
આજે 09 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદના ચાંગોદરમાં 16 માર્ચે નાળામાંથી મળેલા યુવકના વિકૃત મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. આસામના મોહિબુલની તેના જ 2 મિત્રોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે, પોલીસે યુપીના સંતલાલ ગૌતમ અને મધ્યપ્રદેશના રોહિત ગૌડની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવકને ગપ્પા મારવાની આદત હતી, જેથી યુવકે પોતાના ખાતામાં રૂપિયા 2 લાખ હોવાની વાત કરી હતી. હવે આ રૂપિયા પડાવવા બંને મિત્રોએ હત્યાનું કાવતરૂં ઘડ્યું હતું. મોહિબુલને બંને શખ્સો રેલવે ટ્રેક પર ચાલવા માટે લઇ ગયા હતા, જ્યાં તેમણે ઝિપ ટાઈથી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
ત્યારબાદ તેમણે તેના બૂટની દોરીથી ગળું દબાવીને તેની હત્યા કરી. હત્યા બાદ, બન્નેએ મોહિબુલની લાશને ટ્રેન નીચે નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં પણ તેઓ નિષ્ફળ રહ્યા અને પછી મૃતદેહને નાળામાં ફેંકી દીધો. 6 માર્ચના રોજ મોહિબુલની હત્યા થઇ હતી અને 10 દિવસ બાદ એટલે કે 16 માર્ચે તેની લાશ મળી આવી હતી.
બારડોલીમાં સામાન્ય ઝઘડામાં હત્યાની ઘટના બની હતી. ધુલિયા ચાર રસ્તા નજીક ત્રણ ઇસમો વચ્ચે તીવ્ર બબાલ થઇ હતી. ઉશ્કેરાયેલા બાઇકસવારોએ આધેડને માર મારતા તેનું મોત થયું. બારડોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે.
સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની યુવતીએ બે યુવકોની હેરાનગતિથી ત્રાસીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. મૃતક યુવતી નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. યુવતીના પરિવારના આક્ષેપ મુજબ, બસમાં અપ-ડાઉન દરમિયાન બે યુવકો તેની સાથે છેડછાડ કરતા હતા.
આ ઉપરાંત, યુવકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરી વીડિયો બનાવવાની ધમકી આપી અને શારીરિક અડપલા કરતાં હોવાનો પણ આક્ષેપ છે. હાલ પોલીસે વડાલીના થેરસણાના હિમાંશુ પરમાર અને હર્ષ વણકર નામના બે યુવકો સામે ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓ મૃતક યુવતી સાથે જ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.
એર ઇન્ડિયાનું 787 પ્લેન બનાવનાર બોઇંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. કેસ કરનાર અમેરિકાના વકીલ માઇક એન્ડ્રીયુ સુરતમાં પીડિતોના પરિવારને મળવા આવ્યા હતા અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 80 થી વધુ પરિવારો સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે, 65 જેટલા પરિવારો કેસ કરવા માટે તૈયાર છે.
વકીલના જણાવ્યા અનુસાર, આમાં કોઈ પાઇલટની ભૂલ નથી પરંતુ બોઇંગ કંપનીના એન્જિનમાં ખામી હોવાના કારણે આ ઘટના બની હતી. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે બોઇંગ કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સનો ડેટા છે. બ્લેક બોક્સમાં ડેટાની સંપૂર્ણ વિગત ઝડપથી આપવા કોર્ટમાં સરકાર સમક્ષ માંગ કરાઈ છે.
બ્લેક બોક્સમાં રહેલ CVR (ઓડિયો-વિડિયો ડેટા) અને FDR (ડિજિટલ ડેટા) સહિત સંપૂર્ણ રો મટીરિયલ સાથેના ડેટાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે, જેમાં ભારતીય, પોર્ટુગીઝ અને બ્રિટિશ પરિવારોનો પણ સમાવેશ થાય છે.
પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા આપવામાં આવ્યા હતા. થેપલામાં ફૂગ જણાતા ગ્રાહકે એક્સપાયરી ડેટ ચેક કરી હતી.
