આર એફ ની ટીમો દ્વારા દરિયા કિનારા પર સર્ચ શરૂ કરાયું હતું. જો કે દરિયામાં ગરકાવ થયેલ જ્યોતિની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. યુવતી ડૂબ્યાને 36 કલાકથી વધુ સમય થયો છે પરંતુ તેનો કોઈ પતો નથી લાગી રહ્યો.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે 10, હજાર કરોડના રાહત પેકેજ મળ્યા બાદ અમરેલી જિલ્લામાના માછીમારોને બાકાત રખાતા નારાજગીનો માહોલ ઉભો થયો છે. જાફરાબાદ બંદર પર ભારે વરસાદ કમોસમીના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન હોવા છતા સરકાર દ્વારા પેકેજમાં સમાવેશ નહીં કરતા સાગર ખેડૂતોમા નારાજગી વ્યાપી છે. રાજય સરકાર માછીમારો માટે અલગથી પેકેજ જાહેર કરી સહાય આપી માછીમારોને મદદ કરવા માટેની માંગ કરવામા આવી રહી છે. ખેડૂતો સાથે અમે પણ સાગર ખેડૂતો છીએ વાંરવાર વાવાઝોડા, કમોસમી માવઠા સાહિતમાં નુકસાન થાય છે, પીએમ દ્વારા કેન્દ્ર સરકારમાં સાગર ખેડૂતો માટેનો દરરજો આપવામાં આવ્યો છે. છતા આજ સુધી વરસાદ કમોસમી જેવા માવઠામાં રાજય સરકાર દ્વારા માછીમારો માટે કોઈ પેકેજ સહાય આપવામાં કેમ નથી આવતી? તેવા અનેક સવાલો ઉઠાવી રોષ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
વડોદરામાં ક્રિકેટર રાધા યાદવનો ત્રણ કલાકનો રોડ શો યોજાયો હતો. રોડ શો બાદ વર્લ્ડ કપ વિજેતા રાધા યાદવે કહ્યું કે, વડોદરામાં આટલું ભવ્ય સ્વાગત થશે તેનો અંદાજ મને નહતો. આટલા અકલ્પનીય સ્વાગત બદલ હું વડોદરાની ઋણી રહીશ. એક મહિલા ક્રિકેટર માટે આટલા બધા લોકો રોડ પર આવશે તેવું ક્યારેય નહોતુ વિચાર્યું. વડોદરામાં આટલું ભવ્ય સ્વાગત એ મારા માટે એક સિદ્ધિ સમાન છે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ દેશમાં મહિલા ક્રિકેટ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. જીત બાદ પીએમ મોદી સાથેની મુલાકાત એ જીવનનું સંભારણું બની રહેશે. વડાપ્રધાને તેમનો કિંમતી સમય ફાળવ્યો તે અમારા માટે ખુબ મોટી વાત છે. સળંગ ત્રણ મેચ હાર્યા બાદ પણ વર્લ્ડ કપ જીતવો તે મોટી સિદ્ધિ છે.
ભુજથી બરેલી જતી ટ્રેનમાં આગ લાગી. ભચાઉ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ત્યારે આગ લાગી. ભુજ બરેલી ટ્રેનના જનરલ ડબ્બામાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. આગ લાગતાં ટ્રેનના ડબ્બાની અંદર નાસભાગ મચી જવા પામી હતી. આગના ધુમાડા કોચમાં પહોંચતા લોકો જીવ બચાવવા માટે બારીમાંથી બહાર કુદયા હતા.
ટ્રેનમાં રહેલ અગ્નિશામક દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગ બનાવથી ટ્રેન મૂળ સમયથી 25 મિનિટ મોડી પડી હતી.
ગુજરાત સરકારે આજથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૮૦, અડદના ભાવમાં રૂ. ૪૦૦ અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૩૬ નો ભાવવધારો કરવામાં આવ્યો છે.
Published On - 7:18 am, Sun, 9 November 25