
ગીર સોમનાથના ગીર ગઢડામાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતોએ ખાતર ડેપો પાસે લાંબી કતારો લગાવી દીધી હતી. કડકડતી ઠંડી હોવા છતાં ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે સતત વલખાં મારતા જોવા મળ્યા. ઘઉં અને અન્ય રવિ પાક માટે જરૂરી યુરિયા ઉપલબ્ધ ન થતાં મુશ્કેલી વધી રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ યુરિયા આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને પૂરતું ખાતર મળતું નથી અને ખેતીના કામમાં અડચણો વધી રહી છે.
સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોના ભંગ સામે મનપાએ સખ્ત કાર્યવાહી કરી છે. ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મનપા કમિશનર નિરીક્ષણ માટે પહોંચ્યા ત્યારે સાઇટ પાસેથી ધૂળ ઉડાડતી ટ્રક પસાર થતાં બેદરકારી સ્પષ્ટ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ઈમારત પર ગ્રીન નેટ લગાવવામાં આવ્યું હોવા છતાં વાયુ પ્રદૂષણ અટકાવવા જરૂરી અન્ય વ્યવસ્થાઓનો અભાવ હતો. આ બેદરકારીને આધારે જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.
તાપીમાં વધુ એક BLO કર્મચારીનું મોત થયુ છે. BLOનું કામ કરતા 38 વર્ષીય આંગણવાડી વર્કરનું મોત. કુકરમુંડાના પિશાવર ખાતે ઘટના બની. મૃતક મહિલા અન્ય બીમારીથી પણ પીડિત હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ બીમારીને કારણે મહિલાની તબિયત લથડી હતી.
ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલા નાઈટ્રેકસ કંપનીના પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટથી એક વ્યક્તિનું મોત થયું છે. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોલ ડાઈઝેસ્ટરમાં થયેલા આ જોરદાર વિસ્ફોટમાં નજીકમાં કામ કરતા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે બીજાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
રાજકોટના જસદણમાં થયેલા માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુતનિધિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ કાર એટલી ખરાબ રીતે દબાઈ ગઈ હતી કે ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે કટરનો સહારો લેવો પડ્યો હતો. ઘટના સમયે જૈન સાધ્વીઓ જસદણથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતા બચાવ ટીમે તાત્કાલિક કાર્ય શરૂ કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સંઘપ્રદેશ સેલવાસના દાદરા વિસ્તાર ખાતે ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. વાગધર રોડ પર આવેલા ઔદ્યોગિક શેડ વિસ્તારમાં આગ લાગી હતી, જેના કારણે લગભગ 3 થી 4 ફેક્ટરીઓ સંપૂર્ણપણે બળી ખાક થઈ ગઈ છે. સનલાઇટ, મોનાલિસા અને લિઝા ઇન્ડસ્ટ્રીઝ સહિતની ફેક્ટરીઓને ભારે નુકસાન થયું છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ વકરે તેને ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાતા હોવાથી આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
અમદાવાદમાં ઓવરટેક જેવી નજીવી બાબતમાં કારચાલકે બાઇકચાલક પર ફાયરિંગ કર્યું. નારોલના લાંભા તળાવ પાછળ આ ઘટના બની. ફાયરિંગમાં એક યુવકને ઇજા થતાં LG હોસ્પિટલમાં ખસેડાયો. યુવકને માથાના ભાગે ગોળી વાગી. 3 મિત્રો દર્શનાર્થે મલ્લાસણ જઇ રહ્યા હતા ત્યારે ઘટના બની. ફાયરિંગ કરનાર તથા અન્ય લોકો નશામાં ધૂત હોવાનો આક્ષેપ.
અમદાવાદના સુભાષ બ્રિજમાં જોવા મળેલી તિરાડને લઈને મનપાનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ થયું છે. મનપાએ કુલ ત્રણ કંપનીઓને ઇન્સ્પેક્શનમાં સામેલ કરી હતી, જેમાં પંકજ એમ. પટેલ, કસાડ અને મલ્ટી મીડિયા કંપનીઓએ પોતાનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ કરી દીધું છે. હાલમાં આ કંપનીઓ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે અને બુધવારે સવારે મનપાને પ્રથમ ત્રણ રિપોર્ટ સોંપવામાં આવશે. આ ઉપરાંત આગામી બે થી ત્રણ દિવસમાં વધુ ત્રણ સંસ્થાઓ—IIT મુંબઈ, IIT રૂડકી અને સુરતની SVNIT—દ્વારા પણ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.
આજે 09 ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:37 am, Tue, 9 December 25