ડેટ ચેક કર્યા બાદ ગ્રાહક ફરીથી પ્રેમવતી રેસ્ટોરન્ટ પહોંચ્યો અને ત્યાં બીજો પણ એક્સપાયરી ડેટવાળો જથ્થો મળી આવ્યો. કેટલાક જથ્થામાં તો મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં આવી નહોતી. જણાવી દઈએ કે, પ્રેમવતી રેસ્ટોરન્ટ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા ચલાવવામાં આવે છે.
મુંબઈ હાઈકોર્ટ દ્વારા કબૂતરોને ચણ ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાણીને નવાઈ લાગશે પણ BMC એ તેને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું છે. આ ઉપરાંત કબૂતરખાનાઓને ઢાંકી દેવામાં આવ્યા હતા.
જો કે, ત્યારબાદ દાદરમાં એક વ્યક્તિ પોતાની કારની છત પર કબૂતરોને ચણ ખવડાવતો જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ જાહેર સ્થળે કબૂતરોને ખવડાવવાનો વિરોધ કર્યો હતો, જેને કારણે બંને પક્ષોમાં દલીલ થઈ હતી અને સ્થાનિક લોકોએ તેને ઠપકો આપ્યો હતો.
જૂનાગઢમાં બાંટવા પોલીસ પર માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જુગાર મામલે ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, પોલીસ હપ્તા લઈ જુગારની કલબો સામે કોઈ કાર્યવાહી કરતી નથી અને ગામડામાં હરતે ફરતે કલબો ચાલુ છે.
લાડાણીના જણાવ્યા મુજબ, એક દિવસનું કલબનું કલેક્શન 80 હજાર રૂપિયા થાય છે. ધારાસભ્ય બાંટવા પોલીસ સ્ટેશન સામે સ્થાનિકો સાથે ધરણા પર બેઠા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, કલબ ચલાવતા લોકોને પકડવામાં આવતા નથી અને ખોટા કેસ કરી પોલીસ આંકડા દર્શાવે છે.
સુરેન્દ્રનગર શહેરમાં ફરી એકવાર શંકાસ્પદ લાશ મળી આવી છે. શહેરના રિવરફ્રન્ટથી જોરાવરનગર તરફ જતા ભોગાવો નદીના નાળા પાસે એક યુવકનો મૃતદેહ મળ્યો. નદીમાં લાશ દેખાતા લોકોએ પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
હાલ પોલીસે મૃતકની ઓળખ કરવા માટેની તપાસ હાથ ધરી છે. વધુમાં યુવકની આત્મહત્યા છે કે હત્યા તે અંગે પણ પોલીસ આગળ તપાસ કરી રહી છે. ખાસ વાત એ છે કે, છેલ્લા 36 કલાકમાં સુરેન્દ્રનગર શહેરમાં 4 મૃતદેહ મળતા ચકચાર ફેલાઈ છે.
નવસારી-ધોળાપીપળા હાઈવે પરના ચાર રસ્તા નજીક કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં નવસારી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મોરબીમાં પાટીદાર સમાજની ગાઈડલાઈન મુજબ ગરબા શીખવવાની મંજૂરી મળતા દાંડિયા ક્લાસિસ અંગેના વિરોધનો સુખદ અંત આવ્યો છે. અગાઉ પાટીદાર સામજ દ્વારા સભા યોજવામાં આવી અને ગરબા ક્લાસનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, હવે પાટીદાર સમાજ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
આમાં દાંડિયા ક્લાસિસમાં પાટીદારોની દીકરીઓને અલગથી દાંડિયા શીખવવાના રહેશે અને સાથે જ પાટીદાર બહુસંખ્યક વિસ્તારમાં ગરબા ક્લાસ ચલાવી શકાશે નહીં. આ તમામ ગાઈડલાઈન પર દાંડિયા ક્લાસ એસોસિયેશન અને પાટીદાર સમાજના આગેવાનોમાં સહમતી સધાતા મામલો થાળે પડ્યો છે.
ICICI બેંકે મોટી જાહેરાત કરી છે. હવે બચત ખાતામાં મિનીમમ 50 હજાર રાખવા પડશે. અગાઉ આ રકમ 10 હજારની હતી. લધુત્તમ રાશીની રકમ 5 ગણી વધારી. 1 ઓગસ્ટ 2025 બાદ ખોલાવેલાં ખાતાને લાગુ પડશે.
બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીની કાયાપલટ થશે. અંબાજી મંદિરથી ગબ્બરને જોડતો શક્તિ પથ, સતી સરોવર મંદિર કોરિડોર જેવા પ્રોજેક્ટ્સમાં 1632 કરોડ ખર્ચાશે. આ વિકાસ કાર્યો અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી અંબાજી ધામની કાયાપલટ થશે અને શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ મળશે..આ પ્રોજેક્ટ્સથી અંબાજી ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થશે.
ઓપરેશન સિંદૂર અંગે, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે બેંગલુરુમાં કહ્યું, “આ અમે (બહાવલપુર – JeM મુખ્યાલય) કરેલા નુકસાનના પહેલા અને પછીના ચિત્રો છે. અહીં લગભગ કંઈ બચ્યું નથી. આસપાસની ઇમારતો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમારી પાસે ફક્ત સેટેલાઇટ છબીઓ જ નહીં પરંતુ સ્થાનિક મીડિયાના ચિત્રો પણ હતા જેના દ્વારા અમે અંદરની છબીઓ મેળવી શક્યા.”
યાત્રાધામ સોમનાથમાં સંભવિત કોરિડોર માટે જમીન સંપાદન મુદ્દે હોટલ માલિકો અને વેપારીઓ મેદાને પડ્યા છે. કોરિડોર મામલે જમીન સંપાદનને લઈને લોકોમાં રોષ છે. સોમનાથ મંદિરના નજીકના વિસ્તારોમાં સફેદ પટ્ટા મારવામાં આવતા વેપારીઓ અને મકાન માલિકોની ચિંતા વધી છે.. જેને પગલે સોમનાથમાં હોટલ માલિક અને વેપારીઓએ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો. તો પ્રાંત અધિકારી અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી. જે બાદ રાત્રે પ્રભાસપાટણમાં કોરિડોરથી પ્રભાવિત લોકોની પણ બેઠક મળી. જેમાં પ્રાંત અધિકારી પહોંચ્યા અને જમીન સંપાદન મામલે વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સ્થાનિકો અને વેપારીઓ પ્રાંત અધિકારીની સમજાવટથી પણ ન માન્યા.
સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. એરપોર્ટના વાહન પાર્કિંગ એરિયામાં ડુક્કર ફરતા જોવા મળ્યા છે. વરસાદની સિઝનમાં વારંવાર ડુક્કરો એરપોર્ટની નજીક દેખાતા રહે છે. નોંધનીય છે કે આ પહેલાં 16 જુલાઈએ પણ ડુક્કરો એરપોર્ટ વિસ્તારમાં દેખાયા હતા. આ ઘટનાથી સુરક્ષા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરશનપુરા ગામમાં રહેલા ખેડૂતને કેમિકલયુક્ત પાણીના કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના કારણે તેના ખેતરમાં ઊગેલો ડાંગર સહિતનો પાક સુકાઈ ગયો છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતે આ બાબતે કલેક્ટર અને GPCBમાં અનેક વખત રજૂઆત કરી છે. હવે ખેડૂતો પાક અને જમીનને થયેલા નુકસાનના વળતનની માંગ કરી રહ્યા છે.
રાજકોટની મોદી સ્કૂલની એક શિક્ષિકા પર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન શિક્ષિકા પર ત્રણ વિદ્યાર્થિનીઓના મોબાઈલ સ્થળ પર જ મૂકી દીધાના આરોપ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને વાલીઓએ શિક્ષિકાને ઘેરીને આડે હાથ લીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે, પૂર્વમાં એક શિક્ષકે વિદ્યાર્થીઓને મોબાઈલ સાથે રાખવાની પરવાનગી આપી હતી, પરંતુ પ્રવાસ દરમિયાન અન્ય શિક્ષકોએ ચેકિંગ કરી વિદ્યાર્થીઓ પાસેથી મોબાઈલ લઇ લીધા હતા. વાલીઓએ આકરો આક્ષેપ કર્યો છે કે શિક્ષિકાએ વિદ્યાર્થીઓની યોગ્ય રીતે તકેદારી નહીં રાખી અને પ્રવાસ દરમિયાન ધ્યાન પણ ન આપ્યું.
નર્મદા જિલ્લાના રાજપીપળામાં રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. શહેરના સ્ટેશન રોડ, દરબાર રોડ, સંતોષ ચાર રસ્તા પર રખડતા ઢોરનો અડિંગો જોવા મળે છે. રસ્તાની વચોવચ આખલા બેસતા હોવાથી વાહનચાલકો ફરીને જવું પડતું હોય છે. બે દિવસ અગાઉ લીમડાચોક વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આખાલઓની લડાઈમાં પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું હતું. રખડતા ઢોરના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બને છે. આખલાના ત્રાસથી નાગરિકો પરેશાન છે પરંતુ તંત્ર છે કે આંક આડા કાન કરી રહ્યું છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે તંત્ર એક્શનમાં આવે અને આખલાના આતંકથી છૂટકારો અપાવે.
સુરતમાં હુમલાખોર ગેંગ સામે પોલીસએ લાલ આંખ કરી છે. ઉધના વિસ્તારમાં બિહારી ગેંગના આરોપીઓને પકડીને પોલીસે તેમનું સરઘસ કાઢ્યું છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ કામગીરી દ્વારા પોલીસએ અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવાનું પ્રયાસ કર્યું છે. સ્થાનિક લોકો આ ત્રાસજનક તત્વોની કરતૂતોનો ભોગ બનતા હતા, જેને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના કરજણ પાસેથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે કન્ટેનરના માલિકે ચાલકને વોટસએપ પર કોલ કરીને કન્ટેનર આપ્યું હતું અને માલિકે કહ્યું હતું કન્ટેનરમાં યુરિયા ખાતર છે..જેથી ચાલક કન્ટેનરને વેરાવળ ડિલવરી કરવા લઈ જતો હતો. પરંતુ પોલીસે તપાસ કરતાં કન્ટેનરમાં યુરિયા ખાતરને બદલે દારૂનો જથ્થો પકડાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચીનમાં ભારે પૂરને કારણે હાહાકાર મચ્યો છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ફ્લેશ ફ્લડને કારણે તબાહી મચી છે. અનેક શહેરોમાં પાણી ભરાયા છે.
સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થયાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે દૂધના માવાના લીધેલા નમૂનાઓમાંથી ઘણા નમૂના ફેલ થયા છે. તપાસમાં માવાના 10 નમૂનાઓ ભેળસેળયુક્ત હોવાનું ખુલાસો થયો છે. છેલ્લા 15 દિવસમાં ખાદ્યપદાર્થોના કુલ 22 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. હવે નમૂનાઓ ફેલ થતાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દિલ્હીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બે દિવસના આકરા તડકા બાદ આજે ધોધમાર વરસાદ થયો છે. દિલ્લી-NCRના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડભોઈના મોતીપુરા ગામે પૂંઠા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. પૂંઠા સહિતનો સામાન બળીને ખાખ થઇ ગઇ છે. ડભોઈ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આગ લાગવાનું કારણ અકબંધ છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરશનપુરા ગામમાં એક ખેડૂત કેમિકલયુક્ત પાણીના કારણે પરેશાન બન્યો છે. ખેડૂતનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના કારણે તેની ખેતરમાં ઉભો પાક, જેમાં ડાંગર સહિતના પાકોનો સમાવેશ થાય છે, તે પૂર્ણ રીતે સુકાઈ ગયો છે. પરિણામે પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતએ કલેક્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસે અનેક વખત રજૂઆત કરી છે. ખેડૂત હવે પાક અને જમીનને થયેલા નુકસાનના વળતરની માંગ કરી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં વિવાદિત વિશાલા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વધુ એક વખત આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ નિર્દેશ આપ્યો છે. બ્રિજના બેરિંગ અને અન્ય ભાગો જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવાર પહેલા જ બ્રિજ બંધ કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બ્રિજ પરથી પસાર થયા હતા અને તેમના પસાર થયા બાદ ગણતરીના કલાકોમાં જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Published On - 7:22 am, Sat, 9 August 25